For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આપના નેતા જેલમાં, સાપના મિત્રો ગેલમાં

Updated: May 3rd, 2024

આપના નેતા જેલમાં, સાપના મિત્રો ગેલમાં

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

દૂધ પાઈને સાપ ઉછેરવાની કહેવત બધાએ સાંભળી જ હશે, પરંતુ કહેવતમાં નહીં, પણ ઘર ઘરમાં સાપ ઉછેરવામાં આવતા હોય એ ઝટ માન્યામાં ન આવે, કારણ કે સામાન્ય રીતે ખેતરમાં, ઘરમાં કે પછી આંગણામાં પણ સાપ નીકળે ત્યારે ડરના માર્યા લોકો ભાગમભાગ કરી મૂકતા હોય છે ત્યારે હર ઘરમાં સાપ પાળવામાં આવતા હોય એ કેમ માન્યામાં આવે? જો કે આ હકીકત છે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લા શેતપાલ ગામની, જ્યાં દરેક ઘરમાં સાપનો વાસ છે. ૨૬૦૦ની વસતીવાળા ગામના  રહેવાસીઓ  સાપને જોઈ ડરતા નથી, બલ્કે સાપની પૂજા કરે છે. તેઓ સાપને કનડતા નથી, સાપને મિત્ર માને છે. ગામના લોકો જરાય ડર રાખ્યા વિના સાપની સાથે જ જીવન ગુજારે છે. ગામના બાળકોનો સાપોલીયાં સાથે મજાથી રમતા જોવા મળે છે. 

આ જોઈને આજની પરિસ્થિતિના સંદર્ભમાં કહી શકાય કે નેતા આપના જેલમાં અને મિત્રો સાપના ગેલમાં. આજથી લગભગ ૬૦ વર્ષ પહેલાં ગામમાં સાપોની બહુ દહેશત હતી. લોકો સાપ નીકળે ત્યારે તેને મારી નાખતા હતા. એ અરસામાં બાબુરાવ નામનો શખ્સ ગામમાં આવ્યો અને તેણે સાપને બચાવવાનો સંકલ્પ કર્યો. તેણે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સાપ અને ઈન્સાન વચ્ચે ભયને બદલે પ્રેમનો નાતો કઈ રીતે બંધાય એ લોકોને શીખવવાનો ભેખ લીધો. લોકોને સમજાવ્યું કે સાપ દુશ્મન નહીં દોસ્ત છે, ખેતરોમાં પાકનું ઊંદર સામે રક્ષણ કરે છે. ધીરે ધીરે લોકોના મનમાંથી ડર નીકળતો ગયો અને આજે સાપ એમના જીવનનો હિસ્સો બની ગયા છે. માણસ કરતાં સાપ ઓછા ઝેરીલા ને ડંખીલા હોય છે એ જાણી ગયેલા શેતપાલ ગામના લોકો પહેલે આપ... પહેલે આપ...ને બદલે પહલે સાપ... પહલે સાપ કહેતા સંભળાય છે.

મેકઅપ કરાવતા પ્રિન્સિપાલ મારકણી બની

લગ્ન-પ્રસંગે અથવા તો વાર-તહેવારે મહિલાઓ બ્યુટી-પાર્લરમાં જઈને મેકઅપ કરાવતી હોય છે એ તો સહુ જાણે છે, પરંતુ ઉત્તર પ્રદેશના ઉન્નાવની એક સ્કૂલમાં મહિલા પ્રિન્સિપાલ કિચનમાં જઈને એક મહિલા પાસે ફેશિયલ અને મેકઅપ કરાવતી હતી ત્યારે એક ટીચર ચોરીછૂપીથી મોબાઈલમાં વીડિ યો ઉતારવા માંડી. પ્રિન્સિપાલનું ટીચર તરફ ધ્યાન જતા એવી તો વિફરી કે તેની મારપીટ કરી, એટલું જ નહીં , બન્ને હાથે બચકાં ભરી લીધા. આટલાથી તેનો ક્રોધ શાંત ન થતા બાજુમાં પડેલી ઈંટ ઉપાડી શિક્ષિકાને મારી હતી. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતા લોકોએ મારકણી મહિલા પ્રિન્સિપાલ પર ફિટકાર વરસાવ્યો હતો.

