Get The App

ભેળસેળિયું ભારત : ઝેર તો પીધાં જાણી જાણી....

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
ભેળસેળિયું ભારત : ઝેર તો પીધાં જાણી જાણી.... 1 - image


- અનાવૃત-જય વસાવડા

- પ્લાસ્ટિકની બોટલમાનું પાણી પીવાથી કે પ્લાસ્ટિકમાં પેક ગરમ, ખાટો વગેરે ખાદ્યપદાર્થ ખાવાથી સેંકડો માઇક્રોપ્લાસ્ટિક્સ પણ શરીરમાં જાય છે

ઈ ન્ટરનેટયુગ પહેલાની એક ફિલ્મ હતી મિથુનની. 'સ્વર્ગ સે સુંદર'. જેમાં કાદરખાને ખાવાપીવાની બધી-ચીજોમાં ભેળસેળ કરતા મિલાવટરામનું પાત્ર ભજવેલું. એમાં એ દીકરી બનતી પદ્મિની કોલ્હાપુરેને કહે છે : 'રિશ્વત ઔર મિલાવટ તો સંસાર કી સજાવટ હૈ !'

આમ તો આપણે બધા ભેળસેળને કોઠે પાડીને જ જીવીએ છીએ. શુધ્ધ ઘી તો શું, શુદ્ધ ભાષા પણ કોઈને પચે તેમ નથી. લોકો નવરાત્રિમાં કે ગણેશોત્સવમાં ફિલ્મી ગીતોની ટીકા કરે છે. પણ મોટા ભાગના સ્તવનો ને ભજનોમાં ક્રેડિટ આપ્યા વિના બોલીવૂડની ધૂનો બેઠ્ઠી તફડાવી લે છે. કોટનના કપડાંમાં કરચલી ના પડે એની ભેળસેળ છે, નેચરલ ફોટોગ્રાફમાં ફિચર્સની ભેળસેળ છે. વેબ સીરિઝમાં એનિમેશનની ને નોલેજમાં એ.આઈ.ની ભેળસેળ શરૂ થઈ ગઈ છે. ઠીક છે, આવું બધું હજુ સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. પણ દેશને બીમાર બનાવી દેતી ભેળસેળ છે ખોરાકની, દવાઓની ! 

તિરૂપતિ આમ તો ભારતના જ શું, વિશ્વના સમૃદ્ધ દેવસ્થાનોમાં ટોચ પર આવે એવી જંગી આવક ધરાવે છે. હમણા એના લાડુમાં કથિત રૂપથી પ્રાણીજ ચરબી વપરાઈ હોવાના સમાચારથી શ્રદ્ધાળુઓમાં ભૂકંપ જેવો આંચકો આવી ગયો. પ્રથમ નજરે એવું લાગે છે કે ટોચના વહીવટદારોએ જાણી જોઈને ના કર્યું હોય, તો પણ સસ્તા ઘીના ટેન્ડરમાં મોહી પડયા અને લપસી ગયા. બેઝિકલી, પ્રસાદ જૂના જમાનામાં ગામડાના મંદિરમાં પણ 'વહેંચવા'માં આવતો. હવે દરેક સુખ્યાત ધર્મસ્થાનકોએ પેકેટ બનાવીને 'વેચવા'માં આવે છે. દર્શન ને વીઆઈપી દર્શનની પણ એન્ટ્રી ફી હોય છે. ઉઘાડેછોગ આ આસ્થાનો વેપાર છે. પણ ધર્માંધ ટોળાઓ શોધવા જવા નથી પડતા, સામેથી જ ઠલવાતા ને છલકાતા આવતા હોય છે.

વર્ષો પહેલા લખેલું - ભારતમાં જેટલું બધું ગાયનું ઘી મોટી મોટી પ્રતિષ્ઠિત કંપનીઓ ઉચા ભાવે વેંચે છે (હવે તો દામ ઓર ઉપર ચડી ગયા છે !) એટલી તો ગાયો જ નથી ! તો આ ૧૦૦% શુધ્ધ દેશી એવું ગાયનું ઘી વગર ગૌશાળાએ જોઈએ એટલી માત્રામાં ક્યાંથી આવે છે ?

