લંગડો ફિલસૂફ .

Updated: Feb 4th, 2022

Google NewsGoogle News
લંગડો ફિલસૂફ                                     . 1 - image


- માનવી લંગડો હોઈ શકે બુધ્ધિ કંઈ લંગડી હોતી નથી

- માનવી માટે કાતિલમાં કાતિલ ઝેર પ્રશંસા છે માનવીની પીઠ થાબડો અને તેની છાતી ગજગજ ફૂલવા લાગશે

ગ્રીસ દેશ. દોમ દોમ સાહ્યબી સર્વત્ર ગાજતી હતી. છતાં ગુલામીની પ્રથાનું ચલણ હતું. ગુલામોને વધુ ગુલામ બનાવનારા કાયદાઓ પણ હતા. જો કોઈ ગુલામ નાસી છૂટવાનો પ્રયાસ કરે તો તેનો પગ ભાંગી નાખવામાં આવતો કે જેથી તે કદી ભાગી શકે નહિ.

તેર ચૌદ વર્ષના એક કિશોરે ગુલામોની આખી ટોળકીને ભગાડવાની હિંમત કરી.

ગુલામો ભાગી છૂટયા. પણ એ છોકરો પકડાઈ ગયો. તેના માલિકે તેને પકડયો. કરડાકીથી પૂછ્યું : ''તારો ટાંટિયો ભાંગી નાખવામાં આવશે, જાણે છે?''

એ છોકરાએ હસતે મોઢે ટાંટિયો ભંગાવ્યો અને જ્યારે પગ ચાલવા માટે સાવ નકામો થઈ ગયો, ત્યારે તેણે માલિક શેઠને કહ્યું : 'મારા સાથીઓની તો ગુલામી ભાંગી છે, અવદશા ભાંગી છે. હું 

ધન્ય છું.'

હસતે મોઢે આ પગ ભંગાવનાર ગુલામ આગળ ઉપર લંગડા ફિલસૂફને નામે જાણીતો થયો.

એ લંગડા ફિલસૂફનું નામ એપિક્ટેટસ.

પણ ઇતિહાસ તેને લંગડા ફિલસૂફને નામે જ વધુ પિછાને છે.

એ લંગડા માનવીને દુનિયામાં કોઈની પડી ન હતી. ખુદ શહેનશાહની પણ નહિ. એકવાર રોમના સમ્રાટે તેને બોલાવ્યો. તેની કીર્તિ સાંભળી સમ્રાટ પ્રભાવિત થયા હતા. ફિલસૂફે જવાની ચોખ્ખી ના પાડી. કહેવડાવી દીધું : ''હું રાજા કરતાં મહાન છું. રાજા માત્ર એના રાજ્યનો રાજ છે, હું સારી ધરતીનો રાજા છું. એની ઈચ્છા હોય તો તે મને અહીં આવીને મળે.''

સમ્રાટ પધાર્યા. પણ ગુસ્સે થઈને કહી દીધું : 'હું ધારું તો તારું માથું ભંગાવી શકું છું, લંગડા!'

હસીને લંગડા ફિલસૂફે કહ્યું : 'જરૂર આપ એ પ્રમાણે કરી શકો છો. એથી મને ફાયદો જ થશે, કેમ કે જ્યારે પગ ભાંગ્યો ત્યારે સો ગુલામોને મુક્તિ મળી હતી, જ્યારે માથું ભાંગશે ત્યારે હજારો ગુલામોને મુક્તિ મળી જશે, પણ જરાક આઘા રહો, મારી પર આવતા સૂરજના તડકાને અવરોધો નહિ.'

રોમનો સમ્રાટ હેડેરિયન તો પછી આ લંગડા ફિલસૂફનો મિત્ર બની ગયો પણ તે છતાં કદી ફિલસૂફે તે દોસ્તીનો અંગત લાભ ઉઠાવ્યો ન હતો.

એ લંગડા ફિલસૂફને સીધા કરવાના ઈરાદે લશ્કરના વડાએ યુક્તિ રચી પણ ફિલસૂફે તેને પહેલે જ ધડાકે સીધો કરી નાખ્યો. તેણે કપ્તાનને કહેવડાવ્યું 'હું તારા જેવા ગુલામને મળવા પણ તૈયાર નથી.'

કપ્તાને આવીને પૂછ્યું : 'મને ગુલામ કહે છે? મને? શું તું નથી જાણતો કે મારે ત્યાં હજારો ગુલામો નોકર ચાકર છે?'

