માત્ર પોતાનું વિચારીને અટકી જવું એ સ્વાર્થ છે...
- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- તમે મારી ઈચ્છા મુજબ મારા કામમાં આવો તો પરમાર્થી અને મારા કામમાં ના આવો તો સ્વાર્થી, મોટાભાગના લોકોનું આ ગણિત છે.
ચા લો આજની વાતની શરૂઆત એક રમૂજથી કરીએ. એક પાદરી શાળાના બાળકોને સમજાવી રહ્યા હતા 'બીજાની સેવા કરવી જોઈએ, ભગવાને તમને બીજાની સેવા કરવા બનાવ્યા છે.'
'તો બીજાને શેના માટે બનાવ્યા છે ?!' એક બાળકે તરત ઉભા થઈને પ્રશ્ન પૂછ્યો. ઘણીવાર બાળકો ભલભલા જ્ઞાનીઓને મૂંઝવી નાખે એવા પ્રશ્નો પૂછી બેસતા હોય છે, પાદરી પ્રશ્ન સાંભળીને વિચારમાં પડી ગયા કે શું જવાબ આપવો ?! જો એ એમ કહે કે બીજાને તમારી સેવા માટે બનાવ્યા છે તો આ ચાલક બાળક પૂછશે કે મારે બીજાની સેવા કરવાની અને બીજાએ મારી સેવા કરવાની એવા ચક્કરમાં પડવા કરતા બંને પોતપોતાની સેવા જાતે જ ના કરી લઈએ ?! અને, જો પાદરી એમ કહે કે બીજાને એટલા માટે બનાવ્યા છે કે તમે એની સેવા કરો, તો બાળક કહેશે કે આ અન્યાય છે, એમણે સેવા લીધે જવાની અને મારે સેવા આપ્યે જવાની ?! મારો એવો શું ગુનો કે મારી સેવા બીજા નહીં કરે અને મારે એમની સેવા કરતા રહેવાનું ?! પાદરીને વાત બીજે વાળ્યા વગર છૂટકો ના રહ્યો અને બાળકની કુતુહલતા વણઉકેલી રહી ગઈ. જો તમે પ્રશ્ન પૂછી શકો છો તો ઉત્તર પણ વિચારી શકો છો અને સામેનાના ઉત્તર ઉપર બીજા સવાલ પણ ઉઠાવી શકો છો, આ સંજોગોમાં સહેલામાં સહેલો લાગતો પ્રશ્ન પણ જટિલ કે પેચીદો બની જાય છે.
બીજાની સેવા કરવી, બીજાનું અહિત ના કરવું, બીજાનું શુભ વિચારવું વગેરે દરેક ધર્મ-સંપ્રદાયના ઉપદેશમાં જુદી જુદી રીતે કહેવાતું રહે છે પરંતુ ભાગ્યે જ તમને કોઈ કહેશે કે પોતાની સેવા કરવી, પોતાનું અહિત ના કરવું કે પોતાનું શુભ વિચારવું! ખરેખર કહું તો અન્યનું ભલું વિચારવું, શુભ કરવું કે સેવા કરવી સહેલી છે પરંતુ પોતાનું ભલું કરવું કે શુભ વિચારવું અઘરું છે કારણ કે એમ કરવામાં સ્વાર્થી બનવાનો ગીલ્ટ પેદા થાય છે અને જો ના થાય તો અન્યો દ્વારા પેદા કરાવવામાં આવે છે. શાંતિથી વિચારશો તો તમને સ્વાર્થી કહેનારા લોકો વાસ્તવમાં એમના સ્વાર્થમાં તમે કામ નથી આવી રહ્યા એની જ ફરિયાદ કરતા હોય છે. તમે મારી ઈચ્છા મુજબ મારા કામમાં આવો તો પરમાર્થી અને મારા કામમાં ના આવો તો સ્વાર્થી, મોટાભાગના લોકોનું આ ગણિત છે. સ્વાર્થી ના બનવાની કે પરમાર્થ કરવાની સલાહ આપનારા આડકતરી રીતે તમને એમના કામમાં આવવાની કે એમની સેવા કરવાની સલાહ આપતા હોય છે. આ ઉપરાંત પોતાનું હિત વિચારવામાં વૈચારિક સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ હોવો પણ જરૂરી છે, ઘણાને તો પોતાનું હિત શેમાં છે એ જાણવા માટે પણ અન્યની મદદ લેવી પડતી હોય છે. એવું નથી કે પોતાને અવગણીને બીજાનું ભલું ના કરી શકાય પરંતુ પોતાનું વિચાર્યા વગર અન્યનું વિચારવું સરવાળે તમારું જીવન અફસોસ, અશાંતિ અને ઉચાટથી ભરી દે છે. મેં ઘણી વ્યક્તિઓને આ કારણે હતાશ અને વ્યથિત જોઈ છે. 'મેં બધાનું કર્યું પણ કોઈએ મારુ ના કર્યું. મેં બધા વિષે વિચાર્યું પણ મારા વિષે વિચારનારા કોઈ નથી' આવા શબ્દો મારા માટે નવા નથી, ઘણા હતાશ-ડિપ્રેસડ્ વ્યક્તિઓના આ ઉદ્ગાર છે, એમ કહોને કે અફસોસ છે.
