For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : બાંસુરી સ્વરાજે લલિત મોદીને કેસ લડયો હતો

Updated: May 1st, 2024

દિલ્હીની વાત : બાંસુરી સ્વરાજે લલિત મોદીને કેસ લડયો હતો

નવી દિલ્હી : નવી દિલ્હીની બેઠક પર આ વખતે બરાબર જંગ જામશે. આ બેઠક પરથી અગાઉ સૂચેતા કૃપલાણી, કેસી પંત, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, રાજેશ ખન્ના જેવા સાંસદો ચૂંટાઈ ચૂક્યા છે. નવી દિલ્હીની બેઠક પર કોઈ એક પાર્ટીનું સતત આધિપત્ય રહ્યું નથી. ૨૦૦૪ અને ૨૦૦૯માં કોંગ્રેસના અજય માકન જીત્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપના મિનાક્ષી લેખી સાંસદ બન્યા હતા. ગત ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો એટલે મતોનું વિભાજન થયું હતું. આ વખતે આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હોવાથી એ બેઠક આપને મળી છે. ભાજપે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનાં દીકરી બાંસુરી સ્વરાજને એ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. આપમાંથી સોમનાથ ભારતીને ટિકિટ મળી છે. બાંસુરી અગાઉ લલિત મોદીનો કેસ લડતા વકીલોની ટીમમાં સામેલ હતા. એ મુદ્દે આમ આદમી પાર્ટીએ બાંસુરીને ઘેરવાની રણનીતિ ઘડી છે.

પાકિસ્તાની નેતાના નિવેદનનો દેશની ચૂંટણીમાં ઉપયોગ

પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા અસદ કેસરનું એક નિવેદન પાકિસ્તાનમાં તો ઠીક ભારતમાં પણ ચર્ચાસ્પદ બન્યું છે. પાકિસ્તાનના આ નેતાએ સંસદમાં કહ્યું કે ભારત અત્યારે સુપરપાવર બની રહ્યું છે અને એ દિશામાં પ્રયાસો શરૂ થયા છે. બીજી તરફ પાકિસ્તાન દેવાળિયું થઈ ગયું છે અને વિદેશી સહાયો પર નિર્ભર રહેવું પડે છે. એ ખરાબ શાસનની નિશાની છે. ભારતની ચૂંટણી વખતે પાકિસ્તાનમાંથી આવેલું આ નિવેદન ભાજપ સમર્થકોને બહુ ઉપયોગી થઈ પડયું છે. ભાજપ સમર્થકો અને કાર્યકરો સોશિયલ મીડિયામાં પાકિસ્તાની નેતાના આ નિવેદનનો પ્રચાર કરી રહ્યા છે.

કલ્પના સોરેનનો સુનિતા કેજરીવાલ જેવો વ્યૂહ

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે પ્રચારની જવાબદારી સુનિતા કેજરીવાલે સંભાળી લીધી છે. કેજરીવાલની ધરપકડ મુદ્દે સુનિતા આક્રમક અંદાજમાં સહાનુભૂતિનું મોજું બનાવી રહ્યા છે. એ જ તર્જ પર હવે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેને પણ ચૂંટણી પ્રચારનો વ્યૂહ અપનાવ્યો છે. ગાંડેય વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવીને કલ્પના સોરેને સક્રિય રાજકારણમાં પગ મૂક્યો છે. સુનિતાની જેમ જ હેમંત સોરેનને ટાર્ગેટ કરીને જેલમાં પૂરાયા તેનો મુદ્દો બનાવીને ઉમેદવારી નોંધાવ્યા પછી શિબૂ સોરેનની હાજરીમાં કલ્પનાએ આક્રમક અંદાજમાં ભાષણ આપ્યું હતું. 

કોંગ્રેસની ટીકાનો અખિલેશનો જૂનો વિડીયો વાયરલ

કોંગ્રેસ-સપા વચ્ચે આ ચૂંટણીમાં ગઠબંધન છે, પણ ગત વર્ષે યુપી વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ગઠબંધન ન હતું. એ વખતે અખિલેશ યાદવે કોંગ્રેસની ટીકા કરી હતી. એનો વિડીયો હવે વાયરલ થયો છે. ટીખળમાં એ વિડીયોના થમ્બમાં એવું લખાયું કે આ કોંગ્રેસના સાથીદાર છે, જે કોંગ્રેસની જ ટીકા કરી રહ્યા છે. ઘણાં લોકો તેને તાજેતરનો વિડીયો માની લે છે, પરંતુ હકીકતે એ જૂનો વિડીયો છે. કોંગ્રેસ-સપાના નેતાઓએ બચાવ કરતા કહ્યું કે ભાજપના આઈટી સેલે જાણી-જોઈને એકબીજાના કાર્યકરો અને નેતાઓમાં માહોલ બગાડવા માટે જૂનો વિડીયો વાયરલ કર્યો છે.

ભાજપ-કોંગ્રેસના નેતાઓના ઓડિશામાં ધામા

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક છઠ્ઠી વખત જીતવા માટે ફેવરિટ છે. ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે. નવીન પટનાયક સામે આ વખતે ઘણાં પડકારો છે. રોજગારી સર્જી ન શકવાના મુદ્દે વિપક્ષો તેમની વારંવાર ઝાટકણી કાઢે છે. તેમની સામેના આક્રોશનો ફાયદો લેવા માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોત-પોતાની રીતે મહેનત આદરી છે. ઓડિશામાં ૧૩મી મેથી ચાર તબક્કામાં વિધાનસભાની ૧૪૭ બેઠકો અને લોકસભાની ૨૧ બેઠકો માટે મતદાન થશે. એ પહેલાં ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓ ઓડિશામાં ધામા નાખશે. રસપ્રદ વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેની પ્રચારની થિમ ઓડિશા અસ્મિતા છે. રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ આ સપ્તાહથી ઓડિશામાં રેલીઓ-સભાઓ કરશે. તો ભાજપના કેન્દ્રીય મંત્રીઓ પણ એક પછી એક આ સપ્તાહથી ઓડિશામાં ચૂંટણી પ્રચાર માટે જશે.

