ટેડી બીયર, ચોકલેટ, ચૂંબન... પ્રેમની અભિવ્યક્તિના ૩ માધ્યમ
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 14 ફેબુ્રઆરીના દિવસે સંત વેલેન્ટાઇનને ફાંસી અપાઇ અને પહેલા તેમણે જેલરની પુત્રીને સંબોધીને છેલ્લો પત્ર લખ્યો તેમાં અંતિમ શબ્દો હતા, 'ફ્રોમ યોર વેલેન્ટાઇન'
- 14 ફેબુ્રઆરી
- વેલેન્ટાઇન્સ ડે
ઈ.સ. ૨૦૦ના સમયગાળાની આ વાત છે. રોમમાં એ સમયે સમ્રાટ ક્લોડિયસ-દ્વિતીયનું શાસન હતું અને તેના દિમાગમાં એવી માન્યતા ઠસી ગઇ હતી કે માત્ર કુંવારા જ સાચા યોદ્ધા બની શકે. જેના કારણે આ તરંગી સમ્રાટે તેના રાજ્યામાં લગ્ન અને પ્રેમ કરવા પર પણ પાબંધી લગાવી દીધી.આ ફરમાન બાદ યુવાન પ્રેમી યુગલો એવી રીતે તડપવા લાગ્યા જાણે સમુદ્રની માછલીને ઉઠાવીને રેગિસ્તાનમાં મૂકી દેવામાં આવી હોય. એ સમયે ચર્ચનો પાદરી વેેલેન્ટાઇન પ્રેમી યુગલોને ચોરીછૂપીથી પરણવામાં મદદ કરતા. હિંદીમાં કહેવત છે ને કે 'ઇશ્ક ઓર મુશ્ક છુપાએ નહી છુપતે'. સમ્રાટને આ 'ગુસ્તાખી'ની જાણ થઇ અને તેમણે વેલેન્ટાઇનને જેલમાં નાખી દીધા. પ્રજાને અને ખાસ તો યુવાનો-બાળકોને સંત વેલેન્ટાઇન પર એટલો પ્રેમ કે તેઓ જેલમાં ં તેમને પ્રેમસભર પત્રો પહોંચાડે. જેલના એકાંતવાસમાં વેલેન્ટાઇનના જીવનમાં જેલરની આંધળી પુત્રીએ પ્રવેશ કર્યો. વેલેન્ટાઇને તેેેને પ્રેમભર્યા પત્ર લખવાનું શરૂ કર્યું. વેલેન્ટાઇનની શુભેચ્છાથી યુવતીને દ્રષ્ટિ મળી હોવાની કિવંદતિ પણ છે. ૧૪ ફેબુ્રઆરીના દિવસે સંત વેલેન્ટાઇનને ફાંસી અપાઇ અને પહેલા તેમણે જેલરની પુત્રીને સંબોધીને છેલ્લો પત્ર લખ્યો તેમાં અંતિમ શબ્દો હતા, 'ફ્રોમ યોર વેલેન્ટાઇન'. બસ, વિશ્વની અનેક પરંપરાઓની માફક આ ઘટનાને અચાનક જ લોકો દ્વારા ઝીલી લેવામાં આવી અને શરૂ થઇ વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીઓ. વેલેન્ટાઇન ડેની ઉજવણી પ્રિય પાત્રને ટેડી બીયરની ભેટ, ચોકલેટની ભેટ વિના અધૂરી જ ગણાય છે. આજે તેના વિશે જ વાત કરીએ...
***
નવેમ્બર ૧૯૦૧ની આ વાત છે. અમેરિકાના મિસિસિપીમાં રીંછના શિકારની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તત્કાલીન રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટ વિશેષ ના કેવળ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા બલ્કે તેમણે પોતેના શિકારીઓની ટીમ પણ ઉતારી હતી. જંગલમાં જઇને રીંછનો શિકાર કરવાની આ સ્પર્ધાનો પ્રારંભ થયો. શિકારીઓ તેમના સચોટ નિશાનથી રીંછનો શિકાર કરવા લાગ્યા. પરંતુ સ્પર્ધાના અંતે પરિસ્થિતિ એવી સર્જાઇ કે રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટના શિકારીઓની ટીમ એકપણ રીંછનો શિકાર કરી શકી નહીં. પોતાના શિકારીઓ નિષ્ફળ પુરવાર થતાં રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ છોભીલા પડયા. સ્પર્ધાના આયોજક અને મિસિસિપીના ગવર્નર એન્ડ્રુ લોગિનો તુરંત જ આ સ્થિતિનો તાગ મેળવી લીધો. રાષ્ટ્રપતિને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડે નહીં માટે તેમણે પોતાના શિકારીઓને એક રીંછને પકડીને લાવવાનો આદેશ કર્યો. આ રીંછને બાંધી દેવામાં આવ્યું અને ગવર્નરે ત્યારબાદ રાષ્ટ્રપતિને ગન આપીને તેનો શિકાર કરવા માટે અનુરોધ કર્યો. પરંતુ રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટે શિકાર તો દૂર ગનને પણ પકડવાથી પણ ઇન્કાર કર્યો અને કહ્યું કે, 'આ રીંછને બાંધીને મારી સમક્ષ હાજર કરવામાં આવેલું છે અને જેની પાસે પોતાના રક્ષણ માટે ભાગવાનો માર્ગ પણ નથી તેનો શિકાર કરવો હું સહેજપણ યોગ્ય માનતો નથી...
