For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની દાદાગીરી ફિલિપાઈન્સ સાથે ફરી ઘર્ષણ

Updated: May 3rd, 2024

દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની દાદાગીરી  ફિલિપાઈન્સ સાથે ફરી ઘર્ષણ

- વર્લ્ડ વિન્ડો

- આખાય દક્ષિણ ચીની સમુદ્ર પર ચીન દાવો કરે છે. એ સિવાયના ઘણા દેશોની દરિયાઈ સીમા હોવા છતાં ચીન કાયમ દાદાગીરી કરે છે, પરિણામે કાયમ આ સમુદ્રી વિસ્તારમાં તંગદિલી રહે છે

ભારતને આઝાદ મળી એ જ વર્ષે ૧૯૪૭માં પહેલી વહેલી વખત ચીનની સરકારે આખોય દક્ષિણ ચીની સમુદ્ર પોતાની જળસીમામાં આવતો હોવાનો દાવો કર્યો ને ત્યારથી વિવાદ શરૂ થયો હતો. દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની જળસીમા ઉપરાંત તાઈવાન, મલેશિયા, ફિલિપાઈન્સ, વિએટનામ, બુ્રનેઈની જળસીમા સ્પર્શે છે. આ બધા દેશોનો એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન હોવાથી વારંવાર એકબીજાની જળસીમામાં પ્રવેશી જવાના બનાવો બને છે. ચીને પછી તો બિલ પસાર કરીનેય દક્ષિણ ચીની સમુદ્રનો ૮૦ ટકા હિસ્સો પોતાનામાં હોવાનું જાહેર કર્યું એટલે વાત વધતી ચાલી, વિવાદ વકરતો રહ્યો.

એક સમયે જાપાન-ચીન વચ્ચે આ દરિયાને લઈને યુદ્ધ પણ થયેલું. ફ્રાન્સે ૨૦મી સદીના આરંભે દક્ષિણ ચીની સમુદ્રના બે-ત્રણ ટાપુઓ પર દાવો કર્યો હતો અને ત્યાં લશ્કરી મથકો સ્થાપવાની હિલચાલ કરી હતી. તે વખતે ચીન અને જાપાને મળીને એનો વિરોધ કર્યો હતો. ચીન કાયમ અન્ય દેશોની દખલગીરીનો વિરોધ કરતું આવ્યું છે. અમેરિકા ફ્રી નેવિગેશનના આંતરરાષ્ટ્રીય નિયમોનો હવાલો આપીને વારંવાર દક્ષિણ ચીની સમુદ્રમાંથી જહાજો પસાર કરાવે છે તેનો પણ ચીન વિરોધ કરતું રહે છે.

દક્ષિણ ચીની સમુદ્ર વેપારની દૃષ્ટિએ પણ મહત્ત્વનો છે. ૩.૩૭ ટ્રિલિયન ડોલરનો વેપાર દક્ષિણ ચીની સમુદ્રના રસ્તે થાય છે. ચીન ૮૦ ટકા આયાત આ દરિયાઈ માર્ગે કરે છે અને ૩૯ ટકા નિકાસ પણ આ રસ્તે કરે છે. ચીન માટે આ દરિયાઈ માર્ગ સલામત હોવાથી એ અન્ય દેશોની હિલચાલ સહન કરતો નથી.

ચીનને આમ તો બધા પાડોશી દેશો સાથે સરહદી વિવાદો ચાલી રહ્યા છે. એમાં તાઈવાન, વિએટનામ, બુ્રનેઈનો પણ સમાવેશ થાય છે. પરંતુ સૌથી વધુ ઘર્ષણ મલેશિયા અને ફિલિપાઈન્સ સાથે થાય છે. દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલા ટાપુઓ માટે ચીન-મલેશિયા વચ્ચે વર્ષોથી તંગદિલી ચાલી રહી છે. ૨૦૨૧માં જ ચીને મલેશિયાના ટાપુઓ પર દાવો કર્યો હતો. મલેશિયન જળસીમા નજીક ચીને લશ્કરી કવાયત કરી હતી. તેનો મલેશિયાએ વિરોધ નોંધાવ્યો ત્યારે ચીને એ વિસ્તારને પોતાનો ગણાવીને મલેશિયાના વિરોધને ખોટો ગણાવ્યો હતો.

