For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : કેજરીવાલને જામીન મળશે આપ પ્રચારની દિશા બદલશે

Updated: May 4th, 2024

દિલ્હીની વાત : કેજરીવાલને જામીન મળશે આપ પ્રચારની દિશા બદલશે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અંગે ૭મી મેના રોજ સુનાવણી કરવાની જાહેરાત કરી છે. ચૂંટણી હોવાથી કેજરીવાલને વચગાળાના જામીન આપવા રજૂઆત થઈ તે પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ મામલો વધારે લાંબો ચાલે તેમ હોય તો અમે વચગાળાના જામીન આપવા વિચારી શકીએ છીએ. ઈડીને એ સંદર્ભમાં પોતાનો મત જણાવવા પણ કહેવાયું છે. જો ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલના જામીન મંજૂર થાય તો આપ પ્રચારની દિશા બદલશે. ૨૫મીએ દિલ્હીમાં મતદાન છે. ૧લીએ જૂને પંજાબમાં મતદાન થશે. આ બંને રાજ્યોમાં કેજરીવાલને નવા અંદાજમાં ઉતારવાનો વ્યૂહ વિચારાઈ રહ્યો છે.

અમેઠીમાંથી કેએલ શર્મા આવતા સ્મૃતિને રાહત

અમેઠીમાંથી રાહુલ ગાંધી અને રાયબરેલીમાંથી પ્રિયંકા મેદાનમાં ઉતરશે એવી અટકળો ચાલતી રહી ને આખરે રાહુલે રાયબરેલીમાંથી લડવાની જાહેરાત કરી. અમેઠીમાં કોઈ મોટા નેતાને મેદાનમાં ઉતારાશે એવી ચર્ચા વચ્ચે કોંગ્રેસે કેએલ શર્માને અમેઠીમાંથી ટિકિટ આપી. કેએલ શર્મા સોનિયા ગાંધીના વિશ્વાસુ ગણાય છે. રાયબરેલી અને અમેઠીમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કેએલ શર્મા વર્ષોથી કામ કરી રહ્યા છે એટલે ગ્રાઉન્ડ લેવલે એમનું નેટવર્ક મજબૂત છે. તેમ છતાં કેએલ શર્માના નામની જાહેરાતથી સ્મૃતિ ઈરાનીએ રાહતનો શ્વાસ લીધો હતો. અમેઠી સ્થિત સ્મૃતિની ઓફિસમાં કેએલના નામની જાહેરાત બાદ કાર્યકરોએ મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી.

એમપીમાં સીએમ અને પૂર્વ સીએમના મગજનો પારો ચડયો!

મધ્યપ્રદેશની ૨૯ બેઠકો પર ચાર તબક્કાના નિર્ધારિત મતદાનમાંથી બે તબક્કા પૂરા થઈ ચૂક્યા છે. બે તબક્કા બાકી રહ્યા છે. ૭મીએ ૯ અને ૧૪મીએ ૮ બેઠકો પર મતદાન થવાનું છે. એ માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ એડીચોટીનું બળ લગાવી રહ્યા છે. મુખ્યમંત્રી મોહન યાદવ એક પછી એક સભાઓ-રેલીઓમાં વ્યસ્ત છે. એવી જ એક સભા રોડમલ નગરમાં થઈ હતી. એમાં પોલીસ અધિકારીઓએ હાજર લોકોને દૂર બેસવાની વ્યવસ્થા કરતા મુખ્યમંત્રી ભડક્યા હતા અને પોલીસ અધિકારીઓને ખખડાવ્યા હતા. બીજો એક એવો જ કિસ્સો પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે બન્યો. રાયસેનમાં શિવરાજ ભાષણ આપતા હતા ત્યારે માઈક બંધ થઈ જતાં ઓપરેટર પર બગડયા હતા.

13મીએ વારાણસીમાં ભાજપ શક્તિ પ્રદર્શન કરશે

વારાણસીની બેઠક પર છેલ્લા તબક્કામાં મતદાન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વારાણસીથી ચૂંટણી લડવાના હોવાથી ૧૪મીએ ફોર્મ ભરશે. તે પહેલાં ૧૩મી મેના રોજ ભાજપ વારાણસીમાં શક્તિ પ્રદર્શન કરશે. વારાણસીમાં રોડ-શો કરવા માટે તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. વડાપ્રધાન ૧૩મીએ આવીને રોડ-શો કર્યા બાદ વારાણસીમાં રોકાશે અને મંદિરોમાં મોડી સાંજે સંભવતઃ પૂજા-પાઠ કરશે. વારાણસી લોકસભા બેઠક હેઠળ પાંચ વિધાનસભાની બેઠકો આવે છે. એ તમામ બેઠકોના પ્રભારીઓને પ્રદેશ કાર્યાલયમાં બોલાવીને ખાસ સૂચનાઓ આપી દેવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ વારાણસીમાં પ્રભારીઓ-નેતાઓ-કાર્યકરો સાથે આ બાબતે બેઠક કરવા આવ્યા હતા. ૧૩મીએ ચોથા તબક્કાનું મતદાન હોવાથી એ દિવસ પર પસંદગી ઉતારાઈ છે.

આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ માટે 2000 એનઆરઆઈનો પ્રચાર

ચંદ્રબાબુ નાયડુ જ્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે એમના માટે કહેવાતું કે એ દેશના સૌથી હાઈટેક મુખ્યમંત્રી છે. બિઝનેસ ફ્રેન્ડલી ઈમેજ હોવાથી ચંદ્રાબાબુને ઘણાં બિઝનેસ એક્ઝિક્યૂટિવ્સ રાજ્યના સીઈઓ કહેતા. ચંદ્રાબાબુની પાર્ટી ટીડીપી એનઆરઆઈમાં પણ લોકપ્રિય છે અને પાર્ટીની એનઆરઆઈ વિંગમાં ૪૦૦૦ યુવાનો કાર્યરત છે. રાજ્યની લોકસભાની તમામ ૨૫ બેઠકોમાં ૧૩મી ચૂંટણી છે અને ૧૭૫ બેઠકોની વિધાનસભાની ચૂંટણી પણ સાથે થવાની છે. તે પહેલાં ટીડીપીએ ૪૦૦૦ એનઆરઆઈ યુવાનોને પ્રચાર માટે ઉતારી દીધા છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગઠબંધનની પરીક્ષા

લોકસભાની આ ચૂંટણીમાં મહારાષ્ટ્રનું સમીકરણ સદંતર અલગ છે. ભાજપ-કોંગ્રેસે બે મહત્ત્વના સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કર્યું છે અને એ બંને પક્ષોના બબ્બે ભાગ પડયા છે. બે શિવસેનામાંથી ભાજપ-કોંગ્રેસ સાથે એક-એક છે. બે એનસીપીમાંથી ભાજપ-કોંગ્રેસ સાથે એક-એક છે. આ વર્ષે ઓક્ટોબરમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને સફળતા મળશે કે કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધનને સફળતા મળશે, તેના પર વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનના ભવિષ્યનો પણ ફેસલો થશે. અત્યારે એટલા આંતરિક પ્રશ્નો ચાલી રહ્યા છે કે જે ગઠબંધન નિષ્ફળ જશે એ ટકશે કે નહીં એ મોટો સવાલ છે.

******

નીતીશના બે મંત્રીઓના સંતાનો એક બેઠક પર સામસામે

બિહારની સમસ્તીપુરની બેઠકમાં વિચિત્ર રાજકીય સમીકરણો બન્યા છે. નીતીશ કુમારના જદયુના મંત્રીઓ વચ્ચે જ અંદરોઅંદર એકબીજાના સમર્થિત ઉમેદવારોને જીતાડવાની હોડ હોવાથી બેઠક પર ભારે ઉત્સુકતા સર્જાઈ છે. કોંગ્રેસે સની હજારીને ટિકિટ આપી છે. એ જદયુના પૂર્વ સાંસદ અને મંત્રી મહેશ્વર હજારીનો દીકરો છે. મહેશ્વર હજારી રામવિલાસ પાસવાનના પિતરાઈ ભાઈ છે. ગઠબંધનના ભાગરૂપે સમસ્તીપુરની બેઠક રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગની પાર્ટીને મળી છે. ચિરાગે શાંભવી ચૌધરીને ટિકિટ આપી છે. એ વળી નીતીશની સરકારના જ મંત્રી અશોક ચૌધરીની દીકરી છે. નીતીશના બે મંત્રીઓ પોત-પોતાના સંતાનોને જીતાડવા સમીકરણો સેટ કરી રહ્યા છે.

આનંદ શર્મા 42 વર્ષમાં પહેલી વખત ચૂંટણી જંગમાં

૭૧ વર્ષના સિનિયર કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્મા હિમાચલ પ્રદેશની કાંગડા બેઠક પરથી ચૂંટણી લડશે. આ તેમની પ્રથમ લોકસભા ચૂંટણી છે. આનંદ શર્મા ચાર વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. ભાજપના હિમાચલ પ્રદેશના ઉપાધ્યક્ષ રાજીવ ભારદ્વાજ સામે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર આનંદ શર્મા સામે ઘણાં પડકારો છે. આનંદ શર્મા છેક ૧૯૮૨માં વિધાનસભાની ચૂંટણી લડયા હતા. તેમાં પરાજિત થયા હતા. એ પછી સતત રાજ્યસભા કે સંગઠનમાં કાર્યરત રહ્યા હતા. ૪૨ વર્ષની લાંબી કારકિર્દીમાં આનંદ શર્માને પહેલી વખત લોકસભામાં ઉતારાયા છે.

-ઈન્દર સાહની

Gujarat