For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોવિશીલ્ડની કબૂલાતઃ કોરોનાની રસીથી કાર્ડિયાક એરેસ્ટ, બ્રેઈન સ્ટ્રોકનું જોખમ

Updated: May 1st, 2024

કોવિશીલ્ડની કબૂલાતઃ કોરોનાની રસીથી કાર્ડિયાક એરેસ્ટ, બ્રેઈન સ્ટ્રોકનું જોખમ

- એસ્ટ્રાઝેનેકાની કબૂલાતના પગલે કોરોનાની રસી દુનિયામાં સૌથી મોટું સ્કેમ હોવાની ચર્ચા મેડિકલ વર્તુળોમાં ચાલી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ), દેશોની સરકારો, રસીને મંજૂરી આપનારા સત્તાધીશો, મેડિકલ એસોસિએશન વગેરે આ સ્કેમમાં સામેલ હોવાનું મનાય છે.  ફાઈઝરની 2021માં કોરોનાની રસીમાંથી કમાણી 42.63 અબજ ડોલર હતી જ્યારે બાયોએનટેકની કમાણી 22.48 અબજ ડોલર હતી. સિનોવેકની 19.37 અબજ ડોલર અને મોડર્નાની 17.67 અબજ ડોલર હતી. મર્ક એન્ડ કંપનીની 9.69 અબજ ડોલર અને જીએસકેની ૯.૩૭ અબજ ડોલર હતી.

કોરોનાની રસી એકદમ સલામત છે ને તેનાથી કોઈ આડઅસર નથી થતી એવા દાવાના ધજાગરા ઉડી ગયા છે. કોરોના કાળમાં મોટા ભાગના ભારતીયોને કોવિશીલ્ડ અને કોવેક્સિન એ બે રસી અપાઈ હતી. કોવિશીલ્ડ રસી બ્રિટનની જેનર ઈન્સ્ટિટયૂટ ઓફ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ વિકસાવેલી છે. એસ્ટ્રાઝેનેકાએ બ્રિટનની કોર્ટમાં કબૂલ્યું છે કે, કોવિશીલ્ડ રસીના કારણે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ) બિમારી થઈ શકે છે. 

ટીટીએસ ગંભીર બિમારી છે. તેના કારણે શરીરમાં લોહીના ગઠ્ઠા જામી જવાની (બ્લડ ક્લોટ્સ) અને બ્લડ પ્લેલેટલ કાઉન્ટ ઘટી જવાની તકલીફો થાય છે કે જેથી માણસના મગજને નુકસાન થાય છે. 

શરીરમાં બ્લડ ક્લોટ્સ થઈ જાય એટલે કાર્ડિયાક એરેસ્ટ તથા બ્રેઈન સ્ટ્રોક આવે છે. એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં કરેલી કબૂલાતનો મતલબ એ થાય કે, કોવિશીલ્ડ રસી લીધી હોય તો કાડયાક એરેસ્ટ કે બ્રેઈન સ્ટ્રોકના કારણે અચાનક મરી જવાની 'સાઈડ ઈફેક્ટ' થઈ શકે છે.

એસ્ટ્રાઝેનેકાએ લૂલો બચાવ કર્યો કે, કોવિશીલ્ડ લેનારા લોકોમાંથી બહુ ઓછા લોકોને ટીટીએસ જેવી સાઈડ ઈફેક્ટ થાય છે પણ  કેટલા પ્રમાણમાં સાઈડ ઈફેક્ટ્સ થાય છે તેનો કંપની પાસે કોઈ ડેટા નથી તેથી કંપનીના આ દાવા પર ભરોસો કરી શકાય તેમ નથી. 

એસ્ટ્રાઝેનેકા સામે યુનાઈટેડ કિંગડમ(યુકે)ની હાઈકોર્ટમાં સૌથી પહેલાં ૨૦૨૩માં જેમી સ્કોટ નામના યુવકે કેસ કરેલો. સ્કોટના દાવો છે કે, ૨૦૨૧ના એપ્રિલમાં કોવિશીલ્ડ રસી લીધા પછી મગજ (બ્રેઈન)માં બ્લડ ક્લોટ અને બ્લીડીંગ થઈ ગયું તેના કારણે પોતાના મગજને કાયમ માટે નુકસાન થઈ ગયું અને અત્યારે પણ ટીટીએસ સામે ઝઝૂમી રહ્યો છે.

