Get The App

અમેરિકાના ચહેરાની વરવી બાજુ .

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
અમેરિકાના ચહેરાની વરવી બાજુ                          . 1 - image


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- માથાના દુ:ખાવા જેવો મુદ્દો ગમે ત્યાં ગંદી ગોબરી સ્થિતિમાં પડયા રહેતા વસાહતીઓ છે. 

કા ઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. નવેંબરમાં અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી છે. ટેક્સચોરી, વેશ્યાગમન, ધંધામાં ગોલમાલ વગેરે આક્ષેપો વચ્ચે ફરી પ્રમુખ બનવા થનગની રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને મૂળ ભારતીય કૂળના હોવા છતાં પોતાને બિનગોરાં ગણાવી રહેલાં કમલા હેરિસ અત્યારે તો એકબીજાને હંફાવવા દિવસરાત એક કરી રહ્યાં છે. બીજી બાજુ અમેરિકાના વહીવટકર્તા અધિકારીઓ એક ગંભીર સમસ્યાનું નિરાકરણ શોધી રહ્યા છે. 

અત્યારે તમે અમેરિકાના કોઇ પણ સ્ટેટના જાણીતા શહેરમાં જાઓ. ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, ડેટ્રોઇટ, શિકાગો, બોસ્ટન કે ડેનવર... રેલવે સ્ટેશન પર, બસ સ્ટોપ પર, બાગબગીચામાં કે ફૂટપાથ પર ગેરકાયદે વસાહતીઓ ધામા નાખીને પડયા છે. કોઇએ તંબુ તાણ્યા છે તો કોઇ ખુલ્લા આકાશ નીચે નિરાંતે ઊંઘી રહ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ ૨૦૨૩ના જાન્યુઆરીમાં બેઘર લોકોની જે સંખ્યા હતી એમાં ૨૦૨૪ના જાન્યુઆરીમાં સીધો દસ ટકાનો વધારો નોંધાયેલો હતો. ૨૦૦૭ પછી ૨૦૨૩માં વસાહતી બેઘરોની સંખ્યા પહેલીવાર ખૂબ વધેલી નોંધાઇ હતી.

અમેરિકાને પૃથ્વી પરનું સ્વર્ગ સમજીને યેન કેન પ્રકારેણ, સીધી રીતે કે ગેરકાયદે અમેરિકામાં ઘુસવા માટે લોકો જાનનું જોખમ ખેડે છે એ વાત હવે જૂની થઇ ગઇ. હવે માથાના દુ:ખાવા જેવો મુદ્દો ગમે ત્યાં ગંદી ગોબરી સ્થિતિમાં પડયા રહેતા વસાહતીઓ છે. સાથે લાવેલી હાથખર્ચી ખૂટી પડે તો ભીખ માગીને ય ફૂટપાથ પર પડયા રહેવા આ લોકો રાજી છે પરંતુ અમેરિકા છોડવા રાજી નથી. 

અમેરિકામાં ય બધા શ્રીમંત નથી. અહીં પણ ગરીબ વિસ્તારો છે, મુંબઇની ધારાવી જેવી ઝૂંપડપટ્ટી છે, બિનગોરી રઝળતી જાતિ કે જીપ્સી જેવા સેંકડો પરિવારો બેઘરની સ્થિતિમાં જીવી રહ્યાં છે. એવા બેઘર લોકોમાં આ વસાહતીઓ જબરદસ્ત વધારો કરી રહ્યા છે. ભારત પાકિસ્તાન કે બાંગ્લાદેશની જેમ અહીં પણ આ વસાહતીઓ કાયદેસરના નાગરિકોનાં જળસ્ત્રોત કે વીજવપરાશ પર તરાપ મારી રહ્યા છે.

