Get The App

ક્યાં છે આજે ભારતના શાસનમાં વિદ્વાન આગેવાનો?

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
ક્યાં છે આજે ભારતના શાસનમાં વિદ્વાન આગેવાનો? 1 - image


- અનાવૃત-જય વસાવડા

- સત્તા સાથે શાણપણને ભાગ્યે જ ભળે, પણ દરેક હસ્તિનાપુરને કોઈ વેદવ્યાસ, કોઈ વિદૂર ને કોઈ યોગેશ્વર કૃષ્ણની જરૂર પડે જ છે

વ ર્નર હાઈઝનબર્ગ એની કારમાં દેમાર સ્પીડે જતો હતો, ત્યાં હવે આપણે ત્યાં સડકના ખાડા પૂરવાને બદલે સ્પીડના દંડ ભરવા ગોઠવાઈ જાય છે, એવા કોઈ પોલિસવાળાએ એને રોક્યો. પૂછ્યું ''તમને ખબર છે, તમે કેટલી ગતિએ જતા હતા ?'' હાઈઝનબર્ગે કહ્યું ''ના, પણ હું ક્યાં હતો એની ખબર છે !''

કશો ટપ્પો ન પડયો કહીને માથું ખંજવાળતા હો, તો ક્લેરિટી આપીએ. આમાં સૂક્ષ્મ હાસ્ય છે, જેને માટે થોડાક ક્રોસ રેફરન્સ અને ઇન્ટેલીજન્સની સ્માર્ટનેસ જોઇએ. જર્મન ભૌતિકશાસ્ત્રી વર્નર હાઈઝનબર્ગ ક્વોન્ટમ ફિઝિક્સના ધુરંધર પ્રણેતાઓમાનો એક હતો. મેટર (પદાર્થ) અને એનર્જી (ઊર્જા) વચ્ચેનો સંબંધ ક્વોન્ટામાં મળતી થિયરી પર તો આ લેખ નથી, પણ હાઈઝનબર્ગ પ્રિન્સિપલ એનો આજે પણ ફેમસ એટલે છે કે એ 'અનસર્ટેઇન્ટી' બતાવે છે સૂક્ષ્મ કણોની. કાં તો તમે ક્વોન્ટમ પાર્ટિકલનું સ્થાન જાણી શકો અથવા કેટલી સ્પીડમાં એ ધસમસે છે, એ જાણી શકો. બેઉ એકસાથે સંભવ નથી. ટેકનિકલી ઉભી રહેલી ગાડીની જ નહિ, કોઈ પણ સમયે ફોટો પડે ઓવરસ્પીડનો ત્યારે ગાડી એ સેકન્ડના લાખમાં ભાગ પૂરતી સ્થિર જ હોય છે ફોટામાં, ને એ ક્ષણે એની સ્પીડ શૂન્ય જ હોવાની !

આવું બધું હસી કાઢવા માટે પણ સમજવું પડે. ને સમજવા માટે વાંચન જોઇએ. બુદ્ધિમાન, હોશિયાર લોકો સાથે બેઠકઉઠક અને સંવાદની આદત જોઇએ. સ્મર્કેસ્ટિક યાને વ્યંગાત્મક રીતે સત્ય કહેવાની ખૂબી જોઇએ. જેમાં અપમાન કરો તો પણ સમસમે છતાં પર્સનલ ના હોઈને મોઢા પર મરક મરક હસવું પડે ! લીડરશિપની આ પણ એક ક્વોલિટી ગણાય છે. એટલે જગતમાં હજુ ટીવી કે મોબાઈલ પર ટોચના નેતાઓની લાઇવ ડિબેટ રાખવામાં આવે છે, જેમ ટ્રમ્પ અને હેરિસની હમણા થઈ. પણ જાહેરજીવનનું સ્તર આપણે ત્યાં એટલું કથળ્યું છે કે સંસદમાં કે વિધાનસભામાં હલ્લાગુલ્લા જોવા મળે, વાંધાવિરોધના દેકારા થાય, ગાળાગાળીને હૂંસાતુંસી થાય, બહુબહુ તો આંકડાઓથી છલોછલ બયાનબાજી થાય પણ રમૂજી છતાં વિદ્વત્તાપૂર્ણ, વિદ્યાર્થીઓએ ભણતરમાં યાદ રાખવા પડે એવા સ્કોલરી ડિસ્કોર્સ સમા પ્રવચનો ભાગ્યે જ થાય ! ઉગ્રતા એ વિદ્વત્તાનો પ્રર્યાય નથી !

