Get The App

ચમ્બા રૂમાલના ચાર્મની ચરમસીમા - લલિતા વકીલ

Updated: Dec 26th, 2022


Google NewsGoogle News
ચમ્બા રૂમાલના ચાર્મની ચરમસીમા - લલિતા વકીલ 1 - image


- અંતર- રક્ષા શુક્લ

ધરણા, ઓવારણાં, સંભારણાં

સાચવે છે કેટલું આ બારણાં.

બંધ બાજી છે સમયના હાથમાં,

આપણે તો બાંધવાની ધરણા.

હાથ કંકુ ઘોળવામાં વ્યસ્ત હો,

આંખથીયે લઈ શકો ઓવારણાં.

કોઈ સાંજે કામ એ પણ આવશે,

સાચવીને રાખજોે સંભારણાં.

વાટ જેની હોય એ આવી ચડે,

તો કહો, ખોલી શકીશું બારણાં?

                                - હર્ષા દવે

એક દિવસ વિશ્વખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસો દક્ષિણ ફ્રાન્સમાં એક બીચ પર મિત્ર સાથે આરામ કરી રહ્યા હતા. ત્યારે એક નાનો છોકરો કાગળ લઈને તેની પાસે આવ્યો. પિકાસો સમજી ગયા કે છોકરાના માતા-પિતા એ બહાને તેનો ઓટોગ્રાફ લેવા માગે છે.

પિકાસોએ છોકરાની વિનંતી નકારી નહીં પરંતુ તેણે પેલો કાગળ લીધોે અને તેને ફાડી નાખ્યો. પછી છોકરાની પીઠ પર એક આકૃતિ દોરીને નીચે પોતાની સહી કરી.

પિકાસોએ તેના મિત્રને કહ્યું - 'હું ધરું છું કે તેઓ છોકરાને ફરી ક્યારેય નવડાવશે નહીં.'

કલાકારોના જીવનમાં બનતી આવી ઘટનાઓ જાણવાની પણ એક મજા છે જે તેઓની રમૂજવૃત્તિ અને તીક્ષ્ણ બુદ્ધિને દર્શાવે છે, તેની લોકપ્રિયતા અને તેનામાં રહેલા કોમનમેનને પણ દર્શાવે છે. જો કે કેટલાક કલાકાર દુનિયાના કોઈ એકાંત ખૂણે બેસી સાયલન્ટલી કામ કરતા હોય છે. વળી તેઓ અનેક લોકોના જીવનને અજવાળતા પણ હોય છે. હિમાચલ પ્રદેશના શ્રીમતી. લલિતા વકીલને તત્કાલીન ભારત સરકાર દ્વારા ૨૦૨૨ના ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ કલાના ક્ષેત્રમાં તેમના ઉલ્લેખનીય અને ઉત્કૃષ્ટ યોગદાન બદલ દેશના ચોથા નંબરના સૌથી ઉચ્ચ નાગરિક સન્માન 'પદ્મશ્રી' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રીમતી. લલિતા વકીલ ચંબા રૂમાલ પર ભરતકામ કરનાર ઉત્તમ અને નિષ્ઠાવાન કલાકાર છે. ૧૯૬૫માં ચમ્બા રૂમાલ બનાવનાર કારીગર માહેશ્વરી દેવીને પહેલી વાર રાષ્ટ્રીય પુરસ્કાર અપાયો હતો. 

માણસ જ્યારે પોતાની સંવેદનાઓને શબ્દમાં નથી ઢાળી શકતો ત્યારે તેને રંગોમાં, સૂરમાં, નૃત્યમાં કે શબ્દોમાં ઢાળે છે. કલામાં જ જાણે તેની લાગણીઓ મોક્ષ પામે છે અને તેની ભીતર ચાલતા દ્વંદ્વો કે ઉધામાઓનું એ કલામાં વિરેચન થાય છે. આવા સર્જકોનું પ્રદાન ખૂબ ઉચ્ચ કોટિનું અને અવિસ્મરણીય હોય છે.                  

