For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભૂલશો નહીં કે ગણતંત્ર એ આમ્રવૃક્ષ છે, હજારો બાવળ વચ્ચે એ ઊગે છે

Updated: May 2nd, 2024

ભૂલશો નહીં કે ગણતંત્ર એ આમ્રવૃક્ષ છે, હજારો બાવળ વચ્ચે એ ઊગે છે

- એક પક્ષની ઉન્નતિ બીજા પક્ષની ઈર્ષાનું કારણ બને છે 

- ચોટ પર ચોટ ખાતા રહા હે આદમી,

ફિર ભી સદા હંસતા રહા હૈ આદમી.

ગઈકાલનો ઇતિહાસ આવતીકાલનો સંદેશ બને છે. આજે આપણા લોકશાહી દેશમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભૂતકાળના એ ગણતંત્રનું સ્મરણ થાય છે. એનો ઇતિહાસ આજે રસપ્રદ છે અને આવતીકાલને માટે એ માર્ગદર્શક છે.

હકીકતમાં ગણતંત્ર એ આમ્રવૃક્ષ છે. હજારો બાવળ વચ્ચે એ ઊગે છે, ત્યારે પ્રતિસ્પર્ધી એને બાળી નાખવા મથે છે. વળી, ગણતંત્રમાં વાવનાર જુદા હોય છે, ને ફળ ખાનાર જુદા હોય છે. રાજા રાજ્યને વધારે અને ખીલવે કારણ કે એનો વારસો એના રાજકુમારને મળવાનો છે. ગણતંત્રમાં તો આજની ઘડી રળિયામણી, કાલ કોણે દીઠી છે?

આમાં સમજે તો સહુની જવાબદારી. ન સમજે તો કોના બાપની દિવાળી? જરા, ઇતિહાસનાં પૃષ્ઠો ઉકેલીએ. આજનું બસાઢ એટલે જૂનું વૈશાલી. વૈશાલીનું પંચાયતીરાજ એ ઇતિહાસ પ્રસિદ્ધ બીના છે. અહીં પ્રજા રાજાને ચૂંટતી. રાજા પ્રજાના વિશ્વાસને અનુરૂપ કલ્યાણકાર્ય કરતો.

એક દેશની ઉન્નતિ બીજા દેશના તેજોદ્વેષનું કારણ બને છે. એક પક્ષની ઉન્નતિ બીજા પક્ષની ઇર્ષાનું કારણ બને છે. વૈશાલીના ગણતંત્ર પર આજુબાજુનાં રાજ્યો લાલ આંખ કરીને બેઠાં હતાં. એમાંય સામ્રાજ્યવાદમાં માનનાર નરવ્યાઘ્ર મગધપતિ અજાતશત્રુની લાલ આંખ તો સદા એના પર પડેલી જ હતી. એ જાણતો હતો કે, વૈશાલી જીવશે તો મગધમાંથી રાજાનું જડમૂળ નીકળી જશે. જો મગધપતિએ જીવવું હોય તો વૈશાલીના ગણતંત્રનો વિનાશ કર્યે જ છૂટકો!

એકનું જીવન એ બીજાનું ઝેર. એકનું ઝેર એ બીજાનું જીવન.

એક વાર મગધપતિ અજાતશત્રુએ ભરી સભામાં ગર્જના કરતાં કહ્યું : 'વૈશાલી ખતરનાક છે. હું એનો એવો વિનાશ કરીશ કે એની ધરતી પર ગધેડા જોડેલું હળ ફરશે.'

વૈશાલીના વિખ્યાત યોદ્ધાઓને આ વામણા લોકોની ચાંપલાશ લાગી. એના તરફ નજર નાખવાની પણ પરવા ન કરી. જે દિવસે મગધનું સૈન્ય ચડી આવશે, એ દિવસે ચપટીમાં ચોળાઈ જશે. બિચારા મગધના લોકોએ વૈશાલીના લિચ્છવી અને વજ્જિ યોદ્ધાઓ ક્યાં જોયા હતા?