તાજેતરમાં વડાપ્રધાને જેમણે 'લાઈટ ઓફ ધ લેફ્ટ' અંજલિમાં કહ્યા, એ સીતારામ યેચુરી ગુજરી ગયા. ભાજપ પ્રમુખ નડ્ડા તો એમના પાર્થિવદેહના દર્શન કરવા કેન્દ્રીય મંત્રી તરીકે ગયા. એમને જે કોઇએ શ્રદ્ધાંજલિ આપી, એમાં એમને ગ્રેટ પાર્લામેન્ટેરિયન તરીકે ઓળખાવાયા. હવે ડાબેરી વિચારસરણી ભારતમાં પહેલેથી ડોબા જેવી ગણાય છે. કેરળ સિવાય ક્યાંય એનું સત્તામાં અસ્તિત્વ નથી રહ્યું. જરાય પ્રેક્ટિકલ નહિ એવા કોરા આદર્શવાદથી મૂડીવાદનો વિરોધ કરીને નાસ્તિક કોમરેડ થઇ લાલ સલામ કરવામાં તો હિંસક નકસલવાદની હોળી સળગી. સોવિયેત સંઘ ને માઓના ચીન તરફ વફાદારી રાખીને બેઠેલા ભારતીય લેફ્ટિસ્ટોએ પણ ના સમજી શક્યા કે રશિયા અને ચીન પણ સોશ્યલના નામે કેપિટલિસ્ટ થઇ ગયા. ગાંધી, નેહરૂ, સરદાર પણ આ કોમ્યુનિસ્ટ સામે અસહમતી બાબતે એકમત હતા. ભારતીય લેફ્ટુડા સામે ય લઘુમતીને લટુડાપટુડા કરી બહુમતી હિન્દુઓને જ શિખામણો માટે કુખ્યાત!

છતાં પણ અગાઉ સોમનાથ ચેટરજી ને પછી સીતારામ યેચુરી જેવા ડાબેરી સાંસદો વિદાય લે, ત્યારે ભલે એમની મોટી વૉટબેન્ક ના હોય કે બેન્ક એકાઉન્ટમાં તગડા પૈસા ના હોય - ડિબેટમાં એમના સ્કોલરી વ્યૂઝની ખોટ પડે ! વાત કરતા હોય તો બૌદ્ધિકતા દેખાય. ખાલી વાચાળતા નહિ, જે વિડિયોયુગમાં દરેક બીજા પોડકાસ્ટપ્રવીણ પાસે જોવા મળે ! ઇન ડેપ્થ એનાલિસિસ, માઇન્ડ ચેલેન્જીંગ થોટ પ્રોસેસ ને શાંત સ્વરમાં થતી ધારદાર દલીલો. સંબિત સુધાંશુ મંડળી જેવી કાયમી તારસ્વરે ઉગ્ર સપ્તકમાં હોહા કરતી ચર્ચામાં સ્વસ્થ અવાજો અલગ તરી આવે. યેચુરી બહુ બદનામ બેકવર્ડ સાયકોલોજીથી ફોરવર્ડ થતા મેસેજીઝમાં એવી જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના સ્ટુડન્ટ હતા. એ જ જેએનયુ જેમાંથી ભણીને વર્તમાન કેન્દ્ર સરકારમાં ગ્લોબલ લેવલ પર સૌથી સારું અંગ્રેજી બોલતા બે ડી પોર્ટફોલિયો ધરાવતા મિનિસ્ટર્સ આવ્યા છે : વિદેશમંત્રી એસ.જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારામન. એ સિવાય અશ્વિની વૈષ્ણવ સ્માર્ટ કોમ્યુનિકેશન કરી શકે તો એ નહેરૂવિયન આઈઆઈટીમાં ભણેલા બ્યુરોક્રેટ છે ને પિયુષ ગોએલ સીએ તો એ મુંબઇની કેથોલિક કોન્વેન્ટ ડોન બોસ્કોમાં ભણેલા છે. બાકી તો મોટા ભાગે ગિરિરાજસિંહો, કંગનાઓ જ હોય છે, જેમના નિવેદનો પર બ્રેક મારવી પડે. કંઇક ઢંગના ભાષણો સાંભળવાનું મન થાય એવા નીતિન ગડકરી કે કિરણ રિજ્જુ જેવા આંગળીના વેઠા વધી પડે એટલા છે. જ્યોતિરાદિત્ય જેવા તો બહારથી આવેલા છે.

