For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : દિલ્હીમાં 'ઓપરેશન લવલી' પાર પાડવા પાછળનું કારણ

Updated: May 5th, 2024

દિલ્હીની વાત : દિલ્હીમાં 'ઓપરેશન લવલી' પાર પાડવા પાછળનું કારણ

નવી દિલ્હી : દિલ્હી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અરવિંદર સિંહ આખરે ભાજપમાં જોડાઈ ગયા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે ભાજપમાં જોડાવાનો ઈનકાર કરતા હતા, પરંતુ બધું અગાઉથી નક્કી થયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે જ થયું. થોડા દિવસે બાકી રહે ત્યારે જ કોંગ્રેસને ફટકો આપવાના ભાગરૂપે અરવિંદર સિંહ લવલીને ભાજપમાં લેવાનો વ્યૂહ ઘડાયો હતો. કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન થતાં દિલ્હીની સાતેય બેઠકોમાં મતોનું વિભાજન અટકી ગયું. તેના કારણે ભાજપના ઉમેદવારો સામે પડકાર સર્જાયો હતો. તમામ સાતે-સાત બેઠકો જીતવાનો ભરોસો ન હતો એટલે ભાજપે ઓપરેશન લવલી પાર પાડીને કોંગ્રેસના કાર્યકરોનું મોરલ તોડયું હતું. તે ઉપરાંત લગભગ ચાર ટકા શીખ મતદારોમાં મોટું ગાબડું પાડયું હતું.

નેતાઓની દોડધામ વચ્ચે ઉચ્ચ વહીવટી અધિકારીઓ આરામમાં

દિલ્હીમાં આકરો તાપ ઘટતા વાતાવરણ થોડું ઠંડું થયું હતું. દિલ્હીમાં વાતાવરણની ઠંડકની જેમ સરકારી વિભાગોમાં પણ ભારે શાંતિ છે. આચારસંહિતાના કારણે કોઈ કામ થાય નહીં એટલે વહીવટી અધિકારીઓ આરામના મૂડમાં છે. એક તરફ નેતાઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે ઉડાઉડ કરી રહ્યા છે, પણ જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ કચેરીમાં ફાઈલો સાઈડમાં મૂકીને આરામ નવરાશની પળોમાં થોડી શાંતિ મેળવી રહ્યા છે. કેન્ટીનોમાં બેસીને અંદરો અંદર વાતો કરતા નજરે ચડે છેઃ આચારસંહિતા છે ત્યાં સુધી શાંતિ મેળવી લો, પછી તો ફરી દોડવાનું જ છે!

'કોંગ્રેસમાં રાહુલ-પ્રિયંકાના ગ્રૂપ વચ્ચે કોલ્ડવોર'

'કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક કલહ ચાલી રહ્યો છે અને રાહુલ-પ્રિયંકાના સમર્થકો વચ્ચે કોલ્ડવોરની સ્થિતિ છે.' આ દાવો આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કર્યો હતો. કલ્કીધામના મહંત પ્રમોદ કૃષ્ણમ વર્ષો સુધી કોંગ્રેસના નેતા હતા. પ્રિયંકા ગાંધીના ખૂબ જ નજીકના નેતાઓમાં પ્રમોદ કૃષ્ણમનો સમાવેશ થતો હતો, પરંતુ આ વર્ષની શરૂઆતમાં જ રામ મંદિરના સંદર્ભમાં આપેલા તેમના નિવેદનોનો ધ્યાનમાં રાખીને કોંગ્રેસે શિસ્તભંગના પગલાં ભરીને તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. એક સમયે પ્રિયંકાના નજીક ગણાતા આ નેતાના દાવાની ચર્ચા જાગી છે. પ્રમોદ કૃષ્ણમે દાવો કર્યો કે રાયબરેલીથી પ્રિયંકાને ટિકિટ ન આપવાનું કોંગ્રેસનું ષડયંત્ર હતું.

