Get The App

સહુ અહી ગરીબ છે, સુખી છે અહી કોણ? .

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
સહુ અહી ગરીબ છે, સુખી છે અહી કોણ?                            . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- કોને ગરીબ ગણીને મદદ કરવી અને કોને નહીં? તેના લીધે હવે ખરેખરા ગરીબને પણ મદદ કરવી કે નહીં તે દ્વિધા રહ્યા કરે તે સ્વભાવિક છે

ચો માસાનો સમય હતો. અમદાવાદમાં વરસાદ-પાણી સારાં થયાં હોવાથી ચારે તરફ પાણી ભરાઈ ગયાં હતાં. વાતાવરણ ભેજવાળું હોવાથી માંદગીની સીઝન ચાલુ હતી. બાળકોમાં શરદી, કફ, વરાધ, ઝાડા અને ઊલટીના કેસ ચાલુ જ હતા.

બપોરની ડૉ. ભટ્ટની ઓપીડી પૂરી થવાની તૈયારી હતી. છેલ્લો કેસ બે વર્ષના જીલનો લઈને દરિયાપુરના મોહનભાઈ મારવાડી અને જમનાબહેન આવ્યાં ત્યારે ખૂબ જ ઉત્તેજિત હતાં. જીલને ૧૦૧ તાવ હતો, શરદી, કફ અને શ્વાસથી તે ફફડી રહ્યો હતો.

તેની તપાસમાં ડૉ. ભટ્ટને જીલની હાલત ગંભીર લાગી. આથી તત્કાલ તો એક્સ રે અને લોહીની તપાસ કરાવવા કહ્યું અને તરત જ રિપોર્ટ બતાવવા જણાવ્યું. તેના લોહીમાં શ્વેતકણો ૨૧,૪૦૦ આવ્યા જે, શરીરમાં ચેપની અસર જણાવતાં હતાં. તેના એક્સ રેમાં આખી જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો દાગ હતો. શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો, એટલે ડૉ. ભટ્ટે દાખલ કરવાની સલાહ આપી.

કોઈ પણ સરકારી કે મ્યુનિસિપલ હૉસ્પિટલમાં દાખલ કરવાની સૂચના આપી ચિઠ્ઠી લખી આપવા જણાવ્યું તો જમનાબહેન કરગરી પડયાં, 'ડૉક્ટર સાહેબ, અમારે તો અહીં તમારા પ્રાઇવેટ હાસ્પિટલમાં દાખલ કરવો છે, એટલે તો અહીં આવ્યાં છીએ.'

'પણ પ્રાઇવેટમાં ખર્ચ વધારે આવશે, તમારી પાસે એટલી સગવડ છે ?' ડૉ. ભટ્ટે પ્રશ્ન પૂછયો.

'ગમે તેમ કરીને અમે બિલના રૂપિયા ભરીશું, ડૉક્ટર !' મોહનભાઈએ વિચારીને કહ્યું.

સામાન્ય મધ્યમ વર્ગનાં દંપતી લાગતાં હતાં; પરંતુ જીલની તત્કાલ સારવાર જરૂરી હતી, એટલે ડૉ.ભટ્ટે  તેને દાખલ કરીને સારવાર ચાલુ કરી.

ઑક્સિજન, સારામાં સારી એન્ટિબાયોટિક્સ, ઇન્જેક્શનો, બાટલા વગેરે ચાલુ કરવાં જરૂરી હતાં, એટલે ડૉ. ભટ્ટે તે બધાં લખીને મોહનલાલ મારવાડીને બધું લઈ આવવા જણાવ્યું.

જમનાબહેન ડોક્ટરસાહેબની કૅબિનમાં આવીને બોલ્યાં, 'ડૉક્ટર, અત્યારે બધું અહીંથી ચાલુ કરી દો, અમે તેના ચાર્જિસ ચૂકવી દઈશું.'

સારવાર તો ચાલુ રાખવી પડે તેમ જ હતી. ઑક્સિજન અને બાટલા પણ ચાલુ રાખવા જરૂરી હતા. દાખલ ડિપોઝિટના રૂપિયા પણ એ લોકો જમા કરાવી શક્યાં ન હતાં. જમનાબહેને બે દિવસમાં ડિપોઝિટ જમા કરાવવાનો વાયદો કર્યો. માણસાઈના નાતે સારવાર ચાલુ રાખવી પડે તેમ હતી.

સારામાં સારી દવાઓ અને સારવારથી જીલની હાલત ધીમેધીમે સુધારો દર્શાવતી હતી. પહેલી રાત્રે તો ડોક્ટરને બે વખત વિઝિટ પર આવવું પડયું હતું, તેની દર બે કલાકે રાઉન્ડ લઈ સારવાર ચેક કરાવી પડતી હતી; પરંતુ બે દિવસ વીતી ગયા છતાં મોહનલાલ તો દેખાયા જ નહીં.

ડૉ.ભટ્ટે જમનાબહેનને બોલાવી પૂછયું, 'મોહનલાલ કરે છે શું ? હજી સુધી ડિપોઝિટ પણ જમા કરાવી નથી.'

જમનાબહેન જવાબમાં બોલ્યા, 'સાહેબ, છૂટક મજૂરી કરીને એ દિવસના સોથી દોઢસો રૂપિયા લાવે છે, એમાંથી માંડમાંડ દરરોજનું ખાવાનું અને દૂધનો ખર્ચો જ નીકળે છે. જેવી સગવડ થશે એટલે અમે ડિપાઝિટ ભરી દઈશું.'