ત્યાંથી જ, જ્યાંથી ૧૦૦% નેચરલ ફ્રેશ ફુટ જ્યુસ પેક થઈતે આવે છે ! મોટે ભાગે આવા પ્રિપેકડ જ્યુસમાં ધુપ્પલ ચાલે છે. ઝીણા અક્ષરે લખ્યું હોય '૧૦૦% કોન્સ્ટ્રેટેડ' યાને એક્ચ્યુઅલ જ્યુસ ઓછો હોય ને એમાં પાણી વધુ હોય ! ફ્રુટ ચંકસ યાને ટુકડામાં લખ્યું હોય મેંગો ને નીકળે પોપેયું ! ઘી જ શા માટે ? શુધ્ધ કેસર આટલું મોંઘુ ભારતમાં ઠેકઠેકાણે ખીર, શિખંડ, પાન, પેંડા બધે જ ઘૂટથી કેવી રીતે વપરાય છે ? કેસર ઢગલામેઢે તો થતું નથી. એ પણ કલરવાળા ફ્લેવર્ડ તાંતણા વધુ હોય છે. ટેસ્ટ ને રંગ તો આવે, પણ કુદરતી ના હોઈને સેહત યાને હેલ્થ ન આવે !

અંબાજી મંદિરનો પ્રસાદ પણ વચ્ચે વિવાદે ચડેલો. બધે માંગને પહોંચી વળવા 'સપ્લાય' (પુરવઠો) પ્રાઈવેટ પાર્ટીઝને આપવામાં આવે છે. દર્શનાર્થીઓ માટે જે ભક્તિ છે, એ આ કોન્ટ્રાક્ટરો માટે વેપાર છે. બિઝનેસ પ્રોફિટ વગર થાય નહિ. ને પ્રોફિટ વધુ મેળવવાનો આસાન રસ્તો હોય છે, ગુણવત્તામાં ઘાલમેલ. ક્વોલિટી સાથે બાંધછોડ. સામગ્રીમાં બચત એ નફો જ શુધ્ધ ને ચોખ્ખો હોય છે !

ઘીને બદલે પ્રાણીજ ચરબીનો ઉપયોગ જાણી ચોંકી ઉઠેલા શ્રદ્ધાળુઓને આ પેરેલલ ધમધમતા વિરાટ ઉદ્યોગની કદાચ ખબર જ નથી. હમણા આ વર્ષના જૂનમાં નવસારીમાં જ ૩૦૦૦ કિલો બનાવટી ઘી ઝડપાયાના સમાચાર ચમકેલા ! એ ગાળામાં દિલ્હીમાંથી પણ સાડા ચારસો કિલો નકલી ઘી પકડાયેલું. ડ્રગ કે શરાબની જેમ છીડે ચડેલા ચોર જેવું પકડાય એનાથી વધુ તો સગેવગે થઈને આપણી થાળીમાં આવી જતું હશે.

