For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ્યપાલ સામે છેડતીનો આક્ષેપ, મમતાને બગાસુ ખાતાં પતાસુ મળ્યું

Updated: May 5th, 2024

રાજ્યપાલ સામે છેડતીનો આક્ષેપ, મમતાને બગાસુ ખાતાં પતાસુ મળ્યું

- બોઝ સામેના આક્ષેપોથી ભાજપની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે : ભાજપ ચૂપ રહે તો બોઝને છાવરે છે તેવું લાગે, મમતા તેનો ભરપૂર લાભ ઊઠાવે છે

- બોઝ સામેના આક્ષેપોએ ભાજપની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી કરી નાંખી છે. બલ્કે ભાજપ ત્રેખડે ભરાયો છે બોઝ સામેના આક્ષેપો મમતાનું સેટિંગ હોય તો પણ મમતા મોટાં ખેલાડી સાબિત થયાં છે.  ભાજપ બોઝનો બચાવ પણ કરી શકે તેમ નથી ને તેમની વિરૂધ્ધ પણ બોલી શકે તેમ પણ નથી. ચૂપ રહે તો બોઝને છાવરે છે એવું અર્થઘટન કઢાય ને ચૂંટણીમાં મમતા તેનો ભરપૂર ફાયદો ઉઠાવશે.

કર્ણાટકમાં જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્નાના સેક્સ કાંડના કારણે મચેલો ખળભળાટ શમે એ પહેલાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ સામે રાજભવનની મહિલા કર્મચારીએ કરેલા સેક્સ્યુઅલ મોલેસ્ટેશન (શારીરિક જાતિય છેડતી-અડપલાં)ના આક્ષેપોએ સનસનાટી મચાવી છે. 

મૂળ મલયાલી બોઝ નિવૃત્ત આઈએએસ અધિકારી છે.  લેખક-કવિ તરીકે જાણીતા બોઝ ૩૦૦થી વધારે પુસ્તકો લખી ચૂક્યા છે. 

રાજભવનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી યુવતીનો આક્ષેપ છે કે, બોઝે તેની સાથે શારીરિક છૂટછાટ લીધી હતી, તેના શરીર પર હાથ ફેરવીને શારીરિક રીતે ઘણી બધી છૂટછાટ લેતા હતા. બોઝે યુવતીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવાના બદલામાં પ્રમોશનની ઓફર કરી હતી. 

બોઝે પોતાની સામેના રાજકીય કાવતરાના ભાગરૂપે આ આક્ષેપો થઈ રહ્યા હોવાનો દાવો કરીને તેમને સાવ ખોટા ગણાવ્યા છે પણ મમતા બેનરજીની સરકારે આ આક્ષેપોને ગંભીરતાથી લઈને મહિલા આઈપીએસ અધિકારી ઈન્દ્રાણી મુખરજીના નેતૃત્વમાં ૮ સભ્યોની સ્પેશિયલ ઈન્કવ્યાયરી ટીમ બનાવી છે. બંધારણની કલમ ૩૬૧ હેઠળ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ હોદ્દા પર હોય ત્યારે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીને ધરપકડ કરી શકાતી નથી તેથી બોઝની પણ ધરપકડ થઈ શકે તેમ નથી પણ એફઆઈઆર નોંધી શકાય છે. 

એફઆઈઆર નોંધવા માટે મજબૂત પુરાવા હોવા જરૂરી છે કેમ કે સામે કોઈ રેંજીપેંજી માણસ નથી પણ રાજ્યના રાજ્યપાલ છે. આ રાજ્યપાલ પર કેન્દ્રની ભાજપ સરકારના ચાર હાથ છે તેથી પોલીસ ફૂંકી ફૂંકીને આગળ વધી રહી છે. 

પોલીસે અત્યારે જનરલ ડાયરી એન્ટ્રી કરી છે ને તેનો અર્થ એ થાય કે, કાચી ફરિયાદ નોંધી છે પણ એફઆઈઆર નોંધી નથી. 

એફઆઈઆર નોંધવા માટે જરૂરી પુરાવા એકઠા કરવા ઈન્દ્રાણીની ટીમે રાજભવનના સીસીટીવી તપાસવાની મંજૂરી માગી પણ બોઝે પોલીસને રાજભવનમાં નહીં ઘૂસવા દેવાનું ફરમાન કરતાં બોઝ શંકાના દાયરામાં આવી ગયા છે. પોલીસને સીસીટીવી નહીં તપાસવા દઈને બોઝ શું શું છૂપાવવા માગે છે એ સવાલ પૂછાવા માંડયો છે. 

બોઝે ખરેખર યુવતી સાથે ગંદી હરકત કરી કે નહીં એ તપાસના અંતે ખબર પડે પણ બોઝના કારણે બંગાળમાં જબરદસ્ત રાજકીય જંગ છેડાઈ ગયો છે. 

