કિન્ડલ ઇ-રીડરનું આખરે કલર ડિસ્પ્લેવાળું વર્ઝન પણ આવ્યું
ગયા અઠવાડિયે એમેઝોન કંપનીએ તેનું પહેલું કલર ડિસ્પ્લેવાળું કિન્ડલ ઇ-રીડર
ડિવાઇસ લોન્ચ કર્યું. કંપનીએ આ ડિવાઇસને કલરસોફ્ટ નામ આપ્યું છે.
તમને પુસ્તકો વાંચવાનો જબરજસ્ત શોખ હોય તો તમે મોટા ભાગે કિન્ડલ કે તેના જેવું
બીજું કોઈ ઇ-રીડર ડિવાઇસ ખરીદ્યું હશે. ઇ-રીડર્સની મજા એ છે કે વજનમાં તે પેપરબેક
બુક જેટલું હળવું છતાં એક જ ડિવાઇસમાં હજારો પુસ્તકો સમાઈ શકે. એમેઝોન કંપનીએ
પહેલાં ઓનલાઇન બુક સ્ટોર ઓપન કરીને પુસ્તકોની દુનિયા બદલી નાખી અને પછી ઇ-બુક તથા
ઇ-રીડર લોન્ચ કરીને પુસ્તક પ્રકાશનની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો.
વાંચન શોખીનો માટે ઇ-રીડર વરદાનરૂપ છે. કિન્ડલ સ્ટોરમાંથી અનેક ઇ-બુકમાંથી
સંખ્યાબંધ બુક તદ્દન ફ્રી મળે, કેટલાંય પુસ્તકોનાં ફ્રી
સેમ્પલ્સ પણ મળે. તેમાંથી જે ગમે તે ઓનલાઇન પેમેન્ટ કરીને ખરીદીએ એ સાથે એ પુસ્તક
આપણા ડિવાઇસમાં આંખના પલકારામાં ડાઉનલોડ થાય. મજા એ છે કે આપણા સ્માર્ટફોનમાં પણ
ફ્રી કિન્ડલ એપ ઇન્સ્ટોલ કરીને તેમાં આ બધી સગવડોનો બિલકુલ મફત ઉપયોગ કરી શકાય છે.
તેમ છતાં કંપનીએ લોકોને ઓછામાં ઓછા રૂ. ૬-૮ હજારની કિંમતે કિન્ડલ ઇ-રીડર ખરીદતા
કરી દીધા!
તેનું મુખ્ય કારણ છે ઇ-રીડરનો સ્ક્રીન. ઇ-રીડરના ડિસ્પ્લેમાં ઇ-ઇન્ક ટેકનોલોજીનો
ઉપયોગ થાય છે. તેમાં બેટરીનો ઓછામાં ઓછો ઉપયોગ થાય છે અને વાંચનમાં કાગળ પરના લખાણ
જેવો જ અનુભવ મળે છે (અલબત્ત તેમાં પેજ રીફ્રેશ થાય ત્યારે સ્ક્રીન પરના બધા
અક્ષરો ગાયબ થાય અને ઝબકારા સાથે નવા અક્ષરો ગોઠવાય એ વાત કાગળ પરના વાંચનની
સરખામણીમાં ઘણી અડચણરૂપ બને છે).
કિન્ડલ ઇ-રીડરમાં અત્યાર સુધી ફક્ત બ્લેક એન્ડ વ્હાઇટ રીડિંગ એક્સપિરિયન્સ
મળતો હતો. હવે કિન્ડલ પર પણ ફોનની જેમ કલર સ્ક્રીન પર પુસ્તકો વાંચી શકાશે.
કિન્ડલના અન્ય, લેટેસ્ટ જનરેશનના ઇ-રીડરમાં
બેટરી ત્રણ મહિના જેટલો લાંબો સમય ચાલી શકે છે જ્યારે કલરસોફ્ટમાં તે બે મહિના
જેટલો સમય ચાલશે. કિન્ડલ કલરસોફ્ટની કિંમત ૨૮૦ ડોલર એટલે કે આશરે ૨૩ હજાર રૂપિયા
છે!