મૃત:પ્રાય થઈ રહેલી ચમ્બા હસ્તકલાને પુન:જીવિત કરવામાં અને તેને મોખરે લાવવામાં શ્રીમતી લલિતા વકીલે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. પદ્મશ્રી મેળવ્યા પછી ચમ્બા પરત આવતા લલિતાજીનું અનેક સસ્થાઓ અને ભાવકો વડે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ૧૯૭૦થી આ ક્ષેત્રમાં અણથક કામ કરી રહેલા લલિતાજીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિલુપ્ત થઈ રહેલી આ પારંપારિક સાંસ્કૃતિક કલા ''ચમ્બા રૂમાલ કઢાઈ''નું સંરક્ષણ કરવું, તેને વ્યવહારમાં ઉપયોગી બનાવવી અને તેનું પ્રશિક્ષણ આપવું. ચમ્બા રૂમાલ ભરતકામના જાદૂથી મોહિત થયેલા લલિતાજીએ તેને એક અદબ અને શિસ્ત સાથે સ્વીકાર્યુંઅને કારકિર્દી રૂપે ચમ્બા રૂમાલ કલાને અપનાવવાનું નક્કી કર્યું. તેઓ આ કલાના ગૌરવપૂર્ણ અગ્રદૂત બનવા માગે છે. પારંપારિક રૂપે એ કેવળ મલમલ પર કરવામાં આવતું હતું. તેમણે રેશમ, ટસર કે વોયલ જેવા ફેબ્રિકને યોગ્ય એવી નવી ડિઝાઈન્સ શોધી અને તેમાં કૌશલ્ય કેળવીને આ કલામાં અમૂલ્ય યોગદાન આપ્યું. 

ભારતીય કલાઓમાં પરંપરાગત ભરતકામના અનેક પ્રકાર જોવા મળે છે જેમ કે કાંથા, ફૂલકારી, ચિકનકારી, જરદોશી, ચમ્બા રૂમાલ કે કાશ્મીરી કશીદાકારી. ચંબા રૂમાલ એ હિમાચલ પ્રદેશની પ્રાચીન અને પ્રખ્યાત કશીદાકારી હસ્તકલા છે જેને એક સમયે ચંબા રાજ્યના પરંપરાગત શાસકોના સંરક્ષણ હેઠળ પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ચમ્બા ભરતકામ ખરા અર્થમાં રૂમાલ નહીં પણ કમાલ છે. ચંબા રૂમાલ વાસ્તવમાં કોઈ પોકેટ રૂમાલ નથી, પરંતુ એમ્બ્રોઇડરી કરેલું એક પ્રકારનું 'વોલ પેઇન્ટિંગ' છે. જેને ક્યારેક દિવાલ પર પેઇન્ટિંગની જેમ શણગારવામાં આવે છે તો ક્યારેક ભેટ તરીકે આપવામાં આવે છે. ચંબાના રુમાલ વિશે રસપ્રદ વાત એ છે કે તે દૂરથી જોવામાં કદાચ ખૂબ આકર્ષક ન લાગે, પરંતુ જ્યારે નજીકથી જોવામાં આવે છે ત્યારે જોનાર વ્યક્તિ તેમાંની બારીકીઓ અને અદ્ભુત સફાઈ જોઈ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતો નથી. શરૂઆતના દોરમાં ચંબા રુમાલમાં પંજાબના બારીક હાથથી વણેલા મલમલના ખાસ કાપડને લઈને તેમાં વિવિધ પ્રકારના વનસ્પતિ રંગોમાં રંગાયેલા અને અનબ્લીચ્ડ રેશમના દોરાથી ભરતકામ કરવામાં આવતું હતું. જેની થીમ પૌરાણિક કથાઓ પર આધારિત રહેતી. એ થીમને પછીથી કાપડ પર એક નાનકડી સોય અને સિલ્કના રંગબેરંગી દોરા વડે એવી કુશળતાભરી તકનીક સાથે આબેહુબ ઉતારવામાં આવતી કે એ કશીદાકારી ફેબ્રિકની બંને બાજુએ એકસરખી સુંદર દેખાય છે. જેણે ડો રૂખા કશીદા કહે છે. ચમ્બા રૂમાલ તૈયાર થતા ૧૦ દિવસથી માંડી બે મહિનાનો સમય લાગે છે જે કાપડ અને ડિઝાઈન પર આધાર રાખે છે. ચંબા રૂમાલ બનાવવા માટે, કલાકાર પહેલા પૌરાણિક દ્રશ્ય અથવા કોઈ ઘટનાને કાપડ પર દોરે છે, પછી પેન્સિલ અથવા કોલસાથી તેની વધુુ સ્પષ્ટ રૂપરેખા તૈયાર કરે છે. તે પછી બ્રશ વડે જરૂરી જગ્યામાં ઇચ્છિત રંગ ભરે છે, જેનો ઉપયોગ નામમાત્ર હોય છે. આ પછી સોયમાં રેશમના રંગબેરંગી દોરાને પરોવી બે સાઈડ દેખાતા ટાંકાઓથી કરેલું આ ભરતકામને એક અવિસ્મરણીય માસ્ટરપીસ બનાવે છે. ચંબા રૂમાલ પરનું ચિત્ર ક્યારેય ટ્રેસીંગ દ્વારા બનાવવામાં આવતું નથી. તે એટલી ઝડપથી કરવામાં આવે છે કે લાઇન તૂટે નહીં. 