એસ્ટ્રાઝેનેકાએ શરૂઆતમાં સ્કોટની વાતને જૂઠાણું ગણાવેલી. કોવિશીલ્ડના કારણે ટીટીએસ થાય છે તેના કોઈ પુરાવા નથી એવી દલીલ કરેલી પણ જેમી વતી કેસ લડી રહેલી સારા મૂરેએ જેમીના મેડિકલ રીપોર્ટ મૂક્યા અને કોવિશીલ્ડના કારણે બીજાં લોકોને પણ ટીટીએસ થયું હોવાના પુરાવા મૂક્યા પછી કંપની ઢીલી પડી ગઈ. એસ્ટ્રાઝેનેકાએ ફેબ્રુઆરીમાં સત્તાવાર રીતે પોતાની રસીના કારણે ટીટીએસ થયાનું સ્વીકારી લીધું. તેના કારણે સ્કોટ સહિતના દાવેદારોને વળતરનો રસ્તો ખૂલી ગયો છે.

સ્કોટના પગલે બીજાં ઘણાંએ એસ્ટ્રાઝેનેકા સામે કેસ કરી દીધા હતા. અત્યારે કંપની સામે કુલ ૫૧ કેસ ચાલી રહ્યા છે. આ પૈકી ઘણા કેસોમાં રસી લેનારા ગુજરી ગયા છે અને તેમના પરિવારજનો કેસ લડી રહ્યાં છે. એસ્ટ્રાઝેનેકા સામે તેમણે ૧૦ કરોડ પાઉન્ડ (લગભગ રૂપિયા ૧૦૫૦ કરોડ)ના વળતરની માગણી કરી છે. બીજે લોકો પણ હવે દાવો કરી શકે છે તેથી કંપનીએ કરોડો પાઊન્ડનું વળતર આપવું પડશે પણ આ તો યુકેની વાત થઈ. કોવિશીલ્ડ બીજા દેશોમાં પણ અપાઈ હતી ને ત્યાં પણ લોકો મર્યાં જ છે. તેમનું શું એ સવાલ આવીને ઉભો રહી ગયો છે. 

એસ્ટ્રાઝેનેકાની કબૂલાતના પગલે કોરોનાની રસી દુનિયામાં સૌથી મોટું સ્કેમ હોવાની ચર્ચા મેડિકલ વર્તુળોમાં ચાલી રહી છે. કોરોનાની રસીના નામે દુનિયાભરનાં લોકો સાથે મોટી છેતરપિંડી કરીને કરોડોની કમાણી કરાઈ છે એવું મેડિકલ નિષ્ણાતો માને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ), દેશોની સરકારો, રસીને મંજૂરી આપનારા સત્તાધીશો, મેડિકલ એસોસિએશન વગેરે આ સ્કેમમાં સામે હોવાનું મનાય છે. 

આ બધાંએ ભેગાં થઈને કોરોનાની રસી સલામત છે અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી એવું ઢોલ વગાડી વગાડીને કહ્યું હતું. લોકોએ એ વાતો પર ભરોસો મૂકીને રસી લઈ લીધી અને રસી બનાવનારી કંપનીઓએ અબજો ડોલરની કમાણી કરી લીધી. એસ્ટ્રાઝેનેકાએ ૨૦૨૧માં કોરોના રસીમાંથી ૪ અબજ ડોલરની કમાણી કરેલી. એસ્ટ્રાઝેનેકા તો નાની કંપની છે પણ મોટી કંપનીઓની કમાણી તેનાથી પાંચ-દસ ગણી હતી. ફાઈઝરની ૨૦૨૧માં કોરોનાની રસીમાંથી કમાણી ૪૨.૬૩ અબજ ડોલર હતી જ્યારે બાયોએનટેકની કમાણી ૨૨.૪૮ અબજ ડોલર હતી. સિનોવેકની ૧૯.૩૭ અબજ ડોલર અને મોડર્નાની ૧૭.૬૭ અબજ ડોલર હતી. મર્ક એન્ડ કંપનીની ૯.૬૯ અબજ ડોલર અને જીએસકેની ૯.૩૭ અબજ ડોલર હતી. 