લિચ્છવી યોદ્ધાઓ લાકડાની પાટ પર અને લાકડાના ઓશીકે સૂતા. વિદ્યાર્થીજીવન દરમ્યાન સ્ત્રીનું મોં સુધ્ધાં જોતા નહીં. મા-બાપ નમાલાં બાળકો જન્મ આપવાનું ઇચ્છતાં નહીં. પૂરી ઊંચાઈવાળા, પુષ્ટ દેહવાળા, તેજસ્વી નેત્ર અને સશક્ત હાથપગવાળા એ મહારથીઓ હતા. સ્વર્ગનાં દેવ- દેવી ભલે ન જોયાં હોય, પણ વૈશાલીનાં આ કુમાર-કુમારિકાને જોવાં હોય તો મન ધરાઈ જાય!

મજબૂત જુવાનોએ વૈશાલીની મહત્તા સ્થાપી, મહત્તામાંથી સત્તા આવી. જુવાનો વધુ સ્વતંત્ર અને શોખીન બનતા હતા. સુંવાળી તળાઈઓમાં અને સુગંધી પલંગોમાં પોઢવા લાગ્યા. પેય-ખાદ્ય પરના પ્રતિબંધો હળવા કર્યા. શક્તિના અભિમાને એમને અશક્તિમાન બનાવ્યા.

પહેલાં ફક્ત શસ્ત્રના ભરોસા પર ભયંકર અટવીઓમાં ચાલ્યા જતા. ખૂનખાર વનચરોનો શિકાર કરતા. આમાં મોતને અને એમને હાથવેંતનું છેટું રહેતું અને આમાંથી એ મૃત્યુંજય સર્જાતા. શોભે તેવું પરાક્રમ કરીને જુવાનીમાં જ સ્વર્ગમાં સંચરી જવું એ એમનો શોખ હતો. બુઢાપો વળી પોતાને શું મારે?

જે લિચ્છવી કુમારો કઠોર વિદ્યાઓની સાધનામાં રત રહેતા, તેઓ હવે નૃત્યગીત અને સંગીત પાછળ ઘેલા થયા. એથીય આગળ વધીને રાજકર્તાઓ નટ અને નર્તકીઓના શોખીન બન્યા.

નૃત્ય તો કુમાર અને કુમારિકા સાથે હોય ત્યાં સુધી જ જામે! સૌંદર્યના ઝરણસમી કુમારિકાઓ મેદાને પડી. અગ્નિ ન હોય ત્યાં સુધી ઘી ગરમ કેમ થાય? સ્ત્રી તો પ્રેરણા છે! સ્ત્રી પ્રેરણામૂર્તિ બની પુરુષોની! એના વગર ચેન ન પડે. વિહારમાં એ, ગીતમાં એ, સંગીતમાં એ. સ્વર્ગનું મહત્ત્વ ભુલાઈ ગયું અને વૈશાલી પૃથ્વી પર સ્વર્ગ બની ગયું. સૌંદર્યોપાસના એ વૈશાલીના કુમારોનો, લિચ્છવી યોદ્ધાઓનો અને વજ્જિ શૂરવીરોનો શોખ બની ગયો. હવે એક પરમ સુંદર કન્યા પાછળ પાંચ-પાંચ અને પચ્ચીસ-પચીસ લિચ્છવી કુમારો હરીફાઈ કરવા લાગ્યા. સમય અને શૂરવીરતાનો ઉપયોગ સૌંદર્ય મેળવવા માટે થવા લાગ્યો.

આ સૌંદર્યને હસ્તગત કરવા માટે રાત-દિવસ મારામારી થવા લાગી. આખરે વૈશાલીના સંથાગાર(રાજભવન)માં ઠરાવ કરવામાં આવ્યો કે જે કન્યા અતિ રૂપાળી હોય એણે લગ્ન ન કરવાં. લગ્ન થશે તો હરીફ યોદ્ધાઓ પરસ્પર કપાઈ મરશે.