હિમાચલ પ્રદેશની લોક સંસ્કૃતિ અને ગીતોમાં પણ ચમ્બા રૂમાલની વાત સાંભળવા મળે છે. ''રામ લછમન ચોપડ ખેલદે, સિયા રાણી કડદી કસીદા'' જેવા અનેક ગીતો કાફી પ્રસિદ્ધ છે જે ઘણા પ્રસંગો પર ગવાય છે. લોકોના નીજી જીવન કે પારંપારિક રીતિ રિવાજોમાં પણ ચમ્બા રૂમાલને મહત્વનું સ્થાન અપાય છે. ૧૯મી સદીની અમેરિકન લેખિકા એલેન બર્ડઝઆઈ વ્હીટન કહે છે કે “All my scattering moments are taken up, with my needle.”  આ વાત એક સર્જક કે કલાકાર જ સમજી શકે. કારણ કે તે સંવેદનશીલ હોવાને લીધેે અનુભવે છે કે કલાકારની પીડા કે દુ:ખ તેના સર્જનમાં સમેટાઈ જાય છે. નીડલવર્ક જેવું સર્જન જાણે તેના ઘવાયેલા, દુ:ખી આત્માને છિન્ન થવા દેતું નથી...It mends the soul.  સર્જકની સંવેદનાઓનો એના સર્જનમાં મોક્ષ થાય છે. માનવતાના ઉત્થાનના હિમાયતી અમેરિકન કવિ, એક્ટીવિસ્ટ અને અર્થશાી સારા લુઇસા ઓબરહોલ્ટઝર નીડલવર્ક કરતી છોકરીનું, તેના મનોભાવોનું ખૂબ સુંદર વર્ણન કરતા કહે છે કે... 

“The girl who sits 

in the porchway low

Sings to her needle 

as to and fro

It weaves the seam 

with its glittering glow,

Close in the garment 

she holds to sew.”

શ્રીમતી વકીલનો જન્મ ૧૯૫૪માં હિમાચલ પ્રદેશના સુપ્રસિદ્ધ અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ચંબા શહેરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. ૧૪ વર્ષની નાની વયે તેઓ આ કલા સાથે જોડાઈ ગયા. લલિતાજીએ ૧૯૭૦માં ચંબામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ૧૯૭૮- ૧૯૮૦માં આઈઆઈટી ચંબામાં ડિપ્લોમા કર્યું. ૨૦૦૬માં ચમ્બા રૂમાલના પ્રદર્શન માટે જર્મની ગયા અને ૨૦૧૧માં કેનેડામાં કેનેડિયન ટયુલિપ ફેસ્ટિવલમાં ભાગ લીધોે. ચંબા રૂમાલની ડબલ-સાઇડેડ એટલે કે દો-રૂખા એમ્બ્રોઇડરીનું કૌશલ્ય અને તેની વિવિધ ટેકનિક્સ પણ તેઓ શીખ્યા. જો તેમણે આ પારંપારિક સાંસ્કૃતિક કલાને પ્રોત્સાહન આપવા નિષ્ઠાપૂર્વકના પ્રયાસ ન કર્યા હોત તો દુર્ભાગ્યવશ એ લગભગ લુપ્ત થવાની સ્થિતિમાં આવી ગઈ હોત. લલિતાજીના પતિ એક ડોક્ટર છે જેમણે તેમની કારકિર્દીમાં કે સામાજિક કાર્યાેમાં હંમેશા પૂરો સહયોગ આપેલો છે. 

