અજાણ્યા નંબર્સનો વોટ્સએપ મેસેજ પણ બ્લોક કરી શકાશે
ટેકનોવર્લ્ડમાં થોડા સમય પહેલાં આપણે વાત કરી હતી કે વોટ્સએપમાં હેકર્સ કે ઠગ ટોળકીઓ
તરફથી આવતા વીડિયો કોલથી સરેરાશ યૂઝર્સને બચાવવા માટે કંપનીએ એક મોટી સગવડ આપી છે, જેનો લાભ સૌએ અચૂક લેવા જેવો છે. આ લાભ લઈને આપણે અજાણ્યા નંબર્સ પરથી આવતા
વીડિયો કોલ માટે રિંગ વાગે જ નહીં તેવું સેટિંગ કરવાની સગવડ છે (સેટિંગ્સમાં
પ્રાઇવસી અને તેમાં કોલ્સ તપાસો). રિંગ વાગે જ નહીં, તો આપણે તેનો જવાબ આપીએ નહીં અને હેકરની વાતોમાં ફસાઈએ નહીં!
પરંતુ વોટ્સએપમાં વીડિયો કોલ્સ ઉપરાંત સામાન્ય મેસેજમાં પણ લોકોને ફસાવવાના
હેતુથી મોકલાતા મેસેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ કારણે હવે કંપની અજાણ્યા
નંબર પરથી આવતા સાદા મેસેજ પણ અટકાવવાની સગવડ આપવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં
વોટ્સએપમાં આ નવું ફીચર આવી જશે. તેની મદદથી અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ આપણે
ઓટોમેટિકલી બ્લોક કરી શકીશું. ખાસ કરીને પરિવારના વડીલોના વોટ્સએપમાં અજાણ્યા નંબર
પરથી આવતા મેસેજ બ્લોક કરવાની સુવિધા - જ્યારે મળે ત્યારે - અપનાવી લેવા જેવી છે.
અલબત્ત આજના સમયમાં બિઝનેસ કમ્યુનિકેશન માટે વોટ્સએપ એક બહુ મહત્ત્વનું સાધન
બન્યું છે. ઘણા બિઝનેસ પોતાના કસ્ટમરને સપોર્ટ આપવા ઉપરાંત બિઝનેસ પ્રમોશન માટે પણ
વોટ્સએપનો ઉપયોગ કરે છે. આવા મેસેજ આપણે માટે ઉપયોગી પણ હોઈ શકે છે, તેમ આપણે જેમનો નંબર સેવ કર્યો ન હોય એવા લોકો આપણા બિઝનેસના સંભવિત કસ્ટમર પણ
હોઈ શકે છે. એ જોતાં અજાણ્યા નંબર પરથી આવતા મેસેજ સદંતર બંધ કરી દેવાને બદલે આપણે
મેસેજ આવવા દઇએ, પરંતુ કોઈ પણ મેસેજ પર આગળનાં
એકશન લેવામાં સાવધ રહીએ તે વધુ હિતાવહ છે.