અતિ સૌંદર્યવતી કન્યા નગરવધૂ બને. એને જનપદકલ્યાણીનું બિરુદ મળે. એ પોતાના સૌંદર્યથી, નૃત્યથી, ગીતથી સહુનું મનોરંજન કરે. લોકરંજન એ જ એનો જીવનધર્મ. પતંગિયાં પડીને બળી ન મરે એટલા માટે દીવાની આજુબાજુ દીવાલ ચણી લેવાઈ! ગણતંત્રમાંય રાજા અને સામંતોનું સંગઠિત જૂથ રહેતું. બહુમતીની તલવાર રાજ કરવા લાગી. માણસ દેશ-ધર્મ ભુલી પક્ષ-ધર્મની સેવામાં લાગી ગયો. પક્ષ એ જ એનો ભગવાન!

બળવાન જૂથે આ 'સૌંદર્યરક્ષણ'નો કાયદો પસાર કરાવી દીધો, કેટલીય રૂપવતી કુમારિકાઓ નગરવધુ બની ગઈ. આ જનપદ-કલ્યાણીઓની પૂજા થવા લાગી. ઘરની સ્ત્રી ઘરને ખૂણે બેઠી, જનપદકલ્યાણીમાં આમ્રપાલી અગ્રેસર નીકળી. વૈશાલીનું યૌવન એના પર વારી જવા લાગ્યું. વૈશાલીનું રાજ ગણતંત્રનું, મગધનું રાજ રાજાશાહીનું. રાજાશાહી આ ગણતંત્રની પ્રણાલિકાથી ભયમાં મુકાઈ હતી. વૈશાલીના શિથિલ અને સુંવાળા રાજશાસનનો લાભ લેવાવા માંડયો. ગણતંત્રના શત્રુઓ વૈશાલીમાં ઠે૨ ઠે૨ અડ્ડા નાખવા લાગ્યા. મગધનો રાજા આમ્રપાલીના ઘરમાં રહ્યો. આમ્રપાલી ગર્ભવતી બની.

નગરમાં નૃત્ય-ગીતનો શોખ બેહદ વધ્યો. સ્ત્રીસૌંદર્યની ઝંખના આપોઆપ જાગી. દેશદેશનાં સૌંદર્ય વૈશાલીમાં આવ્યાં. મગધપતિને ત્યાંથી મગધેશ્વરી નામની રમણીય નારી અહીં આવી. પ્રચંડ નાગોને આ સુંદર નાગણે વશ કર્યા.

મગધેશ્વરી સેવામૂર્તિ બની ગઈ. ધીરે ધીરે વૈશાલીના એક સંત પર એની મોહિની અસર કરી ગઈ. સંતની સેવા કરીને મગધેશ્વરી વૈશાલીની બની ગઈ. સંત અને સુંદરીની એક ગાંઠ થઈ. મગધેશ્વરી સાધુને લઈને મગધપતિ પાસે ગઈ. આ સમયે મગધનો બ્રાહ્મણ મંત્રી વસ્સકાર વૈશાલીની મુલાકાત લઈને પાછો ફર્યો હતો. એણે કહ્યું : 'કુસંપ કરાવ્યા વગર દેવો પણ વૈશાલીનો નાશ કરી શકે તેમ નથી!'

મગધપતિએ એ કામ સંદેશો લાવનાર બ્રાહ્મણમંત્રી વસ્સકારને સોંપ્યું. મગધના દરબારમાં એક નાટક ભજવાયું. મંત્રી વસ્સકાર પર આરોપ મૂક્યો કે એણે મગધની ખાનગી વાતો વૈશાલીમાં પહોંચાડી છે.

