Get The App

એક મજાની વાર્તા : ' સૂરમયી સ્વપ્ન' .

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : ' સૂરમયી સ્વપ્ન'                                           . 1 - image


- સંકલનઃ પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

બન્ને એકબીજાને જોઈ રહ્યાં. બંને સમજી ગયા કે એકબીજાને શું કહેવા માંગે છે. છતાં ચૂપ રહ્યાં.

કામાક્ષી અને તેનાં પિતા વચ્ચે મૌનનો ભારેખમ સેતુ થોડી ક્ષણ બંધાયેલો રહ્યો. અંતે કામાક્ષીએ મૌનનાં શાંત પાણીમાં શબ્દોરૂપી પત્થર ફેંકી વાતોના વમળને આકાર આપ્યો.

પિતાજી તમે તમારાં યોગ - પ્રાણાયામ કરો. હું આમ પણ જઈ રહી હતી. કામાક્ષીએ ગભરાતા સ્વરે કહ્યું.

કામાક્ષી.... રસિકભાઈએ મોટાં અવાજે દીકરીને રોકતા કહ્યું.

જી... જી... જી પિતાજી

તું અહીં ટેરેસ ઉપર રોજ આવે છે? આ.. આ ગિટાર સાથે. ખરું ને?

હા.. હા પિતાજી. હતી એટલી બધી હિમ્મત ભેગી કરીને કામાક્ષીએ જવાબ આપ્યો.

ખૂબ સરસ. હવેથી ના આવીશ. અને જો આવે, તો હેતુ બદલી નાખજે. સંગીત સાધના મારે આ ઘરમાં ના જોઈએ. 

હમમમમમમમ...... એકબાજુ સાધના કહો છો, અને એકબાજુ છોડવાનું કહો છો. કોઈ પોતાની સાધનાને કેવી રીતે છોડી શકે, પિતાજી? આ જન્મમાં તો શક્ય નથી.કામાક્ષી પૂર્ણ આત્મવિશ્વાસથી બોલી રહી હતી.

સામો જવાબ આપે છે? નાદાન છોકરી... રસિકભાઈની આંખો લાલચોળ થઈ ગઈ.

નાદાન વાતો તો તમે કરો છો. કે, ભૂતકાળનાં કોકડામાં હજી સુધી ગૂંચવાયેલા છો. તમારા ઘમંડ અને અહંકાર તમને દશ વર્ષે પણ તેમાંથી નીકળવા નથી દેતા.

કામાક્ષી...(મોટા અવાજે)

રસિકભાઈનો હાથ જાણે ઊઠીને હવામાં અટકી ગયો. સવારનો કુમળો તડકો પણ જાણે આજે આગ ઓકી રહ્યો હતો, કે પછી શાંત સ્વભાવના અને ઓછાબોલા રસિકભાઈનાં ગુસ્સાથી ટેરેસનું વાતાવરણ ધમધમી ઉઠયું હતું.

ફરીથી એ જ રીતે બંન્નેની નજર એકબીજાને જોઈ રહી.

કેમ, અટકી ગયાં? ઉપાડો હાથ... તમે જાણો છો, મને પણ તમારી જેમ ઓછું બોલવાની જ ટેવ છે. મુદ્દાની જ તો વાત કરી છે. ખોટું શું કીધું છે?

