For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મતદાનના દિવસે હિટવેવને લઇને 99 એમ્બ્યુલન્સ સહિત 20 ટીમો તૈનાત કરાશે

Updated: May 5th, 2024

મતદાનના દિવસે હિટવેવને લઇને 99 એમ્બ્યુલન્સ સહિત 20 ટીમો તૈનાત કરાશે

- આણંદ જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી પહોંચવાની આગાહી

- 1,778 મતદાન મથકો પર 1,968 ફર્સ્ટ એઈડ કિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે

આણંદ : મતદાનના દિવસે આણંદ જિલ્લામાં હિટવેવની અસરને ધ્યાને લઈ તકેદારી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામ તાલુકા હેલ્થ ઓફિસરોને સ્ટેન્ડબાય રહેવા સુચનાઓ આપી છે. 

આણંદ જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન મહતમ તાપમાનનો પારો ૪૧ થી ૪૩ ડી.સે. સુધી પહોંચવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જે મુજબ શનિવાર, રવિવાર અને મંગળવારે મહતમ તાપમાન ૪૧ ડી.સે. તેમજ ગુરુવારે મહતમ તાપમાનનો પારો ૪૨ થી ૪૩ ડી.સે. રહેવાની શક્યતા છે.

જેથી મતદાનના દિવસે ૧૦૮ની ૧૯ એમ્બ્યુલન્સને જિલ્લામાં જુદા જુદા લોકેશન ઉપર તૈયાર રાખેલી છે. તમામ પીએચસી, સીએચસી, અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલની ૮૦ એમ્બ્યુલન્સ, સ્ટાફ દવાઓ સાથે તથા આરબીએસકેની ૨૦ ટીમોને પણ પ્રાથમિક સારવાર માટે અને રેફરલ સેવાઓ માટે તૈયાર રાખેલી છે. 

ચૂંટણીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીને ઈમરજન્સીમાં કેશલેસ સારવાર માટે બે ખાનગી હોસ્પિટલને પણ તૈયાર રાખેલી છે. લોકસભાની ચૂંટણીમાં જિલ્લાના ૧,૭૭૮ બુથમાં મતદાન મથકે પ્રાથમિક સારવાર માટે કુલ ૧,૯૬૮ પ્રાથમિક સારવાર માટે દવાઓની કીટ તાલુકા મામલતદારને સુપ્રત કરવામાં આવેલા છે. ચૂંટણીમાં ફરજો બજાવતા તમામ સ્ટાફ/કર્મચારીને હીટવેવ અને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવેલી છે. રીસીવીંગ-ડિસ્પેચીંગ તથા તાલીમ અને મત ગણતરીના સ્થળે પણ મેડિકલ ટીમો પુરતા દવા-સાધનો સાથે તહેનાત રાખવામાં આવશે.

તમામ પીએચસી, સીએચસી, અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલમાં જરૂરી દવાઓ, સાધનો, ડીપફ્રીઝર, આઈસ પેક્સના જથ્થાની સમીક્ષા કરવા, વનરેબલ સમુહો, જૂથો શોધી તેમના બચાવ, ટ્રીટમેન્ટ સંબંધી તૈયારીની સમીક્ષા અને તૈયારી કરવા તેમજ હિટવેવના કારણે લોકો બીમાર ન પડે તે માટે તેમને જાગૃત કરવા સુચનો આપ્યા છે. તેમજ લોકોને હિટવેવ અંતર્ગતની આઈઈસી કરવી, સવિસ્તાર માહિતી આપવી, આરોગ્ય સંસ્થામાં ફાયર સેફ્ટીની સંપૂર્ણપણે તપાસણી કરાવવી, ઓઆરએસ કોર્નર (ઓ.પી.ડી. તેમજ વોર્ડમાં) અને જરૂરી દવાઓનો પુરતો જથ્થો સુનિશ્ચિત કરવો, હિટવેવની અસરને નિવારવા માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવું,તાલુકા હિટવેવ નોડલ સુચનાઓની ખાસ અમલવારી થાય તેની તકેદારી રાખવા જણાવાયું છે. 

ગરમીના લીધે સવારે મતદાન કરવા તાકીદ

ડાકોરઃ લોકસભા ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા માટે મતદાન કરવા અપીલ કરી છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, તા.૭ મેના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે, પરંતુ હાલમાં તાપમાન વધુ હોવાથી સવારના સમયે મહતમ મતદાન કરવાની અપીલ કરી છે. સાથે જ ચૂંટણી કાર્ડ ના હોય તો ચૂંટણીપંચ દ્વારા માન્ય કરાયેલા અન્ય દસ્તાવેજો સાથે રાખી મતદાન કરવા જણાવાયું છે.

Gujarat