For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોના પછી હવે પ્લેટીનમના ભાવમાં હવે તેજીની શક્યતા

Updated: Apr 29th, 2024

સોના પછી હવે પ્લેટીનમના ભાવમાં હવે તેજીની શક્યતા

- પ્રસંગપટ

- સોના તથા ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે 

- સોનાના ભાવ ઔંશના ૨૩૦૦ ડોલરની ઉપર જ્યારે પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ ૧૦૦૦ ડોલરની અંદર બોલાતા થતાં ખેલાડીઓ આશ્ચર્યમાં મૂકાયા

વૈશ્વિક સ્તરે તાજેતરમાં સોના તથા ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે પરંતુ તેની સરખામણીએ પ્લેટીનમ તથા પેલેડીયમ જેવી અન્ય કિંમતી ધાતુઓ સાંકડી બેતરફી વધઘટે અથડાતી રહેતાં બજારના ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા.  સોનાના ભાવ વિશ્વ બજારમાં તાજેતરમાં ઝડપી વધી ઔંશના ઉંચામાં ૨૪૦૦ ડોલરને આંબી ગયા હતા ત્યારે તેની સામે પ્લેટીનમના ભાવ ૯૦૦થી ૧૦૦૦ ડોલર વચ્ચે અથડાતા રહ્યા હતા. 

આવા માહોલમાં સોનાના ભાવ તથા પ્લેટીનમના ભાવ વચ્ચેનો તફાવત પણ નોંધપાત્ર વધી રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. અન્ય કિંમતી ધાતુઓમાં પેલેડીયમના ભાવ વિશ્વ બજારમાં ઔંશના ૧૦૦૦થી ૧૧૦૦ ડોલર વચ્ચે ફરતા રહ્યા હતા, આમ સોના અને પ્લેટીનમના ભાવ વચ્ચે જે રીતે તફાવત નોંધપાત્ર વધ્યો છે. 

તે જ રીતે સોનાના ભાવ તથા પેલેડીયમના ભાવ વચ્ચેનો તફાવત પણ ખાસ્સો વધી ગયો છે. આવી સ્થિતિ વૈશ્વિક બુલીયન બજારમાં આ પૂર્વે ક્યારેય જોવા મળી નથી એવું ઝવેરી બજારના પીઢ જાણકારો જણાવી રહ્યા હતા. આ લખાય છે ત્યારે વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૨૫થી ૨૩૫૦ ડોલર ચાલી રહ્યા હતા જ્યારે તેની સામે પ્લેટીનમના ભાવ ૯૦૫થી ૯૧૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૯૭૫થી થી ૯૮૦  ડોલર ચાલી રહ્યા હતા. 

આવા માહોલમાં પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ વચ્ચેનો તફાવત નોંધપાત્ર ઘટી ગયો છે! પ્લેટીનમના ભાવ આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં આશરે ૮થી ૯ ટકા ઘટયા છે. પ્લેટીનમના ભાવમાં પાછલા બાવન સપ્તાહની ટોચની સપાટી ૨૦૨૩ના મે મહિનામાં ઔંશદીઠ ૧૧૨૮થી ૧૧૨૯ ડોલરની જોવા મળી હતી. 

જ્યારે બાવન સપ્તાહના સૌથી ઓછા ભાવ ૨૦૨૩ના નવેમ્બર મહિનામાં ૮૪૩થી ૮૪૪ ડોલરની જોવા મળ્યા હતા. આમ એક બાજુ સોનાના ભાવમાં રેકોર્ડ તેજી વચ્ચે તાજેતરમાં રોજેરોજ નવા ઉંચા ભાવ દેખાતા રહ્યા હતા ત્યારે સામે પ્લેટીનમના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

વર્ષો અગાઉ સોનાના ભાવ કરતાં પ્લેટીનમના ભાવ ઉંચા રહેતા હતા પરંતુ તેના બદલે હવે સોનાના ભાવ ખાસ્સા ઉંચા તથા તેની સરખામણીએ પ્લેટીનમના ભાવ ખાસ્સા નીચા બોલાતા થયા છે! 

