ભાવનગરમાં આવતીકાલે ઈદે મિલાદુન્નબીનું ઝુલુસ નિકળશે
- ઝુલુસના માર્ગ પર ન્યાઝનું વિતરણ કરાશે
- મિલાદ પાર્ટીઓ,ટ્રક, ટ્રેકટરો, બેન્ડવાજા, ઢોલ, ત્રાંસા સાથે અનેક યુવક મંડળો ઝુલુસમાં જોડાશે
ઈદે મિલાદુન્નબીના તહેવાર નિમીત્તે તા.૧૬ ને સોમવારે સવારે ૮-૩૦ કલાકે શહેરના ચાવડીગેટ ખાતે આવેલ પીર મહંમદશાહબાપુની વાડીમાંથી એક શાનદાર ઝુલુસ શરૂ થશે. જે ઈમામવાડા, અલકા ટોકીઝ, મતવા ચોક, શેલારશા ચોક, આંબાચોક,જુમ્મા મસ્જિદ, હેરિસ રોડ, વોરાબજાર, બાર્ટન લાયબ્રેરી ચોક, હલુરીયા ચોક,હાઈકોર્ટ રોડ, રૂપમ ચોક, ગંગાજળીયા તળાવ, વોશિંગઘાટ, દરબારી કોઠાર થઈને શેલારશા ચોકમાં પુર્ણ થશે.આ ઝુલુસમાં મિલાદ પાર્ટીઓ, બેન્ડવાજા, ઢોલ,ત્રાંસા સાથે અનેક યુવક મંડળો સામેલ થશે. તેમજ મિલાદ પાર્ટીઓ સાથે મુસ્લિમો તેમના પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને સામેલ થશે.ઝુલુસના રૂટ પર સમાજની ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ, યુવક મંડળો દ્વારા ઠંડા પાણી, શરબત અને ન્યાઝનું વિતરણ કરાશે.આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાશે. તેમાં ટ્રકો, રીક્ષાઓ, ઘોડેસ્વાર,ઉંટગાડી, બગી, ગાડી, ઘોડાગાડી, ટ્રેકટરો વગેરે જોડાશે. આ ઝુુલુસમાં શાનૌશોકતથી શહેરના રાજમાર્ગો પર ફરશે. આ ઝુલુસમાં સમાજને સામેલ થવા મેમણ મોટી જમાતના પ્રમુખ, દાઉદી વોરા જમાતના પ્રમુખ, ખોજા શિઆ ઈશ્ના અશરી જમાતના પ્રમુખ તથા સમાજના આગેવાનોને જોડાવવા ઝુલુસ કમિટીના કન્વીનર હાજી મહેબુબભાઈ જે. શેખ (ટીણાભાઈ મોટરવાળા)એ અનુરોધ કર્યો છે. આ ઝુલુસમાં સામેલ થનાર રીક્ષા, ટ્રક, કાર સહિતના ફોર વ્હીલ વાહનધારકોએ તેમના નામ, સરનામા, લાયસન્સની ઝેરોક્ષ કોપી સંસ્થાની ઓફિસે પહોંચતી કરવાની રહેશે.