પુરીમાં પણ ઈન્દોર-સુરત જેવી સ્થિતિની અટકળો

ઓડિશાની પુરી બેઠક પરથી ભાજપે સંબિત પાત્રાને ટિકિટ આપી છે. ૧૯૯૮થી આ બેઠક બીજેડી પાસે છે, પણ ૨૦૧૯માં સંબિત પાત્રાએ બરાબરની ટક્કર આપી હતી અને હારજીતનું માર્જિન માત્ર ૧૧ હજારનું રહ્યું હતું એટલે આ વખતે બીજુ જનતા દળે ઉમેદવાર બદલીને અરૂપ પટનાયકને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને ૪૫ હજાર મત મળ્યા હતા. આ વખતે કોંગ્રેસે સુચરિતા મોહંતીને ટિકિટ આપી છે. અચાનક ન લડવાની જાહેરાત કરીને દાવો કર્યો કે પાર્ટીએ ચૂંટણી લડવાનું ફંડ આપ્યું ન હોવાથી એ લડશે નહીં. પુરીમાં કોંગ્રેસ મેદાનમાં ન હોય તો સંબિત પાત્રાને ફાયદો થઈ શકે છે.

અમેઠીમાં સ્મૃતિને ઘેરવાનો ગઠબંધનના નેતાઓનો વ્યૂહ

અમેઠીમાં રાહુલ ગાંધી ચૂંટણી લડવાના નથી અને કે.એલ શર્માને ટિકિટ આપી હોવાથી ભાજપને પ્રથમ નજરે હાશકારો થયો હતો. પરંતુ કેએલ શર્મા આ વિસ્તારમાં લાંબાં વખતથી કોંગ્રેસના પ્રતિનિધિ હોવાથી ગ્રાઉન્ડ લેવલે જાણીતા છે અને બરાબર ટક્કર આપશે. વ્યૂહરચનાના ભાગરૂપે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સ્મૃતિને ઘેરવા માટે નિવેદનો આપીને કેએલની તરફેણમાં માહોલ બનાવે છે. જયરામ રમેશે કહ્યું કે સ્મૃતિ ઈરાની ૫ વર્ષથી અમેઠીમાં કામ કરે છે. શર્મા ૪૦ વર્ષથી સક્રિય છે. રાજદના મનોજ ઝાએ કહ્યુંઃ શર્માને ભલે ગંભીરતાથી લેતા નથી, પણ એ ભારે પડશે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીના સહાયકથી હારશે એ નક્કી છે.

ઈન્કમ ટેક્સમાં ફેરફાર મુદ્દે નાણામંત્રીનો બચાવ

લોકસભાની ચૂંટણી પછી જો ભાજપ ફરી સત્તામાં આવશે તો ઈન્કમ ટેક્સના માળખામાં મોટું પરિવર્તન આવશે એવા અહેવાલો નાણા મંત્રાલયના સૂત્રોને ટાંકીને રજૂ થયા તે પછી ખુદ નાણામંત્રી નિર્મલા સીતારામને બચાવ કરવા ઉતરવું પડયું હતું. ઈન્કમ ટેક્સનું માળખું બદલાશે એવી અટકળોની સીધી અસર શેરમાર્કેટ પર પડી તે પછી નાણામંત્રીએ સ્પષ્ટતા કરતા એક્સ પ્લેટફોર્મમાં લખ્યું કે આશ્વર્ય એ વાતનું છે કે આ અહેવાલો કેવી રીતે આવ્યા? નાણા મંત્રાલય પાસે તથ્યોની તપાસ કર્યા વગર અહેવાલો રજૂ થઈ ગયા છે. અહેવાલોમાં દાવો થયો છે એવું કશું થવાનું નથી. લોકસભાની ચૂંટણી પહેલાં જો નોકરિયાત વર્ગમાં નેગેટિવ ઈમ્પ્રેશન પડે તો મોટું નુકસાન થાય એવી એક્સપર્ટ્સની સલાહ પછી આ સ્પષ્ટતા કરવી પડી હતી.

