Get The App

પવિત્ર સ્નાન : તનની શુદ્ધિ કે મનની શુદ્ધિ

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
પવિત્ર સ્નાન : તનની શુદ્ધિ કે મનની શુદ્ધિ 1 - image


- રિલેશનના રિ-લેસન - રવિ ઈલા ભટ્ટ

- દ્રાક્ષની ફેક્ટરીઓમાં ફરનારા, દ્રાક્ષના રસ પીનારા અચાનક પ્રયાગ આવીને રુદ્રાક્ષ પહેરવા લાગે તો આ બધું કશું જ કામનું નથી. સાધુતા અને સંતત્વ તો મનની ગતિ છે. મનને શુદ્ધ કરવા માટે આત્માનું શુદ્ધિકરણ કરવું પડે છે. 

સમગ્ર વિશ્વ અને ભારતમાં હાલમાં મહાકુંભ મેળાની વાતો થઈ રહી છે. ૧૪૪ વર્ષ પછી સર્જાયેલા દુર્લભ સંયોગ અને તેમાં ત્રિવેણી સંગમ એટલે કે પ્રયાગરાજ ખાતે સ્નાન કરવાનો અદ્વિતિય લાહવો. હિન્દુઓનો અને સનાતન સંસ્કૃતિને માનનારા વર્ગનો આ દુનિયાનો સૌથી મોટો મેળાવડો છે. દુનિયાભરમાં સાધુ-સંતો, ધર્મગુરુઓ, વિચારકો, પ્રચારકો બધા જ આ મેળામાં આવ્યા છે. આ મહાકુંભ પૂરો થવાને માત્ર અઠવાડિયાની વાર છે. મહાશિવરાત્રીના દિવસે મહાકુંભનું અંતિમ શાહી સ્નાન યોજાશે. અત્યાર સુધીમાં કરોડો લોકો દ્વારા મહાકુંભમાં આવીને ગંગા સ્નાન, પવિત્ર સ્નાન, ત્રિવેણી સંગમમાં સ્નાન જેવા વિવિધ નામ ધરાવતા સ્નાન કરી લેવાયા છે. આસ્થા અને શ્રદ્ધાનો અદ્વિતિય ઉત્સવ અહીંયા જોવા મળ્યો. 

દેશ અને વિદેશના જાણીતા લોકો, નેતાઓ, અભિનેતાઓ, બિઝનેસ ટાયકુન્સ, સંતો, મહંતો આવ્યા. તેમણે ધર્મની ચર્ચા કરી, અખાડાઓ દ્વારા સનાતન માટેનું શક્તિ પ્રદર્શન કરાયું, અનેક લોકોએ સન્યાસ લીધાની વાત આવી. આ બધા વચ્ચે ખરેખર વિચારીએ કે પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન કરવા ગયેલા લોકો ખરેખર પાપ ધોવા માટે ગયા હતા. જે લોકોએ ગંગામાં ડુબકી લગાવી લીધી, સંગમમાં ડુબકી લગાવી લીધી તેમના તમામ પાપ ધોવાઈ ગયા છે. હવે તેઓ નવી જિંદગીની શરૂઆત કરશે. અહીંયા વાત ધામક આસ્થા સામે સવાલની નથી પણ ધર્મમાં જણાવેલી સાચી બાબત અંગે વિચાર 

કરવાની છે. 

લોકો એમ માને છે કે, મહાકુંભમાં સ્નાન કરી લીધું એટલે તમામ જન્મોના પાપ ધોવાઈ ગયા. હવે આગામી સમયમાં શું. જે નવા પાપ કરવામાં આવશે તેનું શું થશે. સ્નાન કરવા દરમિયાન કોઈ ખોટો વિચાર આવી ગયો હશે તો શું. સ્નાન કરીને બહાર આવવા દરમિયાન મન, કર્મ, વચનથી વિચલિત થઈ જવાયું હશે તો શું. ઈશ્વરનું શરણ અને સંસ્કૃતિ તથા શ્રદ્ધાનું અનુસરણ માત્ર દેખાડાની વાત નથી. વ્યક્તિ પોતાના સાચા ધર્મ અને કર્મને જાણે, તેનું અનુસરણ કરે અને ત્યારબાદ તેમાંથી મુક્ત થવાની કે મોક્ષ તરફ ગતિ કરવાની વાત કરે ત્યારે બધું લેખે લાગે. આખી જિંદગી લોકોને પરેશાન કરીને, જુઠ્ઠું બોલીને, ગુના કરીને, સમાજને પીડા આપીને પવિત્ર સ્નાન કરવાથી આપણે ખરેખર શુદ્ધ થઈ જવાના છીએ. 

