For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બજારૂ ફુડ પેકેટની વિશ્વસનીયતા કેટલી?

Updated: May 5th, 2024

બજારૂ ફુડ પેકેટની વિશ્વસનીયતા કેટલી?

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ભારતમાં દરેક સેરેલેક ઉત્પાદનમાં પ્રતિ ડોઝ 2.7 ગ્રામ ખાંડ હતી, જ્યારે ઇથોપિયામાં તે પાંચ ગ્રામ વધુ અને આઇલેન્ડમાં તો છ ગ્રામ સુધ્ધાં જણાઈ છે

દે શની હેલ્થ ફૂડની બજાર રાત-દિવસ વધી રહી છે, એની સાથે-સાથે નવાં-નવાં ઉત્પાદનો બજારમાં આવી રહ્યાં છે. આ બજારમાં સ્પર્ધા એટલી તીવ્ર બની રહી છે કે, ઉત્પાદકો તેમના પ્રોડક્ટસ વિશે મોટા-મોટા દાવા કરવા લાગ્યા છે.  હકીકતમાં સ્પર્ધા વધી હોવાથી ભાવઘટાડાની હોડમાં ગુણવત્તાનો ભોગ લેવામાં આવે છે. 

તાજેતરમાં કેન્દ્ર સરકારે ઇ-કૉમર્સ કંપનીઓને બૉર્નવિટા જેવાં પીણાં સ્વાસ્થ્ય પીણાંની શ્રેણીથી હટાવવાના આદેશ આપ્યા પછી હવે શિશુ આહારથી સંકળાયેલી કંપની નેસ્લે જે પ્રકારના વિવાદોમાં ઘેરાઈ છે તેનાથી બાળકોને સ્વાસ્થ્યના બહાને વેચાઈ રહેલા ઉત્પાદનો પર પ્રશ્નચિહ્ન તો લાગે છે. સવાલ એ પણ થાય છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓના આંતરરાષ્ટ્રીય માપદંડો વિકાસશીલ દેશોમાં નબળા કેમ પડી જાય છે?

સ્વિત્ઝર્લેન્ડની તપાસ એજન્સી 'પબ્લિક આઇ' અને આંતરરાષ્ટ્રીય શિશુ આહાર એક્શન નેટવર્કે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં વેચવામાં આવી રહેલી નેસ્લેના શિશુ આહાર ઉત્પાદનોના નમૂના જ્યારે બેલ્જિયમની એક પ્રયોગશાળામાં મોકલાવ્યા ત્યારે જણાયું કે અલ્પ વિકસિત બજારોમાં મોકલવામાં આવી રહેલા શિશુઓના દૂધમાં યુરોપીય બજારોની સરખામણીમાં ખાંડની માત્રા વધુ છે. વિશ્વસ્વાસ્થ્ય સંગઠન પહેલાં જ નવજાત શિશુઓના ડોઝમાં વધારાની ખાંડથી સ્વાસ્થ્યને થતા નુકસાનને લઈ ચેતવણી આપી ચૂક્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં દરેક સેરેલેક ઉત્પાદનમાં પ્રતિ ડોઝ ૨.૭ ગ્રામ ખાંડ હતી, જ્યારે ઇથોપિયામાં તે પાંચ ગ્રામ વધુ અને આઇલેન્ડમાં તો છ ગ્રામ સુધ્ધાં જણાઈ છે.

અહીં ઉલ્લેખ કરવો ઘટે કે કેટલાંક વર્ષો પહેલાં નેસ્લેના જ એક બીજા લોકપ્રિય ઉત્પાદન મેગીમાં પણ હાનિકારક પદાર્થો હોવાના આક્ષેપ થયા હતા. વાત ફક્ત નેસ્લેની નથી, સૌંદર્ય પ્રસાધન હોય કે કોલ્ડ ડ્રિંક્સ, બહુરાષ્ટ્રીય કંપનીઓ ગુણવત્તાના પ્રકરણમાં વિકાસશીલ દેશો સાથે બેવડો માપદંડ દાખવે છે. શું વિદેશી કંપનીઓ આપણને દ્વિતીય શ્રેણીના માને છે? આપણે આવી કંપનીઓને હજુ સુધી એક સાદી નોટિસ પણ મોકલી નથી શક્યા.

