શહેરમાં પ્રતિદિન 1,000 કિલો સ્વાસ્થ્યવર્ધક શિંગોડાનું થતું વેચાણ
- ખાસ કરીને બાળકોમાં તેમજ મહિલાઓમાં અતિ પ્રિય શિંગોડા
- ફકત શિયાળાની ઋુતુમાં જ જોવા મળતા ગુલાબી અને લીલી છાલવાળા શિંગોડા આરોગ્ય માટે ફાયદાકારક
મધ્યપ્રદેશના જબલપુર સહિતના જિલ્લાઓમાંથી ટ્રેન તેમજ હેવીલોડેડ ટ્રક મારફત ગુજરાતમાં અમદાવાદ થઈ ભાવનગર સહિતના અન્ય જિલ્લા મથકોમાં કાચા શિંગોડાઓનો જંગી જથ્થો મોકલવામાં આવે છે. જે ભાવનગરમાં મુખ્ય શાકમાર્કેટ, માળીનો ટેકરો સહિતના અનેક વિસ્તારોના જથ્થાબંધ વિક્રેતાઓ ખરીદી વહેલી સવારે તેમના ગોડાઉનમાં આ કાચા શિંગોડાને ધગધતા ગરમ પાણીમાં મીઠુ અને હિરાકસી નાખીને નિયત સમય સુધી ગરમ કરવામાં આવે છે. આ રીતે ૨૦ કિલો શિંગોડા બાફવામાં આવતા અંદાજે ત્રણથી ચાર કિલોની ઘટ આવે છે તેમ શિંગોડાના સ્થાનિક વિક્રેતાએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, દર વર્ષે ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસમાં જ શિંગોડા બજારમાં આવે છે. આ શિંગોડાઓનું ગુજરાત રાજયમાં સૌથી વધુ ભાવનગર, અમદાવાદ અને બરોડામાં જયારે રાજકોટ તેમજ જામનગરમાં નહિવત વેચાણ થાય છે. કાચા શિંગોડા ગુણવત્તા મુજબ રૂા ૨૫ આસપાસના કિલોના ભાવે મધ્યપ્રદેશમાંથી ખરીદી તેને બાફવામાં આવ્યા બાદ ભાવનગરમાં રૂા ૮૦ આસપાસના કિલોના ભાવે ફેરીયા, લારી, ટોપલાવાળાઓ તેમજ છુટક વિક્રેતાઓને વેચવામાં આવે છે. બાળકો તેમજ ખાસ કરીને મહિલાઓમાં શિંગોડા અતિ પ્રિય હોય એક વિક્રેતા દરરોજ આસાનીથી ૫૦ થી વધુ કિલો શિંગોડા વેચી નાખે છે.ફકત શિયાળાની ઋુતુમાં જ જોવા મળતા ગુલાબી અને લીલી છાલવાળા શિંગોડા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.રાજયમાં કેટલાક સ્થળે તો એકદમ પાકી છાલવાળા જ શિંગોડા બજારમાં મળતા હોય છે.