For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : વિશ્વની 18 પાર્ટીઓના પ્રતિનિધિઓના ભારતમાં ધામા

Updated: May 2nd, 2024

દિલ્હીની વાત : વિશ્વની 18 પાર્ટીઓના પ્રતિનિધિઓના ભારતમાં ધામા

નવી દિલ્હી : ભારતની ચૂંટણીનું દુનિયાભરના પત્રકારો અને રાજકીય સમીક્ષકોને આકર્ષણ હોય છે. એક તો આવડા મોટા દેશમાં મતદાનની પ્રક્રિયા થાય તે જાણવાની ઉત્સુકતા હોય છે. બીજું, સોશિયલ મીડિયાનો ભારતની ચૂંટણીમાં બહુ મહત્ત્વનો રોલ હોય છે એટલે ય ભારતની ચૂંટણી સમીક્ષા અગત્યની બની જાય છે.

 એવી ઉત્સુકતાથી દોરવાઈને દુનિયાભરમાંથી ૧૮ પાર્ટીઓના પ્રતિનિધિઓ ભારતમાં આવી પહોંચ્યા છે. ભાજપ-કોંગ્રેસના ચૂંટણી પ્રચારની દશા-દિશાનો આ પ્રતિનિધિઓ અભ્યાસ કરશે. ઓસ્ટ્રેલિયા, ઈઝરાયલ, બાંગ્લાદેશ, મોરેશિયસ, નેપાળ, રશિયા, શ્રીલંકા સહિતના ૧૦ દેશોના આ પ્રતિનિધિઓ અત્યારે દિલ્હીના રાજમાર્ગોમાં ઘૂમી રહ્યા છે.

અરવિંદર સિંહના રાજીનામાથી દિલ્હીમાં અસર

દિલ્હીમાં અરવિંદર સિંહ લવલીએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધા પછી કોંગ્રેસે આખરે દેવેન્દ્ર યાદવને કાર્યકારી પ્રમુખ બનાવીને ડેમેજ કંટ્રોલની કોશિશ કરી છે. દેવેન્દ્ર યાદવ જ્ઞાાતિના સમીકરણો પ્રમાણે કોંગ્રેસને ફાયદો કરાવી શકે. મૂળ યુપી-બિહારના મતદારોમાં કોંગ્રેસનું જ્ઞાાતિનું કાર્ડ ચાલશે તો કોંગ્રેસને ફાયદો થશે. જોકે, અરવિંદર સિંહ લવલીના રાજીનામાથી જે ફટકો પડી શકે છે તે દેવેન્દ્રની વરણીથી ભરપાઈ થશે કે નહીં તે મોટો સવાલ છે. દિલ્હીની ૩૦ વિધાનસભા બેઠકો પર શીખ મતદારો નિર્ણાયક સાબિત થાય છે. કોંગ્રેસને મળેલી ત્રણ બેઠકમાંથી બે બેઠકોમાં ૧૦ ટકા વસતિ પંજાબી મૂળ ધરાવતા લોકોની છે.

કલ્પનાને હરાવવા ભાજપ સીતાને ચહેરો બનાવશે

સોરેન પરિવાર માટે આ ચૂંટણી બહુ નિર્ણાયક સાબિત થવાની છે. હેમંત સોરેન જેલમાં બંધ છે. આખાય પરિવાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. શિબૂ સોરેનની ઉંમર વધી છે એટલે આક્રમક પ્રચાર કરી શકે તેમ નથી. કલ્પના સોરેને ગાંડેય વિધાનસભા બેઠક પરથી ફોર્મ ભરી દીધું છે. ભાજપે તેમના ભાભી સીતા સોરેનને દુમકા લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. એ બેઠક પરથી ૨૦૧૯માં ભાજપના ઉમેદવાર જીત્યા હતા એટલે સીતા જીતી જાય એવી શક્યતા છે. જોકે, ભાજપ સીતાને ચહેરો બનાવીને ગાંડેયમાં કલ્પનાને હરાવવા વ્યૂહ ઘડે છે. કલ્પના જીતીને મુખ્યમંત્રી બને એ પહેલાં જ ઘરે બેસાડી દેવાનો તખ્તો તૈયાર થયો છે. 

પ્રશાંત કિશોરની ટીમ મમતા દીદીની મદદે

પ્રશાંત કિશોરે તો ચૂંટણી રણનીતિકારનું કામ બંધ કરી દીધું છે. છેલ્લે ૨૦૨૨માં મમતા બેનર્જીની બંગાળની ચૂંટણીમાં જીતવા માટે પ્રશાંત કિશોરે રણનીતિ તૈયાર કરી દીધી હતી અને એમાં મમતા દીદીને ધારી સફળતા પણ મળી હતી. આ ચૂંટણીમાં પ્રશાંત કિશોર કોઈ માટે રણનીતિ તૈયાર કરતા નથી, પરંતુ તેમની કંપની આઈ-પેક મમતા બેનર્જી માટે દિવસ-રાત એક કરી રહી છે. મમતા બેનર્જીએ આઈપેકની સલાહ પછી જ ભાષણોમાં પોતે હિન્દુ હોવાનો ઉલ્લેખ શરૂ કર્યો છે અને બંગાળી અસ્મિતા પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે.