ખોટું કીધુંું નથી, કર્યું પણ છે. આજે તે અને દશ વર્ષ પહેલાં રાગીણીએ. જેને તું સાધના કહે છે ને, તે સંગીત મારી આત્મા હતું. જેને ચીરીને એમાં ખાડો કર્યોે તારી ફોઈ રાગીણીએ. લાંછન લગાવ્યું મારી આત્મા ઉપર, જેને હું બીજા વ્યક્તિને માત્ર સંગીત નહિ પરંતુ એક ઈજ્જત, એક માન સમજીને આપતો હતો તે વિદ્યા ઉપર કાળી ટિલ્લી લગાડી દીધી. મારે મારા અંતરથી અંતર રાખવું પડયું, મારી સાધના, મારી દેવી - મારા સંગીતને છોડવું પડયું. વિશ્વાસઘાત થયો મારી સાથે, પ્રાણથી પ્યારી બહેન માટે જીવ - જાન સુધીનો બદલો વાળ્યો મેં અને તું કહે છે દશ વર્ષે પણ હું બહાર નથી આવ્યો. ક્યાંથી આવું? કયાં મોંઢે બહાર આવું? નહિં બદલાઈ શકું હું કે નહિ ચહેરો બદલીને જીવી શકું હું.

પિતાજી, આ જ ભૂલ કરો છો તમે. એમાં ચહેરો બદલવાની જરૂર નથી. માત્ર વિચારો બદલો. એની એ જ ભૂલ મારા માટે ફરીથી ના દોહરાવો. સમય ઘણો આગળ નીકળી ગયો છે. એક વાર શાંત ચિત્તે વિચાર કરી જુઓ.

નથી કરવો. સલાહ ના આપીશ મને. દીકરી છું ગુરુ બનવાનો પ્રયત્ન ના કરીશ. સમય ભલે આગળ નીકળી ગયો. હું ત્યાં ને ત્યાં જ છું અને રહીશ. મારો નિર્ણય અડગ છે. તારે સંગીત છોડવું જ પડશે. ચોવીસ કલાકનો સમય આપું છું તને... તારો નિર્ણય જણાવા માટે.

કામાક્ષી હસવા લાગી. પિતાજી, ચોવીસ શબ્દોનાં જવાબ માટે ચોવીસ કલાક, શા માટે? લાંબો વિચાર કરવાનો નથી. હું મારી સંગીત સાધનાને નહિ છોડી શકું. બદલામાં તમે કહો તે કરીશ.

ઘર છોડીને નીકળી જા...... દૂર......ઘણી દૂર.....જ્યાં માત્ર તું અને તારી સાધના હોય. જા.... જતી રહે અહીંથી.

ઠીક છે. પિતાજી, જેવી તમારી આજ્ઞાા અને ઈચ્છા. કામાક્ષી સળસળાટ પગથિયાં ઉતરી ગઈ. કામુ... કામુ, શું થયું બેટા? પિતા અને દીકરીનો અવાજ સાંભળીને આવેલાં સાવિત્રીબેન પૂછી રહ્યાં.

કંઈ નહિં મા. તારી દીકરીને પોતાનું નામ જાતે બનાવવાનો મોકો મળ્યો છે. કંસારનું આંધણ મૂકી દે. હું જમીને જઈશ. કોણ જાણે ફરી આ હાથનો સ્વાદ ચાખવા મળે ના મળે.

અરે, સાંભળો છો? આ કામુ શું બોલી રહી છે? કંઈ કહેશો.

બધી વાત ટેરેસ ઉપર જ કરશો? હવામાં ઝટકા ભેર હાથ વિંઝિને રસિકભાઈ નીચે ઉતરી ગયાં.

કામાક્ષીએ માતાને સમજાવીને પોતાનાં સ્વપ્નને પૂર્ણ કરવાં હંમેશ માટે ઘર છોડી દીધુું.

પાંચ વર્ષ બાદ ....

કામાક્ષી ઘર છોડીને એક મિત્રની મદદથી મુંબઈ આવી ગઈ. અહીં તેણે પોતાની જાત મહેનતથી સંગીતમાં આગળ જ્ઞાાન મેળવી પોતાનું નામ બનાવ્યું. કહેવાય છે ને, સંઘર્ષની તાપણીમાં તપીને જે સુખનો સૂરજ ઊગે છે તેનું તેજ ભલભલાની આંખોને આંજી દે છે. આજે કામાક્ષીની પ્રથમ કવિતાનું પ્રશેપણ થવાનું હતું. અહીં રસિકભાઈ પણ એક દિવસ પોતાની દીકરીને ભૂલ્યા ન્હોતાં.