આ વર્ષના એપ્રિલમાં જ નોઈડામાં ૧૬૨ નમૂના પનીરના લીધેલા એમાંથી ૪૭ ફેઈલ થયેલા. મતલબ, આપણી આસપાસ મળતું ૨૫ % પનીર નકલી છે ! નકલી પનીર ૧૩૦૦ કિલો ને ૨૦૦૦ કિલો અગાઉ પણ પકડાયેલું. સિન્થેટિક દૂધ કેમ બને છે એના એકાધિક (મોર ધેન વન યુ નો !) વિડિયોઝ મોજૂદ છે. હવે સ્વર્ગસ્થ એવા એક પ્રતિષ્ઠિત મીઠાઈ ઉત્પાદક મિત્રે કહેલું કે એવા કેમિકલ આવે છે કે દહીંના તપેલામાં એક ટીપું નાખી દો, તો દિવસો સુધી દહી ના બગડે ! જેને જંક ફૂડ યાને ભંગાર ખોરાક કહેવાય છે, એ ફાસ્ટ ફૂડની મોટા ભાગની ચેઇનમાં ઓવનમાં ગરમ કરવા સિવાય કે નવેસરથી તળવા સિવાય કશું ય તાજું હોતું નથી. બધું કેમિકલી પ્રોસેસ્ડ હોય છે. કંપનીએ મોકલેલા પેકેટ્સનું સીલ તોડો, ગરમ કરવાની પ્રક્રિયા કરો ને પીરસી દો. ડિટ્ટો મશીનમાં બનતા ચા-કોફી. નથિંગ ઇઝ રિયલ

મિલ્ક શેઇક પણ આઇસ્ક્રીમના ફ્લેવર્ડ ચક્કા હલાવી પીરસી દેવાય છે. લાલચટ્ટક દાડમ કે તરબૂચમાં ઇન્જેક્શનથી સ્યુગર ને કલર મિક્સ કરવાના કૌભાંડ ચાલે છે. લીલાછમ શાકભાજીમાં પણ ખરા! મહેકસિંહ તર્રારની એક સોશ્યલ મીડિયા પોસ્ટ મુજબ ફૂડ એડલ્ટરેશન એક્ટના જૂના કાયદામાં સુધારો કરી એને ૨૦૦૬માં ફૂડ સેફ્ટી એક્ટમાં ફેરવવામાં આવ્યો,  પછી તબિયતને હાનિકારક ના હોય એવી ભેળસેળ પણ ગુનો નથી ! જેમ કે, દૂધમાં પાણી કે કેરીના રસમાં પોપૈયાનો રસ !  હળદરમાં ચણાનો લોટ કે મરીમાં પોપૈયાના બી !

ટ્રેનથી શરૂ કરી પ્લેન સુધી જે ટોમેટો જ્યુસ અપાય છે, એમાં ગરમ પાણીમાં હલાવેલો પાઉડર વધુ હોવાની શક્યતા છે. ટોમેટો કેચઅપમાં ટોમેટોનું પ્રમાણ અમુકતમુક ટકા જ હોય છે. બ્રેડમાં આવું જ ચક્કર ચાલે છે. હોલ વ્હીટના કે મલ્ટીગ્રેઇનના નામે હોંશે હોંશે હરખાઈને ઉંચી કિંમત આપીને લો, ને ધ્યાનથી પેકિંગ વાંચો જો એમાં આખા ધાનનો કરકરો લોટ માંડ દસથી ૧૫ ટકા હોય ! બાકી મેંદો કે બીજા કોઈ લોટ હોય. કેરી કે કેળાં કે ચીકૂ કાર્બાઇડથી પકાવાય છે, જેમાં એક રીતે સ્વાદની સાથે ઝેર પણ પેટમાં જાય છે - એમ બ્રાઉન બ્રેડમાં બ્રાઉન કલર હોય છે. આવું જ ચોકલેટનું સમજવું.