રાષ્ટ્રપતિએ રીંછનો શિકાર કરવા માટે ઇન્કાર કરેલી વાત અમેરિકાના અખબારોમાં હેડલાઇન બની ગઇ. અમેરિકાના ખ્યાતનામ પોલિટિકલ કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેન દ્વારા એવું કાર્ટૂન બનાવવામાં આવ્યું કે જેમાં રાષ્ટ્રપતિ બાંધેલા રીંછનો શિકાર કરવા ઇન્કાર કરતા હોય અને સાથે એવું લખાણ હતું કે, 'મિસિસિપીમાં મર્યાદાની રેખા દોરતા રાષ્ટ્રપતિ.' આ કાર્ટૂન અને ખાસ કરીને તેમાં દોરવામાં આવેલું નાનકડું રીંછ ખૂબ જ લોકપ્રિય થયું. આ રીંછ જે સેંકડો લોકોને પસંદ આવ્યું તેમાં રમકડા બનાવતા ન્યૂયોર્કના મોરિસ મિચટોમનો પણ સમાવેશ થતો હતો. મોરિસ મિચટોમે આ રીંછને ધ્યાનમાં રાખીને તેવું જ એક સ્ટફ ટોય બનાવ્યું. આ સ્ટફ ટોય તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ થિયોડર રૂઝવેલ્ટને મોકલ્યું. જેની સાથે જ મોરિસ મિચટોમ દ્વારા એવી પણ વિનંતી કરવામાં આવી કે તે આ સ્ટફ ટોયને થિયોડર રૂઝવેલ્ટનંલ નામ આપવા માગે છે. થિયોડર રૂઝવેલ્ટે બીજો કોઇ જ વિચાર કર્યા વિના આ સ્ટફ ટોયને પોતાનું હુલામણંં નામ 'ટેડીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી. બસ...આ જ રીતે અત્યારના 'ટેડી બીયરનો જન્મ થયો હતો.
હવે વાત કરીએ ચોકલેટની. ચોકલેટ શબ્દ જ સ્વાદની ઇન્દ્રિયોને જાગૃત કરવા માટે પૂરતો છે.સ્વાદનો ચટાકીયો હોવાનો દાવો કરતી કોઇ વ્યક્તિ એમ કહે કે તેને ચોકલેટ પસંદ નથી તો તેમાં બે જ શક્યતા સમાયેલી છે. એક તો એ કે તે ખરા અર્થમાં ચટાકીયો નથી અથવા તો તેને ચોકલેટ એટલે શું એ જ ખબર નથી. અમેરિકાના જાણીતા લેખક જેન સીબૂક્રનો સરસ ક્વોટ છે કે ,'સ્વર્ગમાં ચોકલેટ જ ના હોય તો મારે ત્યાં જવું જ નથી.' એ જાણીને નવાઇ લાગશે કે ૧૫મી સદીમાં ે સ્પેનમાં ચોકલેટને દવા તરીકે ગણવામાં આવતી. તાવ આવ્યો હોય ત્યારે સ્પેનિશ તબીબો દવામાં ચોકલેટ લખી આપતા હતા. સ્પેનિશ ચર્ચે તો એવી પણ જાહેરાત કરી હતી કે ચોકલેટ ઉપવાસમાં આરોગી શકાય તેવો ખોરાક છે. ૧૮૫૦ સુધી ચોકલેટને માત્ર કડવા પણ સ્વાદિષ્ટ પીણા તરીકે જ જોવામાં આવતું હતું. અત્યારે જે આપણે ચોકલેટનો સ્વાદ માણીએ છીએ તે બ્રિટનના જોસેફ ફ્રાયને આભારી છે. ૧૮૫૦ના દાયકામાં જોસેફ ફ્રાયે ચોકલેટમાં ગરમ પાણીને સ્થાને કોકા બટર એન ખાંડ નાખવાનું શરૂ કર્યું, જેની સાથે જ વિશ્વની સૌપ્રથમ સોલિડ ચોકલેટનો જન્મ થયો.
