For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : નેહરુ-ઈન્દિરા-રાજીવના કામને આગળ કરાશે

Updated: Apr 28th, 2024

દિલ્હીની વાત : નેહરુ-ઈન્દિરા-રાજીવના કામને આગળ કરાશે

નવી દિલ્હી : કોંગ્રેસે બાકીના તબક્કાની ચૂંટણીમાં પ્રચારની રણનીતિ ઘડી કાઢી છે. બે તબક્કામાં મતદાન થયું તેના પોઝિટિવ રિપોર્ટ પછી કોંગ્રેસને આશા જાગી છે. કોંગ્રેસે નવી વ્યૂહરચના પ્રમાણે પ્રથમ વડાપ્રધાન નેહરુના કામને આગળ કરવાનું વિચાર્યું છે. ખાસ તો નેહરુએ ઈસરોથી લઈને બીએઆરસી સહિતની કેટલીય સંસ્થાઓ બનાવી તેને મુદ્દો બનાવાશે. તે ઉપરાંત ઈન્દિરાએ ડિફેન્સ ક્ષેત્રને મજબૂત કર્યું તે અંગે જાણકારી અપાશે અને રાજીવ ગાંધીએ દેશમાં ટેલિવિઝન, કમ્પ્યુટર, ટેલિકોમ્યુનિકેશનની ક્રાંતિ કરી એ બાબતોને મતદારો વચ્ચે લઈ જવાશે. કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમને એ માટે તૈયાર કરવામાં આવી રહી છે.

પૂનમ મહાજન મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય થશે

પૂનમ મહાજન મુંબઈ નોર્થ સેન્ટ્રલની બેઠક પરથી ૨૦૧૪થી સાંસદ હતાં. પ્રમોદ મહાજનની દીકરી પૂનમ મહિલાઓમાં પોપ્યુલર છે. તેમને રિપીટ કરાશે એવી અટકળો વચ્ચે ભાજપે મુંબઈ નોર્થ-સેન્ટ્રલ બેઠક પરથી જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા છે. ઉજ્જવલ કસાબને ફાંસી અપાવનારા વકીલ તરીકે જાણીતા છે અને ભાજપ મુંબઈમાં એનો ફાયદો ઉઠાવવા ધારે છે. એમાં પૂનમની ટિકિટ કાપવી પડી. પૂનમની ટિકિટ કપાતા હવે અટકળો એવી છે કે ભાજપ મહારાષ્ટ્રમાં પૂનમને સક્રિય કરવા માગે છે. આ વર્ષે જ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થશે. પૂનમને રાજ્યમાં મહત્ત્વની જવાબદારી મળે એવી શક્યતા છે.

પિત્રોડાના બચાવ માટે કોંગ્રેસે જયંતનો વિડીયો શેર કર્યો

સામ પિત્રોડાએ વિરાસત ટેક્સની વાત કરી તેનાથી ભારે વિવાદ થયો. ભાજપે એ એક મુદ્દાને કેન્દ્રમાં રાખીને પ્રચાર શરૂ કરી દીધો. કોંગ્રેસના સંખ્યાબંધ નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરવા મેદાનમાં ઉતરવું પડયું. બચાવની સ્થિતિ વચ્ચે કોંગ્રેસે હવે જયંત સિન્હાનો વીડિયો રજૂ કર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ એક જૂનો વિડીયો છે. જયંત કેન્દ્રીય મંત્રી હતા તે વખતે તેમણે નિવેદન આપેલું: 'ભારતમાં એસ્ટેટ ટેક્સની આવશ્યકતા છે. તેનાથી વંશ પરાપરાગત રીતે જેમને લાભ મળે છે તેમનો ૫૦-૫૫ ટકા ફાયદો એ ઉઠાવી શકે. તે સિવાયનો લાભ અન્ય લોકોને થાય. અમેરિકામાં પણ એવી જ સિસ્ટમ છે. હું અમેરિકામાં ઘણો વખત રહ્યો ત્યારે મેં વાતની નોંધ લીધી હતી.' કોંગ્રેસે બચાવ કર્યો કે પિત્રોડા કહે છે એવા જ ટેક્સની હિમાયત જયંતે મંત્રી હતા ત્યારે કરેલી. ભાજપના નેતાઓ હવે જયંતના બચાવમાં ઉતર્યા છે.