ધરતી પરના સ્વર્ગમાં મૂક-બધિરનું ગામડું

થોડાં વર્ષો પહેલાં જ ધરતી પરનું સ્વર્ગ કાશ્મીર ધરતી પરના નર્કમાં ફેરવાઈ ગયું હતું. હિંસાચાર, પથ્થરબાજી અને આતંકવાદીઓના હુમલાથી કાશ્મીર સળગતું હતું. ઘણા વખતે કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ છે. આ જ કાશ્મીરમાં એક એવું ગામડું છે, જ્યાં પહેલેથી શાંતિ વર્તાય છે. કારણ, મૂક-ગાંવ તરીકે ઓળખાતાં દધકઈ નામના ગામડાના અનેક પરિવારોમાં ઓછામાં ઓછી એક વ્યકિત મૂક-બધિર છે. બોલી કે સાંભળી ન શકતી આ ગામની ત્રણ યુવતીઓએ આ વખતે લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર મતદાન કર્યું હતું. ખોબા જેવડા ગામડામાં ૧૫૦ પરિવારો વસવાટ કરે છે, આમાંથી ૫૫ પરિવારોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મૂક-બધિર છે. આ બધી વ્યક્તિઓ ઈશારાની ભાષા (સાઈન લેન્ગવેજ)થી એકબીજા  સાથે કમ્યુનિકેટ કરે છે. ગમે એવી ઉગ્ર ચર્ચા કરતા હોય તો સાવ નજીક બેઠેલાને પણ અણસાર ન આવે કે શું ચાલી રહ્યું છે. કેવી શાંતિ લાગે! 

આ ગામ વિશે જાણીને સવાલ કરવાનું મન થાય કે ભાષણો ફફડાવીને, બરાડા પાડીને ગામ ગજાવતા અનેે એકબીજા ઉપર આળ અને ગાળના મિસાઈલ છોડતા લીડરોને  ફરજિયાત આ સાઈન લેન્ગવેજ શીખવી દેવામાં આવે તો કરોડો દેશવાસીઓના કાન કકળાટથી  વિંધાતા બચી જાય કે નહીં?

ભગતસિંહે પૂછ્યું, 

બાબા રબડી લાયે?

નજર સામે મોત મોઢું ફાડીને ઊભું હોય ત્યારે મીઠાઈ યાદ આવે? ન જ આવેને? પણ પરતંત્ર ભારતને આઝાદ કરવાની તમન્ના સાથે હસતા મુખે ફાંસીના માંચડે ચડી ગયેલા મહાન શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની વાત જ અનોખી હતી. એક હિન્દી દૈનિકમાં ટાંકવામાં આવેલા યાદગાર પ્રસંગ મુજબ, સાઈમન કમિશનના બહિષ્કાર માટેના આંદોલનમાં લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લેવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ અંગ્રેજ સુપરિન્ટેન્ડન્ટ સોન્ડર્સની હત્યા કરીને ત્રણેય ફરાર થઈ ગયા અને એક વર્ષ  આગ્રામાં રહ્યા હતા. નૂઈ દૂરી દરવાજા વિસ્તારમાં ઘર ભાડે લઈ ત્રણેય રહેતા હતા. આ ઘરની સામે જ એક હલવાઈની દુકાન હતી ત્યાં જઈને ત્રણેય રબડી ખાતા અને ટેસથી દૂધ પીતા હતા. આગ્રાના  આ ઘરમાં જ બોમ્બ બનાવીને તેમણે સંસદમાં ફેંકી ધમાકો બોલાવી દીધો હતો. 

