પાડાને વાંકે પખાલીને ડામ .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- વિડીયો જોતાવેંત સપના ધુ્રજી ઉઠી.''બાપ રે! આ વિડીયો વાઈરલ થાય તો મારી ઈજ્જતના ધજાગરાં ઊડી જશે
''સ પના, કાલ સાંજ સુધીમાં મને વીસ હજાર રોકડાં પહોંચાડી દેજે, નહિતર તારી વિડીયો વાઈરલ થઈ જશે.'' આલોકના ફોનથી સપના ચોંકીને ડરી ગઈ.
''આલોક, ગયા મહિને તો મેં તને પંદર હજાર આપ્યા હતા, ફરી આ મહિને માંગે છે ?'' સપના ગુસ્સે થઈને બોલી.''
''જો સપના, આ તારી અશ્લિલ વિડીયો ગામમાં ફરતી થઈ જશે ને, તો તારી ઈજ્જત ધુળમાં મળી જશે અને પછી તારો હાથ કોઈ પકડશે નહિ.'' આલોકે લુચ્ચાઈથી હસતાં કહ્યું. સપના ડરી ગઈ, અને બોલી ''તું, એવું કશું કરીશ નહિ, હું વ્યવસ્થા કરું છું.''
વી.ડી. આર્ટસ કોલેજની સૌથી બ્યુટીફુલ છોકરી કોણ ? આ સવાલનો જવાબ દરેક યુવકના મોઢે એક જ હોય, સપના મહેતા. આલોક પૈસાદાર બાપનો એકનો એક આવારા છોકરો હતો, તેને મન છોકરી ફેરવવી એક શોખ હતો. દેખાવમાં રૂપાળો અને હેન્ડસમ હોવાથી સારી સારી યુવતીઓ તેનાથી આકર્ષાયા કરતી. સપનાની પાછળ તે દીવાનો હતો પણ સપના તેને ભાવ આપતી નહીં.
બીજા જ અઠવાડિયે સપનાંની બર્થ-ડે આવતી હતી, તે આલોકને ખબર પડતાં સોનાની વીંટી તેણે સપ્રેમ ગિફ્ટમાં આપી. સપના મધ્યમવર્ગની યુવતી હતી. તેનો ભાઈ શેખર બેંકમાં નોકરી કરતો, અને તેની ભાભી મનાલી એક આદર્શ ગૃહિણી હતી.
બર્થ-ડે પર પંદર હજારની ગિફ્ટથી સપનાંની બહેનપણીઓ જલી ઉઠી, આગળ ઉપર તો કેટલી કિંમતી ભેટો મળશે. સપના પણ આલોક પ્રત્યે ખેચાણ અનુભવવા લાગી, અંતે પ્રેમમાં પડી. મહિના પછી તો બન્ને સાથે પિક્ચર જોવા ચાલુ પડી ગયા.'તેરે પ્યારમે' પિક્ચર જોઈ બન્ને હોટલ બ્લ્યુમુનમાં કોફી પીવા ગયા. આલોકે પોતાની ઓળખાણથી એક રૂમ પણ કલાક માટે મેળવી, સપનાને પીવા એક્ષ્પ્રેસો કોફી આપી. કોફી પીતાં પીતાં જ તેની આંખો ઘેરવા લાગી અને પછી શું થયું તે ખબર જ ન પડી.
બે કલાક પછી તેને આંખો ઊઘડી ત્યારે તે હોટેલના રૂમમાં પલંગ પર પડી હતી. તેના કપડાં વેરવિખેર થઈ ગયા હતા, અને શરીર તૂટી રહ્યું હતું. તેને ખબર પડી ગઈ હતી કે તેની સાથે બળજબરી કરીને ઈજ્જત લૂંટવામાં આવી છે.
રાત્રે ઘેર પહોંચી ત્યારે તેના ભાઈભાંભી રાહ જોઈ બેસી રહ્યા હતા. માંડ માંડ તેમને ખોટું ખોટું સમજાવીને પછી બધાં સાથે જમવા બેઠા.