બિહારમાં મોદીની રેલીઓમાં નીતીશ ગેરહાજર

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો બિહારમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પ્રચાર દરમિયાન મંચ શેર કરવાનું ટાળી રહ્યા છે.અરરિયાની સભામાં નીતીશની ગેરહાજરીનો મુદ્દો બનાવીને કોંગ્રેસના આ નેતાએ કહ્યું હતું કે પીએમ બિહારના મુખ્યમંત્રીથી કોઈ કારણસર અંતર રાખી રહ્યા છે. તેનાથી નારાજ નીતીશ કુમાર ફરીથી પલટી મારી લેશે અને ચૂંટણી પૂરી થતાં જ ફરીથી ઈન્ડિયા બ્લોકમાં આવી જશે. જયરામ રમેશે કહ્યું હતું કે અગાઉ ગયા અને પૂર્ણિયાની રેલીમાં પણ નીતીશ હાજર ન હતા. નીતીશ કુમાર પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે. ગઠબંધન માટે ખાસ ધ્યાન આપતા નથી.

સુનિતા અને સંજય દિલ્હીમાં આપનો મોરચો સંભાળશે

દિલ્હીની લોકસભાની બેઠકોમાં ૨૫મી મેના રોજ મતદાન થશે. એની તૈયારી પૂરજોશમાં શરૂ થઈ ચૂકી છે. કેજરીવાલને જામીન ન મળે પ્રચાર કોણ કરશે એની લાંબી વિચારણા બાદ હવે આમ આદમી પાર્ટીએ સુનિતા કેજરીવાલ અને સંજય સિંહને પ્રચારની તમામ જવાબદારી સોંપી છે. દિલ્હીમાં સાત બેઠકો છે અને આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે. આપે ચાર બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. એમના માટે હવે સુનિતા કેજરીવાલ રોલ શો શરૂ કરશે. સુનિતા લોકોની વચ્ચે જઈને સહાનુભૂતિ મેળવશે અને સંજય સિંહ ચૂંટણી વ્યૂહરચના અને બૂથ મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે. તે ઉપરાંત ભાજપના આરોપોના જવાબો કેવી રીતે આપવા તે પણ સંજય સિંહ નક્કી કરશે. આપ દિલ્હીમાં અત્યારે કેજરીવાલની ગેરહાજરીમાં સુનિતાને ફેસ બનાવશે.

******

ભારતની ચૂંટણીમાં પાકિસ્તાનના ઉલ્લેખની ચર્ચા

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે ભારતના રાજકારણીઓને વિનંતી કરી છે કે તેઓ ભાષણોમાં રાજકીય લાભ માટે પાકિસ્તાનને ન ખેંચે. ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બોલતા મુમતાઝે કહ્યું કે જમ્મુ-કાશ્મીર પર ભારતના રાજકારણીઓ વારંવાર નિવેદનો આપે છે એનો પાકિસ્તાન વિરોધ કરે છે. ભારતના નેતાઓ ઉશ્કેરણીજનક નિવેદનો આપીને પાકિસ્તાનને ભારતની ચૂંટણીમાં સંડોવીને મતોનું રાજકારણ ખેલે છે. પાકિસ્તાનના આ નિવેદન પછી ભારતમાં એની ભારે રમૂજ થઈ હતી. લોકોએ લખ્યું કે પાકિસ્તાન તો ચૂંટણી નથી હોતી ત્યારેય ભારતની અકારણ ટીકા કર્યા રાખે છે. ભારતના નેતાઓ તો જમ્મુ-કાશ્મીરના મુદ્દે છે અને એમાં તો કંઈ ખોટું નથી. જમ્મુ-કાશ્મીર પીઓકે સહિત ભારતનું છે એ નિર્વિવાદ હકીકત છે.

