For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'મેઈડ ઈન ઈન્ડિયા'ના પ્રણેતા ગોદરેજ સામ્રાજ્યનું નિર્વિઘ્ને વિભાજન

Updated: May 2nd, 2024

'મેઈડ ઈન ઈન્ડિયા'ના પ્રણેતા ગોદરેજ સામ્રાજ્યનું નિર્વિઘ્ને વિભાજન

- કોર્પોરેટ જગતમાં શાંતિથી મિલકતની વહેંચણી થઈ હોય તેવો એક અનુકરણીય કેસ છે : 2.35 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ સામ્રાજ્ય અને સંપત્તિ વહેંચાઈ

- અરદેશરને પિતા પાસેથી મફતમાં પૈસા નહોતા જોઈતા તેથી 3000 રૂપિયા ઉછીના લઈને સર્જિકલ આઈટમ્સ બનાવવાનું કામ શરૂ કર્યું. સેમ્પલ તૈયાર થયા પછી કંપનીના માલિક પાસે ગયા. એ કામ જોઈને ખુશ થઈ ગયા. અરદેશરની ફેક્ટરીમાં રોકાણની તૈયારી બતાવી  પણ અરદેશરની શરત સાંભળીને ટાઢા પડી ગયા. અરદેશરની શરત હતી કે, આ તમામ પ્રોડક્ટ પર 'મેઈડ ઈન ઈન્ડિયા'નો સિક્કો મારવો જોઈએ. એ જમાનામાં વિદેશથી આવતી ચીજો જ શ્રેષ્ઠ મનાતી તેથી શેઠ જોખમ લેવા તૈયાર નહોતા તેથી આખો પ્લાન અભરાઈ પર ચડી ગયો.

ભારતનાં સૌથી મોટાં બિઝનેસ ગ્રુપમાંથી એક ગોદરેજ ગ્રુપનું અંતે વિભાજન થઈ ગયું. સામાન્ય રીતે કોઈ પણ ધનિક પરિવારમાં સંપત્તિનું વિભાજન કરાય ત્યારે ખેંચતાણ થતી હોય છે, વિવાદો થતા હોય છે અને કોર્ટ કેસ પણ થતા હોય છે પણ ગોદરેજ પરિવારે શાંતિથી ૨.૩૫ લાખ કરોડ રૂપિયાના બિઝનેસ સામ્રાજ્ય અને સંપત્તિ વહેંચી લીધી. 

આ વહેંચણીમાં ગોદરેજ ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ પાંચ કંપનીઓ ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝયુમર પ્રોડક્ટ્સ, એસ્ટેચ લાઈફ સાયન્સીઝ અને ગોદરેજ એગ્રોવેટ અદી ગોદરેજ અને નાદિર ગોદરેજ એ બે ભાઈઓના ભાગમાં આવી છે. અત્યારે અદીનાં ત્રણ સંતાનો તાન્યા, નિસાબા અને પિરોજશા તથા નાદિરના બે દીકરા બરજોસ અને શોહરાબ આ કંપનીઓ જુએ છે. નોન-લિસ્ટેડ કંપની ગોદરેજ અને બોયસે તેમનાં પિતરાઈ ભાઈ-બહેન જમશેદ ગોદરેજ અને સ્મિતા ગોદરેજ કૃષ્ણાના ભાગમાં આવી છે. જમશેદ ગોદરેજનો પુત્ર નવરોજ ગોદરેજ એન્ડ બોયસમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે તેથી કંપની ચલાવનારને જ કંપની સોંપી દેવાઈ છે એવું કહી શકાય. 

અદી ગોદરેજ સામ્રાજ્યનો ફેસ છે પણ તેમણે પિતરાઈ ભાઈ-બહેનને વધારે આપ્યું છે કેમ કે ગોદરેજ એન્ડ બોયસે ગોદરેજ ગ્રુપની ફ્લેગશિપ કંપની છે. ૧૯૮૭માં સ્થપાયેલી આ કંપની ૧૦ મોટા સેક્ટરમાં કોમ્પ્લેક્સ અને બિલ્ડિંગ એન્જીનિયરિંગ સોલ્યુશન્સ બનાવે છે. એરોસ્પેસ, ડીફેન્સ, ક્લન એનર્જી, રેલ્વે, ઓટોમોટિવસ, બ્રાન્ડેડ ગુડ્સનું ઉત્પાદન પણ આ કંપની કરે છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પાસે મુંબઈમાં ૩૧૦૦ એકર સોનાની લગડી જેવી જમીનો છે. આ જમીનો પણ જમશેદ અને સ્મિતા કૃષ્ણાના ભાગમાં આવી છે. સ્મિતાના પતિ વિજય કૃષ્ણા પણ બિઝનેસમેન છે. 

