સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા બાદ વરસાદી માહોલ
- સૌથી વધુ પાટડી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો
- સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં પણ વરસાદ
- મુળી, લખતર, ચોટીલા, થાન, ધ્રાંગધ્રા સહિતના તાલુકાઓમાં ઝરમરથી લઈ ભારે વરસાદ
સુરેન્દ્રનગર : હવામાન વિભાગની આગાહીના પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારે સતત બીજા દિવસે પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરી વિસ્તારો સહિત આસપાસના તાલુકાઓમા ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય અને સૌરાષ્ટ્રમાં સીસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૃપે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં તા.૧૩ ઓક્ટોબરના રોજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડીસાંજે સુરેન્દ્રનગર તેમજ વઢવાણ સહિતના શહેરી વિસ્તારો અને આસપાસના લટુડા, કટુડા, મેમકા, માળોદ, ઝાંપોદર, ખોલડીયાદ, ટીંબા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ઝરમરથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેમાં દસાડા તાલુકામાં સાંજના ૬-૦૦ થી ૮-૦૦માં સૌથી વધુ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં ધીમીધારેથી લઈ વરસાદી ઝાપટા પડયા હતા જ્યારે ગઈકાલે તા.૧૪ ઓક્ટોબરના રોજ પણ બપોર બાદ જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો હતો જેમાં ચોટીલા તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો જેને પગલે ચોટીલા શહેરી વિસ્તારમાં મુખ્ય માર્ગો સહિત રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાઈ રહેતા વાહનચાલકો સહિત લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત જીલ્લાના ધ્રાંગધ્રા, પાટડી, લીંબડી, ચુડા, મુળી, ચોટીલા, થાન સહિતના તાલુકાઓમાં પણ મેઘમહેર જોવા મળી હતી. વરસાદને પગલે ખેડુતોના મગફળી સહિતના પાકને નુકશાન જવાની ભીતી સેવાતા ખેડુતોમાં પણ ચીંતા જોવા મળી હતી.