એક વર્ષ પછી ત્રણેય ક્રાંતિકારીઓ પકડાયા અને તેમને લાહોર લઈ જવામાં આવ્યાં. લાહોરની કોર્ટમાં કેસની સુનાવણી ચાલુ થઈ ત્યારે જુબાની આપવા માટે આગ્રાના હલવાઈને પણ લાહોર બોલાવવામાં આવ્યા હતા. ભગતસિંહ હલવાઈને પ્રેમથી બાબા કહીને બોલાવતા હતા. ભર અદાલતમાં ત્રણેય નરબંકા જરા પણ ભય વિના જોશભેર ઊભા હતા. ભગતસિંહનું ધ્યાન જુબાની આપવા આવેલા હલવાઈ બાબા પર પડયું. તરત ભગતસિંહે પૂછ્યું 'બાબા, આજ મેરે લિયે રબડી નહીં લાયે?' આ શબ્દો સાંભળી હલવાઈ બાબાની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યા. આ જોઈને ભગતસિંહે કહ્યું 'બાબા, રોતે ક્યો હો? આપકી ગવાહી ચાહે કૈસી ભી હો, હમ તીનોં કો ફાંસી તો હોનેવાલી હૈ, ફિકર મત કરો,  અગલી બાર આઓ તો રબડી જરૂર લેકે આના.' 

આ ઘટના ત્રણેય ક્રાંતિવીરોની બહાદુરી અને દેશ ભક્તિની સાથે જ મસ્ત મિજાજની ગવાહી આપે છે.

કેરી બચાવો

જાંબુ પચાવો

કોંકણ અને ગોવા તરફ થતી અલફાન્ઝો (આફૂસ) અને બીજી કેરીઓના પાકના રક્ષણ માટે ખેડૂતોએ બહુ મહેનત કરવી પડે છે. ગોવામાં તો વાનરોને કેરીનો ટેસ્ટ એવો દાઢે વળગ્યો છે કે આંબાવાડીઓમાં ઘૂસણખોરી કરી ટેસથી કેરી ઝાપટતા હોય છે. ગોવાના એક ખેડૂતે કેરીને બચાવવા માટે દેશી જુગાડ અજમાવ્યો. તેણે આંબાના વૃક્ષની આસપાસ ઉગેલા કાળા જાંબુના ઝાડ ઉપર પાક્કા જાંબુ ભરેલી નાની નાની થેલીઓ લટકાવીને વાનરોને લલચાવ્યા. ખટમીઠ્ઠા જાંબુનો તૈયાર માલ ખાવા મળતા વાનરસેના કાચી અને ખાટ્ટી કેરી ખાવાનું પડતું મૂકી જાંબુના ઝાડ તરફ વળી. આમાં એક કાંકરે બે પક્ષી માર્યાનો જુગાડ કર્યો. એક તો મોંઘી કેરીનું રક્ષણ થાય છે અને બીજી બાજુ પૌષ્ટિક જાંબુ વાનરો ખાય છે. જાંબુ ન્યુટ્રાસ્યૂટિકલ ફળ ગણાય છેે. જાંબુમાં વિટામીન સી ભરપૂર હોય છે અને ગ્લુકોઝ ફ્રુકટોઝનું  પ્રમાણ ઓછું હોવાથી ડાયાબિટિસના દરદીઓ પણ ટેસથી ખાઈ શકે છે. માણસ તો સદીઓથી જાંબુ ખાય છે પણ હવે તો માનવના પૂર્વજ ગણાતા વાનરો પણ જાંબુ ખાવા માંડયા છે  આ જોઈને કહેવું પડે કે-

કિસાન કેરી બચાવે

વાનર જાંબુ પચાવે.

પંચ-વાણી

સનની ગરમી હોય ત્યારે ક્યારેક લાગે સન-સ્ટ્રોક 

...અને ધનની ગરમી હોય એને લાગે ધન-સ્ટ્રોક

Gujarat