પાણિનિ : વ્યાકરણની ઈમારતનો મજબૂત પાયો નાખનારો મહર્ષિ
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 4 માર્ચ
- વ્યાકરણ દિવસ
- 1919માં કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી નામના સંસ્કૃત ભાષાના વિદ્વાને 'ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ' તૈયાર કર્યું
'મ નુષ્યના ઈતિહાસમાં ભાષાની દ્રષ્ટિએ સૌથી મોટી સિદ્ધિ લેખનકળા નહીં પણ વ્યાકરણની શોધ છે. સૌપ્રથમ વ્યાકરણ ઈ.સ. પૂર્વે પાંચમી સદી પૂર્વે પાણિનિ નામના હિન્દુ દ્વારા લખવામાં આવ્યું હતું. પાણિનિનું વ્યાકરણ તર્ક અને ચોકસાઇનાિ સીમાચિહ્ન સમાન હતું અને તેણે ૨૫૦૦થી વધુ વર્ષ બાદ પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પાણિનિના વ્યાકરણની વિશિષ્ટતા એ પણ છે કે તે વર્ણનાત્મક જ નહીં સર્જનાત્મક પણ છે. પાણિનિનું વ્યાકરણ સંસ્કૃત કઇ રીતે બોલવું તેના પર જ નહીં પણ સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોનું સર્જન કઇ રીતે કરવું તેના ઉપર પણ પ્રકાશ પાડે છે. પાણિનિ-રચિત વ્યાકરણ માનવીય સર્જકતા અને મૌલિકતાનું અસાધારણ દ્રષ્ટાન્ત છે, ભાષાની સંકુલતાને સમજીને પદ્ધતિમાં બાંધી આપનારી માનવચિત્તશક્તિનો પુરાવો છે. ' ઈઝરાયેલના વિખ્યાત લેખક યુવાલ નોહ હરારીના લોકપ્રિય પુસ્તક 'સેપિયન્સ : એ બ્રિફ હિસ્ટ્રી ઓફ હ્યુમન માઇન્ડ' ના આ અંશ છે. જેમાં તેમણે વ્યાકરણના ક્ષેત્રમાં મહર્ષિ પાણિનિએ આપેલા યોગદાનની વાત કરી છે. હરારી એમ પણ કહે છે કે, 'ભાષા આપણને માણસ બનાવે છે, જેના દ્વારા આપણે વિચારો અને લાગણીઓનું આદાનપ્રદાન કરી શકીએ છીએ, સંબંધો સ્થાપીએ છીએ, સંસ્કૃતિનું સર્જન કરીએ છીએ. ભાષા આપણી બુદ્ધિમત્તાનો પાયો પણ છે. એ આપણને તર્ક કરવા દે છે, કોયડાઓના ઉકેલ શોધવામાં અને નૂતન ચીજો શીખવામાં મદદ પણ કરે છે. '
દર વર્ષે ચોથી માર્ચની ઉજવણી 'વ્યાકરણ દિવસ' તરીકે કરવામાં આવે છે ત્યારે વ્યાકરણાચાર્ય મહર્ષિ પાણિની અને ગુજરાતી વ્યાકરણ અંગે વાત કરીએ....મહર્ષિ પાણિનિનો જન્મ ક્યારે થયો તેને લઇને મતમતાંતર છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તેમનો જીવનકાળ ઈસવિસન પૂર્વે ૫૨૦-૪૬૦ વચ્ચે રહ્યો હશે. તેમનો જન્મ શાલાતુલામાં થયો, જે હાલ પાકિસ્તાનના પેશાવરની પાસે છે. કિવંદતિ પ્રમાણે પાણિનિ બાળપણથી જ હઠીલા હતા. કોઇ એકવાર તેમને એમ કહી દે કે તેનાથી કોઇ કાર્ય નહીં જ થાય તો તેને પૂરું કરીને જ રાહતનો શ્વાસ લેતા. બાળપણમાં એક જ્યોતિષીએ પાણિનિનો હાથ જોઇને એમ ભવિષ્ય ભાખ્યું કે, 'તેના હાથમાં વિદ્યાની રેખા જ નથી.' પાણિનિ આ વાત એટલી લાગી આવી કે વિદ્યા રેખાની જગ્યાએ છરીથી કાપો પાડયો અને જ્યોતિષીને કહ્યું કે, 'હવે મને વિદ્યા પ્રાપ્ત કરવાથી કોઇ જ રોકી નહીં શકે.' આજે સ્થિતિ એવી છે કે પાણિનિના વ્યાકરણનો અભ્યાસ કરીને અગણિત લોકોએ વિદ્યાનો સાગર પાર કર્યો છે.