ભાજપે એક ગાંગુલી ન માન્યા તો બીજાને મનાવ્યાં

સૌરવ ગાંગુલીને ભાજપમાં લાવવાની ઘણી કોશિશ થઈ. બંગાળમાં બબ્બે વિધાનસભાની ચૂંટણી થઈ ને બંને વખત સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાશે અને ભાજપનો ચહેરો બનશે એવી અટકળો ચાલતી રહી, પરંતુ ગાંગુલીએ ક્યારેય મગનું નામ મરી ન પાડયું. એક ગાંગુલી માન્યા નહીં તો હવે ભાજપે બીજાં પોપ્યુલર ગાંગુલીને મનાવી લીધાં છે. રૂપાલી ગાંગુલી ટેલિવિઝનમાં બેહદ જાણીતું નામ છે. અનુપમાની લોકપ્રિયતાના કારણે અત્યારે રૂપાલી ઘર-ઘરમાં જાણીતા છે. એ ભાજપમાં જોડાયા છે. આમ તો તેમનો જન્મ મુંબઈમાં થયો છે, પરંતુ બંગાળી મૂળિયા હોવાથી ભાજપને એનો ફાયદો મળશે એવી આશા છે.

પાકિસ્તાનના હિન્દુ સાંસદનું નિવેદન ભારતમાં ચર્ચાસ્પદ

પાકિસ્તાનના હિન્દુ સાંસદ દિનેશ પલયાનીએ પાકિસ્તાનની સંસદમાં ભાષણ આપતા કહ્યું હતું કે દેશમાંથી એક દિવસ હિન્દુ સમુદાયનો નાશ થઈ જશે. કારણ કે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવાઈ રહ્યા છે અને સરકાર એ બાબતે કોઈ જ આક્રમક પગલાં ભરતી નથી એટલે ધર્મ પરિવર્તન કરાવનારાઓને છૂટો દોર મળે છે. પાકિસ્તાનના હિન્દુ સાંસદનું આ નિવેદન ભારતમાં ભારે ચર્ચાસ્પદ બન્યું હતું. ઘણાં સીએએ સમર્થકોએ તેને ટાંકીને કેન્દ્ર સરકારના સીએએના કાયદાને યોગ્ય ગણાવ્યો હતો અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન-બાંગ્લાદેશના હિન્દુઓની દયનીય સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો હતો.

***

કેજરીવાલ જેલમાં છે તેનાથી આપના સાંસદો બેફિકર

કેજરીવાલ જેલમાં છે અને આમ આદમી પાર્ટીના પ્રચારની જવાબદારી સંજય સિંહ, સુનિતા કેજરીવાલ, આતિશી અને ભારદ્વાજ સંભાળી રહ્યા છે. ત્યારે હવે આપના રાજ્યસભાના સાંસદો બેફિકર હોવાનો મુદ્દો ઉઠયો છે. રાઘવ ચઢ્ઢા આપનો યુવા ચહેરો છે. પણ તે ઓપરેશન માટે બ્રિટનમાં ગયા તે હજુ આવ્યા નથી. આપ કાર્યકરોમાં એ મુદ્દો ઉઠતા ભારદ્વાજે એ બાબતે સ્પષ્ટતા કરવી પડી. એ સિવાય સુનિલ કુમાર રિંકુ ભાજપમાં જોડાઈ ગયેલા. હરભજન સિંહે એક વખત પણ નિવેદન આપ્યું નથી. આપના કાર્યકરોમાં ચર્ચા છે કે જે બિનરાજકીય વ્યક્તિઓને સાંસદ બનાવાયા છે તેમણે આપને મુશ્કેલીના સમયમાં મદદ કરી નથી.

મતદાનની ટકાવારી ઘટતા બધા પક્ષોમાં ચિંતા

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના અગિયાર દિવસ પછી અને બીજા તબક્કાના ચાર દિવસ પછી ચૂંટણી પંચે સત્તાવાર રીતે અલગ-અલગ મતદારોના મતદાનના ડેટા જાહેર કર્યા હતા. જે દર્શાવે છે કે ૮૪ ટકા સંસદીય મતવિસ્તારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. પ્રથમ તબક્કામાં ૬૬.૧૪ ટકા મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં મતદાન ૬૬.૭૧ હતું. ૨૦૧૯માં આ બેઠકોમાં સરેરાશ ૬૯ ટકા જેટલું મતદાન થયું હતું. આ આંકડાંથી તમામ રાજકીય પક્ષો ચિંતામાં છે. પરિવર્તનનો સંકેત છે કે પુનરાવર્તનનો એ પક્ષના સમીક્ષકો કળી શક્યા નથી. જો મતદાનની ઘટતી ટકાવારીનો આ ટ્રેન્ડ આગામી તબક્કામાં ચાલુ રહે તો નેતાઓની ચિંતામાં વધારો થશે.

ચૂંટણી પહેલાં દિલ્હી કોંગ્રેસને વધુ એક ઝટકો

કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો નસીબ સિંહ અને નીરજ બસોયા કોંગ્રેસ છોડીને આપ સાથે ગઠબંધનનો વિરોધ કરતાં સ્થિતિ દિવસે દિવસે વધુ વણસતી જાય છે. કોંગ્રેસ પ્રમુખ અરવિંદર સિંહ લવલીએ પણ આપ સાથે ગઠબંધનનો વિરોધ કરીને રાજીનામું આપ્યું હતું. દિલ્હી કોંગ્રેસના મોટાભાગના નેતાઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાના પક્ષમાં ન હતા, પરંતુ હાઈકમાન્ડે નિર્ણય લીધો હોવાથી સમસમીને બેસી રહ્યા હતા. હવે એક પછી એક નેતાઓ વિરોધમાં સામે આવી રહ્યા હોવાથી કોંગ્રેસના ત્રણેય લોકસભા ઉમેદવારો માટે કફોડી સ્થિતિ થઈ છે.

- ઈન્દર સાહની

Gujarat