માણસના કર્મ અને ધર્મની જ વાત કરીએ તો મહાભારત તેનું ઉત્તમ ઉદાહરણ છે અને તેમાં ગવાયેલા, કહેવાયેલી, સંભળાયેલી, જોયેલી કે સમજાયેલી ભગવદ ગીતા તેનો શ્રેષ્ઠ ઉપદેશ છે. ગંગાપુત્ર ભિષ્મ જ્યારે તેમની અયોગ્ય પ્રતિજ્ઞાાઓ, જડતા અને હઠાગ્રહના કારણે કર્મ કરે છે ત્યારે તેમને તેનું ફળ ભોગવવું પડે છે. ઈચ્છા મૃત્યુનું વરદાન ધરાવનાર તેજસ્વી પુરુષને બાણશૈયા ઉપર પડયા રહેવું પડે છે અને પોતાના કુળનો નાશ થતો જોવાની પીડા ભોગવવી પડે છે. જે ગંગા નદીમાં માત્ર સ્નાન કરવાથી પાપમુક્ત થઈ જવાનું આપણે માનીએ છીએ તે ગંગા નદીના જ પુત્ર ભિષ્મ આમ કરીને પાપ મુક્ત કે કર્મના બંધનથી મુક્ત નહીં થઈ શક્યા હોત. 

યોગેશ્વર કૃષ્ણ, પરમપિતા, સચરાચર જગતનો નાથ પણ પોતાના કર્મથી મુક્ત થઈ શક્યા નહોતા. તેમણે ધર્મની સ્થાપના માટે જે આચરણ કર્યા, કરાવ્યા કે પછી કરવા માટે મજબૂર કર્યા અથવા તો સમજાવ્યા તે તમામનું ફળ તેમને ભોગવવું જ પડયું હતું. સમગ્ર સૃષ્ટીનું સંચાલન કરનારો ઈશ્વર જ્યારે માનવદેહે પૃથ્વી ઉપર આવે છે તો તેણે પણ કર્મ ભોગવવા જ પડે છે. કર્મ એ કુદરતી ક્રમ છે, તેને ટાળી શકાય તેમ જ નથી. 

માત્ર ધામક કથાઓની વાત કરીએ તો રામ અવતારમાં સંતાઈને વાલી ઉપર તીર ચલાવીને તેના પ્રાણ લેનારા ભગવાન વિષ્ણુનું કર્મ બંધાયું હતું. તેમણે કૃષ્ણ અવતારમાં આ કર્મનું ફળ ભોગવવું પડયું. જરા નામનો પારધી ઝાડીઓમાં આરામ કરતા કૃષ્ણના પગના અંગુઠામાં તીર મારે અને તેમના પ્રાણ જતા રહે. આ કર્મથી કોઈ મુક્ત થયું જ નથી અને થવાનું જ નથી. 

આ ફિલોસોફીને અનુસરીએ તો વાત એ થાય કે, મહાકુંભ કે અર્ધકુંભનું આયોજન થાય છે તે ખોટું છે અથવા તો ભુલ ભરેલું છે. તેનો જવાબ સરળ અને સ્પષ્ટ છે કે, એવું કશું જ નથી. યુગોથી આવા ધામક આયોજનો થતા આવ્યા છે અને લોકો તેમાં ભાગ લેતા આવ્યા છે. હવે કળિયુગમાં બધું બદલાવા લાગ્યું છે. દેવ અને દાવન એક જ શરીરમાં વાસ કરે છે. તેના કારણે ગમે ત્યારે દાનવ થઈ જતો માણસ, ગંગા સ્નાન કરીને દેવ થવાના અભરખાં સાથે આવા કુંભમાં દોડી આવે છે. ૪૫ દિવસ સુધી ચાલનારા આ પવિત્ર મેળામાં અનેક સાધુ, સંતો, નાગા બાવાઓ, ધર્મગુરુઓ, શંકરાચાર્યો અને ધર્મની શીખ આપનારા ઘણા લોકો આવતા હોય છે પણ તેમની શરણમાં જઈને જ્ઞાાન લેવાનું કોઈને ગમતું નથી. 