પાણિનીએ લખેલા વ્યાકરણનું નામ 'અષ્ટાધ્યાયી' છે અને તેમનું વ્યાકરણ માહેશ્વર સૂત્ર, સ્વરશાસ્ત્ર અષ્ટધ્યાયી, શબ્દ વિશ્લેષણધાતુપાઠ, ધાતુમૂળ ગણપાઠ એમ ચાર ભાગમાં વિભાજીત છે. તેમના દ્વારા લખવામાં આવેલા સંસ્કૃત વ્યાકરણનું અનુકરણ કરીને વિશ્વની અનેક ભાષાના વ્યાકરણ તૈયાર થયા છે. 'અષ્ટાધ્યાયી'ગ્રંથમાં ભાષા અને વ્યાકરણની સાથે તત્કાલીન સામાજીક શિષ્ટાચાર-લોકવ્યવહાર, દાર્શનિક વિચારસરણી, રાજકીય જીવન, ખોરાકની આદતોનું પણ ટૂંકમાં વર્ણન મળે છે. તેમણે વ્યાકરણનો ઊંડો અભ્યાસ કર્યો. આચાર્ય પાણિની પહેલં શબ્દભંડોળના અનેક ગુરૂઓ હતા. જેમના ગ્રંથોનો અભ્યાસ કર્યા બાદ તેમણે આ ગ્રંથમાં પરસ્પર મતભેદ જોયા. આ પછી પાણિનીને વિચાર આવ્યો કે વ્યાકરણને વ્યવસ્થિત કરવું જોઇએ. જેના કારણે આચાર્ય પાણિનીએ સૌપ્રથમ વૈદિક સંહિતાઓ, શાખાઓ, બ્રાહ્મણો, ઉપનિષદો સહિતના વિસ્તરણમાં તેમણે 'અષ્ટાધ્યાયી' માં ઉપયોગમાં લીધેલા સાહિત્યમાંથી પોતાના માટે શબ્દો લીધા હતા. પાણિનિ ભગવાન શંકરના ભક્ત હતા અને તેમણે માહેશ્વર સૂત્રની રચના કરી હતી. એવી પણ વાયકા છે કે, શિવે પોતાનું નૃત્ય પ્રદોષસમયે પૂરું કરી ૧૪ વાર ડમરૂ વગાડીને ૧૪ શિવસૂત્રો પાણિનિને આપ્યાં જેમાં બધા મૂળાક્ષરોનો સમાવેશ થાય છે. આમ, શિવ પાસેથી વ્યાકરણનું જ્ઞાન મેળવીને એમણે પોતાના 'અષ્ટાધ્યાયી' નામના આઠ અધ્યાયના બનેલા વ્યાકરણની રચના કરી. પાણિનિ-રચિત વ્યાકરણ સંસ્કૃત ભાષામાં બોલવા કે લખવા માટેની નિયમાવલિ જ નથી બલકે ભાષાની ગભતે રહેલી સંરચનાનું નિરૂપણ છે. ભર્તૃહરિ એક ડગ આગળ ભરે છે અને કહે છે કે ભાષાની એ સંરચના જગતને આપણે જે દૃષ્ટિએ ઘટાવીએ છીએ તેનું માત્ર પ્રતિબિમ્બ નથી પરન્તુ એ સંરચના જેને આપણે વિચાર કહીએ છીએ તેનો પાયો છે.