કેમ ? નરેન્દ્ર મોદી જેટલું વાચન કે ભ્રમણ નથી. નવી વાતો કે ટેકનોલોજીની ગ્રહણશક્તિ નથી અને વિરોધી મતનો પણ અભ્યાસ કરવાનો હોય એ અક્કલ નથી. આ બધા ગુણોથી વાણીમાં પ્રચંડ પ્રભાવ ધરાવતા મોદીસાહેબ ગુજરાતથી બહાર ગયા પછી ગુજરાતના મોટાભાગના મંત્રીઓ એવા ક્યાં રહ્યા છે, જેની કોઈ ડિબેટ કે અડધીએક કલાકના પ્રવચનમાં જ્ઞાાનધારા વહેતી લાગે ? જૂની પેઢીના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નિવૃત્ત જેવા છે, જયનારાયણ વ્યાસ હવે સત્તામાં છે નહિ, વાચનપ્રેમી પુરૂષોત્તમ રૂપાલા પ્રચંડ જીત છતાં પણ સાઇડલાઈન છે. શંકરસિંહ કે શક્તિસિંહ તો વર્ષોથી વિરોધપક્ષમાં છે.

ક્યાં છે એવા નેતાઓ કે જેની સાથે સહમત ના હોઈએ તો પણ એમને સાંભળવાની મજા આવે ? સમય જતાં રાહુલ ગાંધીનું કોમ્યુનિકેશન યાત્રા કરી કરીને સુધરી ગયું એવું એકસમયે એમને હરાવનાર પૂર્વ કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ કહ્યું - પણ વારંવાર બૌદ્ધિક ચર્ચાના દાવા કરતા ને સ્પેશ્યલી મીડિયા પર દેઠોક ગપાટા મારનારી ભૂતિયા સાઈબરઅંતરાઓની ફોજ ઉભી કરતા સંઘ કે ભાજપ પાસે રામ માધવ કક્ષાના નવા નેતાઓ કેમ નથી, જે સરસ રીતે, સરળ શબ્દોમાં શાંત ચિત્તે પોતાની વિચારધારા રજૂ કરી શકે. જે પ્રમોદ મહાજન અને સુષ્મા સ્વરાજની જેમ મૃદુભાષી રહીને મુદ્દાસર વાત કરી શકે ? વ્હેર આર ધ સ્પેલવર્ટસ કે વાજપેયી કે અડવાણી જેટલું પણ બોલે ? જે એક્રોસ ધ પાર્ટીલાઇન સંબંધો રાખે, ને જેમની વિરૂદ્ધ બોલ્યો હોય, એમની ઘરે જમી શકે અને હિન્દુત્વની વાત કરીને મુસ્લિમ મિત્રો બનાવી શકે એવા રામ નાઈક સરીખા હોય ?

