For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : સિબ્બલે વોટિંગ-ડેટા જાહેર કરવામાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો

Updated: May 3rd, 2024

દિલ્હીની વાત : સિબ્બલે વોટિંગ-ડેટા જાહેર કરવામાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી : રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ કપિલ સિબ્બલે વોટિંગના ડેટા જાહેર કરવામાં ચૂંટણી પંચે ૧૧ દિવસ લગાડયા તેનો મુદ્દો ઉઠાવ્યો હતો. કપિલ સિબ્બલે કહ્યું કે ચૂંટણી પંચને વોટિંગનો ડેટા જાહેર કરવામાં ૧૧-૧૧ દિવસ કેમ લાગી ગયા? એમાં પણ વોટિંગની ટકાવારી તો જણાવવામાં આવી છે, પરંતુ કેટલા મત પડયા તે કેમ જણાવાયું નથી? એનું શું કારણ છે? સિબ્બલે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને ટાંકીને દલીલ કરી કે કોર્ટે કહ્યું, લોકોએ ચૂંટણી પંચ પર ભરોસો રાખવો જોઈએ. અમે વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ ચૂંટણી પંચે કહેવું જોઈએ કે ડેટા જાહેર કરવામાં ૧૧ દિવસ કેમ લાગ્યા?

કેસરગંજમાં બ્રજભૂષણ ભાજપની મજબૂરી

કુશ્તી સંઘના વિવાદના કારણે બ્રજભૂષણ સિંહને કેસરગંજથી ફરી ટિકિટ આપવાથી ભાજપને નુકસાન થાય તેમ હતું. આ બેઠક ગઠબંધનના ભાગરૂપે સમાજવાદી પાર્ટીને મળી છે. સપા બ્રજભૂષણને એ મુદ્દે ઘેરે તો સમીકરણો બદલાઈ શકે તેમ હતા. જે પહેલવાનોએ બ્રજભૂષણ સામે આંદોલન કર્યું હતું એમાંથી મોટાભાગના જાટ સમાજમાંથી આવતા હોવાથી બ્રજભૂષણને રિપીટ કરવાથી ભાજપને ફટકો પડે તેમ હતો. એ બેઠક પર ભારે મડાગાંઠ સર્જાઈ હતી. છેક છેલ્લે સુધી લાંબી ચર્ચા-વિચારણા બાદ આખરે બ્રજભૂષણને બદલે ભાજપે એના દીકરા કરણને ટિકિટ આપી છે. એના પરથી એટલું સ્પષ્ટ થયું કે કેસરગંજ જીતવા માટે ભાજપને બ્રજભૂષણ સિંહ વગર ચાલે તેમ નથી.

પાસવાનના નામે સહાનુભૂતિ મેળવવાનો ચિરાગનો વ્યૂહ

રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન બિહારની હાજીપુરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હાજીપુર એસટી અનામત બેઠક છે. રામવિલાસ પાસવાન આ બેઠક પરથી આઠ વખત ચૂંટાયા હતા. આ બેઠક તેમનો ગઢ છે. ૨૦૧૯માં પશુપતિ પારસ આ બેઠક પરથી સાંસદ બન્યા હતા. રામવિલાસનું ૨૦૨૦માં નિધન થયું તે પછી પાર્ટીના ભાગલા પડી ગયા હતા. રામવિલાસના ભાઈ પશુપતિ પારસ અને પુત્ર ચિરાગ વચ્ચે રાજકીય વારસા માટે જંગ ચાલ્યો હતો. આ ચૂંટણી ચિરાગ માટે અસ્તિત્વનો જંગ છે. ચિરાગે પિતા રામવિલાસના નામે ભાવુક બનીને ભાષણો આપવાનું શરૂ કર્યું છે. સહાનુભૂતિના મતો મેળવવા ચિરાગ મથામણ કરે છે.

પાકિસ્તાની નેતાએ રાહુલના વખાણ કરીને ચર્ચા જગાવી

પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. ચૌધરીએ રાહુલના ભાષણનો એક નાનકડો ટૂકડો શેર કરીને લખ્યુંઃ રાહુલ ઓન ફાયર. ફવાદ ચૌધરીએ તો વખાણ કરી નાખ્યા, પણ રાહુલ એના કારણે ભાજપના નિશાના પર આવી ગયા. ભાજપે રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પુનાવાલાને મેદાનમાં ઉતાર્યા. પુનાવાલાએ કટાક્ષ કર્યોઃ કોંગ્રેસનો હાથ, પાકિસ્તાનનો સાથ. એ પછી ભાજપ-કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ગઈ. એ જોઈને યુઝર્સ રમૂજ કરવા લાગ્યા કે રાહુલની સ્થિતિ એવી છે કે કોઈ વખાણ કરતું નથી અને કરે ત્યારે એનો પ્રચાર કરી શકાતો નથી!

કંગનાની વિક્રમાદિત્ય પર અંગત ટીપ્પણીથી વિવાદ

હિમાચલ પ્રદેશની મંડી બેઠક રસપ્રદ બની છે. ભાજપે અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને વર્તમાન હિમાચલ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહના દીકરા વિક્રમાદિત્યને ટિકિટ આપી છે. આ બેઠક વર્ષોથી કોંગ્રેસ પાસે છે. મંડીમાંથી વીરભદ્ર સિંહ અને પ્રતિભા સિંહ સાંસદ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જંગ બરાબર જામ્યો છે. કંગનાના આક્રમક અને વિવાદાસ્પદ નિવેદનના કારણેય આ બેઠક ચર્ચામાં રહે છે. કંગનાએ વધુ એક વખત વિક્રમાદિત્ય પર અંગત ટીપ્પણી કરીને વિવાદ જગાવ્યો છે. કંગનાએ કહ્યું કે જે વ્યક્તિ પોતાની પત્નીનું સન્માન ન કરી શકતો હોય એ મહિલાઓનું સન્માન કેવી રીતે કરશે? કંગનાની આ ટીપ્પણીને મંડીના સ્થાનિક નેતાઓ પણ અયોગ્ય ગણાવી રહ્યા છે.

