વડોદરા ભાજપના બે આગેવાનો જમીનના સોદામાં ભેરવાયાઃ કોર્પોરેટરની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સામે પોલીસ ફરિયાદ
વડોદરાઃ વડોદરા શહેર ભાજપના બે આગેવાનો જમીનના સોદામાં ભેખડે ભેરવાતાં કિસ્સો સમા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.પોલીસે ભાજપના કોર્પોરેટરની ફરિયાદને આધારે જમીનના સોદામાં છેતરપિંડી કરનાર શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન તેમજ તેના બે સાગરીત સામે ગુનો દાખલ કર્યો છે.સમા-હરણી લિન્કરોડ પર સોમનાથ બંગલામાં રહેતા ભાજપના કોર્પોરેટર પરાક્રમ સિંહ જાડેજાએ પોલીસને કહ્યું છે કે,હું જમીનની લે-વેચ કરતો હોવાથી શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલિપસિંહ ગોહિલના માધ્યમથી જમીન દલાલ કમલેશ દેત્રોજાના સંપર્કમાં આવ્યો હતો અને અગાઉ બંને જણા સાથે આમલીયારા ગામે જમીનનો સોદો પણ કર્યો હતો.
કમલેશ દેત્રોજાએ મને વડોદરા પાસે સુખલીપુરા ગામે તેના કાકા પરેચા અમૃતલાલ નરભેરામ (લખધીર નગર,મોરબી)ની જમીન વેચવાની હોવાનું કહ્યું હતું.જેથી આ જમીન પસંદ પડતાં રૂ.1.45 કરોડમાં સોદો કર્યો હતો.જે મુજબ મેં 7 એપ્રિલ 2024ના રોજ કમલેશ દેત્રોજાને રૂ.11 લાખ અને દિલિપસિંહ ગોહિલને રૂ.10 લાખ રોકડા ચૂકવ્યા હતા.જ્યારે બાકીની રકમ દસ્તાવેજ અને ત્યારબાદ 18 મહિનામાં ચૂકવવાની હતી.
કોર્પોરેટરે કહ્યું છે કે, 19 નવેમ્બર 2024ના રોજ સમાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવાનો હતો.પરંતુ મારા પુત્રના લગ્ન હોવાથી મેં મારા બે મિત્રોને મોકલ્યા હતા.કમલેશ અને દિલિપે મને કહ્યું હતું કે,સોદા વખતે તમારી જરૂર પણ નહિ પડે. ત્યારબાદ દોઢ મહિના સુધી મારો ચેક ક્લિયરન્સ માટે નહિ આવતાં મને શંકા ગઇ હતી.
જેથી મારા પુત્રના લગ્ન બાદ ઓફિસે જઇ કાગળો તપાસતાં જમીન માલિકની સહિઓ તેમજ આધારકાર્ડ અને દસ્તાવેજના ફોટામાં ફેર જણાયો હતો.મેં કમલેશ અને દિલિપસિંહને બોલાવી પોલીસ કેસની વાત કરતાં તેમણે બોગસ જમીન માલિક ઉભો કરી સોદો કર્યો હોવાની કબૂલાત કરી હતી.સમા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.
કમલેશે પોતાની જમીન સાચવતા જમાજીને માલિક તરીકે રજૂ કર્યો..
સુખલીપુરાની જમીનનો સોદો કરવા માટે કમલેશ અને દિલિપસિંહે સબ રજિસ્ટ્રાર સામે બોગસ જમીન માલિક રજૂ કરી દસ્તાવેજ પણ કરાવી લીધો હતો.
સુખલીપુરાની જમીનના મૂળ માલિક મોરબી ખાતે રહે છે.જેથી કમલેશ દેત્રોજાએ ખેડા ખાતે ફતેપુરા ગામે આવેલી તેની જમીન સાચવતા જમાજી સોઢા ને બોગસ જમીન માલિક તરીકે તૈયાર કરી સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કર્યો હતો.
આ વખતે તેનો ભાગીદાર દિલિપસિંહ પણ હાજર રહ્યો હતો.કમલેશે બોગસ જમીન માલિકને રૂ.5 લાખ આપવાનો વાયદો કર્યો હતો.પરંતુ સમા ના પીઆઇ એમબી રાઠોડે બોગસ જમીન માલિક જમાજી પુજાજી સોઢા (ફતેપુરા,ખેડા)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે બે વર્ષથી પગાર પણ નહિ મળ્યો હોવાનું કહ્યું હતું.
પરાક્રમસિંહને નરી આંખે ભેદ દેખાયો પણ રજિસ્ટ્રાર કચેરીમાં કોઈને કશું ખોટું ના દેખાયું
કોર્પોરેટરે પોલીસને કહ્યું છે કે,મારા પુત્રના લગ્ન હોવાથી હું દસ્તાવેજ વખતે હાજર રહી શક્યો ન હતો.દિલિપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજાએ પહેલાં દસ્તાવેજની તારીખ લીધી ત્યારે મને અનુકૂળ હતું.પરંતુ તે વખતે જમીન માલિક પરેચા અમૃતલાલ બીમાર છે તેમ કહી તારીખ રદ કરાવી હતી.ત્યારબાદ બંને જણાએ દસ્તાવેજની નવી તારીખ લીધી ત્યારે મારા પુત્રના લગ્ન હોવાથી હું હાજર રહી શક્યો નહતો.
કોર્પોરેટરે કહ્યું છે કે,લગ્ન પ્રસંગ પુરો થયા બાદ જમીનના સોદાના ચેક બેન્કમાં રજૂ નહિ થતાં મને શંકા ગઇ હતી.જેથી દસ્તાવેજ તપાસતાં સહીઓ અને આધારકાર્ડ,પાનકાર્ડ તેમજ દસ્તાવેજના ફોટા વચ્ચે મોટો તફાવત નજરે પડયો હતો.
પરાક્રમસિંહે કહ્યું,દિલિપસિંહ આર્થિક ભીંસમાં સપડાયેલો છે
પરાક્રમસિંહે પોલીસને કહ્યું છે કે,મારી સાથે છેતરપિંડી કરનાર દિલિપસિંહ અને કમલેશની પૂછપરછ કરતાં દિલિપસિંહ ગોહિલ છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં સપડાયેલો હોવાથી તેને મદદ કરવા માટે કમલેશ દેત્રોજાએ ખેલ કર્યો હોવાનું અને તેમાં તેને પણ આર્થિક લાભ મળવાનો હતો તેવી વિગતો જાણવા મળી હતી.