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ પ્રાધિકરણ હાલ રિપોર્ટની તપાસ કરી રહ્યું છે અને જો રિપોર્ટમાં જરા પણ સચ્ચાઈ જણાય તો આ સ્થિતિ આકરાં પગલાં લેવાની માગ કરે છે કારણ કે બાળકોનાં સ્વાસ્થ્ય બાબત કોઈ બાંધછોડ ન થઈ શકે. નેસ્લે પ્રકરણ પછી પૅકેજ્ડ કે જંકફૂડના પરંપરાગત ખાદ્ય પદાર્થો ભણી ચર્ચા વેગ પકડશે એમાં શંકા નથી, પણ વધતી માગ, ઘટતી ઉપલબ્ધતા અને પર્યાવરણમાં અંધાધૂંધ શોષણથી શુદ્ધ અનાજ, ફળ અને દૂધ કેટલાં બચ્યાં છે? મુદ્દો પારંપરિક વિરુદ્ધ પૅકેજ્ડનો એટલો બધો નથી, જેટલી ખાદ્ય પદાર્થોની સતત તપાસનો છે. આમ પણ જે વસ્તુઓ બાળકોનાં સ્વાસ્થ્યથી સંકળાયેલી છે, તેની ઊંડી તપાસની આવશ્યકતા છે. જો આપણે પશ્ચિમનું ઉદાહરણ લઈએ તો ખાનપાનની શુદ્ધતાના જે માપદંડ તેઓએ જાળવી રાખ્યા છે, તે આપણાથી ચઢિયાતા છે. દરેક વસ્તુમાં પશ્ચિમી નકલ કરનારા આપણે આ બાબતમાં તેમનાથી કોઈ શીખ શા માટે નથી લેતા!

વર્ષો પહેલાં ટીવી પર એક વિજ્ઞાાપન દર્શાવાતી હતી. પોતાના પુત્રને 'અડધી ટિકિટ' કહીને ચીડવવામાં આવે છે તે બાબતથી માતા ચિંતા અનુભવે છે એ મુદ્દે પેડિયાટ્રિશિયનો રોષે ભરાયા હોય તેમ જણાય છે. હકીકતમાં તો પેડિયોટ્રિશયન ડો. આર.કે. આનંદ બ્રાન્ડેડ દૂધ ઉત્પાદનને મુદ્દે આ બહુરાષ્ટ્રીય કંપની સામે બાથ ભીડી તે સાથે ૩૦ વર્ષ અગાઉ આ ઝુંબેશ શરૂ થઈ હતી.

૧૯૭૦ના દાયકામાં આનંદે સમાન વિચાર સરણી ધરાવતા ડોક્ટરો સાથે મળીને એસોસિયેશન ફોર કન્ઝ્યુમર્સ એક્શન ઓન સેફટી એન્ડ હેલ્થ (એસીએએસએચ)ની સ્થાપના કરી હતી અને નાનાં બાળકો માટેના દૂધના પાવડરના ડબા ખરીદવા માતાઓને લલચાવે તેવી બાળકોની તસવીરનો ઉપયોગ થતો અટકાવવા આ એસોસિયેશને ભારત સરકારને ઈન્ફન્ટ મિલ્ક સબ્સિટયૂટ ધારો ઘડવાની ફરજ પાડી હતી.

બાળકોની ઉંચાઈમાં બે ઈંચનો વધારો થવા વિશેના કોમ્પ્લાનના દાવા વિશે અનેક માતાઓએ પૂછપરછ કરતાં આનંદે ફરી પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટનું આ સ્પષ્ટ ઉલ્લંઘન છે.

