પ્લાસ્ટિક આરોગી જતી નૌકા
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- આ પ્લાસ્ટિક પોલ્યુશન જળસૃષ્ટિનો વિનાશ કરી રહ્યું છે. પર્યાવરણવાદીઓ અને મરીન સૃષ્ટિના સંશોધક વિજ્ઞાાનીઓ આ મુદ્દે ખૂબ ચિંતિત છે.
ત મે ક્યારેક તો મુંબઇ, ચેન્નાઇ, ડુમસ, જામનગર કે પોરબંદરના દરિયાકાંઠે ગયા હશો. એક સમયે પર્યટન સ્થળ તરીકે પંકાયેલા આપણા મોટા ભાગના બીચ હવે ગંધાતી ગટર જેવા બની ગયા છે. આપણા જ લોકો સાંજે ત્યાં ફરવા જાય ત્યારે નાસ્તાના પડીકાં, તૈયાર સ્નેક પાઉચ, પ્લાસ્ટિકની પાણીની બોટલ્સ વગેરે દરિયા કાંઠે ફેંકીને ચાલ્યા જાય છે. મુંબઇના ગિરગામ ચોપાટી જેવા બીચ પર ભેળપુરી અને બીજી વાનગીઓ વેચતા ફેરિયા દરિયા કાંઠે જ રહે છે. બધી દૈનંદિન પ્રવૃત્તિ ત્યાં કરીને બીચને વધુ ગંદો કરે છે. લગભગ એવી જ સ્થિતિ અત્યારે દુનિયાભરના સાત મહાસાગરોની છે. વિશ્વના મોટાભાગના મહાસાગરોમાં અત્યારે ફરવાના શોખીન લોકો લક્ઝરી શીપમાં ફરે છે. આ શીપમાં બેઠાં બેઠાં પણ દરિયામાં પ્લાસ્ટિકની બોટલ્સ અને બીજો કચરો ફેંકી દે છે. આવો પ્લાસ્ટિકનો કચરો દરિયાઇ જીવસૃ્ષ્ટિ માટે જીવલેણ સાબિત થાય છે.
તમને આંકડામાં રસ હોય તો નોંધી લ્યો- હાલ દર વરસે આઠથી દસ મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો દરિયાના પાણીમાં ઝેર ફેલાવે છે. (એક મેટ્રિક ટન એટલે આશરે એક હજાર કિલો). અહીં તો મિલિયનની વાત છે. એક મિલિયન એટલે દસ લાખ. તો આઠથી દસ મિલિયન એટલે કેટલો પ્લાસ્ટિક કચરો આપણે દરિયામાં કરીએ છીએ એની કલ્પના કરી લ્યો. દુનિયાનાં મહાસાગરોમાં ૩૫ હજાર જાતની તો ફક્ત માછલીઓ છે. કરચલા, મગર, સાપ, દેડકાં વગેરે અલગ. બીજી પણ જળસૃષ્ટિ છે જેના વિશે આપણે બહુ જાણતા નથી.
આ પ્લાસ્ટિક પોલ્યુશન જળસૃષ્ટિનો વિનાશ કરી રહ્યું છે. પર્યાવરણવાદીઓ અને મરીન સૃષ્ટિના સંશોધક વિજ્ઞાાનીઓ આ મુદ્દે ખૂબ ચિંતિત છે. એક અભ્યાસ મુજબ ૨૦૫૦ સુધીમાં સમગ્ર જળસૃષ્ટિ કરતાં આ પ્લાસ્ટિક પ્રદૂષણ હજાર ગણું વધી ચૂક્યું હશે. મોટા ભાગની શાર્ક, વ્હેલ અને રમતિયાળ ડોલ્ફીન માછલીઓ કદાચ અદ્રશ્ય થઇ ગઇ હશે. પ્લાસ્ટિકના કારણે ગૂંગળાઇ-રિબાઇને આ માછલીઓ અકાળે મરણ પામી હશે એટલે દુનિયાના કોઇ પણ બીચ પર બે પાંચ સેકંડ- રિપિટ, બે પાંચ સેકંડથી વધુ ઊભા નહીં રહી શકાય. માથું ફાટી જાય એવી ભયાનક દુર્ગંધ આ જળચરોના મૃતદેહોના કારણે ફેલાયેલી હશે.