***

હરિયાણામાં 'લાલ' પરિવારોનો પ્રભાવ ઓસર્યો

હરિયાણામાં એક સમયે ત્રણ રાજકારણીઓ - દેવીલાલ, બંસીલાલ અને ભજનલાલનો દબદબો હતો. ૧૯૮૦ના દશકાથી શરૂ થયેલો આ દબદબો હવે ઓસરી ગયો છે. ત્રણમાંથી બે લાલ પરિવારો તો આ વખતે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. પ્રથમ બે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ બંસીલાલ અને ભજનલાલના પરિવારો અનુક્રમે ૧૯૯૬ અને ૧૯૯૮થી સતત લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ આ વખતે તેમના પરિવારમાંથી એકેય ઉમેદવાર મેદાનમાં નથી. પૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલનો પરિવાર અત્યારે રાજકારણમાં સક્રિય છે. તેમના ચાર સભ્યો આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. એમાંથી ત્રણ તો હિસાર બેઠક પરથી જ વિવિધ પક્ષોની ટિકિટ પર એકબીજાની સામે પડયા છે. ચૌધરી દેવીલાલના પુત્ર રણજીત સિંહ ચૌધરીની ટક્કર તેમની જ પારિવારિક પુત્રવધૂઓ સામે છે.

ભત્રીજા આકાશના ચૂંટણી પ્રચારથી માયાવતી ખુશ

બસપાના યુવા નેતા આકાશ આનંદની આ લોકસભા ચૂંટણીમાં ચર્ચા છે. ૨૮ વર્ષના યુવા નેતાએ બહુજન સમાજ પાર્ટીના પ્રચારની ધૂરા સંભાળી છે અને એકદમ આક્રમક બનીને પ્રચાર કરી રહ્યા છે. પેપર લીક કૌભાંડ, પછાત વર્ગોના અધિકારો, સત્તાધારી ભાજપની વિવિધ પોલિસીના મુદ્દે આકાશ આનંદે જે પ્રચાર કર્યો છે તેનાથી માયાવતી ખુશ છે. માયાવતીએ દલિત સમુદાયના યુવા મતદારોને આકર્ષવા માટે આ વખતે આકાશને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું હતું. આકાશની લોકપ્રિયતા વધી રહી છે અને તેનાથી બસપાને ફાયદો થશે એવી આશા માયાવતી રાખી રહ્યા છે. આકાશ આમ તો ૨૦૧૭થી રાજકારણમાં સક્રિય છે ને તે વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં પણ આકાશે પ્રચાર કર્યો હતો, પરંતુ આ ચૂંટણીમાં આ યુવા નેતાએ લાઈમલાઈટ મેળવી છે.

તેલંગણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

તેલંગાણામાં હજુ થોડા મહિના પહેલાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ની હાર થઈ હતી અને કોંગ્રેસને સત્તા મળી હતી. બીઆરએસનું ઉત્તરોત્તર ધોવાણ થયું હોવાથી એક તરફ કોંગ્રેસને રાજ્યની તમામ ૧૭ બેઠકો જીતી લેવાનો ભરોસો છે. તો બીજી તરફ ભાજપ પણ ગ્રાઉન્ડ તલાશે છે. તેલંગણાની તમામ ૧૭ બેઠકો પર ૧૩ મેના રોજ મતદાન થશે. તે પહેલાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ એડીચોટીનું બળ લગાવી દીધું છે. કોંગ્રેસ ૧૧૯ સભ્યોની વિધાનસભામાં ૩૯.૪૦% વોટ શેર સાથે ૬૪ બેઠકો જીતીને સત્તા પર આવી હતી.

પશ્વિમ બંગાળમાં પીએમની રેલીને મંજૂરી નહીં

પશ્વિમ બંગાળ ભાજપના નેતા દિલીપ ઘોષે મમતા બેનર્જીની સરકાર પર આરોપ લગાવ્યો છે કે બંગાળની સરકારે આગામી ૩જી મેના રોજ બર્ધમાનમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીને મંજૂરી આપી નથી. જો પીએમની રેલી માટે પરવાનગી નહીં આપવામાં આવે તો ભાજપ કોર્ટમાં જશે એવી ચિમકી પણ દિલીપ ઘોષે આપી હતી. ભાજપના નેતાએ આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાનની પ્રસ્તાવિક રેલી માટે ભાજપે બે મેદાનો પસંદ કરીને પરવાનગી માગી હતી, પરંતુ બંગાળની સરકારે હજુ સુધી એક પણ મેદાનની પરવાનગી આપી નથી. મમતા બેનર્જી જાણી-જોઈને ભાજપના સ્થાનિક નેતાઓને અકળાવીને એમાં વ્યસ્ત રાખવા માગે છે. ૨૪-૪૮ કલાક બાકી હશે ત્યારે આખરે પરવાનગી આપી દેવાશે.

-ઈન્દર સાહની

Gujarat