Get The App

સમાજને દેખાય તે મારે જોવું નથી

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
સમાજને દેખાય તે મારે જોવું નથી 1 - image


- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- તમે લોકોએ મારા હાથ ઉપર બનેલા સુંદર ઉઝરડા જોયા છે. આ એવા ઉઝરડા છે જેની યાદગીરી આજીવન મારા શરીર ઉપર રહેશે અને કદાચ મારા મનમાંથી તો તેને ભૂંસી પણ નહીં શકાય

જાંબુઘોડા અભ્યારણ્ય એક એવી જગ્યા હતી જ્યાં વર્ષભર પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે. આવો જ એક પ્રવાસી પરિવાર અહીંયાથી થોડે આગળ સીતાવન નામના એક ગામમાં પહોંચી ગયો હતો. ગામમાં છુટાછવાયા મકાનો હતા અને તેની પાછળ એક સરસ તળાવ હતું. આ તળાવ અને તેની આસપાસની વનરાજી એટલી સરસ હતી કે કોઈનું પણ મન લલચાઈ જાય. આ પરિવાર ત્યાં કેમ્પ નાખીને મજા કરતો હતો. માતા અને પુત્ર તળાવના કિનારે પાણીમાં મજા કરતા હતા જ્યારે અન્ય એક મહિલા અને એક બાળકી તળાવથી થોડે દૂર બેસીને માટી અને પથ્થરનો મહેલ બનાવતા હતા. તેમની સાથે એક કિશોર અને એક પુરુષ હતા તેઓ પાછળ જંગલમાં ચક્કર મારવા ગયા હતા. બધા લોકો પોતપોતાની રીતે કુદરતને માણવામાં વ્યસ્ત હતા.

તમામ લોકો મજા કરતા હતા ત્યાં પેલી મહિલા અને પેલો બાળક તળાવના પાણીમાં ઉતર્યા. સામાન્ય રીતે અજાણી જગ્યાએ પાણીમાં જતા પહેલાં વિચાર કરવાનો એક સ્વાભાવિક શિસ્ત અને ચેતવણીનો ભાગ છે. તેમાંય સ્વિમિંગ કરનાર વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ કે અજાણ્યા પાણીમાં એકાએક સ્વિમિંગ કરવા જવાય નહીં. આ બધું ખબર હોવા છતાં પેલી સ્ત્રી અને બાળક પાણીમાં તરવા માટે પડયા. થોડીવાર તો આનંદ આવ્યો પણ પછી એકાએક સ્થિતિ બદલાઈ.

પેલી સ્ત્રી થોડીવાર પાણીમાં પડી રહી અને પછી બહાર આવી ગઈ. તેની સાથે રહેલો કિશોર થોડા વધારે ઉંડા પાણી તરફ ગયો. તેને સ્વિમિંગ સરસ આવડતું હતું તેથી તેની ડુબવાની ચિંતા નહોતી પણ અચાનક તેની પાછળ પાણી હાલવા લાગ્યું. પેલી મહિલાએ જોયું તો પેલા કિશોરની પાછળ મગર હતો. પેલી સ્ત્રી ગભરાઈ ગઈ અને તેણે જોરથી બૂમ મારી...

'સમ્રાટ બેટા જલદી બહાર આવ. પાણીમાં મગર છે. તે તારી તરફ આગળ વધી રહ્યો છે. ઝડપથી મારી તરફ આવી જા.'

પેલા કિશોરે પાછળ જોયું અને ખરેખર મગર આવતો જોઈને તેણે હાથપગ જોર જોરથી હલાવવાના શરૂ કર્યા અને કિનારા તરફ આગળ વધવા લાગ્યો. પાણીમાં મગરને કોણ હંફાવી શકે. પેલો યુવાન કિનારે પહોંચ્યો ત્યાં તો મગર પણ તેની નજીક પહોંચી ગયો અને તેનો પગ પકડી લીધો. 

'મમ્મી બચાવ... મગરે મારો પગ પકડયો છે. ઝડપથી મને ખેંચ.' પેલા કિશોરે બુમ મારી અને તેની મમ્મી થોડા છિછરાં પાણીમાં ઉતરીને તેની તરફ દોડી. તેણે પેલા કિશોરનો હાથ પકડી લીધો અને ખેંચવા લાગી. સ્થિતિ એવી આવી ગઈ કે એક તરફ મગર અને બીજી તરફ મહિલા પેલા કિશોરને ખેંચવા લાગ્યા હતા. કિનારે રહેલી અન્ય મહિલાએ બુમાબુમ શરૂ કરી દીધી. જંગલ તરફ ગયેલો પુરુષ અને કિશોર દોડી આવ્યા પણ તે પહેલાં ગામ તરફ જતી કોઈ વ્યક્તિ આ જોઈ ગઈ. 

