Get The App

મહાત્મા ગાંધીની હત્યા થઇ ત્યારે.... .

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
મહાત્મા ગાંધીની હત્યા થઇ ત્યારે....                                 . 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- નાથુરામ ગોડસેને સૌપ્રથમ પકડી લેનારા માળી રઘુનાથ નાયકને રાષ્ટ્રપતિએ રૂપિયા ૫૦૦નો પુરસ્કાર આપેલો 

- 30 જાન્યુઆરી 

- શહીદ દિવસ

એ ક વ્યક્તિ હતા. નામ હતું ગાંધી. મોહનદાસ કરમચંદ ગાંધી. હાલમાં આ નામ શસ્ત્ર છે, સત્તા પક્ષનું અને વિપક્ષનું પણ. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના તેમની હત્યા થઇ ત્યારે વિશ્વ પર વજ્રઘાત થયો. ભારતે તો જાણે આત્મા જ ગુમાવી દીધો. દરેક ભારતીયએ વર્ષોના વર્ષો સુધી એવો ખાલીપો અનુભવ્યો જાણે પોતાના જ ઘરની કોઇ વ્યક્તિએ  વિદાય લઇ લીધી હોય. ધીરે-ધીરે સમયમાં પરિવર્તન આવ્યું અને રાજકારણીઓએ મહાત્મા ગાંધીની 'જરૂરિયાત' અનુસાર વહેંચણી કરી દીધી. ગાંધી દરેક સ્થાને આવી ગયા, ચાર રસ્તામાં મૂર્તિ, કહેવતમાં 'મજબૂરી', પુસ્તકોમાં મહાત્મા અને ચલણી નોટમાં હસતો ચહેરો બનીને. બસ, ગાંધીજીને વિચારધારમાં વણી શકાયા નહીં. આજે એવા વ્યક્તિઓની વાત કરવાની છે જેમની સામે જ મહાત્મા ગાંધીની હત્યા થયેલી...

ચુસ્ત ગાંધીવાદી નંદલાલ મેહતા ગાંધીજીની હત્યાના પ્રત્યક્ષદર્શી  હતા. તેઓ કનોટ પ્લેસમાં રહેતા હતા અને પ્રાર્થના સભા શરૂ થવાની હોય તેના સમય પહેલા જ અચૂક પહોંચી જતા. મહાત્મા ગાંધીની પ્રથમ એફઆઇઆર તેમણે લખાવી હતી. આ ઘટનાના ચાર કલાાક એટલે કે રાત્રે ૯:૪૫ના એફઆઈઆર નોંધાઇ હતી. આ એફઆઇઆરમાં નંદલાલ મેહતાના જણાવ્યા પ્રમાણે પ્રાર્થનાસભામાં જવા માટે ગાંધીજી સીડીથી ૬-૭ પગલા જ ચાલ્યા ત્યારે જ નારાયણ વિનાયક ગોડસે આવ્યો. ગાંધીજી પર તેણે ૨-૩ ફીટના અંતરે જ ગોળી ચલાવી હતી. ગાંધીજીને પેટ અને છાતીના ભાગેથી લોહી વહેવા લાગ્યું અને મૂર્છિત અવસ્થામાં તેમને એક રૂમમાં લઇ જવાયા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. ઉર્દુમાં લખેલી આ એફઆઇઆર હવે દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં છે. આ કેસ તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.  પોલીસે ગોડસેની વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. એ ઘટનાને નજરે જોનાર બીજા એક સાક્ષી તરીકે સરદાર ગુરુબચનસિંહે પણ સહી કરી.

આ ઘટના નજરે જોનારા અન્ય એક વ્યક્તિ એટલે ઓલ ઇન્ડિયા રેડિયોમાં ફરજ બજાવતા કે.ડી. મદન.ગાંધીજી તેમને રેડિયોવાલે બાબુ તરીકે જ બોલાવતા. તેઓ ગાંધીજીની પ્રાર્થના સભાને રેકોર્ડ કરીને હેડ ઓફિસ મોકલતા અને રાતના ૮:૩૦ વાગે તેનું પ્રસારણ થતું. તેઓ રોજની જેમ આકાશવાણી ભવનથી બિડલા હાઉસ જવા માટે પહોંચ્યા હતા. પ્રાર્થના સભામાં દરરોજ સાંજે ૫:૩૦ થી ૬ સુધી સર્વધર્મની પ્રાર્થના થતી. પ્રાર્થના સભા માટે ગાંધીજી નિયમિત ૫:૧૦ના આવી જતા. પરંતુ એ દિવસે સરદાર પટેલ પોતાની પુત્રી મનુબહેન સાથે મળવા આવ્યા હોવાથી પ્રાર્થના સભામાં પહોંચવામા વિલંબ થયો. કેડી મદન કહે છે કે, તે પોતાના ઇક્વિપમેન્ટ ગોઠવી રહ્યા હતા ત્યાં જ પ્રથમ ગોળીનો અવાજ કાને અથડાયો. તે હજુ કંઇ સમજે એ પહેલા જ બીજી ગોળીનો અવાજ આવ્યો અને જેથી તેઓ દોડીને ત્યાં પહોંચ્યા. જ્યાં ગાંધીજી પડી ગયા હતા અને તેમના માથા પર આભા ગાંધીનો હાથ હતો. ગોળી માર્યા બાદ નાથુરામ ગોડસે પોલીસ-પોલીસ તેવી બૂમ પાડી રહ્યો હતો.  