ફિલિપાઈન્સ અને ચીનની જળસીમામાં તો છ વિવાદો ચાલી રહ્યાં છે. ચીની નેવી વારંવાર ફિલિપાઈન્સના દરિયામાં પ્રવેશ કરે છે તે વાતે ફિલિપાઈન્સ વિરોધ નોંધાવે છે. ચીન એ જળસીમાને પોતાની ગણાવે છે. ૧૯૭૦થી વિવાદ ચાલ્યો આવે છે. થોડો વખત બધું શાંત થાય પછી ફરીથી કંઈક વિવાદ જાગે છે. એવો  જ વિવાદ ફરીથી થયો છે. દક્ષિણ ચીની સમુદ્રમાં ફિલિપાઈન્સનું એક જહાજ પસાર થતું હતું ત્યારે અવળચંડા ચીનનું જહાજ સાવ નજીક આવી પહોંચ્યું. ટક્કર થાય એવી શક્યતા સર્જાઈ ગઈ હતી. આખરે ફિલિપાઈન્સે ટક્કરનો સંકેત આપવા માટે પીળું બેરિયર દરિયામાં નાખ્યું હતું અને દૂર રહેવા જણાવ્યું હતું. તેમ છતાં ચીનનું જહાજ નજીક આવ્યું હતું અને પાંચ મીટરના અંતરે આવ્યા પછી પાછું વળ્યું.

આ ઘટનાની ફિલિપાઈન્સની સરકારે નોંધ લીધી અને ચીનને તાકીદ કરી. ફિલિપાઈન્સે આરોપ મૂક્યો છે કે ચીનના જહાજે ફિલિપાઈન્સના કોસ્ટગાર્ડના જહાજને નુકસાન પહોંચાડયું છે. ચીને એનો વળતો જવાબ આપતા કહ્યું કે એ તો રૂટિન પ્રક્રિયાના ભાગરૂપે એના રૂટ પરથી માલિકીના ટાપુ પર જતા હતા. તે વખતે ફિલિપાઈન્સનું જહાજ રસ્તામાં વચ્ચે આવ્યું હોવાથી આ ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. દક્ષિણ ચીની સમુદ્રના જે વિસ્તારમાં આ ઘર્ષણ થયું એને ચીન સાવ નગણ્ય માને છે. ચીનનું વલણ એવું છે કે અમારી જગ્યામાં તો અમે ગમે તેમ જઈએ-આવીએ, એમાં કોઈ વચ્ચે આવે તો અમારો શું વાંક? વાંક તો સામવાળાનો કહેવાય!

ચીનની આવી દાદાગીરી રોકવા અમેરિકાએ યુએનના મેરીટાઈમના નિયમો ટાંકીને ફ્રીનેવિગેશન હેઠળ દક્ષિણ ચીની સમુદ્રમાંથી વારંવાર પસાર થવાનું શરૂ કર્યું, પણ તેનાથી ચીન-અમેરિકા વચ્ચેય ઘર્ષણ વધવા માંડયું. જાન્યુઆરી-૨૦૨૧માં ચીનના લડાકુ વિમાનોએ અમેરિકન યુદ્ધજહાજો પર રીતસર ત્રાટક કર્યું હતું અને ભારે ઉશ્કેરણી કરી હતી. અમેરિકાના યુદ્ધજહાજને કેવી રીતે તોડી પાડી શકાય તે માટેનો લશ્કરી અભ્યાસ ચીનના નૌકાદળે કર્યો હતો. 