મારી તો સમજ સ્પષ્ટ છે, પોતાનું અહિત કરીને અન્યનું હિત કરવા નીકળતો તો લાંબી મજલ ના કાપી શકાય. બીજાનું હિત જાળવવામાં પોતાનું અહિત ના કરી શકાય. પોતાના મૂળિયાં ફેલાવ્યા વગર, અન્ય માટે ફળ કેવી રીતે પેદા કરી શકાય ?! પોતાનું અશુભ વિચારીને અન્યનુ શુભ કેવી રીતે વિચારી શકાય ?! કોઈ કદાચ આને સ્વાર્થ ગણે પરંતુ મારી દ્રષ્ટિએ પોતાનું વિચારવું એ સ્વાર્થ નથી, પોતાનું વિચારીને અટકી જવું એ સ્વાર્થ છે. જો તમે સ્વાર્થની આ વ્યાખ્યા સાથે સમંત હોવ તો સ્વાર્થ જ પરમાર્થનું પહેલું પગથિયું છે, જો એ પગથિયાં પર અટકી ના જાવ તો ! હવાઈ સફરમાં એનાઉન્સ થાય છે ને એવું, પહેલાં પોતાનો ઓક્સિજન માસ્ક પહેરો અને પછી અન્યને મદદ કરો. થોડા સમય પહેલા જ એરપોર્ટ પર થયેલો અનુભવ કહું. ચેક-ઈન કાઉન્ટર પર એક ઉંમરલાયક ભાઈ પોતાની ભારે બેગ ઉઠાવીને બેગેજ બેલ્ટ ઉપર મુકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. દેખીતી રીતે જ એમના માટે એ મુશ્કેલ થઈ રહ્યું હતું, કદાચ એમના સ્નાયુઓમા એટલી તાકાત જ નહતી. એમની બરાબર પાછળ, લગભગ અડોઅડ ઉભેલો એક બાવડાબાજ યુવાન આ જોઈ રહ્યો હતો અને વાર લાગતી હોવાથી અકળામણ અનુભવી રહ્યો હતો. આ યુવાને સ્વહિતમાં પોતાનું શરીરસૌષ્ઠવ કેળવ્યું હશે તેની ના નહીં, પરંતુ અડોઅડ ઉભા હોવા છતાં તેના સુડોળ બાવડા પેલા વ્યક્તિની બેગ ઉઠાવીને બેલ્ટ ઉપર મુકવા જેટલી મદદ ના કરી શકે તો એને સ્વાર્થી જ ગણવો પડે! પોતાનું હિત સાધીને બેસી રહેવું સ્વાર્થ છે અને એ જ હિતની ઉપલબ્ધી થકી અન્યને મદદરૂપ થવું એ પરમાર્થ છે. સ્વને કેન્દ્રમાં રાખીને જ સાચો પરમાર્થ કે સેવા શક્ય છે. તમે તમારી જાતને કેન્દ્રમાં નહીં રાખો તો તમને કેન્દ્રમાં રાખીને તમારા વિષે; તમારા સિવાય કોઈ વિચારવાનું નથી. પરંતુ, માત્ર 'સ્વ'ને કેન્દ્રમાં રાખવાથી વાત પુરી નથી થતી, શરુ થાય છે. 'સ્વ'ને કેન્દ્રમા રાખીને માત્ર પોતાના લાભમાં વિચારનારો સ્વાર્થી અને 'સ્વ'ને કેન્દ્રમાં રાખીને, 'સ્વ' સાથેના સંબંધો મજબૂત બનાવીને અન્યને મદદરૂપ થનારો પરમાર્થી છે.