થોડાં વરસ પહેલાં તમને યાદ હોય તો મુંબઇમાં ઠેર ઠેર દેખાતા ભિખારીઓને મુંબઇ મહાનગરપાલિકાએ પોલીસની સહાયથી શહેરની બહાર કાઢયા હતા. કેટલાકને તો છેક ટીટવાલા અને નેરળ સુધી મૂકી આવ્યા હતા. પરંતુ થોડા જ દિવસમાં આ લોકો ચૂપચાપ ફરી મુંબઇની સડકો પર અને મંદિરોની બહાર બેઠેલા જોવા મળ્યા હતા. પોલીસ અને નગરપાલિકા ક્યાં અને કેટલે સુધી પહોંચી શકે ? સ્થાનિક વહીવટકર્તાઓની પણ પોતાની કેટલીક મર્યાદા હોય છે. ડિટ્ટો, અમેરિકાનાં શહેરોમાં પણ આ જ પરિસ્થિતિ છે. ગેરકાયદે વસાહતીઓને એક શહેરના સીમાડે મૂકી આવે. પાંચ સાત દિવસ પછી એ ફરી સંબંધિત શહેરની ફૂટપાથ પર કે બસ સ્ટોપ પર સુતેલા દેખાય. મેસેચ્યુએટ્સથી મળેલા અહેવાલો મુજબ અહીં બેઘરો માટે ઊભા કરાયેલા રેનબસેરામાં અર્ધોઅર્ધ રહેવાસીઓ ગેરકાયદે વસાહતીઓ હતા. સાત હજારથી વધુ ગેરકાયદે પરિવારો આવા સરકારી આશ્રયસ્થાનોમાં ઘુસી ગયા હતા. આવા આશ્રયસ્થાનોને નિભાવવા ચાલુ નાણાંકીય વરસે મેસેચ્યુએટ્સ સરકાર એક અબજથી વધુ ડોલર્સ ખર્ચશે.

શિકાગોમાં દર દસમાંથી સાત બેઘર લોકો આવા ગેરકાયદે વસાહતીઓ છે. સ્થાનિક રહેવાસીઓ એટલે કે મૂળ અમેરિકી પ્રજા કરતાં આ લોકોની સંખ્યા ત્રણ ગણી વધુ થઇ ગઇ હતી.

૨૦૨૩ના એક  અહેવાલ મુજબ સાડા છથી સાત લાખ બેઘરો ઠેર ઠેર રઝળપાટ કરી રહેલા નોંધાયા હતા. પછીના વરસે એમાં બીજા પચીસ પચાસ હજારનો વધારો થયો હતો. કેટલીક વાર સ્થાનિક રાજકીય પક્ષો કે નેતાઓ આવા બેઘર લોકોને આસમાનના તારા દેખાડીને પોતાના મતો અંકે કરવાના પ્રયાસો કરે છે. નેતાઓ અને ગેરકાયદે વસાહતીઓ બંને એકબીજાને બરાબર પિછાણે છે. ઘણીવાર એવું બને છે કે એકવાર ઘુસી ગયા પછી આ લોકો સ્થાનિક પ્રજાનાં સુખસગવડનાં સાધનો પર તરાપ મારે છે. એમાંય કેટલીકવાર બે ગેરકાયદે વસાહતી જૂથ વચ્ચે હિંસક ગેંગવોર ફાટી નીકળે છે.

ગેરકાયદે વસાહતીઓ સ્થાનિક પ્રજાનાં હિતો પર તરાપ મારે ત્યારે સ્થાનિક પ્રજા વિફરે છે. સ્થાનિક પ્રજા જુદી રીતે હિંસક દેખાવો કરે છે.  છેલ્લા થોડા મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જે રીતે ગોળીબાર થયા એ પણ દર્શાવે છે કે વિશ્વના લગભગ દરેક દેશના લોકો અત્યારે સ્થાનિક નેતાઓથી કંટાળેલા છે. લોકમાનસમાં એવી છાપ પડી છે કે આ નેતાઓને માત્ર સત્તાસ્થાન જોઇએ છે, અમારી સમસ્યાઓનું કોઇ નિરાકરણ એમની પાસે નથી. આવું તો સતત થતું રહ્યું છે. 

ઇતિહાસમાં જુઓ. ફ્રાન્સની ક્રાન્તિ કેવા સંજોગોમાં થયેલી ? ફ્રાન્સના રાજા સોળમા લુઇના શાસનમાં લોકો ભૂખે મરતા હતા. મહેલમાં ફરિયાદ કરવા ગયા કે અમને રોટી મળતી નથી ત્યારે રાણીએ એમની મજાક ઊડાવતાં કહ્યું કે રોટી ન મળે તો પૂરણપોળી ખાઓ. (બ્રેડ ન મળે તો કેક ખાઓ.) વિફરેલી પ્રજાએ લોહિયાળ ક્રાન્તિ કરી નાખી. અમેરિકાના જુદા જુદા રાજ્યના શહેરોમાં અત્યારે જે રીતે ફૂટપાથો પર, પાર્કમાં, બસ સ્ટોપ કે રેલવે સ્ટેશન પર ગેરકાયદે વસાહતીઓ ધામા નાખીને પડયા છે એ જોતાં ક્યારેક સ્થાનિક પ્રજા અને આ ગેરકાયદે વસાહતીઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઇ જાય તો નવાઇ નહીં.


Google NewsGoogle News