આવતા વર્ષે આવી શકે છે એપલનું નવું સ્માર્ટ હોમ ડિવાઈસ
સ્માર્ટફોનની મદદથી ચોવીસેય કલાક આપણા પર હાવી થઈ જનારી ટેક કંપનીઓ હવે આપણા
ઘરમાં પણ મોટા પાયે પગપેસારો કરવા લાગી છે. તેમનું એક હથિયાર છે સ્માર્ટ ટીવી અને
બીજું છે અન્ય પ્રકારના સ્માર્ટ ડિવાઇસિસ. અત્યારે દુનિયા આખીનાં અનેક ઘરોમાં
એમેઝોન એલેક્સા કે ગૂગલ સ્માર્ટહોમ કે એપલના હાલના હોમપોડ (જુઓ નીચેની તસવીર) જેવા
સ્માર્ટ ડિવાઇસિસ ગોઠવાઈ ગયાં છે. આ બધાં ડિવાઇસ આપણો પડ્યો બોલ ઝીલીને આપણે માટે
જુદાં જુદાં ઘણાં કામ કરી આપે છે. પરંતુ તેની સાથોસાથ આપણા વિશેની ઘણી બધી માહિતી
તેમના ચોપડે ચઢતી જાય છે.
એપલ કંપની હવે આ આખી વાતને નવા લેવલે લઈ જવાની તૈયારીમાં છે. સમાચાર છે કે એપલ
આવતા વર્ષે આઇપેડ જેવો એક નવા પ્રકારનો સ્માર્ટ ડિસ્પ્લે લોન્ચ કરશે અને તે એક નવા
પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. આ ઓએસ હોમઓએસ તરીકે ઓળખાય તેવી શક્યતા છે (મજાની વાત એ કે માઇક્રોસોફ્ટની આ જ પ્રકારની
ઓએસનું નામ પણ હોમઓએસ છે!). આ નવી ઓએસ એપલ ટીવી તથા હોમપોડ માટેની ઓપરેટિંગ સિસ્ટમ
આધારિત હશે. એપલે આ નવા ડિસ્પ્લેને દિવાલ પર મેગ્નેટથી ટીંગાડી શકાય એવી વ્યવસ્થા
પણ કરી લીધી છે. આ ડિવાઇસમાં કેલેન્ડર, નોટ્સ તથા હોમ જેવી એપલની
એપ્સ ચાલશે. તેમાં નવી લોન્ચ થયેલી એપલ ઇન્ટેલિજન્સનો પણ મોટા પાયે ઉપયોગ થશે.
એપલ લાંબા સમયથી આવું કોઈ ડિવાઇસ વિકસાવી રહી હોવાની વાતો ચાલતી હતી. એપલ તેના
હોમપોડ ડિવાઇસમાં સ્ક્રીન ઉમેરે તેવી પણ શક્યતા હતી. ટેકનોલોજીનો જાતભાતનો ઉપયોગ
કરવા માટે આતુર ઘણા લોકો સ્માર્ટ હોમ કન્ટ્રોલર તરીકે આઇપેડનો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા હોય છે. એપલનું
નવું ડિવાઇસ એવા અખતરાને વધુ સ્માર્ટ આકાર આપશે અને તેમ છતાં તે આઇપેડ કરતાં
સસ્તું રહેશે એવી ધારણા છે.