For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

15 લાખની ચર્ચા ફરી શરૂ! PMએ કહ્યું - વિચારું છું કે ભ્રષ્ટાચારીઓના જપ્ત કરેલા પૈસા જનતામાં વહેંચી દઉં

Updated: Apr 26th, 2024

15 લાખની ચર્ચા ફરી શરૂ! PMએ કહ્યું - વિચારું છું કે ભ્રષ્ટાચારીઓના જપ્ત કરેલા પૈસા જનતામાં વહેંચી દઉં

- દેશભરમાં રૂ. 15 લાખની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ

- પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની સંપત્તિ સરકારના હાથમાં જતી રોકવા રાજીવ ગાંધીએ વારસાગત કરનો કાયદો રદ કરી દીધો

- તમારી સંપત્તિ લૂંટવાની કોંગ્રેસની યોજના અને તમારી વચ્ચે મોદી ઊભો છે

આગરા : લોકસભા ચૂંટણીમાં શુક્રવારે મતદાનનો બીજો તબક્કો છે ત્યારે આ પહેલાં 'મિશન ૪૦૦ પાર'ના લક્ષ્યાંક પર ધ્યાન કેન્દ્રિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશના આગરામાં ચૂંટણી રેલીને સંબોધન કરતાં એક નિવેદન કર્યું, જેણે દેશમાં ફરી એક વખત રૂ. ૧૫ લાખવાળી ચર્ચા શરૂ કરી દીધી છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડત ચાલુ રહેશે. જેમણે દેશને લૂંટયો છે તેમણે રૂપિયા પાછા આપવા પડશે. જોકે, હું વિચારું છું કે, ભ્રષ્ટાચારીઓના જપ્ત કરેલા રૂપિયા જનતામાં વહેંચી દઉં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આગરાની રેલીમાં વિપક્ષ કોંગ્રેસ સહિત ઈન્ડી ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડત ચાલુ રહેશે. જેમણે દેશને લૂંટયો છે, તેમણે નાણાં પાછા આપવા પડશે. આ સમયે તેમણે ઉમેર્યું કે, વિચારું છું કે ભ્રષ્ટાચારીઓના જપ્ત કરવામાં આવેલા રૂપિયા જનતાને વહેંચી દઉં.

તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય એ જ છે કે કલ્યાણકારી યોજનાઓનો લાભ બધા લોકોને મળે. વચેટિયા વિના મળે, લાંચ-રુશ્વત આપ્યા વિના મળે અને હકદારોને તેમનો અધિકાર જરૂર મળે. આ ભાજપનું સેચ્યુરેશન મોડેલ છે. અમારો સંકલ્પ છે, જે ભ્રષ્ટાચારી છે તેની તપાસ થાય. જેમણે ગરીબોને લૂંટયા છે તે લૂંટના રૂપિયા ગરીબોને મળે. હું આ અંગે વિચારી રહ્યો છું. તેમના આ નિવેદન સાથે રૂ. ૧૫ લાખવાળી ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીના આ નિવેદન સાથે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે સરકાર કોઈ યોજના પર કામ કરી રહી છે અથવા યુનિવર્સલ ઈન્કમ સ્કીમ જેવી કોઈ યોજનાની વાત હોઈ શકે છે.

વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી સમયે વડાપ્રધાન બનતા પહેલાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વિદેશમાંથી કાળુ નાણું પાછું આવે તો દરેક ભારતીયના બેન્ક ખાતામાં રૂ. ૧૫ લાખ આવશે. જોકે, પાછળથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ નિવેદનને એક 'કહેવત' સમાન ગણાવ્યું હતું અને તેનો શાબ્દિક અર્થ લેવો જોઈએ નહીં તેમ કહ્યું હતું. તેમણે આ નિવેદનને એક 'જુમલો' ગણાવ્યો હતો. વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન અંગે હજુ પણ તેમની મજાક ઉડાવતો રહે છે.

દરમિયાન વારસાગત કર અને સંપત્તિની વહેંચણી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે તેવા સમયે મધ્ય પ્રદેશના મુરૈનામાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પોતાના પરિવારની સંપત્તિ મુશ્કેલીમાં મુકાઈ ત્યારે કોંગ્રેસે કાયદો જ બદલી નાંખ્યો. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનું મૃત્યુ થયું તો તેમની સંપત્તિ મેળવવા અને આ સંપત્તિમાં સરકારને હિસ્સો આપવો ના પડે તે માટે રાજીવ ગાંધીએ વારસાગત કર સંબંધિત કાયદો બદલી નાંખ્યો હતો. આ પહેલા નિયમ હતો કે વારસાગત સંપત્તિ સંતાનોને મળે તે પહેલાં કેટલોક હિસ્સો સરકાર લઈ લેતી હતી. 

તેમણે ઉમેર્યું કે, આજે કોંગ્રેસ સત્તામાં આવતા આ જ કાયદો ફરી પાછો લાવવા માગે છે. તે તમારી સંપત્તિ લૂંટવા માગે છે. પરંતુ કોંગ્રેસની લૂંટ અને તમારી સંપત્તિ વચ્ચે આ નરેન્દ્ર મોદી ઊભો છે. તે તમારી સંપત્તિનું નુકસાન નહીં થવા દે.

Gujarat