બોઝે રેકોર્ડેડ ઓડિયો સ્ટેટમેન્ટ બહાર પાડીને દાવો કર્યો કે, આ પ્રકારના ગંદા કાવાદાવા કરીને તૃણમૂલ કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને હિંસાને રોકવાના મારા પ્રયાસોને રોકી નહીં શકાય. આ તો હજુ શરૂઆત છે અને આવી તો બીજી ઘણી ફરિયાદો નોંધાશે. 

બોઝે કટાક્ષ પણ કર્યો કે, મને લાગે છે કે, એક દિવસ મને ૧૯૪૬ના બંગાળના દુકાળ અને ૧૯૪૬ની કોલકાત્તાની હિંસામાં થયેલી હત્યાઓ માટે પણ દોષિત ઠેરવાશે. 

બોઝના બચાવ સામે મમતા બેનરજી પોતે મેદાનમાં આવ્યાં છે. મમતાએ સીધા નરેન્દ્ર મોદીને પણ  લપેટમાં લઈ લીધા છે. રાજ્યપાલ સામે આક્ષેપો થયા પછી બંગાળ આવેલા મોદી આ મામલે ચૂપ રહ્યા અને રાજભવનમાં રાત રોકાયા એ મુદ્દો મમતાએ ઉઠાવ્યો છે. મમતાએ સવાલ કર્યો છે કે, સંદેશખલીમાં મહિલાઓ પર બળાત્કારના આરોપો વખતે બોઝ સંદેશખલી પહોંચી ગયા હતા, મોદી પોતે બહુ બોલ્યા હતા પણ હવે રાજ્યપાલ સામે જ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મોદી કેમ ચૂપ છે ? 

બંગાળમાં છેલ્લા તબક્કા સુધી મતદાન છે તેથી મમતા આ મુદ્દો છોડે એ વાતમાં માલ નથી. મમતા કોઈનાથી ડરતાં નથી ને ગાંજ્યાં જાય એમ નથી તેથી રાજ્યપાલની ઢોકળી ધોઈ નાંખશે એવું ભાજપના નેતા સ્વીકારે છે. 

સંદેશખલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહનવાઝ શેખ સામે હિંદુ મહિલાઓ પર બળાત્કારનો કેસ કરીને તેને જેલમાં ધકેલી દેવાયો તેનો તોડ મમતાએ બોઝ સામે યુવતી સાથે અશ્લીલ હરકતોનો કેસ કરાવીને શોધી કાઢયો છે. 

મમતા રાજકીય કાવાદાવામાં માહિર છે તેથી બોઝ માટે હવે પછીના દિવસો વધારે કપરા હશે એવું ભાજપના નેતા સ્વીકારે છે. 

બોઝ સામેના આક્ષેપોએ ભાજપની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી કરી નાંખી છે. બલ્કે ભાજપ ત્રેખડે ભરાયો છે જ્યારે મમતાને બગાસુ ખાતાં પતાસુ મળી ગયું છે. 

બોઝ સામેના આક્ષેપો મમતાનું સેટિંગ હોય તો પણ મમતા મોટાં ખેલાડી સાબિત થયાં છે.  ભાજપ બોઝનો બચાવ પણ કરી શકે તેમ નથી ને તેમની વિરૂધ્ધ પણ બોલી શકે તેમ પણ નથી. ચૂપ રહે તો બોઝને છાવરે છે એવું અર્થઘટન કઢાય ને ચૂંટણીમાં મમતા તેનો ભરપૂર ફાયદો ઉઠાવશે. ભાજપના નેતાઓનું માનવું છે કે, લોકસભાની ચૂંટણીમાં નુકસાનથી બચવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક બોઝને દૂર કરવા જોઈએ. ભાજપને મમતા બેનરજી સરકારની મેથી મારવા માટે બોઝ જેવા બીજા ગમે જે રાજ્યપાલ મળી જશે પણ બોઝના કારણે થયેલું નુકસાન સરભર નહીં થાય.

તિવારીની રાજભવનમાં ત્રણ યુવતી સાથેની કામલીલાનું લાઈવ ટેલીકાસ્ટ થયેલું

સેક્સ કાંડમાં ફસાયા હોય એવા બોઝ પહેલા રાજ્યપાલ નથી.  આ પહેલાં સેક્સ કાંડના કારણે સૌથી વધારે બદનામ નારાયણ દત્ત તિવારી ઉર્ફે એન.ડી. તિવારી થયા. તિવારી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. પછી નવા રચાયેલા ઉત્તરાખંડના પણ મુખ્યમંત્રી બન્યા. બે રાજ્યોના મુખ્યમંત્રી બનનારા  તિવારી એક માત્ર વ્યક્તિ છે.

કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી ત્યારે તિવારી આંધ્ર પ્રદેશના રાજ્યપાલ હતા. યુવાનીમાં લફરાંબાજી માટે વગાવેયેલા તિવારીએ રાજભવનને કોઠો બનાવી દીધેલો. તિવારી રાજભવનમાં બિંદાસ કોલગર્લ્સને બોલાવીને કામલીલા આચરતા હતા. સરકારમાં કામ કરાવવા માગતી મહિલાઓ તિવારીનો ઉપયોગ કરીને કામ કરાવતી અને બદલામાં તિવારી માટે છોકરીઓ મોકલતી. 