હવે રસી બનાવનારી કંપનીએ પોતે તેમના દાવાથી વિપરીત કબૂલાત કરી છે. એસ્ટ્રાઝેનેકાએ બે મહિના પહેલાં યુકે હાઈકોર્ટમાં સત્તાવાર રીતે એફિડેવિટ કરીને કબૂલાત કરી એ પછી પણ ડબલ્યુએચઓ, સરકારો, મેડિકલ એસોસિએશનો ચૂપ છે. કોઈએ લોકોને કોવિશીલ્ડ કે બીજી કોઈ પણ કોરોનાની રસીની ખતરનાક અસરો વિશે માહિતગાર કર્યા નથી. 

કંપનીની કબૂલાતે ભારતીય મેડિકલ સંશોધકો રીસર્ચર અને ડોક્ટરોની વિશ્વસનિયતા સામે પણ શંકા પેદા કરી દીધી છે. ભારતમાં સ્કૂલમાં ભણતા ટીનેજર છોકરા-છોકરીઓ કે ૨૦-૩૦ વર્ષના યુવાનો અચાનક જ ઢળી પડે ને મોતને ભેટે એવી ઘટનાઓ કોરોના પછી મોટા પ્રમાણમાં વધી છે. કોરોનાની રસીના કારણે આવું બને છે એવો સવાલ એ વખતે મીડિયા અને સામાન્ય લોકો પણ ઉઠાવતા. 

આપણા ડોક્ટરો આ વાત ખોટી છે અને કોરોનાની રસીના કારણે કશું થતું નથી એવું છાતી ઠોકીને કહેતા. બલ્કે હજુ સુધી કહે છે. કાર્ડિયાક એરેસ્ટ માટે જુદાં જુદાં કારણો ગણાવતા પણ અત્યાર સુધી ભારતમાં એક પણ ડોક્ટર કે મેડિકલ રીસર્ચરે કોરોનાની રસીની આ આડઅસર હોવાનું સ્વીકાર્યું નથી. ઉલટાનો એ લોકો કોરોનાની રસીનો આંધળો બચાવ કરતા. 

આ અંધભક્તિનું કારણ શું ? 

મોદી સરકારે રસીકરણ શરૂ કર્યું ત્યારે પહેલાં જ ૧.૧૦ કરોડ કોવિશીલ્ડ રસી ખરીદી લીધેલી. કોવિશીલ્ડના પૂરતા ટ્રાયલ પણ કરાયા નહોતા ને રસી છ મહિનાથી પણ ઓછા ગાળામાં તૈયાર કરી દેવાયેલી. કોરોના વખતે લોકડાઉન લદાયું તેના કારણે પડેલા આર્થિક ફટકાને કારણે ભીંસમાં આવેલી મોદી સરકારે કોવિશીલ્ડના ઈમર્જન્સી યુઝને મંજૂરી આપી દીધી હતી કે જેથી કોરાના મુદ્દે ટીકા બંધ થાય. 

આ કારણે સરકાર કોવિશિલ્ડ સહિતની કોરોનાની રસીઓનો બચાવ કરતી  અને સલામત ગણાવતી હતી તેથી સરકારની ચાપલૂસી કરવા ડોક્ટરો અને સંશોધકોએ પણ હઈસો હઈસો કરીને રસી સલામત હોવાનું કોરસ શરૂ કરી દીધેલું. એસ્ટ્રાઝેનેકાની કબૂલાત પછી એ લોકોએ દેશની માફી માગવી જોઈએ. 

એસ્ટ્રાઝેનેકાની કબૂલાતના કારણે હવે તમામ કોરોના રસીઓ શંકાના દાયરામાં આવી ગઈ છે. આ સંજોગોમાં કોરોનાની રસીઓની આડઅસરો વિશે તમામ સરકારે અને કંપનીઓએ સ્પષ્ટતા કરવી જોઈએ. લોકોને અંધારામાં રાખીને કોરોનાની રસીઓ આપી દઈને જીવન સાથે ખેલ ખેલવાની રમત બંધ કરવી જોઈએ. 