સંદેશખલી કાંડમાં નવા વળાંકથી ટીએમસીને ફાયદો

સંદેશખલીમાં ટીએમસી નેતાએ મહિલાઓ પર રેપ કર્યો હોવાનો આરોપ થોડા મહિના પહેલાં લાગ્યો ત્યારથી બંગાળની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો હતો. ટીએમસીના નેતા શાહજહાઁ શેખની ધરપકડ થઈ હતી અને મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે એમાં નવો વળાંક આવ્યો છે. સ્ટીંગ ઓપરેશનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ભાજપના નેતા દાવો કરે છે કે સંદેશખલીમાં કોઈ રેપ થયો ન હતો. ટીએમસીના નેતાઓ વિરૂદ્ધ બોલવા માટે મહિલાઓને ઉશ્કેરવામાં આવી હતી. એ ઘટના પછી હવે મમતાદીદીએ ભારે આક્રમક બનીને ભાજપના નેતાઓ પર જૂઠાણા ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. અત્યાર સુધી સંદેશખલી મુદ્દે ટીએમસીની દુખતી નસ દબાવીને ભાજપના નેતાઓ પ્રચાર કરતા હતા. નવો વળાંક આવતા હવે ટીએમસીને તેનો ફાયદો થશે.

***

હેમંત બિસ્વા સરમાના બેવડાં ધોરણોની ટીકા

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા કટ્ટર હિન્દુત્ત્વના મુદ્દે પ્રચાર કરી રહ્યા છે અને વારંવાર સીએએ, એનઆરસીના નિવેદનો આપીને આસામ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ચર્ચા જગાવે છે. અત્યાર સુધી હિન્દુ મતદારોને આકર્ષવાની કોશિશ કરતાં આસામના મુખ્યમંત્રીએ અચાનક મુસ્લિમોને ખુશ કરવા નિવેદનો આપવા માંડયા છે ને ભાજપના થીમ સોંગ પર મુસ્લિમ વિસ્તારોમાં નૃત્ય પણ કર્યું હતું. મૂળ તો ૭મીએ આસામમાં છેલ્લાં તબક્કાની ચૂંટણી છે અને ચાર બેઠકો માટે મતદાન થવાનું છે. એ બેઠકોમાં મુસ્લિમ મતો નિર્ણાયક છે. સરમાએ એ વિસ્તારમાં કહેલું કે રાજ્યના ૨૦ ટકા મુસ્લિમો ભાજપને મત આપશે. એ પછી ભાજપમાં જ સરમાના બેવડાં ધોરણની ટીકા શરૂ થઈ છે.

પંચાયતી રાજમાં મહિલાઓના નેતૃત્વની યુએન ચર્ચા

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ રૂચિરા કંબોઝે એક નિવેદનમાં ભારતના પંચાયતી રાજમાં મહિલાઓના પ્રતિનિધિત્વનો મુદ્દો જણાવ્યો હતો અને કહ્યું હતું કે ભાજપને પંચાયતી રાજની સિસ્ટમ પર ગૌરવ છે. ૨૧ રાજ્યોમાં પંચાયતી રાજમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ૫૦ ટકા સુધી છે. યુએનમાં ભારતના દાવાના સંદર્ભમાં ભારતમાં પણ ચર્ચા થઈ હતી. ઘણાં લોકોએ કહ્યું હતું કે સેંકડો ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો એવી છે, જ્યાં માત્ર મહિલા નામ માત્રની ચૂંટાય છે. સહી કરાવવા સિવાય કોઈ નિર્ણય મહિલાઓ કરતી નથી. બધું જ સંચાલન પતિ, પિતા, ભાઈ કે દીકરાના હાથમાં હોય છે. આંકડાંઓથી હકીકત જુદી છે.

- ઈન્દર સાહની

Gujarat