ગાંધીજીની હત્યા વખતે આભા ગાંધી પણ તેમની સાથે હતા. તેઓ મહાત્મા ગાંધીના ભત્રીજા કનુ ગાંધીના  પત્ની હતા. ૧૯૪૦માં ૧૨ વર્ષની ઉંમરે આભા આશ્રમમાં આવ્યાં હતાં અને ગાંધીજીની છેલ્લી  ક્ષણ સુધી સાથે રહ્યાં હતાં. ૩૦ જાન્યુઆરીએ સરદાર પટેલ સાથેની મુલાકાત લાંબી ચાલી હોવાથી મહાત્મા ગાંધીને પ્રાર્થના સભામાં પહોંચવામાં મોડું થયું. પ્રાર્થના સભામાં પહોંચવામાં મોડું થઇ રહ્યું છે તેમ કહેવા આભા પહોંચ્યાં પણ સરદાર પટેલને જોઇને તેઓ કહી શક્યાં નહીં. જેના કારણે તેમણે ગાંધીજી સામે ઘડિયાળ રાખી દીધું. જેના કારણે ગાંધીજીએ મજાક કરતાં કહ્યું કે તારા કારણે મને આજે મોડું થયું છે અને જેના કારણે તેનું પાપ તને જ લાગશે. ઐ પછી આભા સાથે  પ્રાર્થના સભામાં જવા નીકળ્યા. એ જ વખતે અચાનક જ એક વ્યક્તિ કૂદીને આવ્યો, તેમને લાગ્યું કે તે બાપુના ચરણ સ્પર્શ કરવા જઇ રહ્યો છે. પરંતુ હજુ કંઇ સમજે એ પહેલાં જ તેણે ગોળી ચલાવી દીધી હતી. ગાંધીજીના મૃત્યુ બાદ આભા ગાંધીએ બે વર્ષ સુધી દેશભરમાં ફરીને ચરખા કાંતવાની લોકોને તાલીમ આપી અને આ પછી બાકીનું જીવન સૌરાષ્ટ્રમાં પસાર કર્યું. 

મહાત્મા ગાંધીની હત્યા થઇ ત્યારે નાથુરામ ગોડસેને સૌપ્રથમ પકડી લેનારો બિરલા હાઉસનો માળી રઘુનાથ નાયક હતો. રઘુનાથે ગાંધીજીની હત્યા થતાં પોતાની આંખ સામે જોઇ અને તેમણે કોર્ટમાં આપેલી ગવાહીને આધારે નાથુરામને ફાંસીની સજા થઇ. તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે રઘુનાથ નાયકને રૂપિયા ૫૦૦નો પુરસ્કાર આપ્યો હતો. ૩૦ જાન્યુઆરીના મહાત્મા ગાંધીની દિનચર્યાની વાત કરવામાં આવે તો સવારે ૩:૩૦ વાગ્યે બાપુ ઊઠયા. સવારે ૩:૪૫ વાગ્યે બાપુએ પ્રાતઃ ક્રિયાઓ પતાવી. તે પછી સવારની પ્રાર્થનાસભામાં તેઓ સામેલ થયા. સવારે ૪ વાગ્યે પોતાના ઓરડામાં ગયા. રાત્રે તેમણે લખી રાખેલું કોંગ્રેસનું બંધારણ ફરી વાંચી ગયા અને ઠીકઠાક કરી લીધું. સવારે ૪:૪૫ વાગ્યે ગરમ પાણી સાથે લીંબુનું પાણી પી લીધું. સવારે ૫:૪૫ વાગ્યે સંતરાંનો રસ પીધો. અડધો કલાક આરામ કર્યો. સવારે ૭ વાગ્યે અમેરિકા જઈ રહેલા રાજન નહેરુ સાથે મુલાકાત કરી. સવારે ૯:૩૦ વાગ્યે હળવો નાસ્તો કર્યો. 

સવારે ૧૦:૩૦ વાગ્યે તબિયત ઠીક ન લાગતાં બાપુ સૂવા ગયા. બપોરે ૧૨ વાગ્યે ઊઠયા. ફરીથી ગરમ પાણીમાં લીંબુનો રસ નાંખી તે પી લીધો. બપોરે ૧૨:૩૦ વાગ્યે દિલ્હીના એક મોટા ડોક્ટર સાથે એક નર્સિંગ હોમ અને અનાથાશ્રમ ખોલવા અંગે વાતચીત કરી. બપોરે ૧:૩૦ વાગ્યે તેમના સાથી બ્રિજકિશોર પાસેથી કોમી તોફાનો અંગે માહિતી લીધી. બપોરે ૨:૧૫ વાગ્યે વિવિધ પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી. બપોરે ૩:૧૫ વાગ્યે ફ્રાંસના એક તસવીરકારે એક ફોટો આલબમ બાપુને ભેટ આપ્યું. સાંજે ૪ વાગ્યે ચરખો કાંતતાં-કાંતતાં સરદાર વલ્લભભાઈ પટેલને મુલાકાત આપી. સાંજે ૫:૦૫ વાગ્યે સાંજની પ્રાર્થનાસભામાં જવા તૈયારી કરી. મુલાકાત ખંડમાંથી તેઓ બહાર નીકળ્યા હતા. 

મહાત્મા ગાંધીની હત્યાનો પ્રયાસ ૨૦ જાન્યુઆરી ૧૯૪૮ના પણ થયો હતો. એ વખતે પ્રાર્થના સભામાં દેશી અને ઓછી ક્ષમતાવાળો બોમ્બ મદનલાલ પાહવા નામના શખ્સે ફેંક્યો હતો. એ જ પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીએ મદનલાલ પાહવાને માફ કરવાનો અનુરોધ કરેલો. બાય ધ વે, હત્યા થયા બાદ  કોઇ વ્યક્તિ ગુનેગારને સજા સંભળાવી શકે તેમ શક્ય થતું હોત તો મહાત્મા ગાંધીએ નાથુરામ ગોડસેને કદાચ માફી જ આપી દીધી હોત...


Google NewsGoogle News