Get The App

ગમતાનો કરીએ ગુલાલ .

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ગમતાનો કરીએ ગુલાલ                              . 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- જીવનમાં વિરૂપતા હોય કે વેદના હોય કે તાપ કે સંતાપ હોય અંતે પ્રેમનો પ્રફુલ્લિત સ્વર બધું જ બદલી નાખશે.

વૃદ્ધ થા મુજ સંગ

જીવન રાખશે હજી રંગ

જો, આથમણી સાંજ્યું કાજ

ઉગમણું હતું જ સવાર.

આપણ સમય એને પંડ

સરજ્યું જે કહે, 'મેં અખંડ,

જુવાની તો અરધ આભાસ

હરિ પર રાખ તું વિશ્વાસ

સઘળું તે જ માંહી તપાસ

ભય ના રાખ તું તલભાર

રોબર્ટ બ્રાઉનીંગના કાવ્યનો મકરંદ દવેએ કરેલો  આ અનુવાદ છે. વિશ્વનો શ્વાસ એટલે વિશ્વાસ. વિશ્વસાહિત્ય સાથે એમનો ઘરોબો રહ્યો છે. મકરંદ દવેનું જન્મ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ. સહજના સરનામેથી મળેલો ગુજરાતી સાહિત્યનો એક ધૂણી ધખાવી બેઠેલો સર્જક. સાહિત્ય નામના પદારથને એમણે સતત સેવ્યો છે. ભજનરાશિના ગૂઢ-ગહન તત્ત્વમાં ઝબકોળીને સાંઈ મકરંદ પાસેથી અનેક રચનાઓ મળી છે. કેટલીક રચનામાં તો એ નરસિંહની બાજુમાં જઈને બેસે છે. સીધા સોસરવા ઉતરી જતા લોકસાહિત્ય જેમ એમની બાનીમાં પણ છેતરામણી સાદગી છે. એમાં ઊંડા ન ઉતારો તો હાથમાં માત્ર ફીણ જ આવે. ક્યારેક તો એના કાવ્યમાં શાશ્વત-ક્ષણભંગુર, સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર અડખે પડખે ગોઠવાઈ જાય છે અને વિશિષ્ટ ભાવપીંડ ધારણ કરે છે. આ કવિ ક્યારેક સમયની પાર પહોંચી જાય છે અને ક્યારેક સમયની શરણાગતિ પણ સ્વીકારે છે.  'કાળની કાંટા-ડાળીએ લાગ્યાંક્ષણનાં ચણીબોર' આ જ કવિ અન્ય એક જગ્યાએ કહે છે કે 'મારો અનહદ સાથે નેહ ! મુંને મળ્યું ગગનમાં ગેહ.'

ગોંડલના ગરિમાપૂર્ણ વાતાવરણમાં એમનો ઉછેર થયો. જે હવામાં ભગવદગોમંડલના શબ્દોની સુગંધ આવતી હતી ત્યાં એમનો  ઉછેર થયો. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યારબાદ  ઉચ્ચ અભ્યાસ માટે ૧૯૪૦માં રાજકોટ ગયા અને ધરમસિંહજી કોલેજમાં દાખલ થયા.  ૧૯૪૨માં ભારત છોડો અંદોલનમાં જોડાવા  અભ્યાસ છોડી દીધો હતો. એમની તેજસ્વી પ્રતિભા જોઈ અધ્યાપકે ભણવા સમજાવ્યું પણ મકરંદે કહ્યું કે 'સૌથી ઉપર દેશ છે'. આઝાદીના આંદોલનમાં ઝંપલાવ્યું. મકરંદ દવે કહે છે 'અનાદિ મથામણ છે મારી ગઝલમાં,નશીલું નિવારણ છે મારી ગઝલમાં'  પ્રારંભિક જીવનમાં આધ્યાત્મિક ગુરુ નાથાલાલ જોષીના સંપર્કમાં આવ્યા અને એક નવો પ્રદેશ ખુલી ગયો.

