હજાર, લાખ અને કરોડ નૂર બાદ કરીને જીવતી હસ્તીઓ!
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- કરોડપતિ પરિવારની આ મહિલા સાવ સાદાં વસ્ત્રો પહેરવા માટે પ્રસિદ્ધ હતી. એને દંભ કે ખોટા દેખાડા ગમતાં નહોતાં. વિમાની સ્ટાફ એમને ઓળખવામાં થાપ ખાઇ ગયો.
મે ગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના બ્લોગ પર અવારનવાર પોતાને થયેલા જાતજાતના અનુભવો વિશે લખે છે. પાંચ સાત વર્ષ પહેલાં અમિતાભે એક સરસ યાદગાર ઘટના લખી હતી. ટૂંકમાં એ ઘટનાનો સાર લઇને આગળ વધીએ. અમિતાભના જ શબ્દોમાં, હું એક ફિલ્મનું શૂટિંગ પતાવીને વિદેશથી પાછો ફરી રહ્યો હતો. ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં મારી બાજુની બેઠકમાં સાદાં વસ્ત્રોમાં એક વડીલ બેઠાં હતા. થોડી થોડી વારે વિમાની સ્ટાફ આવીને એ વડીલને કંઇ જોઇતું કારવતું હોય તો એવું નમ્રતાથી પૂછી જતો હતો. મને થયું કે આ વડીલ કોઇ સેલેબ્રિટી હોવાં જોઇએ. પણ પૂછવું કોને ? મેં અત્યંત નમ્રતાથી એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. મેં મારો પરિચય આપ્યો. હું હિન્દી ફિલ્મોનો અભિનેતા છું વગેરે... એમણે ફક્ત અચ્છા એમ કહ્યું. વધુ વાત કરવાની એમની ઇચ્છા જણાતી નહોતી. મેં જેટલા સવાલ પૂછયા એના ખૂબ ટૂંકા અને મુદાસરના જવાબ એમણે આપ્યા. હું તો હાર્યો જુગારી બમણું રમે એમ વાતો કરવાનો વધુ ને વધુ પ્રયાસો કરતો રહ્યો. પરંતુ મને સફળતા મળી નહીં. આખરે મુંબઇ આવ્યું અને વિમાન ધરતી પર ઊતર્યું.
એરલાઇન્સના સિનિયર અધિકારીઓ એમને આવકારવા હાજર થઇ ગયા. મને ત્યારે જાણ થઇ કે સાદાં વસ્ત્રોમાં સજ્જ એ સેલેબ્રિટી સર જે આર ડી ટાટા હતા. આટલી મોટી હસ્તીને હું ઓળખતો નહોતો એ વાતે મને ઘણી શરમ આવી. હૂં ચૂપચાપ એરપોર્ટની બહાર નીકળી ગયો... તો આમ વાત છે. આપણામાં કહે છે કે એક નૂર આદમી, હજાર નૂર કપડાં, લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરા...સાવ સાદાં વસ્ત્રોમાં સજ્જ અને એ પણ લગભગ ૯૦ વર્ષના કોઇ માજી લંડન, ન્યૂયોર્ક કે સિડની જેવા મહાનગરના એરપોર્ટ પર દેખાય ત્યારે સૂટબૂટમાં સજ્જ લોકો એમની સામે તૂચ્છકારની નજરે જુએ તો કોઇને નવાઇ ન લાગે. એમાંય આ માજી વિમાનના બિઝનેસ ક્લાસ તરફ જતાં દેખાય તો એકવાર તો વિમાની સ્ટાફ પણ વિસ્મય અનુભવે. બ્રિટનના એક જાજરમાન મહિલાને પણ આવો અનુભવ થઇ ગયો. જો કે એ જેઆરડી ટાટા જેવા મહાન કે સેલેબ્રિટી નહોતાં.
લંડનના હીથ્રો એરપોર્ટ ગયા મહિને બનેલો આ બનાવ ઇંગ્લેંડના પ્રતિષ્ઠિત અખબારોમાં ચમકી ગયો. ૮૯ વર્ષના એક માજી સાવ લઘરવઘર વસ્ત્રોમાં જપાન તરફ જતી એક ફ્લાઇટમાં ચડયાં. કેટલાક અપટુડેટ ઉતારુઓને લાગ્યું કે આ કોઇ ગરીબ બાઇ મદદ માગવા આવી છે. પણ એની હિંમત તો જુઓ. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ચડી ગઇ. એરપોર્ટના સિક્યોરિટી સ્ટાફે એને આ રીતે અંદર આવવા શી રીતે દીધી ?