પછી બીજા ત્રણ દિવસ સુધી મોહનલાલ દેખાયા નહીં. જમનાબહેન કહ્યા કરે કે, 'રૂપિયાની સગવડ કરવા ગયા છે.'

હજુ તેમણે તપાસના, દવાના કે રહેવાના ડિપોઝિટનો એક પણ રૂપિયો જમા કરાવ્યો ન હતો. દરરોજ જમનાબહેન વાયદો કરતાં રહ્યાં કે સગવડ થયે ભરી દઈશું. પાંચમા દિવસે સાંજે મોહનલાલ ઊતરેલા ચહેરે દવાખાને આવ્યા. 

ડૉ.ભટ્ટે કહ્યું, 'આટલા દિવસ સુધી ક્યાં હતા ?'

મોહનલાલે જવાબ વાળ્યો, 'બહુ મહેનત કરી પણ રૂપિયાની સગવડ જ ના થઈ, શું કરું ?'

જીલને હવે સારું હતું. દવા ચાલુ રાખી દવાઓ, ઇન્જેક્શનો, રહેવાના બધું મળીને ખૂબ જ વાજબી ચાર્જિસ સાથે બિલ બનાવ્યું હતું.

બિલ ભરવા બંને ડૉ.ભટ્ટની કેબિનમાં આવી કરગરી રહ્યાં હતાં. જમનાબહેન બોલ્યા, 'સાહેબ, બહુ જ ગરીબ છીએ, આટલી વખત જવા દો, અત્યારે તો ફક્ત પાંચસો રૂપિયાની સગવડ થઈ છે. બીજા કોઈના બિલમાંથી કમાઈ લેજો.'

ડૉ.ભટ્ટને આશ્ચર્ય થયું. પ્રાઇવેટ હૉસ્પિટલમાં સગવડ ન હતી તો દાખલ કેમ થયા ?

જમનાબહેન કહે, 'બે દિવસ પછી સાતમ-આઠમના તહેવાર છે. ઘરમાં ખાવાનો દાણોય નથી. તહેવારોની ઉજવણી તો બાજુએ રહી, હવે પછીની દવા પણ કઈ રીતે લાવવી એ જ ચિંતા છે.'

મોહનલાલ તો હજુ ગરીબાઈનું જ ગાણું ગાતા હતા, 'સાહેબ, પાંચ દિવસથી મજૂરીએ પણ જવાયું નથી. હવે બાકીના બિલના પૈસા તો કાંઈ જ થાય તેમ નથી.'

શું કરવું અને શું ના કરવું ? હૉસ્પિટલના નિયમ મુજબ તો બિલના પૈસા ભરે પછી જ જવા દેવાય.

જમનાબહેન ડૉ.ભટ્ટની ઑફિસમાં આવી રડવા જેવાં થઈ ગયાં. 'સાહેબ, આ માણસ મને ઘર ચલાવવાના પૈસા પણ આપતો નથી. કેટલીક વખત તો ફક્ત લોટ પાણીમાં પલાળીને ખાઈ લેવો પડે છે. કઠોળ અને લીલાં શાકભાજી તો અમે લાવી શકીએ તેમજ નથી.'

અંતે ડોક્ટરને જમનાબહેન અને જીલની દયા આવી. બાકીના બિલના બધા રૂપિયા જવા દઈ એક સારું કામ કર્યાનો આનંદ થયો. ફક્ત બે વર્ષના માસૂમ જીલનો જીવ બચી જવાનો આનંદ પણ હતો જ.

રાત્રે તેમને બધું માફ કરી રજા આપી. બે દિવસ પછી બતાવી જવા કહ્યું. જમનાબહેન ખુશ થઈને ઘેર ગયાં. એ લોકો પછીથી ફોલોઅપમાં બતાવવા આવ્યાં જ નહીં. ડૉ.ભટ્ટને થયું 'સારું થશે એટલે બે-ત્રણ દિવસમાં આવી જશે. રૂપિયાની સગવડ થાય પછી આવશે ને !'

ત્રણ દિવસ પછી છાપામાં અંદરના પાને સમાચાર આવ્યા. 'જન્માષ્ટમીના દિવસે દરિયાપુર પોલીસે રેડ પાડી ત્રીસ હજાર રોકડા અને ત્રણ ઇંગ્લિશ દારૂની બૉટલો પકડાઈ. મુખ્ય આરોપી હતા મોહનલાલ મારવાડી અને તેના ત્રણ સાગરિતો.'

ડૉ.ભટ્ટને નવાઈ લાગી. ફક્ત બે વર્ષના માસૂમ દીકરાને બચાવવા ગરીબ બની જનાર દંપતી ઉપર કેટલો ભરોસો કરવો ? ગરીબ બનીને આવા મુફલીસ ગુંડાઓ લાભ લઈ જાય અને ખરેખરા ગરીબને લાભ મળે જ નહીં. ડૉ. ભટ્ટ વિચારે ચડયા. 

કોને ગરીબ ગણીને મદદ કરવી અને કોને નહીં ? તેના લીધે હવે ખરેખરા ગરીબને પણ મદદ કરવી કે નહીં તે દ્વિધા રહ્યા કરે તે સ્વભાવિક છે.


Google NewsGoogle News