અરે, સાંભળો છો. ક્યારના ટેરેસ પર ઊભાં ઊભાં શું વિચાર કર્યા કરો છો. કામાક્ષીનો જ ને? જાણું છું. તમે એક દિવસ પણ એને ભૂલ્યા નથી. એક મિત્રની આડમાં છુપાઈને તેનાં શુભચિંતક અને મદદગાર બની રહ્યાં. એની સામે કેમ નથી આવતાં? સાથ જ આપવો હતો તો એ દિવસે ગુસ્સામાં એવું કેમ કર્યું? કેમ કે, મારું પણ એ જ સ્વપ્ન હતું જે કામાક્ષીએ તેની આંખોમાં સેવ્યું હતું. પણ મારે એની આંખોમાં એ સૂરમયી સ્વપ્નની સાથે સંગીત પ્રત્યે લગાવ અને જૂનૂન જોવા હતાં. જે મેં જોઈ લીધા. રાગીણીએ મારા શિષ્ય સાથે પ્રેમલગ્ન કર્યા. મારી જે બદનામી થઈ. તેની સજા હું મારી દીકરીને નહોતો આપવા માંગતો. કે પછી હું મારા બંધાયેલા વચનને તોડી નહોતો શકતો. એટલે મેં કામાક્ષીને આઝાદ પંખી બનીને ઉડવાનો રસ્તો બતાવ્યો. સીધેસીધું કહી દેત તો કદાચ પોતાનું લક્ષ્ય સાધવામાં તે ઢીલી પડી જાત. પણ આ રીતે તે જુસ્સામાં આવીને માત્ર લક્ષ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી શકી. આજે તેણે તેનું આસમાન બનાવી લીધુંં છે. આજે તેની પ્રથમ કવિતાનું પ્રશેપણ થશે ત્યારે હું ટીવીમાં તેને નિહાળીને મારા સંગીત પ્રેમને જીવંત કરીશ. 

હા.... આજે તમારાથી વધારે એનાં માટે કોણ ખુશ હોઈ શકે? તમારી વાત પણ સાચી છે. એ સ્વભાવમાં બિલકુલ તમારાં ઉપર ગઈ છે - મિતભાષી. કદાચ તમને એ પોતાનાં સ્વપ્વ વિશે જણાવી જ ના શકત. જો તમે એની આંખો વાંચી ના લીધી હોત.

બંન્ને દંપતિ પોતાની એકની એક વ્હાલસોઈ દીકરી વિશે વાત કરતાં હોય છે ત્યાંજ ફોનની રિંગ વાગે છે.

લો.... સો વર્ષ જીવશે મારી દીકરી. તમે જ વાત કરો તમારી લાડકી સાથે.... મૌન પણ તો એક ભાષા છે. હેલ્લો.... હેલ્લો માં .. હમણાં દશ વાગે ટીવી ચાલુ કરજે. આજે મારા પ્રથમ કાવ્યનું પ્રશેપણ છે. જેનું નામ છે 'સૂરમયી સ્વપ્ન'. હેલ્લો... હેલ્લો... માં ફરીથી એ જ મૌનનો સેતુ રચાયો. બંન્ને બાજુએથી આંખોમાં હર્ષનાં આંસુઓનું ભીનું આવરણ છવાઈ ગયું. જાણે, શબ્દો વિના જ શ્વાસનાં ધીમા સંગીતમાં મૌનરૂપી કાવ્ય રચાઈ રહ્યું. બંન્ને પિતા - દીકરી પોતાનું સ્વપ્ન પૂર્ણ થયાનો ઉત્સવ મનાવી રહ્યાં. 'સૂરમયી સ્વપ્ન' ના મધુર સૂર સર્વત્ર છવાઈ રહ્યા ...

લેખક- તન્વી શુક્લ (નડિયાદ)


Google NewsGoogle News