ઉતારુઓમાં અંદર અંદર ગણગણાટ શરૂ થઇ ગયો. માજી બિઝનેસ ક્લાસ તરફ જઇ રહ્યાં હતાં ત્યારે એક ફ્લાઇટ એટેન્ડન્ટની એમના પર નજર પડી. તરત એણે બૂમ પાડી- ઓ ઓ ઓ માજી, એ તરફ ક્યાં જઇ રહ્યાં છો ? વેઇટ, પ્લીઝ, વેઇટ... સફાઇદાર ઇસ્ત્રીટાઇટ યુનિફોર્મમાં સજ્જ એ યુવતી માજી તરફ દોડી. માજીને ચાલવામાં થોડી અગવડ પડતી હતી.
ફ્લાઇટ એટેન્ડન્ટે એમની ટિકિટ તપાસી. એ બિઝનેસ ક્લાસની ટિકિટ જોઇને ફ્લાઇટ એટેન્ડન્ટ ચોંકી ઊઠી. એણે માજીનો પાસપોર્ટ જોવા માગ્યો. માજીએ આપ્યો. ટિકિટ અને પાસપોર્ટ બંને બરાબર હતાં. માત્ર માજીનો પોષાક સાવ સામાન્ય હતો. હવે મૂંઝાવાનો વારો વિમાની સ્ટાફનો હતો. પેલી યુવતીએ પોતાના વોકીટોકી દ્વારા પાઇલટને જાણ કરી. પાઇલટે કન્ટ્રોલ રૂમને અને કન્ટ્રોલ રૂમે સિક્યોરિટી સ્ટાફને મોકલ્યો. મહિલા સિક્યોરિટી સ્ટાફે આવીને માજીને વિનંતિ કરી, ગ્રાન્ડમા (દાદીમા), પ્લીઝ અમારી સાથે આવો. માજી તો એ મહિલા સાથે ગયાં. પેલી મહિલા એમને સિક્યોરિટી કાઉન્ટર પર લઇ ગઇ. એક ફ્રેમમાંથી પસાર થવાની વિનંતિ કરી. માજી એમાંથી પસાર થયાં કે તરત સાવચેતીની સાઇરન ગર્જી ઊઠી. મહિલા ગાર્ડે માજીને પૂછયું, ગ્રાન્ડમા, તમારી પાસે ધાતુનું કશું છે જે તમે અગાઉ સિક્યોરિટીમાં દેખાડવાનું ભૂલી ગયાં હો ?
અરે હા, માજી બોખા મોઢે મલક્યાં. પછી એક ખુરસી પર બેસીને પોતાના બૂટની દોરીની ગાંઠ છોડી. એક બૂટ કાઢયો અને મોજામાં મૂકેલી એક ચાવી કાઢી- આ મારા ઘરની ચાવી છે. હું વારેવારે ચાવી ક્યાંક મૂકી દઇને ભૂલી જાઉં છું. એટલે મારી પ્રપૌત્રીએ મને કહેલું કે ઘરની ચાવી પગના મોજામાં મુકી રાખજો.
ઓત્તારી તો... પેલી મહિલા અધિકારી જરૂર મનમાં બોલી હશે. ખોદ્યો ડુંગર અને કાઢયો ઉંદર. ઇંગ્લેંડના એક કરોડપતિ પરિવારની આ મહિલા સાવ સાદાં વસ્ત્રો પહેરવા માટે પ્રસિદ્ધ હતી. એને દંભ કે ખોટા દેખાડા ગમતાં નહોતાં. વિમાની સ્ટાફ એમને ઓળખવામાં થાપ ખાઇ ગયો. કેટલાક ઉતારુઓ પણ એમને ભિખારણ સમજી બેઠેલાં. હકીકતની જાણ થતાં એમને માનપૂર્વક વિમાનમાં બેસાડવામાં આવ્યાં અને એમની માફી માગવામાં આવી. બ્રિટનનાં એક સમયના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના દૂરના સંબંધી એવા આ મહિલા પોતાને ફક્ત શ્રીમતી વિલ્સન તરીકે ઓળખાવે છે. કદી ભપકાદાર વસ્ત્રો પહેરતાં નથી. આજે પણ સાદગીપૂર્ણ જીવન ગાળે છે. ખેર, પછી તો એ ટોકિયો જવા રવાના થયાં. વિમાની સ્ટાફને એક અનુભવ થયો કે વસ્ત્રો પરથી કોઇ પેસેન્જર વિશે કંઇ ધારી લેવું નહીં.