 એને મગધમાંથી હાંકી કાઢવાનો હુકમ થયો. બ્રાહ્મણમંત્રી વસ્સકાર રોતોકકળતો વૈશાલીના આશરે જઈ રહ્યો. વૈશાલી તો ઉદાર રાજ! મહાન આદર્શોમાં રાચનારું! એણે મંત્રીને આશ્રય આપ્યો. વૈશાલીનો એ બની ગયો.

મગધપતિ અજાતશત્રુ સતત વૈશાલીના વિનાશ પાછળ લાગ્યો હતો. એણે જાણ્યું કે, લોકોને પહેલાં શ્રદ્ધાહીન કરવા જોઈએ. લોકોને એક સ્તૂપમાં શ્રદ્ધા હતી. એ જ્યાં સુધી અખંડ રહે ત્યાં સુધી કોઈ કશું કરી શકે નહીં. મગધપતિએ એ કામ સાધુને માથે નાખ્યું. સાધુ, બ્રાહ્મણ અને સુંદરીની ત્રિપુટીએ જગતના મહાન આદર્ર્શસમા રાજ્યના પાયા પોલા કરવાનું પોતાનું કામ શરૂ કર્યું. લિચ્છવીના લોકો પૈસાના પિપાસુ ન હતા, પણ દેશના ભૂખ્યા હતા. ત્રણે જણાએ એકબીજાં પ્રતિસ્પર્ધી જૂથોને મળીને ચડાવવા માંડયાં. આમ ભેદ પડતો ચાલ્યો. એમાં કોઈ આગળ વધીને એક કામ કરે તો બીજા એમાં વાંધા કાઢવા લાગે. કામ કરનાર કરતાં વાંધા કાઢનાર વીર ઠર્યા!

ધીરે ધીરે આખા રાજ્યમાં એટલી કડવાશ પ્રસરી ગઈ કે બે માણસો એક રસ્તા પર શાંતિથી ચાલી ન શકે. આ વખતે મગધપતિના બે ભાઈઓ પોતાના ભાઈથી રિસાઈને વૈશાલીના આશ્રયે આવ્યા. વૈશાલી તો પરદુ:ખભંજન રાજ્ય હતું. એણે બંને મગધકુમારોને આશ્રય આપ્યો. મગધપતિએ પોતાના ગુનેગાર પોતાને હવાલે કરવા કહ્યું. વૈશાલી હા કહે તો તો તેની કીર્તિને ઝાંખપ લાગે.

મગધપતિ સેના લઈને ચઢી આવ્યો. આ વખતે ખરેખરી તમન્નાથી લડનારાઓમાં અગ્રેસર એક જ હતો - રાષ્ટ્રપતિ ચેટક. એણે જોયું કે વૈશાલીનાં સૈન્યો વિખવાદમાં પડયાં છે. રાષ્ટ્રપતિ ચેટકે ઘનઘોર યુદ્ધ ખેલ્યું. આખરે એણે જોયું કે વૈશાલીને બચાવવાનો માર્ગ માત્ર આત્મસમર્પણ જ છે. એણે જળસમાધિ લીધી. વૈશાલીનો મૂર્છિત પ્રાણ જાગી ઊઠયો. બધા એક થઈ ગયા, ને યુદ્ધ આરંભ્યું. પણ ઘણું મોડું થયું હતું. વૈશાલી હાર્યું.

સંગઠનનો મહિમા મોડો સમજાયો!

પ્રસંગકથા

ઓનલાઇન યોદ્ધાઓનો ચૂંટણીજંગ 

એક યુવાનને મોટી મોટી વાતો કરવાની ટેવ. જ્યાં જાય ત્યાં વાત એવી કરે કે સામી વ્યક્તિને થાય કે આ યુવાન તો ભારે બહાદુર છે. ઘરમાં પણ આવી જ વાતો કરે. ક્યારેક એની માતાને કહે કે આજે રસ્તામાંથી જતો હતો. મેં જોયું કે બે ધાડપાડુઓ ધાડ પાડવા આવ્યા છે. ખોંખારો ખાઇને એમને પડકાર્યા અને ખોંખારોનો અવાજ સાંભળતાં જ ધાડપાડુઓ ભયભીત થઇને ભાગી ગયા હતા.