આવી જ એક દલાલ યુવતીને તિવારી સાથે વાંકુ પડતાં તેણે તિવારીના રાજભવનના બેડરૂમમાં છૂપા કેમેરા ગોઠવી દીધા હતા. તિવારી પોતાની પૌત્રીની ઉંમરની ત્રણ યુવતીઓ સાથે કામલીલા કરતા હતા ત્યારે એક ટીવી ચેનલે તેનું જીવંત પ્રસારણ કરી નાંખેલું. ચેનલ પર લગભગ અડધા કલાક સુધી નગ્ન તિવારીની ત્રણ યુવતીઓ સાથેની સેક્સલીલાનું જીવંત પ્રસારણ ચાલ્યું પછી રાજભવનના સ્ટાફને ખબર પડતાં તાત્કાલિક ત્રણેય યુવતીને રાજભવનની બહાર કાઢીને નગ્નાવસ્થામાં જ કારમાં બેસાડીને રવાના કરાઈ હતી. 

પોલીસે તિવારી સામે યુવતીઓનું શારિરિક શોષણ કરવાનો, બ્લેકમેઈલ કરવાનો તથા હોદ્દાના દુરુપયોગનો કેસ નોંધીને પૂછપરછ કરેલી પણ પછી ભીનું સંકેલાઈ ગયેલું. આખી દુનિયાએ તિવારીની સેક્સલીલા જોયેલી છતાં તિવારીએ આ કાંડને રાજકીય કાવતરૃં ગણાવેલો. કોંગ્રેસે તિવારીને કશું ના કર્યું, બલ્કે તેમની કામલીલા પર પડદો  પાડીને તેમને છાવર્યા. રસપ્રદ વાત એ છે કે, ૨૦૧૮માં ગુજરી ગયા એ પહેલાં તિવારીએ ભાજપમાં જોડાઈ ગયેલા અને ઉત્તરાખંડમાં ભાજપ માટે કામ કરેલું.

રાજ્યપાલે શરીર સંબંધના બદલામાં પ્રમોશનની ઓફર કરી

રાજભવનની કર્મચારી યુવતીની ફરિયાદ પ્રમાણે, ૧૯ એપ્રિલે રાજ્યપાલ બોઝે બાયો-ડેટા સાથે મળવા કહ્યું હતું. રાજભવનની હોસ્ટેલમાં રહેતી યુવતી ૨૦૧૯થી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. 

યુવતી ૨૪ એપ્રિલે ૧૨.૪૫ કલાકે બોઝને મળવા ગઈ ત્યારે બોઝે પહેલાં બીજી વાતો કરીને પછી તેને પોતાની સાથે શરીર સંબંધો રાખવાની ઓફર કરી. એ પછી બોઝ ઉભા થઈને તેની નજીક આવ્યા અને તેનાં શરીરને અશ્લીલ રીતે સ્પર્શ કર્યો. યુવતી ગમે તે રીતે રૂમમાંથી ભાગી છૂટી હતી. 

બોઝે ૨ મેના રોજ યુવતીને ફરી બોલાવી ત્યારે અગાઉના ખરાબ અનુભવને ધ્યાનમાં રાખીને સુપરવાઈઝરને સાથે લઈ ગઈ હતી. થોડા સમય પછી બોઝે સુપરવાઈઝરને બહાર જવા કહ્યું. એ પછી બોઝે યુવતીને પ્રમોશનની ઓફર કરી ને બદલામાં પોતાની સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું. બોઝે યુવતીને કહ્યું કે, પોતે તેને રાત્રે બોલાવશે પણ બંને વચ્ચે શું થાય છે તેની વાત કોઈને કરવી નહીં. 

યુવતીએ પોતે તૈયાર નહીં હોવાનું કહેતાં બોઝ તેને સમજાવતા હોય એ રીતે નજીક આવ્યા અને ફરી તેના શરીર પર હાથ નાંખીને અશ્લીલ હરકતો કરી. યુવતીએ પહેલાં રાજભવનની પોલીસ પોસ્ટ પર ફરિયાદ કરેલી પણ ત્યાંની પોલીસે તેને પોલીસ સ્ટેશન જવા કહેતાં છેવટે તે સ્ટીટ હરે પોલીસ સ્ટેશનમાં ગઈ હતી.

યુવતીએ ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું કે, તેની સાથીઓએ કહેલું કે, બોઝ રાજભવનની બીજી યુવતી સાથે ગંદી હરકતો કરતા હોવાની ફરિયાદ યુવતીએ રાજ્યપાલની ઓફિસને કરેલી પણ એક સીનિયર અધિકારીએ સ્ટાફને તેની વાત નહીં સાંભળવા સૂચના આપી છે. યુવતીએ મક્કમતાથી એમ પણ કહ્યું છે કે, આ રાજ્યપાલ હશે ત્યાં સુધી પોતે રાજભવનમાં પાછી નહીં જાય.

Gujarat