ભારતમાં રસીના કારણે મોતને ભેટેલી બે છોકરીના કેસ સુપ્રીમ કોર્ટમાં

ભારતમાં જ હજારો લોકો કોવિશીલ્ડની રસીની આડઅસરોનો ભોગ બન્યા હશે. યુકેની હાઈકોર્ટે તો રસી બનાવનારી કંપનીને જવાબ આપવાની ફરજ પાડી જ્યારે ભારતમાં તો કંપનીનો જવાબ સુધ્ધાં માગવામાં નથી આવ્યો. ભારતમાં કોરોનાની રસી લીધા પછી ટીટીએસના કારણે મોતને ભેટેલી બે છોકરીનાં માતા-પિતા સુપ્રીમ કોર્ટમાં ગયાં છે. સુપ્રીમ કોર્ટે ભારત સરકારેને નોટિસ પાઠવી પણ સરકારે કોરોનાની રસીની આડઅસરના કારણે થતાં મોત માટે વળતર આપવા પોતે બંધાયેલી નથી એમ કહીને હાથ અધ્ધર કરી દીધા છે.

ટીટીએસના કારણે મોતને ભેટેલી બે છોકરીઓમાં હૈદરાબાદની રીથૈકા ૧૮ વર્ષની હતી જ્યારે કોઈમ્બતુરની કરૂણ્યા ૨૦ વર્ષની હતી. બંને છોકરી ૨૦૧૨માં કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધા પછી મોતને ભેટી હતી. રીથૈકાના પરિવારનો આક્ષેપ છે કે, કોરોનાની રસી સાથે જોડાયેલાં જોખમો અંગે પહેલેથી કોઈ જાણ નહોતી કરાઈ અને ફરજિયાતપણે રસી લેવાની છે એવું કહીને બધાંને રસી આપી દેવાઈ હતી. કરૂણ્યાના પરિવારનો આક્ષેપ છે કે, રસી લીધાના થોડા દિવસોમાં જ થ્રોમ્બોસિસના કારણે તેમની દીકરી બ્રેઈન ડેડ થઈ ગયેલી પણ સરકાર કે સત્તાવાળાં તરફથી કોઈ સંતોષકારક જવાબ નહોતો મળ્યો. બંનેએ તેમની દીકરીઓનાં મોતનાં કારણોની તપાસ માટે મેડિકલ બોર્ડ બનાવવાની અને આર્થિક વળતરની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ વર્ષથી કેસ ચાલે છે પણ કોઈ નિવેડો આવ્યો નથી.

જેમીના મગજને કાયમી નુકસાન, લખવા-વાંચવા, બોલવામાં તકલીફ, આંધે અંધાપો

એસ્ટ્રાઝેનેકા સામે પહેલો કેસ કરનારો જેમી સ્કોટ ૩૪ વર્ષનો છે અને બે દીકરાનો પિતા છે. આઈટી પ્રોફેશનલ જેમી કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધાના ૧૦ દિવસ પછી એક સવારે ઉઠયો ત્યારે તેને માથામાં ભયંકર દુઃખાવો થતો હતો, ઉલટીઓ થતી હતી ને બોલવામાં તકલીફ થતી હતી.  

જેમીને હોસ્પિટલ લઈ જવાયો ત્યારે બ્રેઈન હેમરેજ અને બ્લડ ક્લોટિંગનું નિદાન થયું. ક્લોટિંગના કારણે લોહી મગજ સુધી પહોંચતું નહોતું. જેમી પર સર્જરી કરાઈ અને એક મહિનો કોમામાં રહ્યો. ડોક્ટરોએ જેમીની પત્ની કેટને કહી જ દીધેલું કે, સર્જરી પછી જેમી બચી તો જશ પણ તેનું મગજ પહેલાંની જેમ કામ કરતું નહીં થાય. 

જેમી જીવી ગયો પણ અત્યારે તેને લખવા, વાંચવા, બોલવા, સાંભળવામાં તકલીફ પડે છે, યાદ પણ રહેતું નથી. બંને આંખે સાવ ઓછું દેખાય છે અને અંધાપાના આરે છે. સતત થાક લાગે છે અને દુઃખાવો થયા જ કરે છે. પત્ની કે બાળકો સાથે સામાન્ય જીંદગી જીવી નથી શકાતી.

Gujarat