એક તેજસ્વી હિન્દુત્વની વિચારધારાને વરેલો યુવક ઘરે આવેલો. વાચનપ્રિય, જીજ્ઞાાસુ એને શશી શરૂરનું પુસ્તક 'વ્હાય આઈ એમ એ હિન્દુ' બતાવ્યું. અને પૂછ્યું કે આટલા વર્ષથી હિન્દુત્વની વાતો કરનારા કોઈ નેતા (વાજપેયી કે નરેન્દ્ર મોદી જેવા શીર્ષસ્થ નેતા વક્તાની વાત નેચરલી નથી) કે ઈવન સંઘના વરિષ્ઠે આ લેવલનું કોઈ પુસ્તક હિન્દુ વારસા બાબતે લખ્યું કે જે નવી પેઢીને ગમે એવી રસાળ ભાષામાં હોય, અંગ્રેજીમાં ગ્લોબલ લેવલે પરદેશીઓ વાંચે એવી પ્રતિષ્ઠા પામ્યું હોય, જેમાં નક્કર ફેક્ટસ સાથેના સંદર્ભો ધરાવતી અને પ્રાચીનતા અને આધુનિકતાના દ્રષ્ટિકોણની તુલના કરતી લેખિની હોય અને વાંચીને સારું વાંચનારને ઓડકાર આવે એવું જ્ઞાાન હોય ? - આ બધા ક્રાઈટેરિયાઝ નામો દેવા ઉછળતા પહેલા ચાવી ચાવીને વાંચવા જેવા છે. એક નામ આવે અરૂણ શૌરી. એ તો હયાત હોવા છતાં હાંસિયામાં છે, ને આમે મૂળભૂત પત્રકાર હતા. એમણે પણ આવું હિન્દુ હોવાને ડિફાઈન કરતું પુસ્તક નથી લખ્યું!

આ નવાઈ સમજવા જેવી છે. જવાહરલાલ નેહરૂનું ડિસ્કવરી ઓફ ઈન્ડિયા આજે પણ એક ગ્રંથ તરીકે વાંચવું ગમે. ગાંધીજીમાં એવું ચૂંબક હતું કે અનેક સ્કોલર્સ એમના દીવાના હતા. આઈન્ટાઈન અને બર્નાડ શો હોય ત્યાં બીજી શું ગણવા. છતાં યાદ કરો. રવિન્દ્રનાથ ટાગોર, ઝવેરચંદ મેઘાણી, ગોપાલકૃષ્ણ ગોખલે, સરદાર પટેલ, ચક્રવર્તી રાજગોપાલાચારી, કનૈયાલાલ મુનશી, હરિવંશરાય બચ્ચન, આચાર્ય કૃપલાની જેવા અનેક ગાંધીયન બન્યા. અબજપતિ શ્રેષ્ઠીઓ પણ નાનજી કાલિદાસ મહેતાથી સારાભાઈ ફેમિલી, બિરલાથી બજાજ, તાતાથી કસ્તૂરભાઈ વગેરે. પંડિત સુખલાલજીથી સ્વામી આનંદ, ઉમાશંકર જોશીથી મનુભાઈ પંચોળી દશેક જેવા વિદ્વાનો. એમનું 'આપણો વારસો અને વૈભવ' પણ કોઈ આજના હિન્દુવાદી નેતાએ લખ્યું હોય તો શોધજો !

સો વર્ષના થવા આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે નિષ્ઠાવાન દેશભક્તો ખરા. પણ એ સમયે ભગતસિંહથી સુભાષબાબુ જેવા સ્વતંત્ર વિચારકો એની સાથે સહમત નહિ. રામમનોહર લોહિયા કે જયપ્રકાશ નારાયણ તો જન્મજાત ક્રાંતિવીરો પણ એમનું રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અલગ. દિનકર જેવા કવિ કે પ્રેમચંદ જેવા સાહિત્યકારો પણ. સુબ્રહ્મણ્યમ સ્વામી જેવા હોશિયારીના અતિરેકમાં અળખામણા થયેલા ને માત્ર કોન્સિપરસી થિયરિસ્ટ તરીકે હવે પાટલી બદલવામાં હાસ્યાસ્પદ બનેલા સ્કોલર પણ આજે મેઈનસ્ટ્રીમ નથી. કારણ કે ફોલ્ડરિયાઓને રીડિંગ કે ડિસ્કશન સાથે પ્રકાશવર્ષોનું અંતર હોય છે, ને પક્ષભક્તોને કોઈ પણ બુદ્ધિજીવીની ઠેકડી ઉડાડી એમના પર પર્સનલ એટેક કરવાનું જ - શીખવાડાયું છે, જે બાબતે હમણા ખરેખરા સ્કોલર તરીકે જાણીતા લદાખના સોનમ વાંગચૂકે પણ બળાપો ઠાલવેલો !