એકવાર આ યુવાન કુસ્તી કરવા ગયો. કુસ્તીમાં હારી ગયો. નિરાશ થઇને ઘેર આવ્યો. એને ઉદાસ જોઇને એની માતાએ પૂછ્યું કે, 'કેમ આજે ઉદાસ છે?'

જુવાને પોતાની બહાદુરી બતાવતા કહ્યંુ, 'અરે મા ! આજે તો એક પહેલવાનને પછાડીને આવ્યો છું. પહેલવાને મને હરાવવા ઘણી કોશિશ કરી, પણ પહેલવાનને મેં બરાબર પછાડયો.'

માતાને પુત્રની વાત પર ભરોસો ન હોતો. એથી પૂછયું, 'બેટા, એ પહેલવાને પછાડયો કઇ રીતે?'

છોકરાએ જવાબ આપ્યો, 'અમ્મા હમને મલ્લ પછાડા, છાતી ઉપર ધમ્મ. જો શરમિંદા નીચે દેખે, ઉપર દેખે હમ.'

મા દીકરાનું પરાક્રમ સમજી ગઇ. એને ખ્યાલ આવ્યો કે પોતાનો દીકરો હારીને આવ્યો છે, એની છાતી પર તો મલ્લ બેઠો હતો. કુસ્તીમાં જે ઉપર બેઠા હોય, તે નીચે જુએ છે. નીચે પડયો હોય તે ઉપર જ જુએ છે. મા સમજી ગઇ કે પોતાનો દીકરો હારને પણ જીત તરીકે ખપાવે છે.

- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આ વખતની ચૂંટણીમાં મતદારો એવી આભાસી દુનિયાનો સામનો કરી રહ્યા છે, જેવી રીતે પેલા દીકરાએ હારને જીતમાં ખપાવી હતી. અત્યારના ચૂંટણી જંગમાં માતા સોશિયલ મીડિયા દ્વારા દરેક પોતાની જીત બતાવવાની કોશિશ કરે છે. એક સમયે જનમેદની એકઠી કરવા માટે લોકરંજન કરવામાં આવતું. અભિનેતાઓને નિમંત્રણ અપાતું. આજે ઇન્ફલ્યુએન્સરની મદદ લેવાય છે. સોશિયલ મીડિયા પર પ્રભાવ ધરાવનારા ઇન્ફલ્યુએન્સર એટલે કે જાણીતા ચહેરાઓ નાના વીડિયો, રીલ્સ દ્વારા શહેર, ગામ અને દૂર દૂરનાં વિસ્તારો સુધી પક્ષની અને નેતાની વાત પહોંચાડે છે.

આ ઇન્ફલ્યુએન્સરને કારણે ઉમેદવારને કે કાર્યકર્તાને મતદાતાના બારણે-બારણે ફરવાની જરૂર રહી નથી. પહેલાં બૂથ કાર્યકર્તાઓની ફોજ ખડી કરવામાં આવતી. હવે ઓનલાઇન યોદ્ધાઓની સેના ઊભી કરવામાં આવે છે, જે ચોવીસે કલાક પક્ષ કે નેતાની છબી ચમકાવતા રહે છે. બૂથ કાર્યકર્તાને બદલે તૃણમૂલ કોંગ્રેસે પચાસ હજાર ઓનલાઇન કાર્યકર્તાની ભરતી કરી.

મેદાની દાવપેચ ગઇકાલની વાત બની ગયા. હવે આભાસી પ્રચારકો સોશિયલ મીડિયા પર નજર રાખે છે અને કેટલાક તો ટ્રોલ કરનારા એટલે કે વિરોધી પર હુમલો કરનારાને મોટી રકમ આપીને કામે લગાડે છે. આ છે આજનું ચૂંટણીયૂદ્ધ.

Gujarat