For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી પંચે મોદી, રાહુલના ભાષણો અંગે ભાજપ-કોંગ્રેસને નોટિસ ફટકારી

Updated: Apr 26th, 2024

ચૂંટણી પંચે મોદી, રાહુલના ભાષણો અંગે ભાજપ-કોંગ્રેસને નોટિસ ફટકારી

- બંનેને 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધી જવાબ દાખલ કરવા આદેશ

- રાજસ્થાનના બાંસવાડામાં મોદીએ આપેલા ભાષણ જ્યારે તમિલનાડુ, કેરળમાં રાહુલના વક્તવ્ય અંગે ચૂંટણી પંચની લાલ આંખ

નવી દિલ્હી : વડાપ્રધાન વિરુદ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદો પર પ્રથમ વખત કાર્યવાહી કરતા ચૂંટણી પંચે ભાજપ પ્રમુખ જે પી નડ્ડાને નોટીસ ફટકારી છે. આ નોટિસ કોંગ્રેસેની ફરિયાદને આધારે ફટકારવામાં આવી છે. આ ફરિયાદમાં કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે રાજસ્થાનના બાંસવાડામાં વડાપ્રધાન મોદીએ વિભાજનકારી ભાષણ આપ્યું છે.

જો કે ચૂંટણી પંચે રાહુલ ગાંધીની ટિપ્પણી બદલ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પણ નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે બંને પક્ષોને ૨૯ એપ્રિલે સવારે ૧૧ વાગ્યા સુધી જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ એપ્રિલે રાજસ્થાનના બાંસવાડાની રેલીમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો લોકોની સંપત્તિઓ લઇને વધારે બાળકોવાળા અને ઘુસણખેોરો વચ્ચે વહેંચી દેવામાં આવશે. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે સરકાર બનવા પર મા-બહેનોના સોનાનું હિસાબ કરીશુ, તેની માહિતી મેળવીશું અને પછી તેને વહેંચી દઇશું.મોદીના આ નિવેદન અંગે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

બીજી તરફ ભાજપે આરોપ મૂક્યો હતો કે રાહુલ ગાંધીએ તમિલનાડુમાં ભાષાના આધારે લોકોની વચ્ચે ભ્રમ ફેલાવી રહ્યાં છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી પોતાના ભાષણોમાં ભાષાને આધારે ઉત્તર અને દક્ષિણ ભારતને વિભાજિત કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. 

ભાજપની ફરિયાદ અનુસાર રાહુલે આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન આપણી ભાષા, ઇતિહાસ અને પરંપરા પર હુમલો કરી રહ્યાં છે. વડાપ્રધાન એક રાષ્ટ્ર, એક ભાષા અને એક ધર્મની નીતિ પર કાર્ય કરી રહ્યાં છે.

Gujarat