હવે એક તો રેડીમેઈડ ફેકટરીના અર્ધસત્યો ને અસત્યોના આથામાંથી ઉતારેલા ફુલાવેલા ખાટિયા ઢોકળાં જેવા વિડિયોઝ કે મેસેજીઝ ગોખવા સિવાય આજીવન કોઈ બુદ્ધિનો વિકાસ ના કર્યો હોય એવા ઝોમ્બીબુધ્ધુઓ હડકાયા શ્વાનો જેમ ટ્રોળિયા થઈ કરડી શકે, પણ કોઈ દુનિયા તો શું રાજ્ય ડોલાવી દે, યુનિવર્સિટીઓ ગજવે ને બે પાંચ હજાર સાંભળે-વાચે એવો વિચાર ના કરી શકે. પછી ચાવી દીધેલા પૂતળા પેઠે બુલડોઝરના નામે હોબાળા કરે પણ સુપ્રીમ કોર્ટના ચુૂકાદામાં નાક વાઢી લેવાયું એટલી સમજ તો ચણીબોરના ઠળિયા જેવા મગજમાં ના હોય કે પહેલા સંવિધાનનો અભ્યાસ કરીએ.

આવું કેમ થાય છે કે અપવાદો બાદ કરતાં કલાકારો, બૌદ્ધિકો સત્તામાં હોવા છતાં ભાજપ તરફ ઓછા ઢળે છે ? મોટા ભાગના મીડિયોકર ટોળાઓ હોય છે. સુપરસ્માર્ટ લોકો વ્યક્તિગત સંબંધો હૂંફાળા રાખે, સારા કામોની ઉપલા લેવલે પ્રશંસા કરે પણ વૈચારિક શરણાગતિમાં ના હોય ? હવે તો આવા મુદ્દે ચર્ચા પણ ના થાય એવો માહોલ છે. પણ ચૂંટણી જીતવા જેટલું જ અગત્યનું છે, મન જીતવાનું. અને સાયન્સ, ઈકોનોમિક્સ, સિનેમા, આર્ટ, લિટરરેચર, સ્પોર્ટસ વગેરેના જે ટોચના નામો હોય, જે એમાં 

પ્રજ્ઞાાવાન, ક્રિએટિવ, ઈનોવેટિવ ગણાતા હોય એ સૌજન્યથી વિશેષ આકર્ષાય નહિ. વાત વિપક્ષની નથી. પણ આ બાબતે મંથનચિંતન હોવું જોઈએ.

સાયકોલોજીની વૈજ્ઞાાનિક થિયરી એવું કહે છે કે ઈન્ટેલેકચ્યુઅલ પર્સન મોટે ભાગે રિવોલ્યુશનરી થાય. કારણ કે, શરૂઆતના જંગલી જીવનમાં કબીલા બન્યા એ પોતાની ટ્રાઈબ કે ફેમિલીના હિત પૂરતા હતા. જે આપણા નથી એના પ્રત્યે સંવેદના અનુભવવી એ વિચારથી જ માનવતા કહેવાય એ સદ્ભાવ વિકસ્યો. માત્ર ખુદના નહિ, બધાના કલ્યાણ માટેની સર્જકતા કે વિજ્ઞાાનનો વિકાસ થયો. રામે બહુપત્નીત્વ છોડયું, કૃષ્ણે ઈન્દ્રની સર્વોપરિતા તરછોડી એમ યુગપુરૂષો ચાલુ ચીલાના ચોકઠાં ના સ્વીકારે. એ એમના મૂડના માલિક હોય. આંતરરાષ્ટ્રીય વિદ્વાન જગદીશ ભગવતીએ મનમોહનસિંહના પોલિસી પેરાલિસિસની ટીકા કરી ત્યારે વ્હાલા લાગ્યા, પણ પછી એમણે હિન્દુ-મુસ્લિમ કોમવાદ પર રમાતા રાજકારણની ટીકા કરી તો ઈન્ટેલેકચ્યુઅલ મટી ગયા !