૧૮૭૫માં ડેનિયલ પીટર અને હેનરી નેસલેએ સોલિડ ચોકલેટમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરવાનું શરૂ કર્યું અને તેની સાથે જ મિલ્ક ચોકલેટ બારની શરૂઆત થઇ હતી.પ્રથમ વિશ્વયુદ્ધ વખતે કેટલાક દેશ પોતાના સૈનિકોને ભોજન બાદ સ્વિટ ડિશ તરીકે ચોકલેટ આપતા હતા. વિશ્વભરમાં કેર વર્તાવનારો એડોલ્ફ હિટલરના પથ્થર જેવા હૃદયમાં કોઇ માટે સોફ્ટ કોર્નર હોય તો તે ચોકલેટ હતી. હિટલર દિવસમાં ૫૦૦ ગ્રામ જેટલી ચોકલેટ ખાઇ જતો હતો.
'ચૂંબન' આ ત્રણ અક્ષરનું નામ દિમાગમાં આવતા જ પ્રથમ વિચાર રોમાન્સનો આવે તે સ્વાભાવિક છે. પરંતુ ચૂંબનને માત્ર રોમાન્સ પૂરતું જ સિમીત રાખવું પણ યોગ્ય નથી. બાળક જન્મે ત્યારે માતા-પિતા તેના કપાળને ચૂમી લઇ વ્હાલ વરસાવે છે. વર્ષો બાદ વતનમાં પગ મૂકો છો ત્યારે પણ તે ધરતીને, મનગમતી નોકરી મળે ત્યારે તે એપોઇન્ટમેન્ટ લેટર જેવા અનેક પ્રસંગમાં ચૂમીને જ ખૂશી વ્યક્ત થતી હોય છે. વિજ્ઞાાન લગભગ તમામ વિષયમાં સંશોધન કર્યું છે, સિવાય કે કિસ. કિસિંગમાં એટલી વિભન્નતા છે કે વિજ્ઞાાાન તેનો સિદ્ધાંત-નિયમ રચી શક્યું નથી. સંબંધે-સંબંધે કિસ જુદી હોય છે.
કિસ એ પ્રામાણિક્તાનું પ્રતિક છે. આપણે કોઇને કિસ કરીએ છીએ કેમકે આપણે કોઇને પ્રેમ કરીએ છીએ, તેને આદર આપીએ છીએ, કોઇને આવકાર આપીએ છીએ અથવા કોઇને અલવિદા કરીએ છીએ. ઘણા પરિવારોમાં કોઇનું મૃત્યુ થાય તો એને કપાળ પર ચૂંબન કરવાની પ્રથા છે. એમ.કે.અગ્રવાલે તેમના અભ્યાસગ્રંથ 'ધ વૈદિક કોર ઓફ હ્યુમન હિસ્ટ્રી'માં લખ્યું છે કે, 'કિસનો સૌપ્રથમ પ્રાચિન સંદર્ભ સંસ્કૃત સાહિત્યમાં છે અને આ પછી મહાભારત-કામસૂત્રમાં તેનો ઉલ્લેખ છે. 'હવે રોમાન્સના સંદર્ભમાં પણ વાત કરવામં આવે તો થાઇલેન્ડના પતાયા ખાતે દર વર્ષે વેલેન્ટાઇન્સ ડે દરમિયાન સૌથી લાંબુ ચૂંબન કોણ કરી શકે છે તેની સ્પર્ધા યોજાય છે. જેમાં ૨૦૧૩ના વર્ષમાં થાઇલેન્ડના દંપતિ એક્કાચાઇ તિરાનારાત-લક્સાના તિરાનારાતેએ પણ ભાગ લીધો હતો. આ વાત કદાચ માન્યામાં નહીં આવે પણ આ દંપતિએ ૫૮ કલાક ૩૫ મિનિટ ૫૮ સેકન્ડ સુધી નોનસ્ટોપ એકમેકને હોઠ પર ચૂંબન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.એક હિંદી કવિતાના અંશ છે કે, 'માથા ચૂમના કિસી કી આત્મા ચૂમને જૈસા હૈ, કૌન દેખ પાતા હૈ આત્મા કે ગાલોં કો સુર્ખ હોતે...' મતલબ કે, કોઇને કપાળમાં ચૂમવું એ તેની આત્માને ચૂંબન આપવા જેવું છે. ફરક એટલો કે ત્યારે આત્માના લાલ થતા ગાલને કોઇ જોઇ શકતું નથી.