૧૨મી સદીના ગુજરાતના વિદ્વાન હેમચંદ્રાચાર્યે સંસ્કૃત ભાષા ઉપરાંત પોતાના સમયની છ ભાષાના સાંગોપાંગ વ્યાકરણ ગ્રંથ 'સિદ્ધહેમ શબ્દાનુશાસન'ની રચના કરી હતી. હેમચંદ્રાચાર્યે 'શબ્દાનુશાસન'માં વ્યાકરણના મૂળસૂત્ર ઉપરાંત મૂળસૂત્રને સમજાવવા માટે લઘુ,
મધ્યમા અને બૃહદ એમ ત્રણ વૃત્તિ તૈયાર કરી હતી. ત્રણેયમાં વ્યાકરણની ઉત્તરોત્તર વધુ વિગતવાર છણાવટ છે. જૂની ગુજરાતી ભાષા અને આપણે આજે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ અને લખીએ છીએ તે વચ્ચે ઘણો તફાવત છે. ૧૪મી-૧૫મી સદીમાં રચાયેલા રાસ કે અન્ય કૃતિ આજે જો આપણે વાંચવા જઈએ તો તેમાં ભાગ્યે જ કંઈ સમજાય. ૧૯મી સદીની શરૂઆતથી જૂની ગુજરાતી ભાષા બદલાવા લાગી અને તેમાંથી હાલની અર્વાચિન ગુજરાતી ઉપસવા લાગી. તે કાળમાં ગુજરાતમાં અંગ્રેજોનો પગપેસારો શરૂ થયો હતો અને તે સમય રાજકીય અસ્થિરતાનો સમય હતો.
ઈ.સ. ૧૮૫૯માં ટી.સી. હોપ નામના અંગ્રેજનું 'ગ્રામર ઓફ ગુજરાતી લેન્ગવેજ' પ્રસિદ્ધ થયું. ગુજરાતી વ્યાકરણના અંગોનો પરિચય તેમાં અંગ્રેજી ભાષા દ્વારા અપાયો હતો. ઈ.સ. ૧૮૮૬માં હગોવિંદદાસ કાંટાવાળાએ પ્રાથમિક શાળા માટે 'લઘુ વ્યાકરણ' અને માધ્યમિક શાળા માટે 'મધ્યમ વ્યાકરણ' પ્રસિદ્ધ કર્યા. ૧૮૬૭માં 'નર્મકોશ' ની પ્રસ્તાવનામાં નર્મદે ગુજરાત માટે ગુજરાતી ભાષાનું વ્યાકરણની જરૂરિયાત પ્રબળ બનાવી હતી. ૧૯૧૯માં કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી નામના સંસ્કૃત ભાષાના વિદ્વાને 'ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ' તૈયાર કર્યું અને તે સાચા અર્થમાં ગુજરાતીનું એક સમૃદ્ધ વ્યાકરણ બનીને આવકાર પામ્યું હતું. આ ઉપરાંત નરસિંહરાવ દિવેટિયા, કવિ ન્હાનાલાલ, કાન્તિલાલ વ્યાસ, સાકરલાલ દવે, રણછોડ દેસાઇ, જયંતિલાલ મહેતા, કાન્તિલાલ સુતરિયા, મણિલાલ પંડિત, ગોકળદાસ પટેલ સહિતના અનેક વિદ્વાનોએ ગુજરાતી વ્યાકરણને સમૃદ્ધ બનાવવાના યજ્ઞામાં પોતાના જ્ઞાનની આહૂતિ અર્પી હતી.
કમનસીબે આજે અંગ્રેજી ભાષામાં વાક્યરચના, સ્પેલિંગમાં જેટલી ચોકસાઇ રાખવા પ્રયાસ કરીએ છીએ તેટલો ગુજરાતી ભાષા પ્રત્યે નહીં. ગુજરાતીમાં ભાષાશુદ્ધિ-જોડણી સુધારવાની વાત આવે તો એવો જવાબ આપી છટકી જતા હોય છે કે, 'ચાલે હવે...'