ચમ્બાની આ લોકપ્રિય કલા મલમલ, સિલ્ક અને સુતરાઉ કાપડ પર કરવામાં આવે છે. આ માત્ર ભરતકામ નથી. જેમાં એક વિશિષ્ટ દ્રશ્યકલા પણ છુપાયેલી છે જે મુખ્યતથ પૌરાણિક કથાઓ જેવી કે રામાયણ, મહાભારત, સમુદ્રમંથન, દશાવતાર, આધ્યાત્મિક આખ્યાનો, અષ્ટનાયિકા, ગીત-ગોવિંદ, કૃષ્ણ બાળલીલા, રાસલીલા કે દૈનિક જીવનથી પ્રેરિત છે જે સૌથી વધુ લોકપ્રિય છે. આ સાથે પ્રાણીઓ, ફૂલો અને સુશોભન છોડ, ભૌમિતિક પેટર્ન, જુદી જુદી રમતો અને માનવ આકૃતિઓની ડિઝાઇન પણ ઘણી જોવા મળે છે. આવા મનમોહક દ્રશ્યો સર્જક દ્વારા તેમાં શાંત ચિત્તે ગંભીરતાથી ભરવામાં આવે છે. મરણાસન્ન થયેલી આ કલાને પુનર્જીવિત કરવા માટે લલિતાજીએ પ્રશંશનીય એવું બહોળું યોગદાન આપ્યું છે જેમાં વસ્તુને શણગારી જુદો જ ઓપ આપવાનો આનંદ છે. નવી નવી ડિઝાઇન્સ અને કૌશલ્ય વિકસાવીને આ કલાના ઉત્થાન માટે તેઓ અવિરત અને અમૂલ્ય કાર્ય કરી રહ્યા છે. મોડર્ન જીવનશૈલી સાથે આ કલાને ટકાવવા તેમણે મોટું પગલું ભર્યું છે. સમકાલીન જીવનશૈલીના તકાજા અને જરૂરીયાતને લક્ષ્યમાં રાખી એક અનુરૂપ ઢાંચામાં તેમણે આ કલાને ઢાળીને જીવંત કરી અને વિકસાવી. જે આધુનિકતાના રંગોથી લોકોની સંવેદનાઓને પ્રભાવિત કરે. તેમણે પારંપારિક ડિઝાઈન્સનું આધુનિકતા સાથે યોગ્ય મિશ્રણ કરીને આજના સમય સાથે તાલ મિલાવતા, નવા યુગની સંવેદનાઓને વણી લઈને ઉપયોગમાં લાવી શકાય તેવા મનમોહક કલાના નમૂનાઓ બનાવ્યા. લલિતાજીએ વોલ હેંગિંગ, પંખા, લેમ્પશેડ, બેડશીટ્સ, રૂમ પાર્ટીશન, ી-પુરુષોના વિવિધ પરિધાનો કે પર્દાઓ જેવી જીવનોપયોગી ચીજોમાં ચમ્બા રૂમાલ કલાને વણી લઈને દેશવિદેશના સૌંદર્યપ્રેમીઓ અને કલાપ્રેમીઓની વિસ્તૃત શ્રેણીને આકષત કરી. આ કલા સ્વરૂપને વિકસાવવામાં શ્રીમતી લલિતાનું યોગદાન અદ્ભુત અને નોંધપાત્ર છે. ચંબા રૂમાલની અટપટી છતાં અત્યંત ચિત્તાકર્ષક એવા ભરતકામના આ સુંદર કલા સ્વરૂપને પ્રોત્સાહન આપવા અને સંરક્ષિત કરવા તેમણે ભારતના અને દેશવિદેશના અસંખ્ય પ્રદર્શનોમાં આ કલા પ્રદશત કરી.