પેરેફિન વેક્સ મૂળભૂત રીતે પેટ્રોલિયમ જેલીની પ્રોડક્ટ છે. ચોકલેટ કે સફરજન જેવા ખાદ્ય પદાર્થો દિવસો સુધી ચમકદાર ને લિસ્સા રહે એ માટે આવી પ્રોડક્ટસનો ઉપયોગ થાય છે. બિસ્કીટ, પિત્ઝા બ્રેડ, નાચોઝ યાને કોર્ન ચિપ્સ, રેડીમેઇડ પેક્ડ પોપકોર્ન વગેરેમાં પણ આવા જ 'કેમિકલ લોચા' હોય છે ! મસાલા અગાઉ ઘેર લાવીને નજર સામે પીસવામાં કે ખાંડવામાં આવતા. અથાણા પણ મહેનત કરીને ઘેર તૈયાર થતા અને સૂકવણી જેવી વેફર કે મુખવાસ પણ. હવે કોઈ પાસે સમય નથી, સબકુછ મિલતા હૈ રેડીમેડનો ઇન્સ્ટન્ટ ઇઝી જમાનો આવી ગયો છે. પહેલા હોંગકોંગ અને પછી યુરોપમાં આપણા રેડીમેઇડ બ્રાન્ડેડ મસાલામાં કેન્સરકારક તત્ત્વો આ વર્ષે જ મળ્યા ને એ રિજેક્ટ થયા. પછી સ્થાનિક તપાસમાં પણ એને પુષ્ટિ મળે એવા રિપોર્ટસ આવ્યા. ખેતરમાં જ અમુક પ્રતિબંધિત જંતુનાશકોનો ઉપયોગ થાય ને એનું ઝેર શાકની જેમ મસાલામાં ભળી જાય. વળી અમુક એવા કેમિકલ ગેસ આવે જે પસાર કરવાથી પ્રોડક્ટની આવરદા વધી જાય. સિંગાપોરે આપણા મસાલામાંથી પ્રતિબંધિત ઇથિલીન ઓકસાઇડની હાજરી પકડી પાડેલી.

પરદેશ જેટલું કડક આપણું ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન નથી. ભ્રષ્ટાચાર તો ભરપુર છે જ. એટલે છટકબારીઓ અઢળક છે. અખાદ્ય માવો કે કૃત્રિમ રંગો ભેળવેલી મીઠાઈ/શરબતો વગેરેના દરોડા વારંવાર પડતા નથી. એકના એક તેલમાં (આપણે દેશી ભાષામાં દાઝ્યું તેલ કહીએ તે) તળ્યા કરવાથી વસ્તુઓ સ્વાદિષ્ટ બને પણ કોલસ્ટ્રોલથી કેન્સરમાં વધારો કરે ! હમણા જ રિપોર્ટ હતો કે પ્લાસ્ટિકની બોટલમાનું પાણી પીવાથી કે પ્લાસ્ટિકમાં પેક ગરમ, ખાટો વગેરે ખાદ્યપદાર્થ ખાવાથી સેંકડો માઇક્રોપ્લાસ્ટિક્સ પણ શરીરમાં જાય છે. જે જિનેટિક ખામીઓ કે કેન્સર, જેવા રોગો વધારે છે. આમ પણ જગતમાં સવા ચાર લાખથી વધુ લોકો તો ખરાબ ખોરાકને લીધે મરે છે !

શાકાહાર જ નહિ, માંસાહારમાં પણ આ ભેળસેળ ચાલે છે. એકવાર લેબમાં કપાયેલા દેડકાંઓના ભેળવેલા ખીમાનું કૌભાંડ પકડાયેલું! કાચ કે ધાતુના પાત્રોનો રોજીંદો ઉપયોગ ઓછો થતા ખોરાકનું પાત્રો સાથે કેમિકલ પ્રોસેસિંગ થયા કરે છે. એમાં વળી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફ્રૂડ જેવી જ જીનેટિકલી મોડિફાઇડ ખેતી આવી ગઈ વસતિની જરૂરિયાત સંતોષવા. સિમ્પલ લોજીક છે જે 'નેચરલ' (કુદરતી) છે, એ યુનિફોર્મ (એકસરખું) ના હોય. એકસરખા ચહેરા કે ફિંગરપ્રિન્ટસ હોય છે ? તો મરચાં, ગાજર, ટમેટાં, ડુંગળી, વટાણા, રીંગણા વગેરે શાક કે સંતરા, મોસંબી, કેળાં, જાંબુ, ખારેક, સ્ટ્રોબેરી વગેરે ફળો દેખાવ કે સ્વાદ (વાંચો, બેસ્વાદ)માં આવા સરખા કેવી રીતે હોય ?

