તળાજા પંથકના ખેતીવાડી કનેક્શનમાં અપુરતી વીજળી, ખેડૂતોમાં રોષ
- રવિપાક લેવાની સિઝન નજીક આવી રહી છે ત્યારે
- સાંગાણા, નવી-જૂની કામરોળ, શોભાવડ, પાદરી અને ઘાણા સહિતના ગામોના ખેડૂતોને મુશ્કેલી
દિવાળીના તહેવારો બાદ હવે રવિપાક લેવાની સિઝનની તૈયારીમાં જગતનો તાત લાગ્યો છે પરંતુ તળાજા તાલુકાના સાંગાણા, નવી-જૂની કામરોળ, શોભાવડ, પાદરી અને ઘાણા સહિતના ગામોના ખેતીવાડી કનેક્શનમાં દિવાળી પહેલાથી જ અપુરતી અને સમયસર વીજળી નહી મળતી હોવાથી ખેતરમાં રહેલા કપાસ, ડુંગળી, શેરડી, રચકો, ચણા કે જેને પિયતની જરૂર હોય છે પરંતુ વીજળી પુરતી અને સમયસર નહી મળવાને કારણે કુવામાં પાણી હોવા છતાં ખેડૂતો પિયત કરી શકતા નથી અને કલાકો સુધી વીજળીની રાહ જોવી પડે છે. ખેતીવાડી કનેક્શન ધરાવતા ખેડૂતોને નિયમિત અને સળંગ વીજળી મળવી જોઈએ તે નહી મળતા સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે નવી કામરોળ ગામના સરપંચે જણાવ્યું હતું કે, દિવાળી પહેલાથી જ ખેતીવાડી કનેક્શનમાં સમયસર અને પુરતી વીજળી મળી નથી. પિયત માટેનું પાણી કુવામાં છે પરંતુ વીજ સમસ્યાને કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. જ્યારે આ અંગે તળાજા પીજીવીસીએલના નાયબ ઈજનેરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં એક સાથે વીજ વપરાશ વધવાને કારણે ટ્રાન્સફોર્મર બળી જવાની સમસ્યા ઉભી થઈ હતી અને ટીસી બદલવાના કારણે ફીડર બંધ કરવું પડતું હોવાથી વીજ પુરવઠો બંધ થયો હતો. ટીસી બદલવાના સમય સિવાય અન્ય કોઈ ફરિયાદ નથી.