રાજુલાથી એભલવડ રૂટની એસ.ટી. બસ બંધ કરાતા લોકોને ભારે હાલાકી
- અનેક ગામો આજની તારીખે એસ.ટી.ની સેવાથી વંચિત
- કંથારીયા, પીછડી, માણસા અને ટીંબી માટે બસ ફાળવાય તો તંત્રને ટ્રાફીક અને આવક બંને મળી શકે તેમ છે
રાજુલા એસ.ટી.ડેપોની શેડયુઅલ નં.૨૨ ની રાજુલાથી રાયડી અને પાટી રૂટની બસ કે જે દરરોજ સવારે ૭-૩૦ કલાકે આવે છે અને ૮ થી ૧૧ ડેપોમાં પડી રહે છે તેમજ તે જ બસ બપોર બાદ ૪ થી ૬ પડી રહે છે તેમ આક્રોશભેર જણાવી રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન ડી.પુરોહિતએ આ બાબતે અમરેલીના એસ.ટી. નિયામકને એક પત્ર પાઠવી વધુમાં ઉમર્યુ હતુ કે, એભલવડ સહિતના ગામો એસ.ટી.ની સુવિધાથી વંચિત થઈ ગયા હોય તંત્રવાહકો દ્વારા સવારે ૮ કલાકની ટ્રીપ એભલવડથી ટીંબી સુધી શરૂ કરવી જોઈએ તેમજ સાંજની ટ્રીપ પણ રાજુલા, કંથારીયા, પીછડી, માણસા અને ટીંબી માટે ફાળવવામાં આવે તો એસ.ટી. તંત્રને પૂરતો ટ્રાફીક અને આવક બંને મળી શકે તેમ છે જયારે ઉપરોકત ગ્રામ્ય વિસ્તારોના લોકોને જરૂરી પ્રાથમિક સુવિધા મળી શકે તેમ છે. તંત્ર દ્વારા ગ્રામજનોની વર્ષો જુની માંગણીને ધ્યાને લઈને એસ.ટી.સુવિધા વિહોણા ગામડાઓને આ સેવા અપાશે તો તે શાળા કોલેજમાં વિદ્યાભ્યાસ માટે અપડાઉન કરતા અનેક વિદ્યાર્થીભાઈઓ તથા બહેનોને તેમજ ખાસ કરીને ધંધા રોજગાર અને નોકરી અર્થે અપડાઉન કરનારાઓને આર્શિવાદ સમાન સાબિત થશે. આ રૂટ વર્ષોથી શરૂ હતો અને છેલ્લા ઘણા સમયથી રૂટ બંધ કરાયો હોવાથી તે પુન ચાલુ કરવામાં ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તેમ નથી તેમ તેઓએ અંતમાં ઉમેર્યુ હતુ.