તો કોઈ ઈન્ટેલેકચ્યુઅલ લિબરલ બંધનમાં ગુલામ તરીકે જીવી ના શકે. સ્વાર્થ વિના કાયમ તો નહિ જ. જર્મન કાર્લ મેઈનહેઈમે સિદ્ધ કરેલું એમ લિબરલ થોટસ ફ્યુચરિસ્ટક ને પ્રોગ્રેસીવ હોય. એને ફ્રીડમ ને લિબર્ટી જોઈએ. રાઇટવિંગર્સ એ આપી ના શકે. જેમનું વાંચન હોય તો પણ સ્વામી વિવેકાનંદ - સાવરકરથી શરૂ થઈ રાજીવ મલ્હોત્રા, દીનાનાથ બત્રા - આનંદ રંગનાથન - એસ ગુરૂમૂર્તિમાં પુરું થઈ જાય, ત્યાં બીજી કઈ ચર્ચા પણ થાય ? જ્યાં સતત હાઈબીપીની નસો તંગ કરતા અંગત આક્ષેપોના બૂમબરાડાથી અલગ વિચારને એટેક કરી ચૂપ કરી દેવાય ત્યાં એ ભૂલી જવાય છે કે ભારતના ઋષિઓએ તમામ જાણીતા ધર્મગ્રંથ પણ સવાલ જવાબ રૂપે લખેલા છે. સવાલ સાચા પૂછો નહિ, ત્યાં બુદ્ધિની ધાર નીકળે નહિ !

જે ખરેખર ભણે, એ સવાલો પૂછતા દિમાગની ક્ષિતિજો વિસ્તારે. સાચુકલા શિક્ષિત થાય થોડાક સંવેદનશીલ વધુ થવાના. કારણ કે કળા ને સાહિત્યનો સ્પર્શ એ શીખવાડે. ઉત્ક્રાંતિ પામતું દિમાગ સંકુચિત રહી ના શકે. એટલે આસ્થાવાન હોય તો પણ ટિપિકલ ધાર્મિક ઘેટું બની ના શકે. તત્ત્વદર્શનમાં સંવાદ ને ચર્ચા હોય. ધાર્મિકતાના અતિરેકમાં આંખો બંધ કરીને પાંખો કાપી લેતી જડતા હોય. વિચારશીલતાને એની એલર્જી થવાની જ. લિબરલ બ્રેઈન ઓર્થોડોક્સ બ્રેઈન કરતા અલગ રીતે સ્પાર્ક કરે એના વૈજ્ઞાાનિક તારણો છે. ભલે ટોળા મોટા હોય ઘેલાઓના, પણ એ બધા ઉધારના વિચારવાળા. જગત એનાથી આગળ નથી વધતું. એ ક્રિએટિવ ઈન્ટેલીજન્સ ધરાવતા દિમાગની અસરથી બદલાય છે. ગિરીશ કર્નાડ કે રામચંદ્ર ગુહા ને અર્બન નકસલ કે દેશદ્રોહી કહી નકારવા સહેલા છે, પણ એવી ટેલન્ટ પેદા કરવી અઘરી છે. સત્તા સાથે શાણપણને ભાગ્યે જ ભળે, પણ દરેક હસ્તિનાપુરને કોઈ વેદવ્યાસ, કોઈ વિદૂર ને કોઈ યોગેશ્વર કૃષ્ણની જરૂર પડે જ છે.

ઝિંગ થિંગ

''શાંતિ, સ્વતંત્રતા અને કાયદાના રાજની સલામતી એટલે જરૂરી છે કે ઉત્તમ બાબતો ખતમ ઝડપભેર થઈ શકે છે, ઝટ સર્જી શકાતી નથી !''

(રોજર સ્કૂટન)


Google NewsGoogle News