બીજા દિવસે સવારે કોલેજ પહોંચતા જ તેણે આલોકને પડકાર્યો. ''તે કાલે મારી સાથે ખોટું કામ કર્યું, હવે આપણો સંબંધ પુરો.''
આલોક હસી પડયો, ''હા, હા, હા મે એકલા એ જ નહીં, આપણે બન્નેએ જન્નતનો આંનદ લુટયો છે. તારા વ્હોટસપમાં મે વિડીયો ક્લિપ મોકલી છે, જોઈ લે.''
વિડીયો જોતાવેંત સપના ધુ્રજી ઉઠી.''બાપ રે! આ વિડીયો વાઈરલ થાય તો મારી ઈજ્જતના ધજાગરાં ઊડી જશે. આલોક આટલો નીચ હશે, એ તો વિચાર્યું જ નહોતું.'' આખો દિવસ તે વિચારતી રહી, શું કરવું, શું કરવું ?
રાત્રે તેણે શરમના માર્યા ફોન જોડયો, ''આલોક મારી આ ક્લિપ ડિલીટ કરી દે, નહિતર હું પ્રિન્સિપાલને ફરીયાદ કરીશ.''
''કર ને ! તું જ સામેથી મારી પાસે આવી હતી, જો તારે ક્લિપ ડિલીટ કરાવવી હોય તો મને પંદર હજાર પહોંચાડી દેજે.'' આલોકે દોંગાઈથી હસતાં કહ્યું.
સપના ડરીને ધુ્રજી ગઈ. તેણે ગમે તેમ કરીને બીજે દિવસે પંદર હજાર આલોકને પહોંચાડી દીધા.
મહિના પછી ફરીથી આલોકનો વીસ હજાર માંગતો ફોન સાંભળી સપના બેબાકળી બની ગઈ. તેને ડોશી મરી ગયાનો ડર નહોતો, પણ આ તો જમ પેધો પડી ગયો. દર મહિને એ આટલા બધાં રૂપિયાનો બંદોબસ્ત ક્યાંથી કરશે ?
આખી રાત તેને ઊંઘ ના આવી. વહેલી સવારે તેણે શેખરભાઈના કબાટમાંથી વીસ હજાર ચોરવાનો નિર્ણય કર્યો. ધીમેથી તે રૂમમાં ઘૂસી પણ મનાલી ભાભી તેને જોઈ ગયા.
બધાના ગયા પછી મનાલીએ સપનાંને પૂછતાં, સપના રડી પડી. બધી વાત કરતાં મનાલી પણ વિચારમાં પડી. તેણે નણંદની પીઠ થાબડી, હિમત આપી,
''હું કોઈ ઈલાજ કરું છું, કહી તેણે સપનાને સાંત્વન આપ્યુ.''
બીજા અઠવાડિયે સપનાએ એનો અંત લાવવા પચાસ હજારમાં આલોક સાથે સોદો નક્કી કર્યો. આલોકે બ્લ્યુમુન હોટલની રૂમ નં. ૨૦૩માં પચાસ હજાર પહોંચાડવા જણાવ્યું.
મનાલીએ પોતાના લગ્નના દાગીના ગીરવે મૂકી પચાસ હજારની વ્યવસ્થા કરી સપનાને કહ્યું, ''નણંદબા, આ છેલ્લી વખત હું જ હોટલમાં જઈ કામ પતાવું છું.'' મનાલી સપના હતી, એટલે તેણે હા પાડી.
સાંજના સાત વાગે મનાલી ધીમા પગલે રૂપિયા લઈ હોટલ પહોંચી. શેખરના બેંકના કર્મચારીઓની પાર્ટી હોટલ બ્લ્યુમુનમાં ચાલતી હતી. ત્યાં મનાલીને બહાર કોરિડોરમાંથી રૂમમાં જતાં જોઈ શેખર ચમકી ગયો. તેણે મનાલીનો પીછો કર્યો. રૂમ નં ૨૦૩માં એક પુરુષે બારણું ખોલ્યું, અને મનાલી અંદર ગઈ.