જે સાથે જ નેચરલ છે, એમાં કોષની ઓર્ગેનિક પ્રોસેસ થતી હોય. ફૂગ, બેક્ટેરિયા જેવા અદ્રશ્ય માઇક્રોઓર્ગેનિઝમ્સ ભાગ ભજવતા હોય. એમ જ દહીં બને, આથો આવે. એ અટકાવતા પ્રિઝ્વેટિવ્ઝ કે ફ્રોઝન ફૂડસ એ સહજ વિકાસ અટકાવી દે છે. ભારતમાં પણ પશ્ચિમી દેશોના ચાળે ફ્રોઝન ફૂડ પ્રવેશી ગયું છે. ના ઘરમાં ફ્રિજમાં રાખી ખવાતા વાસી ખોરાકની વાત પછી, હવે ક્યુએસઆર કહેવાતા ક્વિક સર્વિસ રેસ્ટોરાંમાં સેન્ટ્રલાઇઝડ કિચન હોય છે. તમને લાગે કે આ બટાકુવડું કે સમોસું કે સેન્ડવિચ ગરમાગરમ છે. પણ એનો માવો/પૂરણ તો ઘણી જગ્યાએ તાજો બનતો નથી. એક જગ્યાએ બને છે, મહિનાઓ સુધી એના ચક્કા ડિપફ્રિઝમાં રાખવામાં આવે છે. અને રેંકડીથી રેસ્ટોરાં સુધીનાં બધા નહિ તો ઘણા ભેળસેળિયા તેલની જેમ એનો ઉપયોગ કરે છે. થિયેટરોમાં મળતા મોંઘાદાટ અનહેલ્ધી નાસ્તા જેવું. કેરેમલના પડમા પણ બનાવટી કલર હોય !

લોકોને છેતરવાનો આખો કારસો ચાલે છે. પરદેશમાં અમુક લેબલિંગ સ્ટ્રિક્ટ હોય છે, સજા આકરી હોય છે. આપણે ત્યાં એમાં પણ ગોબાચારી છે. અમેરિકામાં હ્યુસ્ટનમાં એક રેસ્ટોરામા કોકોકોલાની બોટલ પર ઓરિજીન કેન સુગર (શેરડીની અસલી ખાંડ) એવું વાંચ્યું. ત્યાં વસેલા મિત્ર હિરેન કોરાટે સમજાવ્યું કે સોફ્ટ ડ્રિન્ક્સમાં ખાંડ અતિશય હોય એ તોસમજ્યા, પણ ખાંડે ય હોતી નથી. હેવી ફુક્ટોઝ ધરાવતું ગળ્યું એ સ્વાસ્થ્યને નુકસાનકારક કોર્નસીરપ જ બધા ધીબેડે છે ! અહીં લેબલ કે સ્ટીકર કે બોક્સ કે કોથળી કોઈ કંપનીની નકલ કરી એમ જ તૈયાર કરી દેવાય છે. ખરેખર કેટલી ચોખ્ખાઈ કે શુધ્ધતા છે ફેકટરીમાં એ કોણ ચેક કરે ગ્રાહક તરીકે ? 'નો એડેડ સ્યુગર' વાંચો તો હરખાઈ ન જતા. એમાં પચાસ પ્રકારના આર્ટિફિશ્યલ સ્વીટનર્સ વિકલ્પે મળે છે. એ ઉમેર્યા હોય તો વધુ નુકસાન કરે !