આ વ્યક્તિ દોડીને તળાવ તરફ આવી. તેણે પોતાના હાથમાં રહેલું દાતરડું જોરથી મગરના માથાના ભાગે માર્યું. મગરે તરત જ પેલા કિશોરને છોડી દીધો અને પાછો પાણીમાં જતો રહ્યો. પેલો છોકરો લોહીલુહાણ થઈ ગયો હતો. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને સમ્રાટને હોસ્પિટલમાં લઈ જવાયો. બીજી તરફ અખબાર અને ન્યૂઝ ચેનલના રિપોર્ટરોનો જમાવડો થવા લાગ્યો. તળાવ પાસે ઊભા રહીને બધા રિપોર્ટિંગ કરવા લાગ્યા હતા. 

કોઈ રિપોર્ટર ગામના લોકો સાથે વાત કરતું હતું તો કોઈ તળાવ બતાવીને ઘટનાની જાણ કરતું હતું. કોઈ લોહીનું ખાબોચિયું બતાવીને છોકરાની સ્થિતિ અંગે તર્ક કરતું હતું. દરેક પોતપોતાની રીતે ઘટનાને જસ્ટિફાય કરવા માટે મથ્યા હતા.     

'આ એ જ તળાવ છે જ્યાં એક મગરે માત્ર તેર વર્ષના કિશોર ઉપર હુમલો કર્યો અને તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધો. સમ્રાટ નામના આ કિશોરનું નસીબ સારું હતું કે, એક વ્યક્તિ ત્યાંથી પસાર થતી હતી તેણે મગરને ગોળી મારી દીધી અને આ કિશોરનો જીવ બચાવ્યો. માતાની નજર સામે જ મગર બાળકને તળાવમાં ખેંચવા લાગ્યો. નિ:સહાય માતા કશું જ કરી શકી નહીં. સદનસીબે એક સજ્જન આવ્યા જેમણે બાળકનો જીવ બચાવ્યો.' - સીતાવન નામના ગામમાં આવેલા નાનકડા ડેમ પાસેના તળાવમાં એક બાળકને મગર ખેંચી જવાની ઘટનાનું રિપોર્ટિંગ કરવા દરમિયાન એક મહિલા રિપોર્ટરે કહ્યું.

'ગામની પાછળ આટલું મોટું તળાવ છે, ગામના લોકો અહીંયા પાણી ભરવા આવે છે, ઢોરઢાંખર પાણી પીવા આવે છે, ઘણી વખત મગરનો હુમલો થાય છે પણ તંત્ર કોઈ પગલાં લેવા તૈયાર નથી. આ તળાવમાં ઘણા લોકો ઉપર જંગલી જાનવરોનો હુમલો પણ થયો છે છતાં તંત્ર સાવ તંદ્રામાં છે.' - અન્ય એક રિપોર્ટરે કહ્યું.

આ ઘટના વિશે જેટલા આકરા શબ્દોમાં વખોડાય તેટલા આકરા શબ્દોમાં રિપોર્ટરો બોલતા જતા હતા. માણસો ભેગા થતા જતા હતા. આખરે પોલીસે બધાને થોડા દૂર કર્યા અને થોડીવારમાં સમાચારા આવ્યા કે પેલા છોકરાની તબિયત સારી છે અને તેને વોર્ડમાં લાવવામાં આવ્યો છે. આ વાત સાંભળીને રિપોર્ટરો બધું જ પડતું મુકીને હોસ્પિટલ તરફ દોડયા. હોસ્પિટલમાં બધા જ રિપોર્ટર પેલા છોકરાની આસપાસ ભેગા થવા લાગ્યા. તેઓ સવાલો કરવા માટે તલપાપડ હતા.