ચમ્બા કશીદાકારીમાં બેનમૂન કામ કરનાર લલિતાજી એક સામાજિક કાર્યકર પણ છે. ઘરમાં બેકાર બેઠેલી છોકરીઓ અને મહિલાઓનો સંપર્ક કરી તેઓને આ કલાના ઉત્થાનમાં જોડે છે. શ્રીમતી. વકીલે અનેક મહિલાઓને પોતાના ઘરે નિથશુલ્ક તાલીમ આપી આ હસ્તકલાને શીખવા માટે પ્રેરણા આપી છે અને મદદરૂપ બન્યા છે. તેમની પ્રેરણાથી આજે કેટલીયે મહિલાઓ ઘરે બેઠા કામ કરીને આજીવિકા કમાઈ રહી છે. તદુપરાંત સરકારના સમર્થનથી ગુરુ શિષ્ય પરંપરા હેઠળ હજારો મહિલા કારીગરોને તાલીમ આપવાની પહેલ કરી ઉત્તમ પ્રશિક્ષણ આપ્યું છે. લલિતાજી પોતાનું આ દુર્લભ કલાત્મક કૌશલ્ય યુવાનોને પણ પ્રાપ્ત થાય, યુવાનો પણ તેનો આથક ઉપાર્જન માટે  ઉપયોગ કરે એ માટે તેઓ યુવા પેઢીને પણ વિશિષ્ટ તાલીમ આપી તૈયાર કરે છે અને તેમના માટે રોજગારીની નવી તકો ઊભી કરે છે. કલાની મૂળ વિશિષ્ટતાને જીવંત રાખીને ચંબાના આ પરંપરાગત કલા સ્વરૂપની જાળવણી અને ઉત્થાન માટે લલિતાજીએ પોતાનું સમગ્ર જીવન સમપત કર્યું. લલિતાજી સાધન સંપન્ન લોકો અને પરદેશમાં વસતા તેમના જેઠ-જેઠાણીની પાસેથી આથક સહાય મેળવીને ગરીબ બાળકોને ભણાવે છે. તેમણે પોતાના સામાજિક કાર્યો માટે કોઈ દેખાડો કર્યોે નથી. 

ચમ્બા કલા પ્રત્યેની પોતાની નિષ્ઠા, સખત પરિશ્રમ અને લગનથી લલિતાજીએ ચમ્બાનું નામ ન કેવળ રાજ્યમાં કે દેશમાં પરંતુ સાત સમંદર પાર પહોંચાડીને દેશનું નામ રોશન કર્યું છે. પોતાની સિદ્ધિઓ અને સન્માનો માટેનું શ્રેય લલિતાજી તેમના વડીલો સહીત પૂર્વ કલાકાર માહેશ્વરી દેવીને આપે છે. શ્રીમતી. વકીલને ૨૦૨૨ના પદ્મશ્રી પુરસ્કાર ઉપરાંત કલાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ કરવા બદલ ૧૯૯૩માં રાષ્ટ્રપતિ સન્માન, ૧૯૯૫માં લખનૌમાં બેસ્ટ ક્રાફ્ટ વુમન એવોર્ડ, ૨૦૦૦માં કલાશ્રી એવોર્ડ, ૧૯૯૮માં અને ૨૦૦૨માં કલારત્ન એવોર્ડ, ૨૦૦૬માં કલા રતન એવોર્ડ, ૨૦૦૯ અને ૨૦૧૨માં શિલ્પ ગુરુ એવોર્ડ, ૨૦૧૭માં મહિલા અને બાળ વિકાસ વિભાગના સૌજન્યથી મહિલા ગુરુ તરીકે આંતરરાષ્ટ્રીય ક્રાફ્ટ એવોર્ડ અને રાષ્ટ્રપતિ એવોર્ડ, ૨૦૧૮માં નારી શક્તિ પુરસ્કાર, ૨૦૧૯માં મહિલા એવં બાળવિકાસ મંત્રાલય તરફથી ફરી રાષ્ટ્રપતિ સન્માન સહિત અસંખ્ય પુરસ્કારો અને સન્માનોથી નવાજવામાં આવ્યા છે. ચંબા રૂમાલ કલાની ગુરુ લલિતા વકીલ ચંબાના એકમાત્ર એવા મહિલા છે, જેમને ભારત સરકાર દ્વારા ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે. 

ઇતિ

ભૂતકાળ કરતાં વર્તમાનમાં મને વધારે રુચિ છે અને વર્તમાન કરતાં વધારે ભવિષ્યમાં.            

 - બેન્જામીન ડિઝરાયલી 


Google NewsGoogle News