ટીએમસીની સીબીઆઈ સામે ચૂંટણીપંચમાં ફરિયાદ

તૃણમૂલ કોંગ્રેસે સેન્ટ્રલ બ્યુરો આફ ઇન્વેસ્ટિગેશનના સંદેશખાલીના આરોપી શાજહાન શેખના કથિત સહયોગીના બે જગ્યાઓ પરના દરોડા સામે ચૂંટણી પંચમાં અરજી કરી હતી. ટીએમસીએ કહ્યું કે એજન્સીની કાર્યવાહીનો હેતુ લોકસભામાં પાર્ટીની છબી ખરાબ કરવાનો છે. ચૂંટણી હથિયારોની રિકવરી પર પ્રતિક્રિયા આપતા ટીએમસીએ ભાજપ પર આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સીબીઆઈ સહિતની એજન્સીઓનો દુરુપયોગ કરે છે. પશ્ચિમ બંગાળમાં મતદારો દાજલિંગ, રાયગંજ અને બાલુરઘાટ એમ ત્રણ બેઠકો પર મતદાન કરતા હતા ત્યારે જ ચૂંટણી પંચે સંદેશખલી મુદ્દે રેડ પાડીને ચર્ચા જગાવી હતી. એ પછી બંગાળમાં ભાજપ-તૃણમૂલ વચ્ચે સામ-સામા આરોપ-પ્રતિઆરોપ લાગ્યા હતા.

પ્રથમ તબક્કા પછી ભાજપ મુશ્કેલીમાં : કોંગ્રેસ

કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું હતું કે પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ ભાજપ હાર ભાળી ગયો છે. ભાજપ વિકાસના મુદ્દે જીતી શકે તેમ નથી. કારણ કે વિકાસનું બબલ લોકોમાં ખુલ્લું પડી ગયું છે. ૧૦ વર્ષમાં વાયદા પૂરા કર્યા નથી અને યોજનાઓ માત્ર જાહેર થઈ પછી લોકો સુધી પહોંચી નથી. પરિણામે હવે ભાજપે વિભાજનવાદી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. વેણુગોપાલ કેરળની અલપ્પુઝા સીટ પરથી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના ઉમેદવાર એએમ આરિફ અને ભારતીય જનતા પાર્ટીના શોભા સુરેન્દ્રન સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બીજા તબક્કામાં આ બેઠકમાં મતદાન થયું એ પછી કોંગ્રેસના આ ઉમેદવારે કહ્યું કે લોકોએ મને મત આપ્યા છે. મને વિશ્વાસ છે કે હું આ બેઠક પરથી જીતી જઈશ. આ કોંગ્રેસી નેતાએ દાવો કર્યો હતો કે કેરળમાં તમામ બેઠકો ઈન્ડિયા ગઠબંધનને મળશે. ભાજપનું ખાતું નહીં ખુલે.

નવીન પટનાયક છઠ્ઠી વખત મુખ્યમંત્રી બનશે : બીજેડી

નવીન પટનાયક ઓડિશામાં ૨૦૦૦ના વર્ષથી મુખ્યમંત્રી છે. ૭૭ વર્ષના નવીન સતત પાંચ વખત મુખ્યમંત્રી બની ચૂક્યા છે અને છઠ્ઠી વખત મુખ્યમંત્રી બની જશે એવો વિશ્વાસ બીજેડીએ વ્યક્ત કર્યો હતો. લોકસભાની સાથે ઓડિશામાં વિધાનસભાની પણ ચૂંટણી છે. ઓડિશા વિધાનસભામાં ૧૪૭ બેઠકો છે. એમાંથી બહુમતી માટે ૭૪ બેઠકો જરૂરી છે. બીજેડીએ ૨૦૧૯માં ૧૧૪ બેઠકો મેળવી હતી. આ વખતે ભાજપ ટક્કર આપશે એવી ધારણા છે છતાં બીજેડીના નેતાઓ દાવો કરે છે કે નવીન પટનાયકને ૧૧૦ બેઠકો મળશે. બીજેડીના નબરંગપુર બેઠકના લોકસભાના ઉમેદવાર પ્રદીપ માઝીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી નવીન પટનાયક ફરી એકવાર ઓડિશામાં સરકાર બનાવશે. એટલું જ નહીં, લોકસભાની તમામ બેઠકો પણ જીતી લઈશું.

- ઈન્દર સાહની

Gujarat