૨૦૨૧માં અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિ હતી. કોવિડ પછી ચીન સામે અમેરિકા-ભારત સહિતના કેટલાય દેશો એક થઈ ગયા હતા. તે વખતે દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકન પરમાણુ સબમરીન સાથે કંઈક રહસ્યમય પદાર્થ ટકરાયો હતો. એમાં નવ નૌસૈનિકને ઈજા પહોંચી હતી. એ ટક્કર ચીને કરી હોવાની અટકળોએ તે વખતે ભારે તંગદિલી સર્જી હતી. ચીને તો એ આરોપો નકાર્યા હતા, પરંતુ અમેરિકાની દક્ષિણ ચીની સમુદ્રમાં હાજરી વાજબી નથી એવું વલણ સ્પષ્ટ કરીને અમેરિકાને ચીનના આંતરિક મામલામાં વચ્ચે ન પડવાની સલાહ આપી હતી. એ ગાળામાં જ ચીની લડાકુ વિમાન જે-૧૧ અને અમેરિકન આરસી-૧૩૫ ફાઈટર વચ્ચે માંડ ૨૦ ફૂટનું અંતર હતું અને ટક્કર થતાં થતાં રહી ગઈ હતી. ચીને બચાવમાં એવું કહ્યું હતું કે ચીનનું લડાકુ વિમાન તો પોતાના નિયત હવાઈ માર્ગમાં દક્ષિણ ચીની સમુદ્રમાં જ હતું, પરંતુ અમેરિકાએ ચીનની હવાઈ સ્પેસમાં ઘૂસણખોરી કરીને નિયમો તોડયા છે.

એ જ વર્ષે ચીને નવો કોસ્ટગાર્ડ કાયદો બનાવ્યો હતો. એમાં જે જોગવાઈ કરાઈ હતી તેનાથી પાડોશી દેશો ઉશ્કેરાયા હતા. ચીનની સરકારે દેશની રક્ષા અને સંપ્રભુતાના નામે ચીની કોસ્ટગાર્ડને વધુ શક્તિ આપતો કાયદો બનાવ્યો હતો. એ કાયદા મુજબ જો કોસ્ટગાર્ડને વિદેશી નૌકાદળથી ભય જણાય તો એ યુદ્ધજહાજનો નાશ કરી શકે. વિદેશી નૌકાદળ કે જહાજો પર હથિયારો ચલાવી શકે. કોસ્ટગાર્ડ તેની જાતે એ નિર્ણય લઈ શકે. ૨૦૨૧ પહેલાં કોસ્ટગાર્ડે સૈન્યના અધિકારીઓના અને સરકારના આદેશની રાહ જોવી પડતી હતી, પરંતુ નવા કાયદાથી કોસ્ટગાર્ડના અધિકારીઓને વિશેષ પાવર મળ્યો હતો. તે વખતે અમેરિકાએ ચીનના એ કાયદાને દક્ષિણ ચીની સમુદ્રમાં જળસીમા ધરાવતા દેશો માટે ખતરો ગણાવ્યો હતો અને ચીન વૈશ્વિક કાયદાનો ભંગ કરે છે એવું નિવેદન આપ્યું હતું. જાપાન, ફિલિપાઈન્સ, વિએટનામ, ઈન્ડોનેશિયા સહિતના દેશોએ ચીનના નવા કોસ્ટગાર્ડના કાયદાનો વિરોધ કરી કર્યો હતો. એટલું જ નહીં, તેની સામે પછીથી તો અમેરિકાની મદદથી દક્ષિણ ચીની સમુદ્ર માટે જાપાન-ફિલિપાઈન્સ જેવા દેશોએ મળીને નવો વ્યૂહ અજમાવ્યો હતો. 

ગયા વર્ષે ચીનને ઘેરવા માટે અમેરિકાએ ફિલિપાઈન્સમાં તાઈવાનથી શક્ય એટલું નજીક લશ્કરી મથક સ્થાપવા માટે કરાર કર્યો હતો. કુલ ચારમાંથી ત્રણ લશ્કરી મથક લુજોન ટાપુમાં બન્યા હોવાનો દાવો થયો હતો. અમેરિકા-ફિલિપાઈન્સ-જાપાનના સંયુક્ત પ્રયાસો છતાં ચીન આ સમુદ્રમાં કાયમ ઘર્ષણ કરીને પોતાનું પ્રભુત્વ જમાવવા મથામણ કરે છે ને તેનાથી આખય વિસ્તારની શાંતિ-સલામતી પર જોખમ સર્જાય છે.

Gujarat