તમે કલ્પના કરી જુઓ. એક હજાર ટન વજન ધરાવતી સ્ટીમરને પોતાની એક થપાટથી ઊંધી વાળી દઇ શકે એવી લાખો વિરાટકાય વ્હેલ કે શાર્ક માછલી રિબાઇ રિબાઇને મરી જાય એટલી હદે માણસજાત દરિયામાં પ્લાસ્ટિકનો કચરો જમા કરે તો કુદરત સાથે કેવો દ્રોહ કર્યો કહેવાય. ધરતી પર ઉકરડા ફેંદતી ગાયોના પેટ ફૂલી જાય ત્યારે ડોક્ટરો સર્જરી કરીને પેટમાંથી ચાલીસ પચાસ કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢી લઇને ગાયને રાહત આપે છે. મહાસાગરમાં જળસૃષ્ટિ રિબાતી હોય ત્યારે એને કોણ રાહત આપે ? કેવી રીતે આપે ? વળી જેમના પેટમાં પ્લાસ્ટિકનો કચરો ભરાયો હોય એવી માછલીનો આહાર તરીકે ઉપયોગ કરનારા લોકોના આરોગ્ય પર એની કેટલી બધી પ્રતિકૂળ અસર થાય એ પણ વિચારવા જેવું છે.
આટલી પૂર્વભૂમિકા પૂરતી છે. હવે એક આશાસ્પદ સમાચાર જાણીએ. મરીન સૃષ્ટિના આપણા એક હોનહાર યુવાન વિજ્ઞાાનીએ થોડા સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. વડા પ્રધાન કાર્યાલયે એ પત્ર વડા પ્રધાનના ટેબલ પર મૂક્યો કે કેમ એની જાણકારી આ લખનારને નથી. આ પત્રમાં એવી વિનંતિ કરાઇ હતી કે આપણે પ્લાસ્ટિક આરોગી જતી નૌકા કેમ વસાવતાં નથી ? ઉતાવળે વાંચ્યું હોય અને ન સમજાયું હોય તો ફરી આ વાક્ય વાંચી જજો. પ્લાસ્ટિક આરોગી જતી નૌકા વસાવવાનું સૂચન છે. યસ્સ, લેટેસ્ટ ટેક્નોલોજી એ દિશામાં આગળ વધી રહી છે. અલબત્ત, સોએ સો ટકા સફળતા મળી છે એવો દાવો હજુ કરવામાં આવ્યો નથી. પરંતુ એક મહત્ત્વની શોધ હવે આ દિશામાં ઉપયોગી થઇ શકે એમ છે.
મેન્ટા કે મન્તા નામ ધરાવતી આ નૌકા મહાસાગરોમાં રહેલા પ્લાસ્ટિકના કચરાને આરોગી જાય છે અથવા એને રિપ્રોસેસ કરીને ફરી વાપરવા યોગ્ય બનાવે છે એવો દાવો કરવામાં આવ્યો છે. આ મન્તા બોટના અન્ય પ્રકારો સૌર ઊર્જાથી ચાલે છે તો અમુકની બોટ પ્રકાર દરિયામાં રહેલા પ્લાસ્ટિકના કચરાનો જ ઇંધણ તરીકે ઉપયોગ કરીને ચાલે છે. એ દરિયાના પાણીને પ્લાસ્ટિક મુક્ત કરીને દરિયાઇ જીવસૃષ્ટિને સુરક્ષિત અથવા કહો કે કુદરતી રીતે જીવવાની તક પૂરી પાડે છે.
ધ સીક્લીનર્સ ઇન્ટેગ્રેટેડ એંજિનિયરીંગ બ્યૂરો નામની સંસ્થાએ આ ટેક્નોલોજી વિકસાવી છે જે દરિયાઇ જીવસૃષ્ટિ માટે વરદાન રૂપ સાબિત થશે એવું મનાય છે. ૨૦૨૨માં બ્યૂરો વેરિટાસ તરીકે ઓળખાતી સંસ્થાએ આ શોધને સૈદ્ધાંતિક રીતે માન્યતા આપી દીધી. હાલ એના પ્રયોગો યૂરોપિય દરિયાઇ સૃષ્ટિમાં થઇ રહ્યા છે અને એનાં પરિણામો આશાસ્પદ રહ્યા હોવાના અહેવાલ હતા. સાથોસાથ આપણે સૌ પણ સંકલ્પ કરીએ કે આપણા બીચને આપણે હવે કચરાથી મુક્ત રાખીશું. ગંદકી નહીં કરીએ.