ઘણી વાર આપણે ભોજન પહેલાં એપેટાઈઝર તરીકે સૂપ પીવાનું પસંદ કરતા હોઈએ છીએ. તાજા બનાવેલા સૂપની ઝંઝટને ટાળવા, આજની ફાસ્ટ જનરેશનની ફાસ્ટ લાઈફને  અનુરૂપ હવે પેકેજ્ડ સૂપનો વપરાશ વધી રહ્યો છે. વિવિધ બ્રાન્ડના પેકેજ્ડ સૂપ આજે બજારમાં મળે છે, જેમાં માત્ર પાણીમાં ઉમેરવાથી ખૂબ સરળતાથી જુદી-જુદી ફ્લેવરનો સૂપ તૈયાર થઈ જાય છે. આ પડીકાબંધ સૂપ આરોગ્યપ્રદ છે એમ કહીને વેચવામાં આવે છે અને તેથી જ ભોજનની પહેલા અથવા ક્યારેક તો નાસ્તાના ભાગરૂપે વાડકો ભરીને આ સૂપ પી જતા અચકાતા નથી. સામાન્ય માન્યતા મુજબ પેકેજ્ડ સૂપમાં તો પાણીની માત્રા વધારે હોવાથી તેમા ઓછી કેલરી હોય છે. પણ '૧૦૦ ટકા શુદ્ધ', 'નો પ્રિઝર્વેટિવ્ઝ', 'નો કોલેસ્ટ્રોલ', 'પૌષ્ટિક' એવા દાવા કરતી પેકેજ્ડ સૂપ બનાવતી બ્રાન્ડ અને લોકોને લલચાવતી તેની જાહેરખબરોમાં કેટલું સત્ય છે એ જાણવા તેમનું રસાયણિક અને સંવેદનલક્ષી સ્વાદ પરીક્ષણ કર્યા બાદ તેના પરિણામો આઘાતજનક છે. પરીક્ષણનાં  આધારે એમ કહી શકાય કે પેકેજ્ડ સૂપની જુદી-જુદી બ્રાન્ડમાં ૧૪ થી ૨૪ ટકા ખાંડ હોય છે. જો શરીરમાં  મીઠા અને ખાંડના પ્રમાણને નિયંત્રણમાં રાખવું હોય અથવા ડાયાબિટિસ કે બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય, તો અજાણતાં જ આવા  આરોગ્યપ્રદનાં ગેરમાર્ગે દોરતા સૂપ પીને આરોગ્યને નુકસાન પહોંચી શકે છે.

દેશના બજારમાં મળતાં વિવિધ બ્રાન્ડસનાં પ્રોડક્ટ્સ પોષણની જરૂરિયાતો સંતોષતાં હોવાનો ખોટો દાવો કરે છે. બાળકો માટેનાં પ્રોડક્ટ્સના કિસ્સામાં આ એકદમ ખરું છે. આ પ્રોડક્ટ્સ પરનાં લેબલો વિટામિનો અને ખનીજોની લાંબી યાદી આપે છે, પરંતુ એમના દાવાની સત્યતા ચકાસવાની કોઈ વાસ્તવિક પ્રક્રિયા ઉપલબ્ધ નથી. એમાં ટી.વી. પરની આ ઉત્પાદનોની જાહેરાતો તો માઝા મૂકતી જાય છે. બાળકોના પીણાની એક બ્રાન્ડ તેના વિજ્ઞાાપનમાં એવો દાવો કરે છે કે, તે પીવાથી બાળકો હષ્ટપુષ્ટ, ખડતલ અને ઊંચા બને છે, કારણ કે તેમાં અતિરિક્ત વિટામિનો અને ખનીજો હોય છે, પરંતુ આની સત્યતાની સાબિતી શી. બીજી તરફ એવી ઘણી બનાવટી બ્રાન્ડો પણ બજારમાં મળે છે, જે જાણીતા બ્રાન્ડની નકલ જેવી હોય છે. ફરક એવો ઝીણો હોય છે કે, ગ્રાહક પેલી જાણીતી બ્રાન્ડ સમજીને જ ઘરે લઈ જાય છે.

