For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ ચાંદી રૂ. 1,000 ઊંચકાઈ

- ક્રુડ તેલના ભાવમાં નોંધપાત્ર પીછેહઠ: ખાનગીમાં ડોલરમાં નબળાઈ

- વિશ્વબજારમાં કિંમતી ધાતુઓ મક્કમ

Updated: May 5th, 2024

 અમદાવાદ ચાંદી રૂ. 1,000 ઊંચકાઈ

મુંબઈ : વિશ્વ બજારમાં સપ્તાહ અંતે ભાવ મક્કમ બંધ રહેતા મુંબઈમાં બંધ બજારે ભાવ શુક્રવારની સરખામણીએ ખાનગીમાં સાધારણ ઊંચા મુકાતા હતા. ચાંદીમાં ટકેલું વાતાવરણ હતું. જો કે  અમદાવાદ ચાંદીમાં  રૂપિયા ૧૦૦૦નો સુધારો રહ્યો હતો. અમેરિકામાં રોજગારના આંકડા નબળા આવ્યા બાદ સપ્તાહ અંતે વૈશ્વિક બજારમાં સોનામાં નબળાઈ જોવા મળી હતી પરંતુ નીચા મથાળે શોર્ટ કવરિંગ આવતા ભાવ ફરી ઊંચકાયા હતા અને સોનાએ ૨૩૦૦ ડોલરની સપાટી જાળવી રાખી હતી. 

શનિવાર નિમિત્તે કરન્સી માર્કેટ બંધ રહી હતી, પરંતુ ખાનગીમાં ડોલર સામે રૂપિયો સાધારણ મજબૂત કવોટ કરાતો હતો. સપ્તાહ અંતે ક્રુડ તેલમાં ઝડપી પીછેહઠ જોવા મળી હતી. 

શનિવાર નિમિત્તે સ્થાનિક મુંબઈ ઝવેરી બજાર બંધ રહ્યું હતું, પરંતુ ખાનગીમાં ભાવ શુક્રવારના સત્તાવાર બંધ ભાવની સરખામણીએ સહેજ ઊંચા મુકાતા હતા. સોનું ૯૯.૯૦ દસ ગ્રામ જીએેસટી વગરના ભાવ રૂપિયા ૭૧૨૫૦ બોલાતા હતા જ્યારે ૯૯.૫૦ના રૂપિયા ૭૧૦૦૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૭૯૯૭૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામના ભાવ રૂપિયા ૭૩૫૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૭૩૩૦૦ મુકાતા હતા. શુક્રવારની સરખામણીએ ભાવ સ્થિર રહ્યા હતા. અમદાવાદ ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૦૦૦ વધી રૂપિયા ૮૧૦૦૦ રહી હતી. 

દરમિયાન વિશ્વ બજારમાં અમેરિકામાં રોજગારના આંકડા આવ્યા બાદ સપ્તાહ અંતે સોનું એક ઔંસ દીઠ નીચામાં ૨૨૭૭ ડોલર અને ઉપરમાં ૨૩૨૦ ડોલર થઈ છેવટે ૨૩૦૧ ડોલર બંધ રહ્યું હતું. ચાંદી ઔંસ દીઠ નીચામાં ૨૬.૧૨ ડોલર અને ઉપરમાં ૨૬.૮૭ ડોલર થઈ છેવટે ૨૬.૫૫ ડોલર બંધ આવી હતી. 

ક્રુડ તેલમાં નાયમેકસ ડબ્લ્યુટીઆઈના ભાવ સપ્તાહ  અંતે પ્રતિ બેરલ ૭૮.૧૧ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૮૨.૯૬ ડોલર નીચા બંધ આવ્યા હતા. 

અમેરિકામાં ઊંચા વ્યાજ દર લાંબો સમય જળવાઈ રહેશે તો આર્થિક પ્રવૃત્તિ નબળી  પડશે જેની ક્રુડ તેલની માગ પર અસર પડી શકે છે.

સ્થાનિક કરન્સી બજાર શનિવાર નિમિત્તે બંધ રહી હતી પરંતુ ખાનગીમાં ડોલર  ૮૩.૪૨ રૂપિયા જેટલો સાધારણ નરમ બોલાતો હતો. ડોલર ઈન્ડેકસ નબળો પડતા સ્થાનિકમાં ડોલર નીચો બોલાતો હતો. 

Gujarat