For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શિક્ષકે મને હથેળી પર દંડો માર્યો, મેં 10 દિવસ માતા-પિતાથી હાથ છુપાવ્યો હતો, ચીફ જસ્ટિસનું દર્દ છલકાયું

Updated: May 5th, 2024

શિક્ષકે મને હથેળી પર દંડો માર્યો, મેં 10 દિવસ માતા-પિતાથી હાથ છુપાવ્યો હતો, ચીફ જસ્ટિસનું દર્દ છલકાયું

CJI DY Chandrachud : નેપાળની સુપ્રીમ કોર્ટ દ્વારા ‘કિશોર ન્યાય’ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચૂડે ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે તેમના શાળાના દિવસોને યાદ કરીને ઘણાં મહત્ત્વના મુદ્દાની વાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્કૂલમાં શિક્ષક દ્વારા પડેલો માર અને તેના કારણે થયેલી શારીરિક-માનસિક પીડાની પણ માહિતી આપી હતી.

મેં શિક્ષકને હાથ પર દંડો નહીં મારવા વિનવણી કરી હતી 

હાલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ નેપાળના પ્રવાસે છે. આ કાર્યક્રમમાં તેમણે બાળપણનો કિસ્સો યાદ કરતા કહ્યું કે, ‘હું પાંચમા ધોરણમાં હતો ત્યારે ક્રાફ્ટ વર્કમાં યોગ્ય સાઈઝની સોય નહોતો લઈ ગયો. ત્યારે શિક્ષકે મને હથેળીમાં દંડો મારીને સજા કરી હતી. મને હજુ પણ યાદ છે કે, મેં તેમને હાથ પર નહીં પણ પીઠ પર દંડો મારવાની વિનંતી કરી હતી. આમ છતાં, તેમણે મને હથેળીમાં માર્યું અને ઘરે ખબર ના પડે માટે મેં દસ દિવસ સુધી માતા-પિતાથી હાથ છુપાવ્યો હતો.’ 

બાળકો સાથેના દુર્વ્યવહારની અસર ઘણી ઊંડી પડે છે 

આ વાત કરતા તેમણે કહ્યું કે, ‘બાળકો સાથેના દુર્વ્યવહારની તેમના મગજ પર ઊંડી અસર પડે છે. એ ઘટનાએ મારા હૃદય અને આત્મા પર પણ ઘણી ઊંડી છાપ છોડી હતી. એ વાત હું આજેય નથી ભૂલ્યો. આર્થિક અને સામાજિક અસમાનતાના જટિલ પડકારોના કારણે જ બાળકો ગુનાઈત વ્યવહાર કરવા પ્રેરાય છે.’

મેં માતાપિતાથી આ વાત દસ દિવસ છુપાવી રાખી હતી 

આ વાત આગળ વધારતા તેમણે કહ્યું કે, ‘મારી સાથે સ્કૂલમાં બનેલી ઘટના માતા-પિતાને કહેવામાં મને ખૂબ શરમ આવી રહી હતી. એટલું જ નહીં મેં થોડા દિવસો સુધી ચૂપચાપ પીડા સહન કરી અને મારા શરીર પરના નિશાન છુપાવ્યા. આજે પણ હું ક્યારેક કામ કરતો હોઉં, ત્યારે આ વાત યાદ આવે છે. બાળકોનો ઉપહાસ થયો હોય તેની છાપ પણ ઘણી ઊંડી હોય છે.’

જુવેનાઈલ જસ્ટિસ મુદ્દે પણ મુદ્દાસર રજૂઆતો કરી 

આ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ‘ભારતમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ હતી, જેમાં કિશોર વયની બળાત્કાર પીડિતાના ગર્ભપાત કરાવવાની મંજૂરી માંગવામાં આવી હતી. જો કે ભારત સહિત દુનિયાભરમાં જુવેનાઈલ જસ્ટિસ સામે ઘણાં પડકારો છે. તેમાં સૌથી મોટો પડકાર અપૂરતું પાયાનું માળખું અને સંસાધનો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. આ કારણસર જુવેનાઈલ જસ્ટિસ કેન્દ્રોમાં ખૂબ જ ભીડ હોય છે. ત્યાંની સ્થિતિ કંગાળ છે. એટલે જ કિશોરવયના ગુનેગારોને યોગ્ય સહાય આપવી અને પુનર્વસન આપવાના પ્રયાસમાં મુશ્કેલી આવી શકે છે.’

Gujarat