મહાકુંભમાં જવું તે આત્મશુદ્ધિ, ચૈતસિક શુદ્ધિ, મનની શુદ્ધિ નથી રહ્યું પણ સેલ્ફિઓ ભેગી કરવાનું, તસવીરો ખેંચાવાનું એક સ્થળ બનાવી દીધું છે. તમે જઈ આવ્યા અને અમે રહી ગયાની અવિચારી લાગણીએ આ પવિત્ર ઉત્સવમાં લોકોનું ઘોડાપૂર લાવી દીધું છે. સંગમઘાટ ઉપર કે અન્ય ઘાટ ઉપર ગંગા નદીના જળમાં સ્નાન કરતા લોકો તસવીરો ખેંચાવે છે, વીડિયો બનાવે છે, રીલ બનાવે છે અને સોશિયલ મીડિયામાં બધું મુકીને આનંદ લે છે. મહાકુંભમાં આવ્યાનો, જીવનમાં કંઈક નવી આધ્યાત્મિક સિદ્ધિ કે જ્ઞાાન મેળવ્યાનો નહીં પણ ૧૪૪ વર્ષે આવનારા કુંભમાં ડુબકી માર્યાનો અવિચારી આનંદ.

આપણી વાત કરીએ તો આપણી માનસિકતા ખૂબ જ કુંઠિત થયેલી છે. માત્ર ગંગા, યમુના કે સરસ્વતીના પાણીથી ધોવાય તેમ નથી. આ માતા સમાન પવિત્ર નદીઓને પણ આપણે સ્વચ્છ રાખી નથી અને તેના પાણીથી આપણા પાપ ધોવાશે, આ ક્યાંનો તર્ક છે. પશ્ચિમી દેશો જ્યાં નદીઓને માત્ર કુદરતી સ્ત્રોત માને છે ત્યાં નદીઓ સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત છે અને આપણો દેશ જ્યાં નદી માતા છે ત્યાં પ્રદુષણનું ભયાનક સ્તર છે. ગાય આપણી માતા છે પણ તેની જ સ્થિતિ દયનિય હોય છે. 

આપણે એ હદે દંભી થઈ ગયા છીએ કે, ઈશ્વર સાથે પણ ડિલ કરતા થઈ ગયા છીએ. મંદિરની બહાર ભીખ માગનારી વ્યક્તિને મહેનત કરવાની સલાહ આપીએ છીએ અને મંદિરની અંદર જઈને પચાસની નોટ દાન પેટીમાં સરકાવીને લાખો રૂપિયાનો લાભ કરાવવાની પ્રાર્થના કરીએ છીએ. આ માત્ર મંદિર જ નહીં દુનિયાના તમામ ધામક સ્થાનોની બહાર જોવા મળે છે. બહારે બેઠેલો પોતાની રીતે માગે છે, અંદર જનારો પોતાની રીતે માગે છે પણ જાય છે તો માગવા માટે જ. 

