For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મતદાન વેક્સિન છે, નેતાઓ માથે પડે તે આડઅસર

Updated: May 4th, 2024

મતદાન વેક્સિન છે, નેતાઓ માથે પડે તે આડઅસર

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- મેડિકલ સાયન્સથી જૂદું પોલિટિકલ સાયન્સ, અહીં દરેક દવામાં આડઅસરની શક્યતા એક લાખે 99999ની છે 

થોડાક વિજ્ઞાનીઓ પાર્ટી ઓફિસે ધસી ગયા. 'અમને પાર્ટીમાં એન્ટ્રી આપી  દો.' 

નેતાજી હસવા લાગ્યા. 'લ્યા  તમે વિપક્ષી પાર્ટીના નિષ્ફળ નેતા હોત, કોઈ જ્ઞાતિ-જાતિ પર ક્લાઉટ ધરાવતા હોત, બે-પાંચ કૌભાંડો  કર્યાં હોત કે તમારી ધાક હોત  તો વિચારત.' 

એક કાર્યકરને વિજ્ઞાનીઓની દયા આવી ગઈ.  ' સર, આપણે પાર્ટીમા ભરતીમેળો માંડીને બેઠા છી એ.ગમે તે આલતુફાલતુને પણ જાણે કોઈ મોટો મીર માર્યો હોય એ રીતે પાર્ટીમાં ભરી દઈએ છીએ તો આ વિજ્ઞાનીઓ પણ શું ખોટા છે.  આ વિજ્ઞાનીઓ એટલિસ્ટ સ્વભાવે મજૂર માણસો હોય છે. આ લોકો પણ દાયકાઓના દાયકાઓ સુધી નીચી મુંડીએ ચૂપચાપ કામ કર્યા જ કરશે અને તે પણ ખાસ કોઈ મોટાં વળતરની અપેક્ષા વિના. બિલકૂલ જૂના કાર્યકરો કરે છે  તેમ જ.'

બીજો કાર્યકર  કહે, ' સાચી વાત. ઓ લોકોને પણ પ્રયોગોનો અનુભવ છે  અને આપણેય રાજકારણમાં જાતભાતના અખતરા કરીેએ જ છીએ. એમના  પ્રયોગોમાં ખાલી ઉંદરો મરે છે આપણે તો પબ્લિકને જ ગિનિપિગ બનાવી  દઈએ છીએ.'

ત્રીજા  કાર્યકર કહે, 'ના એમ નહિ.  તમારો ઈરાદો શું છે ? કાલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વૈજ્ઞાનિક ક્વોટાાંથી ટિકિટ નહીં માગો ને. ' 

એક વિજ્ઞાની કહે, 'ઈરાદાનું તો એવું છે કે આજકાલ પેલી કોવિશિલ્ડની આડઅસરની વાત બહુ ચગી છે એમાં અમારું સાયન્સ બહુ બદનામ થાય છે. અમારે ગમે તેવી બદનામી વચ્ચે પણ પોતાને જાણે કોઈ ફરક ન પડતો હોય એવા નિંભર કેમ થઈ જવું એ તમારા નેતાઓ પાસેથી શીખવું છે.'

ચોથો કાર્યકર હસી પડયો, 'લ્યો તમને કોણે કહ્યું કે અમેે બદનામી બાબતે નિંભર છીએ. અરે ભાઈ, અમે તો જેટલા બદનામ થઈએ એટલા ખુશ થઈએ. આજકાલ પાર્ટી પણ સુપ્રતિતિ નહિ પણ મહાબદનામ લોકોને જ બધા હોદ્દા વગેરે આપે છે અને જનતા પણ એવાને જ ચૂંટે છે .' 

પાંચમા કાર્યકર કહે ' આમેય તમારું ઓરિજનલ સાયન્સ અને પોલિટિકલ સાયન્સ જરા અલગ છે. તમારા સાયન્સમાં આડઅસરની શક્યતા લાખે ૦.૦૦૦૦૯ની હોય, અમારાં પોલિટિકલ સાયન્સમાં એક લાખે આડઅસરના ૯૯,૯૯૯ કેસ હોય.' 

'હેં ? 'એક વિજ્ઞાનીનું ગળું ફાટી ગયું. 'લાખે ૯૯,૯૯૯ને અસર થાય એ આડઅસર નહિ પણ પ્રયોગનું મૂળ પરિણામ  જ ગણાય'

છઠ્ઠા  કાર્યકર કહે, 'બરાબર છે. જુઓ લોકશાહી એક પ્રયોગ છે. મતદાન એ પબ્લિકને કોઈ પ્રકારની તાનાશાહીથી બચાવવાની વેક્સિન છે પણ એ લેવા જતાં અમારા જેવા નેતાઓ માથે પડે છે એ આડઅસર, સોરી તમે કહો છો તેમ મૂળ પરિણામ છે.' 

વિજ્ઞાનીઓ જાણે કોઈ સો ટકા આડઅસરવાળી વેક્સિન લઈને તેમની પાછળ પડયું હોય એ ઝડપે ભાગ્યા. 

આદમનું અડપલું

સત્તા વિના તરફડવાની બીમારી સામેની વેક્સિન ચૂંટણીમાં જીત છે અને તે પછી સરકાર ચલાવવી પડે એ તેની આડઅસર છે. 

Gujarat