હસીને લંગડો ફિલસૂફ કહે : 'હું એટલું જ જાણું છું કે તેં બીજાં લગ્ન કર્યાં છે. એ સ્ત્રી તને આંગળી પર નચાવી શકે છે, તારી પાસે ધાર્યું કામ કરાવી શકે છે. તે તને લડાઈમાં પણ જવા દેતી નથી. હવે જે માનવી એક નાદાન સ્ત્રીનો ગુલામ હોય, એને હું ગુલામોનો ગુલામ ન કહું, તો બીજું શું કહું?'

કેપ્ટન આ જવાબથી ચૂપ થઈ પલાયન થઈ ગયો.

આવા હિંમતવાન જ્ઞાાની ફિલસૂફે પોતાની વિદ્યા લખાવી ન હતી. તેના શિષ્યોએ તેના અવસાન બાદ જાતે જ લખીને તેમના ગુરુની વાતો પ્રગટ કરી.

આ લંગડો ફિલસૂફ એવો તો તોછડો હતો કે મળવા આવનારને તે કહે : 'ખસ અનાડી, આઘો ખસ.'

આવનાર માનવી ગુસ્સે થઈ જાય તો તરત જ ફિલસૂફ હસીને કહે : 'માન-અપમાન અને ક્રોધ કૃપાની નાડી પણ જેઓ પારખી શકતા નથી, એવા માનવીને મળવાથીય શો આનંદ આવવાનો છે?'

'અનાડી, શબ્દ સાંભળવા છતાં જે શાંત રહેતા તેમને લંગડાજી જાતે મળવા દોડતા. તેઓ કહેતા : 'તમે ઝેર પચાવ્યું છે. મને બે વાતો શીખવાડી જાવ.'

આવી વિચિત્રતા ધરાવતા ફિલસૂફની ઘણી શાણી વાતો છે. તેઓ કહેતા : 'માનવી માટે કાતિલમાં કાતિલ ઝેર પ્રશંસા છે. એ ઝેર ભાગ્યે જ કોઈ પચાવી શકે છે. માનવીની પીઠ થાબડો અને તેની છાતી ફૂલવા લાગશે. પછી એ ઝેરની કેવી અસર થાય છે, એ બસ જોયા જ કરો.'

ગ્રીસના આ અમર ફિલસૂફે પોતાનો અંત ઝેર પીને આણ્યો હતો.

એક દિવસ તેઓ ભારે ખુશ હતા. શિષ્યો સાથે હસી હસીને વાત કરતા હતા.

એક શિષ્યે પૂછ્યું : 'માનવી ખુશ હોય ત્યારે તેણે શું કરવું જોઈએ?'

લંગડા ગુરુએ કહ્યું, 'ઝેર લાવો.'

શિષ્યો આશ્ચર્ય પામ્યા. પણ ગુરુની આજ્ઞાા હતી. ઝેર આવ્યું. ગુરુજી તે ગટગટાવી ગયા, કહ્યું, 'માનવી જ્યારે અત્યંત ખુશ હોય ત્યારે તેણે ઝેર પી જવું જોઈએ, કેમ કે? જિંદગીનો અંત આણવાનો એ જ સારામાં સારો મોકો છે.'

ગુરુજી મરતા હતા, ત્યારે શિષ્યોએ પૂછ્યું 'અમારા માટે કોઈ સંદેશ?'

આંખ મીંચતાં ગુરુજી કહે : 'ઝેર પીઓ. મારા દેખતાં ઝેર પીઓ.'

કોઈ શિષ્યે ઝેર પીધું નહિ. લંગડા ફિલસૂફે કહ્યું, 'મને જીવતાં આવડયું. મરતાં પણ આવડયું. તમને મરતાં આવડતું નથી એટલે જીવતાં પણ નહિ આવડે. અલ્યાઓ ઝેરથી ડરો છો? ઝેરથી ડરીને શું તમે ખાક જીવી શકવાના છો? જિંદગીમાં ડગલે અને પગલે ઝેર છે. એનાથી ડરી ડરીને જીવશો તો આ જિંદગી પણ મોત જ હશે.'

ઝેર પચાવનાર એ લંગડા ફિલસૂફ સાચે જ ઝેર પીને પણ મર્યા ન હતા. અમર થઈ ગયા. એટલે સ્તો આપણે એમની વાત હજારો વર્ષ બાદ આજે પણ યાદ કરીએ છીએ.

Google NewsGoogle News
Gujarat