પાંચ મિનિટમાં તે ખુશ થતી બહાર આવી, તેણે પચાસ હજાર આપી આલોક પાસેથી આખી વિડીયો ક્લીપ ડીલીટ કરાવી નાખી હતી. શેખર જોતો રહી ગયો. કુલટા! ચરિત્રહીન!! હજી લગ્નને એક વરસ જ થયું છે, ત્યાં પરપુરુષ સાથે રંગરેલીયા મનાવવા હોટેલમાં આવે છે.!!!!
ઘરે પહોચીને મનાલીએ બધું કામ સરસ રીતે પતાવી દીધું છે, કહેતા કહેતા સપના ખુશ થઈ ભાભીને ભેટી પડી. ''ભાભી, તમારો ખુબ ખુબ આભાર,'' કહેતા તેની આંખોમાં પાણી આવી ગયા.
શેખર ઘરે પહોચતા જ મનાલીને લાફો મારી બુમ પાડી, ''કુલટા, બેવફા, ચરિત્રહીન! હજી તો લગ્નને વરસ જ થયું છે, ત્યાં જુના પ્રેમી સાથે રંગરેલીયા મનાવવા લાગી.'' મનાલી અને સપના સડક થઈ એકબીજા સામે જોવા લાગ્યા.
''કુલટા, હુું મારા બેંક કર્મચારીઓની પાર્ટીમાં હોટેલ બ્લ્યુંમુનમાં જ હતો. તું રૂમ નં.૨૦૩માં કોની સાથે રંગરેલીયા મનાવવા ગઈ હતી? સાચું કહે, નહીતર તને આ ઈજ્જતદાર લોકોના ઘરમાં રહેવાનો કોઈ હક નથી.'' કહીને શેખર તેની પત્ની મનાલીને હાથ પકડી ઘસડીને ઘરની બહાર કાઢવા લાગ્યો.
મનાલીથી ખુલાસામાં કઈ જ કહેવાય તેવું ન હતું, તે ચુપ રહી, એટલે શેખરનો શક પાકો થઈ ગયો. તેણે ધક્કો મારી ઘરની બહાર મનાલીને કાઢી. હવે સપનાથી ના રહેવાયું.
તે વિચારવા લાગી. આ તો પાડાનાં વાકે પખાલીને ડામ દેવાઈ રહ્યો છે. અને તેણે રડતાં રડતાં મૌન તોડયું, ''મોટાભાઈ ભાભી નિર્દોષ છે. આ બધાની ગુનેગાર હું જ છું. મને જે સજા આપશો, તે મંજુર છે.''
શેખરને નવાઈ લાગી. આને સપના સાથે શું સંબંધ છે ?
સપનાએ રડતાં રડતાં સઘળી હકીકત કહી. અલોકે તેને ઘેન આપી, દુષ્કર્મ આચર્યું હોવાની અને પછી બ્લેકમેલીંગ કરતો હોવાની બધી વાત વિસ્તારથી સમજાવી. મનાલીભાભીએ તો પોતાના ભોગે મને મદદ જ કરી છે. કહેતા કહેતા સપના પોતાના ભાઈના ચરણોમાં ઝુકી ગઈ.
શેખરને બધી વાત ખબર પડતાં તરત જ પોલીસ ફરિયાદ કરી, બ્લેકમેલીંગ કરતા આલોકને પકડાવી દીધો.
લાસ્ટ સ્ટ્રોક : જુવાનીના આવેશમાં લબાડ અને લંપટ માણસમાં વિશ્વાસ કરવો નહિ. અન્યથા બ્લેકમેલીંગમાં ફસાઈ જશો. આપણા માટે પોતાના ભોગે મદદ કરનારના હમેશા આભારી રહેવું.