For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદની કંપનીના ડિરેક્ટરને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા

Updated: May 5th, 2024

અમદાવાદની કંપનીના ડિરેક્ટરને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા

- બોટાદના એજન્સી ધારકે બાઈક ખરીદવા 6.32 લાખ આપ્યા હતા

- 19 વર્ષની કાનૂની લડતના અંતે ન્યાય મળ્યો, 60 દિવસમાં વળતર ચુકવવા બોટાદ કોર્ટનો હુકમ

બોટાદ : બોટાદમાં ઓટો એજન્સી ધારકને ૧૯ વર્ષ પૂર્વે અમદાવાદની કંપનીએ આપેલો ચેક રિટર્ન થયાની ઘટનામાં બોટાદ કોર્ટે કંપનીને રોકડ રકમનો દંડ અને ડિરેક્ટરને એક વર્ષ કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદમાં રહેતા અને કોહીનુર ઓટો એજન્સી નામની દુકાન ચલાવી બાઈક લે-વેચનું કામ કરતા આબીદભાઈ આદમભાઈ સિદાતરે અમદાવાદની મે.ટીમ સ્પિરીટ નેટલીંક પ્રા.લિ. કંપની પાસેથી મોટરબાઈક ખરીદવા માટે રૂા.૬,૩૨,૨૭૧ આપ્યા હતા. તેના બદલમાં કંપનીએ આબીદભાઈને બાઈક નહીં આપી તે રકમનો ચેક આપ્યો હતો. જે ચેક બેન્કમાંથી રિટર્ન થતાં આબીદભાઈએ અમદાવાદની કંપની અને તેના ડિરેક્ટર સામે બોટાદ કોર્ટમાં ગત તા.૧૦-૩-૨૦૦૫ના રોજ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ અન્વયે ફરિયાદ દાખલ કરાવી હતી. જે કેસમાં ૧૯ વર્ષની લાંબી કાનૂની લડતના અંતે ફરિયાદી પક્ષના વકીલ નચિકેતભાઈ વડોદરિયાની ધારદાર દલીલો, રજૂ આધાર-પુરાવાઓને ગ્રાહ્ય રાખી જ્યુ. મેજી. એન.કે.નાચરે કાયદાની છણાવટ કરી કંપનીને અને ડિરેક્ટર રાજેશ વસંતભાઈ ઠક્કરને તકસીરવાન ઠેરવી કંપનીને રૂા.૫૦૦૦નો દંડ તેમજ રાજેશ ઠક્કરને એક વર્ષ સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર પેટે ૬૦ દિવસમાં ચેકની રકમ ચુકવવા હુકમ કર્યો હતો.

Gujarat