ગોદરેજ ગ્રુપના વિભાજન સાથે અરદેશર ગોદરેજે કઈ રીતે સિધ્ધાંતનિષ્ઠાના આધારે એક મોટા બિઝનેસ સામ્રાજ્યનું સર્જન કર્યું તેનો ઈતિહાસ તાજો થયો છે. અત્યારે આપણે મેડ ઈન ઈન્ડિયા શબ્દ સાંભળીને હરખાઈએ છીએ પણ તેના પ્રણેતા અરદેશર ગોદરેજ મનાય છે. અરદેશર ગોદરેજે તાળાંની ફેક્ટરી નાંખીને ગોદરેજ સામ્રાજ્યનો પાયો નાંખ્યો પણ એ પહેલાંનો તેમનો ઈતિહાસ વધુ રસપ્રદ છે. 

અંગ્રેજોના સમયમાં વકીલાત ધીકતો ધંધો હતો અને વકીલો હજારોમાં કમાતા. અરદેશર ૧૯૮૪માં લો ગ્રેજ્યુએટ થયા પછી વકીલાત શરૂ કરી ત્યારે તેમની પાસે પણ કેસો લડીને કમાવાની તક હતી પણ ઝાંઝીબારમાં એક કેસ લડતાં પોતે ખોટું નહીં કરી શકે એવું લાગતાં તેમણે વકીલાત છોડી દીધેલી. 

મુંબઈ પાછા આવીને અરદેશર ફાર્મસીમાં કેમિસ્ટના આસિસ્ટન્ટ તરીકે જોડાયા. આ કામ દરમિયાન તેમને લાગ્યું કે, સર્જિકલ આઈટમ્સ બનાવીને કમાણી કરી શકાય છે તેથી પિતા પાસે ફેક્ટરી સ્થાપવા લોન માગેલી પણ પિતાએ દીકરાને ભેટ તરીકે જેટલી જોઈએ એટલી રકમ આપવાની તૈયારી બતાવેલી. અરદેશરને પિતા પાસેથી મફતમાં પૈસા નહોતા જોઈતા તેથી પરિવારના મિત્ર એવા ધનાઢય કામા પરિવારના મોભી પાસે ગયેલા. તેમની પાસેથી ૩૦૦૦ રૂપિયા લઈને સર્જિકલ આઈટમ્સ બનાવવાનું કામ શરૂ કર્યું.

સેમ્પલ તૈયાર થયા પછી એ પોતાની કંપનીના માલિક પાસે ગયા. એ કામ જોઈને ખુશ થઈ ગયા. અરદેશરની ફેક્ટરીમાં રોકાણની તૈયારી બતાવી પણ અરદેશરની શરત સાંભળીને ટાઢા પડી ગયા. અરદેશરની શરત હતી કે, આ તમામ પ્રોડક્ટ પર 'મેઈડ ઈન ઈન્ડિયા'નો સિક્કો મારવો જોઈએ. એ જમાનામાં વિદેશથી આવતી ચીજો જ શ્રેષ્ઠ મનાતી તેથી શેઠ જોખમ લેવા તૈયાર નહોતા તેથી આખો પ્લાન અભરાઈ પર ચડી ગયો. 

આ દરમિયાન અરદેશર ગોદરેજે ૧૮૯૭માં અખબારમાં સમાચાર વાંચ્યા હતા કે, મુંબઈમાં ચોરીના કેસ વધી રહ્યા છે તેથી લોકોમાં ફફડાટ છે. આ સમાચાર વાંચીને અરદેશરે પાછા કામા પાસે ગયા અને તાળાં બનાવવાની ફેક્ટરી માટે ફંડ માંગ્યું. ફેક્ટરી બની એ પહેલાં તાળા કઈ રીતે બનાવાય છે તેનો અભ્યાસ  શરૂ કર્યો. ગુજરાત અને મલબારથી એક ડઝન માણસોને લાવીને તેમને ટ્રેનિંગ આપી અને ૭ મે, ૧૯૮૭ના રોજ ફેક્ટરી શરૂ કરી. 