'રાજકારણીઓ કોમેડી કરે છે, કોમેડિયન રાજકારણ કરે છે'

વારાણસીમાંથી પીએમ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડશે. કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપી છે તો બીએસપીએ સૈયદ અલીને મેદાનમાં ઉતાર્યા છે. એમાં હવે જાણીતા કોમેડિયન શ્યામ રંગીલાની એન્ટ્રી થતાં સોશિયલ મીડિયામાં એની ચર્ચા જાગી છે. શ્યામ સુંદર ઉર્ફે શ્યામ રંગીલા નરેન્દ્ર મોદીની મિમિક્રી કરીને મશહુર થયા હતા. શ્યામે કહ્યું કે હું સુરત, ઈન્દોરમાં જે થયું એવું વારાણસીમાં ન થાય તે માટે લોકશાહીના હિતમાં હું ચૂંટણી લડી રહ્યો છું. મોદીના અંદાજમાં તેણે કહ્યુંઃ સોગંધ મુઝે ઈસ મિટ્ટી કી, મેં નામાંકન નહીં હટને દુંગા... લોકોએ આજના રાજકારણ પર વ્યંગ કરતા કહ્યું કે આજકાલ રાજકારણીઓ કોમેડી કરી રહ્યા છે ને કોમેડિયન રાજકારણ કરી રહ્યા છે. સમજાતું નથી શું થઈ રહ્યું છે.

***

347 બેઠકોમાં ક્યારેય મહિલા સાંસદો ચૂંટાઈ નથી

૨૦૧૪ અને ૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ૧૯૨૪ પુરૂષો જીત્યા હતા. ૨૪૮ મહિલાઓ ચૂંટાઈ હતી. જોકે, દેશની ૩૪૭ બેઠકો પર એકપણ મહિલા ચૂંટાઈ નથી. ૨૦ વર્ષમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ૮૦ લોકસભાની બેઠકોમાંથી ૫૦ બેઠકોમાં એકેય મહિલા સાંસદ બની નથી. દક્ષિણના સૌથી મોટા રાજ્ય તમિલનાડુમાં ૩૯ બેઠકોમાંથી ૨૭ બેઠકો પર ક્યારેય મહિલા સાંસદ ચૂંટાઈ નથી મળી. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પણ દેશની અગ્રણી પાર્ટીઓ ઘણી મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં નિષ્ફળ રહી છે. ભાજપે અત્યાર સુધીમાં ૪૩૪ ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં ૧૬ ટકા મહિલાઓ છે. કોંગ્રેસે ૩૧૭ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેમાં ૧૪ ટકા મહિલા ઉમેદવારો છે. બિહારમાં ભાજપ-કોંગ્રેસે એકપણ મહિલાને મેદાનમાં ઉતારી નથી.

પશ્વિમ બંગાળમાં મતદાનમાં વધારો શંકાસ્પદ : મમતા

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીના બે તબક્કા દરમિયાન રાજ્યમાં મતદાનની ટકાવારીમાં અચાનક વધારો થયો છે. લગભગ ૫.૭૫ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે, જે શંકાસ્પદ છે. ટીએમસીના વડાએ આરોપ મૂક્યો કે મતદાનમાં વધારો એવા સ્થળોએ થયો છે, જ્યાં મતદારો ભાજપની તરફેણમાં ન હતા. ચૂંટણી રેલી દરમિયાન મમતા બેનર્જીએ શંકા વ્યક્ત કરીને ઈવીએમમાં ગરબડીનો આડકતરો સંકેત આપ્યો હતો અને આગામી તબક્કામાં જો આ ટ્રેન્ડ રહેશે તો બહુ ચિંતાજનક છે એવું કહ્યું હતું. બંગાળના મુખ્યમંત્રીએ એવોય ઈશારો કર્યો હતો કે કોઈક રીતે વોટિંગ કરાવીને મતદાનની ટકાવારી વધારવામાં આવી છે કે જેનાથી ભાજપને ફાયદો થાય.

ગુરુગ્રામમાંથી રાજ બબ્બરને ટિકિટ, કોંગ્રેસમાં અસંતોષ

દિલ્હી કોંગ્રેસમાં બહારના ઉમેદવારોને ટિકિટ આપવા મુદ્દે વિવાદ થયો અને અસંતોષ હજુ શમ્યો નથી ત્યાં હવે હરિયાણામાં રાજ બબ્બરના નામે અસંતોષ શરૂ થયો છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા રાજ બબ્બરને ગુરુગ્રામ લોકસભા બેઠક પરથી ઉતારવાનો કોંગ્રેસનો વ્યૂહ એવો છે કે ભાજપના શહેરી મતદારોને પોતાની તરફ વાળી શકાય, પરંતુ એનાથી કોંગ્રેસમાં કલહ શરૂ થયો છે. હરિયાણા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રાજ્યના જ કોઈ નેતાને ટિકિટ આપવાના પક્ષમાં હતા. રાજ બબ્બર બાહરી ઉમેદવાર છે એવું કહીને કોંગ્રેસના નેતાઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બબ્બરનો મુકાબલો ભાજપના સાંસદ રાવ ઈન્દ્રજીત સિંહ અને જનનાયક જનતા પાર્ટીના ઉમેદવાર ગાયક અને રેપર રાહુલ યાદવ ફાઝિલપુરિયા સાથે થશે.

-ઈન્દર સાહની

Gujarat