'સમ્રાટ તમને હવે કેવું લાગે છે. મગર દ્વારા તમારા ઉપર હુમલો કરવા આવ્યો ત્યારે તમે શું કરતા હતા. તમને શું લાગે છે કે, સરકારની આ બેદરકારીએ તમારો જીવ જોખમમાં નાખ્યો કે નહીં. તમને ખબર હતી કે, આ તળાવમાં મગર છે. તમે શા માટે આટલું મોટું જોખમ લીધું. તમારા માતા-પિતાનું આ વિશે શું કહેવું છે. તમારા પગ ઉપર આટલી ગંભીર ઈજા થઈ છે. જાંઘમાંથી ટિશ્યૂ બહાર આવી ગયા છે. આટલા બધા ઉઝરડા પડયા છે. તમે મોતના મુખમાંથી બહાર આવ્યા છો. તમે શું કહેવા માગો છો.' - બધા રિપોર્ટરોએ ધડાધડ એક પછી એક સવાલોનો વરસાદ કરી નાખ્યો.

'તમે લોકોએ મારા હાથ ઉપર બનેલા સુંદર ઉઝરડા જોયા છે. આ એવા ઉઝરડા છે જેની યાદગીરી આજીવન મારા શરીર ઉપર રહેશે અને કદાચ મારા મનમાંથી તો તેને ભૂંસી પણ નહીં શકાય. આ ઉઝરડા તમારે કેમેરામાં કેદ કરવા હોય તો કરી લો. આજ પછી આ ઉઝરડા હું કોઈને બતાવવાનો નથી.' - સમ્રાટે કહ્યું અને બધા જ ફોટોગ્રાફર અને વીડિયો ગ્ર્રાફર તેના હાથ ઉપર ફોકસ કરીને ફોટો અને વીડિયો લેવા લાગ્યા. 

'મને અત્યારે પીડા થાય છે પણ તેનાથી વધારે મનમાં અનહદ આનંદ અને ગર્વ છે. હું નદીમાં હતો અને એક તરફ મગર મારો પગ પકડયો હતો ત્યારે મને એમ હતું કે, મારું મોત મારી આંખ સામે છે. તે સમયે મારી મમ્મીએ મને પકડયો. મગર પગ ઉપર જોર કરતો હતો તેનાથી વધારે જોર મારી મમ્મી મારા હાથ ઉપર કરવા મથતી હતી. તેણે મને સખત મજબૂતીથી પકડી રાખ્યો હતો અને કદાચ તેના કારણે જ મગર મને પાણીમાં ખેંચી જઈ શક્યો નહીં.'

'મગર સાથેના આ યુદ્ધમાં મારી મમ્મીનો વિજય થયો. અમારા નસીબ સારા હતા કે કોઈ વ્યક્તિ આવી અને મગરને માથામાં ધારિયું માર્યું. હું બચી ગયો. મને પગમાં જે ઈજા થઈ છે તેના કરતા વધારે સારી બાબત મારા માટે એ છે કે, મારી મમ્મીએ મને બચાવ્યો. આ બચાવવા દરમિયાન તેના નખ જે મારા હાથ ઉપર ઘસાયા તેનાથી ઉઝરડા બન્યા છે.'

'તમે દુનિયાને જે રીતે જોતા હોય તે. મારા માટે આ ઘટના આશીર્વાદ સમાન છે. મારી મમ્મીએ મને આજીવન આશીર્વાદ આપી દીધા. તેણે મને બચાવવા જે નખ માર્યા તેનો સ્નેહ, પ્રેમ અને શક્તિ એટલા બધા હતા કે, મને મગરના દાંતથી થતી પીડાને મારા મન ઉપર અસર કરાવી શક્યા નહીં. મને જે દેખાય છે ત્યાંથી તો આ ઘટના ખૂબ જ સારી છે. તેનામાં રહેલી હકારાત્મકતાને હું અનુભવું છું અને કદાચ તેના કારણે જ જીવતો છું. હું એક જ વાત માનું છું કે, સમાજને જે દેખાય છે તે મારે જોવું નથી. મને જે દેખાય છે તે સમાજ ક્યારેય જોશે નહીં. તેના કારણે જ આ સ્થિતિમાં તમને દુ:ખ અને મને સુખ દેખાય છે.' -  સમ્રાટે કહ્યું અને બધા રિપોર્ટરો આભા બનીને તેની સામે જોઈ રહ્યા. બીજી તરફ આ સાંભળીને ખુણામાં ઊભેલી સમ્રાટની માતાની આંખમાં હરખના આંસુ ઉભરાઈ આવ્યા..


Google NewsGoogle News