બીજી નવાઈની વાત એવી છે કે, આ પ્રજા એવું માને છે કે, આપણે સારા કામ કરીએ ત્યારે ઈશ્વર આપણી તરફ જોતો હોય છે અને ખોટા કામ કરતા હોઈએ ત્યારે ઈશ્વરે આંખો બંધ કરી દીધી હોય છે. પુણ્ય કરો ત્યારે ભગવાન જુએ અને પાપ ન જૂએ. પાંચ રૂપિયાનું બિસ્કિટનું પેકેટ વહેંચે, કડદો કરીને લાવેલી વસ્તુઓ, ધાબળા, ભોજન સામગ્રી બધાની વહેંચણી કરવાની પણ આત્મસંતોષ માટે નહીં. આ બધું તો સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે કરવાનું. પાંચ હજાર લોકોને ભોજન કરાવ્યું, વિધવાઓને સહાય કરી, અનાથોને પુસ્તકો આપ્યા, વિકલાંગોને તિર્થયાત્રા કરાવી કે બીજા કોઈપણ કામ કરવામાં આવે તેની એટલી બધી તસવીરો ફરતી કરવાની કે આ કરેલું કાર્ય સત્કર્મ નહીં પણ સેલ્ફિકર્મ હોય તેવું લાગ્યા કરે. 

હાલમાં મહાકુંભમાં પણ સ્નાન, જ્ઞાાન, સેવા અને બીજા તમામ પ્રવૃત્તિઓને સામાન્ય લોકો આ રીતે જ રજૂ કરી રહ્યા છે. બસો ફુલ છે, ટ્રેનોમાં જગ્યા નથી, ફ્લાઈટ પેક જાય છે, બધું જ બરોબર છે પણ આ જે આંધળી દોટ છે તે અહીંયા આવ્યા પછી જ્ઞાાનની દિશામાં ઉન્નત થાય છે નહીં. અહીંયા આવ્યા પછી સાચા કર્મ અને ફળ તરફ આંખો ખુલે છે કે નહીં તે જોવામાં કોઈને રસ નથી. 

તાજેતરમાં જ એક કહેવાતી અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં મુક્યું હતું કે, તેણે સેવા કરી, તેણે ગંગા પૂજન કર્યું, તેણે ભુખ્યાને ભોજન કરાવ્યું, દાન કર્યું અને આ બધાના વીડિયો અને ફોટો પડાવીને ઈન્સ્ટાગ્રામ ઉપર મુક્યા. આ પોસ્ટને કેટલી લાઈક મળી, કેટલા લોકોએ જોયું, કેટલાએ કોમેન્ટ કરી તેના વિશે બીજા પોસ્ટ બનાવીને સોશિયલ મીડિયામાં મુકી. તેમનું કહેવું છે કે, મારે સાધુ થવું છે પણ બીજા સાધુઓએ ના પાડી. આવા તો કેટલાય લોકો હશે જે આધ્યાત્મની સાચી ગતિને જાણ્યા વગર માત્ર શ્રદ્ધા કે અંધશ્રદ્ધાના નામે ધબુકા મારવા નીકળી પડયા છે.

દ્રાક્ષની ફેક્ટરીઓમાં ફરનારા, દ્રાક્ષના રસ પીનારા અચાનક પ્રયાગ આવીને રુદ્રાક્ષ પહેરવા લાગે તો આ બધું કશું જ કામનું નથી. સાધુતા અને સંતત્વ તો મનની ગતિ છે. મનને શુદ્ધ કરવા માટે આત્માનું શુદ્ધિકરણ કરવું પડે છે. સાધુતા અને સંતત્વ દેખાડા કરવાથી, જૂના પાપ ભુલીને ભગવા પહેરીને પ્રયાગમાં પહોંચી જવાથી, સેલ્ફિઓ ખેંચવાથી, સાધુતાના નામે સમાચાર બનીને ચર્ચામાં આવવાથી કે ધર્મના નામે ધતિંગ કરવાથી આવતું નથી. સદગુરુના સાનિધ્યમાં રહીને અને સદવિચારના ભાવ સાથે જીવન જીવવાનું શરૂ કરીએ ત્યારે જીવનના કોઈ પડાવે આધ્યાત્મની સાચી સફર શરૂ થાય છે. નિષ્ફળ કારકિર્દી, નિષ્ફળ ફિલ્મો, નિષ્ફળ વ્યવસાય, નિષ્ફળ નોકરીઓ, નિષ્ફળ સમાજ જીવન કે ગૃહસ્થજીવન છોડીને કુંભમાં આવવાથી કશું મળે તેમ નથી. સીધા થઈએ તો પણ સમાજને સાધુ જેવા જ લાગીશું.


Google NewsGoogle News