વૈશ્વિક સ્તરે પ્લેટીનમનું ઉત્પાદન સાઉથ આફ્રિકા તથા રશિયામાં વિશેષરૂપે થાય છે. પાછલા વર્ષો તરફ નજર માંડીએ તો ૨૦૧૩-૧૪ના ગાળામાં સોેનાના ભાવ કરતાં પ્લેટીનમના ઉંચા જોવા મળ્યા હતા. જોકે ત્યાર પછીના ગાળામા સોનાના ભાવ વધી બમણાથી પણ વધુ થઈ ગયા છે! ૨૦૦૮ના ફેબુ્રઆરીમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૨૨૦૦ ડોલર નોંધાયા હતા. પાછલા એક દાયકાના ભાવની વધઘટ જોતાં પ્લેટીનમના ભાવ ૬૦૦થી ૧૪૦૦ ડોલર વચ્ચે અથડાતા જોવા મળ્યા હતા. 

૨૦૨૦માં માર્ચમાં પ્લેટીનમના ભાવ ઘટી ૬૨૩થી ૬૨૪ ડોલરના નવા તળિયે ઉતરી ગયા હતા. આની સામે ૨૦૦૮ના માર્ચ મહિનામાં પ્લેટીનમના ભાવ ઉંચામાં રેકોર્ડ ૨૨૧૩થી ૨૨૧૪ ડોલરની સપાટીએ પણ જોવા મળ્યા હતા! આમ ૨૦૦૮થી ૨૦૨૦ વચ્ચેના ગાળામાં પ્લેટીનમના ભાવમાં ઉંચી ટોચ તથા નીચું તળિયું બન્ને જોવા મળ્યા હતા. 

વૈશ્વિક સ્તરે પ્લેટીનમનો વપરાશ વિશેષરૂપે ઓટોમોટીવ ઉદ્યોગમાં થાય છે. આ ઉપરાંત નાઈટ્રીક એસીડ, ગ્લાસ તથા તાજેતરમાં હવે તેનો ઉપયોગ હાઈડ્રોજન  ટેકનોલોજીમાં પણ થવા માંડ્યો છે. 

વૈકલ્પીક ઉર્જામાં હાઈડ્રોજનના ઉત્પાદનમાં કાર્બન-ફ્રી હાઈડ્રોજન બનાવવા પ્લેટીનમનો વપરાશ વધી રહ્યો છે એ જોતાં ભવિષ્યમાં સોનાની જેમ પ્લેટીનમના ભાવ પણ ઝડપી ઉંચા જવાની શક્યતા બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. 

પ્લેટીનમની જેમ પેલેડીયમના ભાવ પણ આ  વર્ષે ૯થી ૧૦ ટકા ઘટયા છે પેલેડીયમના ભાવમાં બાવન સપ્તાહની ટોચ ૨૦૨૩ના મે મહિનામાં ૧૬૨૭થી ૧૬૨૮ ડોલરની જોવા મળી હતી જ્યારે બાવન સપ્તાહના નીચા ભાવ આ વર્ષે ફેબુ્રઆરીમાં ૮૫૪થી ૮૫૪ ડોલરના દેખાતા હતા! કેનેડા, રશીયા, સાઉથ આફ્રિકા તથા અમેરિકામાં પેલેડીયમનું વિશેષ ઉત્પાદન થાય છે. 

કોપર તથા નિકલ ઔરની રિફાઈનિંગ પ્રક્રિયામાં પણ પેલેડીયમનું નિર્માણ થાય છે. પેલેડીયમના ટોચના ભાવ માર્ચ ૨૦૨૨માં ૩૪૪૦થી ૩૪૫૦ ડોલરના પણ જોવા મળ્યા હતા! ૨૦૧૯માં સોનાના ભાવ નીચા તથા પેલેડીયમના ભાવ ઉંચા રહ્યા હતા. 

Gujarat