થોડા સમય પૂર્વે યુનિસેફ દ્વારા પ્રાયોજિત એક કાર્યશાળા માટે જે પૂર્વ તૈયારી રૂપે કામગીરી કરવામાં આવેલી તેમાં બહુ રસપ્રદ હકીકતો જોવા મળેલી. આ કાર્યશાળાનું આયોજન ન્યુટ્રિશન સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલું. એ વખતે સોલ્ટ કમિશનરે એવો અહેવાલ આપેલો કે દિલ્હી શહેરમાં મીઠાની ૧૯ બ્રાન્ડ વેચાય છે. આમાંથી ૧૭ બ્રાન્ડ પર આયોડાઈઝ્ડ સોલ્ટનો લોગો હતો, પરંતુ તેમાં આયોડિન તલ ભાર નહોતું. કોમોડિટી પેકેજ્ડ રુલ્સ ૧૯૯૨ પ્રમાણે પેકેટ પર સંપૂર્ણ સરનામું આયોડિનનું પ્રમાણ વગેરે વિગતો દર્શાવવી ફરજિયાત હોવા છતાં એમ જાણવા મળ્યું હતું કે, માત્ર છ બ્રાન્ડનાં પેકેટો પર જ પૂરેપૂરી વિગતો દર્શાવેલી હતી. ભેળસેળ પ્રતિબંધક ધારા (૧૯૫૪)ની કલમ ૩૨ થી ૪૩ પેકેજિંગ અને આહારના લેબલિંગને લગતી છે. દરેક ફૂડ પેકેટ પર બ્રાન્ડ નામ, કંપનીનું નામ, તેમાં વપરાયેલી સામગ્રી, વિતરક કે ઉત્પાદકનું નામ, વજન  અથવા કદ, બેચ નંબર, ઉત્પાદકનનું વર્ષ અને મહિનો વગેરે માહિતી સાથેનું લેબલ હોવું જોઈએ.

૧૯૯૧માં કેન્દ્ર સરકારે પર્યાવરણ રક્ષક પ્રોડક્ટના લેબલિંગ માટે સ્વૈચ્છિક યોજના શરૂ કરી. આ સ્કીમ હેઠળ એવાં ઉત્પાદનો કે જેનું ઉત્પાદન  અને તેનો નિકાલ એવી રીતે થાય કે પર્યાવરણને નુકસાન ન થાય તો તેવાં પ્રોડક્ટ્સને એકો-ફ્રેન્ડલી ગણવાના. આવા એકો લેબલવાળા ઉત્પાદનોને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ (બીઆઈએસ)ના ગુણવત્તાનાં અને સલામતીનાં ધોરણો પાળવા પડે છે. એકોમાર્ક પ્રોગ્રામ હેઠળ ઉત્પાદનોની ૧૬ શ્રેણીઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં ફૂડ આઈટમો અને આહારમાં વપરાતી ચીજોનો સમાવેશ થાય છે. ૧૯૯૨માં પોષક આહાર વિશે આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાયેલી. તેણે આહાર ઉત્પાદનોના લેબલિંગ માટે જે ભલામણો કરી છે તેને ધ્યાનમાં લેવા જેવી છે. ફૂડ લેબલો સ્પષ્ટ અને સરળ હોવાં જોઈએ તેમજ તેમાં પોષક તત્ત્વોની  અને પદાર્થના સંયોજનની વિસ્તૃત જાણકારી હોવી જોઈએ. સાથે-સાથે લેબલમાં ખોટા દાવાઓ અને માહિતી ઘૂસી ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.;

Gujarat