નો કોલેસ્ટ્રોલ એ તો વાત જ તૂત છે. શાકભાજી, વનસ્પતિમાં કોલેસ્ટ્રોલ હોય જ નહિ. એને તળવામાં આવે ત્યારે એડ થાય. આ છટકબારીનો લાભ લેનારા ૧૦૦% ફેટ એવું નહિ લખે. કેસર ને બદામ જેવા દાવા કરનારાની પેઢીઓ ઉઠી જાય સતત એ વાપરે ને સસ્તુ જ વેચે તો. વળી આપણે ત્યાં લોકોને માત્ર ફાસ્ટફૂડ નથી જોઇતું, ચીપ ફૂડ જોઇએ છે. વડાપાઉં કે શિંગભુજીયા કે મગદાળ કે વેફર બિસ્કિટથી એક ટંક પેટ ભરનારો વર્ગ છે. એમને પોસાય એવા ભાવે બેસ્ટ ક્વોલિટી તો કાયમ કેવી રીતે મળે ? જાપાનની પ્રજા લાંબુ જીવે છે, સ્થૂળ નથી. અમેરિકા ભારતમાં ઓબેસિટી ડાયાબીટિસ છે. કારણ કે જાપાનમાં ફેશ ફૂડ કલ્ચર વધુ છે !

થોડા વર્ષો પહેલા એકદમ શુધ્ધ ઓરિજીનલ ક્વોલિટીના ફ્રેશ ફાસ્ટફૂડની એક બ્રાન્ડ ગુજરાતમાં એક ખાણીપીણીના જેન્યુઇન શોખીન અને દુનિયાભરની મિશિલીન સ્ટાર રેસ્ટોરાં ઘૂમી ચૂકેલા મિત્ર જયેશ વોરાએ શરૂ કરેલી. કે કોલેજીયન્સ સારા તેલ, કઠોળ, લોટ, બટાકા દૂધ વગેરેની વસ્તુ ખાઈ તબિયત સુધારે. ભાવ માફકસર છતાં આઇડિયા ફ્લોપ ગયો. કારણ કે આજીનોમોટો (મોનોસોડિયમ ગ્લુકામેટ) જેવા સ્વાદ વધારતા કેમિકલ્સ એમાં નહોતા. જેમ ઓર્ગેનિક શાક ઘણીવાર ચીમળાયેલા લાગે એવું થયું. પાટિયાં પડી ગયાં. કારણ કે, લોકોને મજા પડે એવો મસાલેદાર ચટાકો ના લાગ્યો.

જે સ્વાભાવિક કુદરતી ફૂડ છે, એ એકદમ ટેસ્ટી ના હોય, ઇઝી પણ ના હોય. ચપટીક ફ્રુટ કે વેઢા જેટલા જાડાં પૌષ્ટિક ધાન નાખી દોથો ભરી બીજું બધું ભેળવી દેનારા ગાજોવાજો કરે છે. ખાવાનું શું, માથામાં નાખવાનું તેલ પણ શુધ્ધ ગેરેન્ટીથી ના મળે. જડીબુટ્ટીઓ પણ ઓરિજીનલ નથી હોતી. દવાઓ કે સેનેટાઇઝરમાં ય ભેળસેળ બેફામ ચાલે છે. નિયંત્રણોનું પાલન કરાવવાનું કામ સરકારનું પણ એમાં ય તળિયાથી ટોચ સુધી મિલીભગત ચાલે છે. રોડના ડામર કે મોટીમસ મૂર્તિઓ કે ડ્રીમ પ્રોજેક્ટસના બાંધકામ મટીરિયલમાં ભેળસેળ હોય છે ! સેલિબ્રિટીઓ રૂપિયા લઇ જાહેરાત કરી દે ને સ્વીગી ઝોમેટો પેઢીને જાતે નથી ઉગાડવું, નથી રાંધવું. દર વર્ષે શ્રાવણમાં ફરાળી પેટિસમાં નકલી લોટ રાજકોટમાં ઝડપાય છે પણ ફિલ્મી ચિત્રોથી દુભાતી ધાર્મિક લાગણીઓ અહીં ટૂંટિયું વાળીને સંંકોરાઇ જાય છે !

ઝિંગ થિંગ

'ફેમિલી ડોક્ટર જેટલી જરૂર ફેમિલી ફાર્મરની છે !'


Google NewsGoogle News