૧૯૬૮માં લેખિકા કુન્દનિકા કાપડિયા સાથે સાત ફેરા આકાશમાં માંડીને લગ્નગ્રંથિથી જોડાય છે. પછી મુંબઈ સ્થાયી થાય છે. એમના જીવનમાં  અનેક ચઢાણ-ઉતરાણ આવે છે. તેઓ કુમાર, ઉર્મિનવરચના, સંગમ, પરમાર્થી  સામયિકોમાં જોડાયા. એનું એક માત્ર આકર્ષણ કે શબ્દ સાથે જોડાયેલું રહેવું. ઇ.સ. ૧૯૮૭માં જીવનનો મહત્વનો વળાંક આવે છે. પત્ની સાથે તેઓ વલસાડ નજીક ધરમપુર ખાતે આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે 'નંદીગ્રામ'ની સ્થાપના કરે છે. અહીંથી એક નવા ઇતિહાસની શરૂઆત થાય છે. સાહિત્યસંવર્ધન સાથે અનેક લોક ઉપયોગી કાર્યો કર્યા. સ્વામી આનંદ  દ્વારા તેમને સાંઇ ઉપનામ મળ્યું હતું. રણજિતરામ સુવર્ણ ચંદ્રક, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, નરસિંહ મહેતા પુરસ્કાર, અરબિંદો પુરસ્કાર ઇત્યાદિથી સન્માનિત થયા હતા. આદિવાસી વિસ્તારમાં જે કામ કર્યું અને લોકોએ વધાવ્યું એ સૌથી અગત્યનો પુરસ્કાર કહેવાશે. નર્મદાના બે સભર કાંઠા જેમ એમનું સાહિત્ય સૌને ભીંજવતું રહ્યું છે. રવીન્દ્રનાથ અને મેઘાણીના પૂર વચ્ચે પણ પોતાનો તરાપો સલામત રાખ્યો છે.

મકરન્દ દવેની કવિતાના આંતરતત્વને પામવા માટે સહજ, આનંદ અને માંગલ્ય આ ત્રણ શબ્દો કામમાં આવે. કવિ સુરેશ દલાલ કહેતા કે તેમની કવિતા નિરાશા કે નિસાસાની નહીં, તાપ કે સંતાપની નહીં, પણ પ્રસન્નતાની છે. એનો અર્થ એવો નથી કે જીવનમાં નરી પ્રસન્નતા છે એવુ ંએમને કહેવું હોય; પણ એ સ્વીકારે છે કે જીવનમાં વિરૂપતા હોય કે વેદના હોય કે તાપ કે સંતાપ હોય અંતે પ્રેમનો પ્રફુલ્લિત સ્વર બધું જ બદલી નાખશે. તેથી જ કવિએ લખ્યું હશે કે; 'આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો'

કવિ મકરન્દની આ કવિતામાં ભારતીય સંસ્કૃતિના ધ્યેયમંત્ર સર્વેભવન્તુ સુખીન:ની સુગંધ અનુભવાય છે. ગીત, ગઝલ, ભજન અને સૉનેટને એક જ મ્યાનમાં રાખનારા કવિ મકરન્દ દવેની જન્મશતાબ્દી આપણે સૌ વિધ-વિધ કાર્યક્રમો અને આયામો થકી ઉજવીએ તેવી અકાદમીની નેમ છે. મકરંદભાઈની શબ્દચેતનાને વંદન સાથે એમની એક કવિતાથી લોગ આઉટ થઈએ...

ફૂલ તો એની

ફોરમ ઢાળી રાજી,

એક ખૂણે આયખું નાનું,

કેવું વીતી જાય મજાનું!

કોઈનું નહીં ફરિયાદીને

કોઈનું નહીં કાજી

અંતે... મિત્ર અને મંત્ર ઉપર કદી અવિશ્વાસ ન કરવો. મિત્રમાં અવિશ્વાસ રાખશો તો સ્નેહ તૂટશે અને મંત્રમાં અવિશ્વાસ રાખશો તો શક્તિ ખૂટશે.

 -ચાણક્ય 


Google NewsGoogle News