શરૂઆતમાં બંને મુંબઈના પારસી ધનિકોના ઓર્ડર લઈને કસ્ટમાઈઝ્ડ હાઈ સીક્યુરિટી લોક બનાવતા. પછી સામાન્ય લોકોને પરવડે એવાં તાળાં બનાવવા માંડયાં. આ ધંધો જામી ગયો પછી અરદેશર નવા નવા ધંધામાં ઝંપલાવતા ગયા ને સફળ થતા ગયા. સેફ એટલે તે તિજોરીથી માંડીને સાબુ સુધીનાં નવાં સાહસો ચાલી ગયાં ને એ રીતે ગોદરેજનું સામ્રાજ્ય ઉભું થયું. અરદેશર ગોદરેજ વિશે રસપ્રદ વાત એ છે કે, તેમણે પિતા પાસેથી ફેક્ટરી નાંખવા મફતમાં પૈસા નહોતા લીધા એ રીતે ૨૦૧૮માં પિતા ગુજરી ગયા ત્યારે તેમની સંપત્તિ પણ નહોતી લીધી અને સમાજસેવા માટે આપી દીધેલી. 

ગોદરેજનું બિઝનેસ સામ્રાજ્ય અત્યારે પિરોજશા ગોદરેજના પરિવારના હાથમાં છે કેમ કે અરદેશરને કોઈ સંતાન નહોતાં. પિરોજશા અરદેશર કરતાં ૧૪ વર્ષ નાના હતા અને અરદેશરે બિઝનેસ જમાવી દીધો પછી ૧૯૦૬માં ૨૪ વર્ષની ઉંમરે બિઝનેસમાં જોડાયા હતા. અરદેશરે તેમને બિઝનેસના પાઠ શીખવ્યા. ૧૯૨૮માં અરદેશરે પોતાનો બિઝનેસ પિરોજશાને સોંપી દીધો અને પોતે ખેતી કરવા નાસિક જતા રહ્યા. ખેતીમાં બહુ ફાવટ ના આવી પણ અરદેશરે એ દરમિયાન વેજીટેબલ ઓઈલમાંથી સાબુ બનાવી દીધો. પહેલાં ટેલો અને પ્રાણીઓની ચરબીમાંથી સાબુ બનતા તેથી હિંદુઓ સાબુ નહોતા ખરીદતા. અરદેશરે 'વેજ સોપ' બનાવીને હિંદુઓને સાબુ ખરીદતા કર્યા. 

ગોદરેજ પરિવારે આઝાદીની લડતમાં પણ ભાગ લીધેલો પણ તેમનું મોટું યોગદાન ભારતીયોની પોતાની પ્રોડક્ટસ બનાવવામાં છે. ભારતમાંથી ભાગ્યે જ કોઈ પરિવાર ઈન્ડસ્ટ્રીમાં આવતા ત્યારે ગોદરેજ પરિવાર ઈન્ડસ્ટ્રીમાં આવ્યો અને મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સની શરૂઆત કરી.

આબરૂ બચાવવા અરદેશરનાં પત્નીએ રાજાબાઈ ટાવર પરથી કૂદીને જીવ આપી દીધેલો

અરદેશર ગોદરેજે ૧૯૯૦માં ૨૨ વર્ષની ઉંમરે ૧૮ વર્ષનાં બચુબાઈ સાથે લગ્ન કર્યાં હતાં પણ એક વર્ષમાં જ એક આઘાતજનક ઘટનામાં બચુબાઈનું મોત થતાં અરદેશર ફરી પરણ્યા જ નહીં. બચુબાઈ પોતાની ૧૬ વર્ષની પિતરાઈ બહેન પિરોજબાઈ સોહરાબજી કામદીન સાથે ૨૫ એપ્રિલ, ૧૯૮૧ના રોજ રાજાબાઈ ટાવર ગયાં હતાં.

લંડનના બિગ બેનની કોપી કરીને બનાવાયેલો ૮૫ મીટર ઉંચો રાજાબાઈ ટાવર મુંબઈમાં આકર્ષણનું કેન્દ્ર હતો. બંને બહેનો રાજાબાઈ ટાવરના વ્યૂઈંગ પ્લેટફોર્મ પર પહોંચ્યાં ત્યારે તેમની પાછળ પાછળ આવેલા બે લુખ્ખાએ તેમની છેડતી કરીને આબરૂ લૂંટવા પ્રયાસ કર્યો. બચુબાઈ અને પિરોજબાઈએ તેમને તાબે થવાના બદલે રાજાબાઈ ટાવર પરથી કૂદકો મારીને જીવ આપી દીધો. આ ઘટનાએ મુંબઈમાં ખળભળાટ મચાવેલો. બંને પારસી યુવતીઓની  બહાદુરીને લોકોએ બિરદાવી હતી પણ કમનસીબે તેમની છેડતી કરનારા કદી ના પકડાયા.

