For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડુંગળી પરનો નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવાયો

- ઘરઆંગણે પૂરવઠો વધારવા દેશી ચણાને આયાત ડયૂટીમાંથી મુક્તિ અપાઈ

Updated: May 5th, 2024

ડુંગળી પરનો નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવાયો

મુંબઈ : દેશના ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખી સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. જો કે કાંદાનો લઘુત્તમ નિકાસ ભાવ પ્રતિ ટન ૫૫૦ ડોલર નિશ્ચિત કરાયો છે. આ અગાઉ શુક્રવારે સરકારે ડુંગળીની નિકાસ પર ૪૦ ટકા ડયૂટી લાગુ કરવાનું પણ જાહેર કર્યું હતું. દેશી ચણા પરની ઈમ્પોર્ટ ડયૂટી નાબુદ કરવામાં આવી છે. 

સરકારના આ નિર્ણયને કારણે ડુંગળીના નિકાસકારો ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી ડુંગળીના નિકાસકારો તથા ખેડૂતોને મોટો લાભ થવાની આશા છે. જોકે ચાલીસ ટકા નિકાસ ડયૂટી લાગુ કરાતા નિકાસકારોમાં નિરાશા જોવા મળી હતી. આ ડયૂટીને કારણે ભારતના કાંદા વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક નહીં રહે તેવો એક ટ્રેડરે દાવો કર્યો હતો. 

હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી હોય સરકારનો આ નિર્ણય ઘણો સૂચક માનવામાં આવે છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ડુંગળીના ભાવમાં વધારો ન થાય તેની તકેદારી રાખવા સરકારે ગયા વર્ષે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 

૨૦૨૩-૨૪ની મોસમમાં દેશમાં કાંદાનું ઉત્પાદન ૨૫૪.૭૩ લાખ ટન રહેવા ધારણાં છે જે ગઈ મોસમમાં ૩૦૨.૦૮ લાખ ટન રહ્યું હતું. 

ભારત ડુંગળીનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. કાંદાના ભાવ એકંદરે નીચે આવી જતા મુકત નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા ટ્રેડરોની માગણીને ધ્યાનમાં રાખી  સરકારનો નિર્ણય આવી પડયો છે. ગયા નાણાં વર્ષમાં ભારત દ્વારા ૨૫ લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. 

નિકાસ પ્રતિબંધ દરમિયાન અન્ય દેશોની સરકારોની વિનંતીને આધારે ડુંગળની નિકાસ છૂટ આપવામાં આવતી હતી. 

ચૂંટણીના સમયગાળામાં ડુંગળી દેશના રાજકીય  અખાડામાં હમેશા કેન્દ્રસ્થાને રહેતી હોય છે ખાસ કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં. મહારાષ્ટ્રમાં મોટી સંખ્યાના ખેડૂતો તથા ટ્રેડરો ડુંગળીના વેપાર સાથે સંકળાયેલા છે. 

કૃષિ જણસોની ઉત્પાદન સ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર તેની આયાત-નિકાસમાં સતત બદલાવ કરતી રહે છે. દરમિયાન સરકાર દ્વારા લેવાયેલા અન્ય એક નિર્ણયમાં સરકારે દેશી ચણાને માર્ચ, ૨૦૨૫ સુધી ઈમ્પોર્ટ ડયૂટીમાંથી મુક્તિ આપી છે. ચણા પર ૬૦ ટકા ડયૂટી વસૂલવામાં આવતી હતી.  

આ ઉપરાંત પીળા વટાણાને પણ આયાત ડયૂટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. દેશની મુખ્ય મંડીઓમાં ચણાના ભાવ હાલમાં વધી પ્રતિ   ક્વિન્ટલ રૂપિયા ૬૩૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે. ભારત તેના દેશી અથવા બેંગાલ ચણાની આયાત મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા તથા તાંઝાનિયા જેવા દેશો ખાતેથી કરે છે. ઘરઆંગણે પૂરવઠો વધારી ભાવને નિયંત્રણમાં રાખવાના ભાગરૂપ આયાત ડયૂટીમાંથી મુક્તિ અપાઈ છે. 

Gujarat