Olympics 2024માં બબાલ: ફૂટબોલ મેદાનમાં દર્શકો દોડી આવ્યા, આર્જેન્ટિનાના ખેલાડીઓ પર ફટાકડા ફોડ્યા, મેદાન છોડી ભાગવું પડ્યું
Olympics 2024: વિશ્વમાં ફૂટબોલની રમત લોકપ્રિય છે. ઘણી વખત ફૂટબોલ મેચ દરમિયાન બબાલની ઘટના બની છે. તો ક્યારેક બે ટીમના સમર્થકો વચ્ચે ઘર્ષના કિસ્સાઓ પણ અગાઉ પ્રકાશિત થયા છે. ત્યારે હવે આવી જ એક ઘટના પેરિસ ઓલિમ્પિકમાં બની છે. આર્જેન્ટિના અને મોરોક્કો વચ્ચેની ગ્રુપ સ્ટેજની ચાલૂ મેચમાં જ મેદાનમાં જ દર્શકો દોડી ગયા હતા જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખેલાડીઓને મેદાન છોડીને ભાગવું પડ્યું હતું.
આ કારણે મેચમાં વિવાદ સર્જાયો
પેરિસ ઓલિમ્પિક ફૂટબોલમાં આર્જેન્ટીના અને મોરક્કોની પુરુષોની મેચમાં વિવાદ સર્જાયો હતો. મેચમાં આર્જેન્ટીનાએ સ્ટોપેજ ટાઈમમાં ગોલ ફટકારીને મેચ 2-2થી ડ્રો કરી હતી. જોકે મેચમાં રેફરીએ ઊમેરેલા ઈન્જરી ટાઈમથી નારાજ મોરક્કોના ચાહકોએ આર્જેન્ટીનાના ખેલાડીઓને ટાર્ગેટ કરીને પાણીની બોટલો ફેંકી હતી. કેટલાક તો સ્ટેડિયમમાં પણ ધસી આવ્યા હતા. આર્જન્ટિનાના ખેલાડીઓ પર ફટાકડા ફોડ્યા હતા. આ વિચિત્ર દ્રશ્ય જોઈને ખેલાડીઓ ગભરાયા હતા અને મેદાન છોડીને ભાગવું પડ્યું હતું.
મોરક્કોના ચાહકોનો રેફરી પર આરોપ લગાવ્યો હતો
મોરક્કોના ચાહકોનો આરોપ હતો કે, રેફરીએ આર્જેન્ટીના મેચમાં બરોબરી મેળવી શકે એટલે મેચ લંબાવી હતી. અગાઉ મેચ પહેલા આર્જેન્ટીનાનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું ત્યારે સ્ટેડિયમમાં ઉપસ્થિત કેટલાક પ્રેક્ષકોએ હુરિયો બોલાવતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદિત ઘટના પાછળ આર્જેન્ટીના અને ફ્રાન્સ વચ્ચેની રમતના મેદાનથી લઈને બહાર સુધી પહોંચેલી પ્રતિસ્પર્ધા જવાબદાર છે. ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં આર્જેન્ટીનાએ ફ્રાન્સને હરાવ્યું ત્યાર બાદ આર્જેન્ટીનાના ગોલકિપરે ફ્રેન્ચ ફૂટબોલરે એક સોફ્ટ ટોય પર ફ્રેન્ચ ફૂટબોલર એમ્બાપ્યેની તસવીર લગાવી તેનું અપમાન કર્યું હતુ.
ફર્નાન્ડેઝ ઉજવણીમાં ભાન ભૂલ્યો હતો
તાજેતરમાં જ કોપા અમેરિકા જીત્યા બાદ આર્જેન્ટીનાના ફૂટબોલર એન્ઝો ફર્નાન્ડેઝ ઉજવણીમાં ભાન ભૂલ્યો હતો અને તેણે ફેન્ચ ફૂટબોલરોને અપશબ્દો કહેતાં તેમને અંગોલાના ખેલાડીઓ તરીકે ઓળખાવ્યા હતા. હવે પેરિસમાં જ્યારે ઓલિમ્પિક યોજાઈ રહ્યી છે, ત્યારે સ્થાનિક ચાહકોએ એર્જેન્ટીનાના રાષ્ટ્રગાન વખતે હુરિયો બોલાવીને તેમનો રોષ ઠાલવ્યો હશે તેમ મનાય છે.