અરદેશરે પછી કદી લગ્ન ના કર્યાં તેથી તેમને કોઈ સંતાન નહોતું. તેમના ભાઈ પિરોજશાને શોરાબ, ડોસાભાઈ, બરજોર અને નવલ એમ ચાર સંતાન હતા આ પૈકી શોરાબ નિઃસંતાન હતા. ડોસાભાઈના પુત્ર રિશદે પણ લગ્ન ના કર્યાં ને રિશદે ફોટોગ્રાફીમાં પોતાની કરીયર બનાવી. રિશદ કંપનીમાં શેરહોલ્ડર રહ્યા પણ બિઝનેસમાં કદી રસ ના લીધો તેથી ગોદરેજ ગ્રુપ બરજોરજી અને નવલ ગોદરેજનાં સંતાનો  ગોદરેજ ગ્રુપ ચલાવે છે. આદિ ગોદરેજ અને નાદિર પરજોરજીનાં સંતાનો છે જમશેદ ગોદરેજ અને સ્મિતા ગોદરેજ કૃષ્ણા નવલનાં સંતાનો છે.

પરમેશ્વરે ઈમરાનને એડમાં લીધેલો, લેવિશ પાર્ટીઓ દ્વારા ગ્લેમરસ ઈમેજ બનાવી

ગોદરેજ પરિવાર લો પ્રોફાઈલ છે પણ અદી ગોદરેજનાં પત્ની પરમેશ્વરે આ ઈમેજ બદલી. મુંબઈના ધનિકોમાં ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટરો, હોલીવુડ એક્ટર-એક્ટ્રેસ સહિતની સેલિબ્રિટીને બોલાવીને લેવિશ પાર્ટીઓ આપવાનું ચલણ પરમેશ્વર ગોદરેજે શરૂ કરાવેલું. પરમેશ્વરની પાર્ટીઓની ટીકા પણ થતી પણ પરમેશ્વરે તેને અવગણાને મુંબઈનાં પ્રથમ સોશિલિટની ઈમેજ જમાવી હતી. પરમેશ્વરે ઘણી ફિલ્મોમાં એક્ટ્રેસના ડ્રેસ ડીઝાઈન કર્યાં. 

મુંબઈમાં ૧૯૬૦, ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં મોટા ભાગના ધનિકોનાં ઘરોનું ઈન્ટીરિયર ડીઝાઈનિંગ પરમેશ્વર ગોદરેજે કરેલું. 

ગોદરેજની પ્રોડક્ટ્સની જાહેરખબરો પહેલાં બહુ સાદી આવતી પણ પરમેશ્વરે ઝીન્નત અમાન, હેમા માલિની સહિતની ટોચની એક્ટ્રેસને મોડલ બનાવીને તેમને ગ્લેમરસ બનાવી. 

પરમેશ્વરે ઈમરાન ખાન તેની ક્રિકેટ કારકિર્દીમાં ટોચ પર હતો ઈમરાનની પ્લેબોય ઈમેજનો લાભ લેવા સિન્થોલ સાબુની જાહેરખબરમાં ચમકાવીને ભારે ચર્ચા જગાવી હતી.  

પરમેશ્વર સીખ પરિવારમાંથી આવતાં હતાં અને ૧૯૬૦ના દાયકામાં માત્ર ૧૭ વર્ષની ઉંમરે એર ઈન્ડિયામાં હોસ્ટેસ તરીકે સીલેક્ટ થયાં હતાં. જેઆરડી તાતા ત્યારે એર ઈન્ડિયાના ચેરમેન હતા. પરમેશ્વરની ખૂબસૂરતથી પ્રભાવિત થઈને તેમણે પરમેશ્વરને તાત્કાલિક પસંદ કરી લીધાં હતાં. અદી અને પરમેશ્વરની મુલાકાત ફ્લાઈટમાં થઈ હતી. ત્રણ વર્ષની કોર્ટશીપ પછી ૨૦ વર્ષની ઉંમરે અદી-પરમેશ્વરે લગ્ન કરી લીધાં હતાં.

Gujarat