અલગારી ચેતનાઓ સાથે આપણો વિચિત્ર વ્યવહાર : તુમને યે કૈસા રાબતા રખ્ખા... ના મિલે, ના ફાસલા રખ્ખા!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- કેટલા જાણે છે કે ભારતના સર્વપ્રથમ કળાકારનો મહિનાઓથી ઇમર્સિવ એક્સપિરિયન્સ ઇટાલીના વેનિસમાં થઈ રહ્યો છે! ઑલિમ્પિક ગોલ્ડ જેવી આ આપણી એચિવમેન્ટ છતાં આપણે ત્યાં સેલિબ્રેટ નથી થવાની!
આ ૧૭ સપ્ટેમ્બરે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૪ વર્ષના થયા. અલબત્ત એમની ફિટનેસ ને એનર્જી તો જુવાનિયાઓને શરમાવીને દોડતા કરે એવી છે. એ જ તારીખે જો જીવતા હોત એમ.એફ. હુસેન ૧૧૦મા વર્ષમાં પ્રવેશી ગયા હોત. કોણ હુસેન એવું પૂછવાની એટલે જરૂર નથી કે એમના ટીકાકારોને પણ આધુનિક ભારતના વિશ્વવિખ્યાત ચિત્રકારોના નામ પૂછો તો પહેલું નામ મકબૂલ ફિદા હુસેનનું જ આવશે. જો કે, એ દોગલા દંભીઓ ચીડાઈને એ મનોમન લેશે એટલો ફરક !
એની વે, એમની સર્જકતા અને વિવાદોના તથ્યબદ્ધ જવાબો પર તો ભારત શું વિશ્વભરમાં અનોખી એવી સીરિઝ લેખોની લખી છે. પણ આ અચાનક એમની વાત છેડી નથી. વાત જાણે એમ છે કે, વિશ્વમાં ટુરિસ્ટ એટ્રેક્શન તરીકે હંમેશા ટોપટેનમાં રહેતા વેનિસમાં આ વર્ષે એમ.એફ. હુસેનનું પ્રદર્શન ચાલી રહ્યું છે ! એ પણ ટિપિકલ એક્ઝીબિશન નહિ ! ઇમર્સિવ એક્સપિરિયન્સ સાથે !
હવે હુસેનના પિકાસો અને મૈતી જેવા આંતરરાષ્ટ્રીય ચિત્રકારોના ક્યુબીઝમ સાથે ઇમ્પ્રેશનિસ્ટ આર્ટ જોડી એને વળી ભારતની પરંપરાગત કળા ને રંગરેખાઓમાં અભિવ્યકત કરતા ચિત્રો બાબતે જ ઘણા ગણગણાટ કરતાં મચ્છરોને કોઈ ગતાગમ હોતી નથી. પણ એ તો દૂરની વાત થઈ. આ ઇમર્સિવ એક્સપિરિયન્સ એટલે શું, એ ય ખબર હોવી જોઈએ ને ! એવું બધું લંડનમાં થાય, ન્યુયોર્કમાં થાય, પેરિસમાં થાય, દુબઈમાં થાય, સિંગાપોરમાં થાય... આપણે ત્યાં થતું નથી ! કદાચ ભવ્ય નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં કોઈ વાર થાય. પણ બેઝિકલી આ એક અદ્ભુત અનુભવ હોય છે, ટેક્નોલોજીથી સાકાર થયેલો!
ચિત્રો તો મોબાઇલમાં પણ મફત ડાઉનલોડ થાય, પણ ખરી મજા તો એને કોઈ મ્યુઝિયમ કે આર્ટ ગેલેરીમાં જઈને શાંતચિત્તે ટીકીટીકીને 'લાઇવ' જોવાના અનુભવની છે. એમાં રંગોથી રચાતી આગવી દુનિયા મહેસૂસ થાય. એમાં ચિત્રકારે ઉપયોગમાં લીધેલા રંગો ઉપસે. એમાં નેચરલ લાઇટ અને શેડોની ઇફેક્ટ તમને જાણે ખેંચી લે અંદર ! પણ આજે મોબાઇલમાં વપરાય છે એવા સેન્ડ સ્લીઝ ગ્લાસ આવી ગયા, જે એકદમ ચળકતા (બ્રાઇટ) હોય. રંગોનું વૈવિધ્ય બારીકીઓ સાથે નિખારે. મજબૂત એવા કે ચાલો ઉપર તો ય તૂટે નહિ, અને ઝટ ડાઘ પણ પડે નહિ. વળી ડિજીટલ સ્ક્રીનમાં હાઇ રિઝોલ્યુશન ઇમેજે તો આખી દુનિયા જ બદલાવી કાઢી છે. હૂબહૂ વિરાટ બેકગ્રાઉન્ડ રંગછોળોનું કે પછી કોઈ જગ્યાનું શુટિંગ કરીને ત્યાં ઉભા કરી શકાય. આ બે બાબતોનો સંગમ એટલે ઇમર્સિવ એક્સપિરિયન્સ.
વાન ઘોઘના ઇમર્સિવ એક્સપિરિયન્સનો અનુભવ લીધો ત્યારે એના નામ મુજબ વિરાટની અનુભૂતિ થઈ. તમે જે ફ્લોર પર ચાલતો હો એનો, ઉપર છતમાં, સાઇડની દીવાલોમાં અંધારામાં એકમેકમાં ઓગળી જતી પેનલો લગાવી હોય જેમાં સિનેમાના જાયન્ટ સ્ક્રીનની માફક દ્રશ્યો ફરતા જાય જે- તે ચિત્રકારોના. ચિત્રોમાં તમે ચાલતા હો, ચિત્ર તમારી આજુબાજુ વીંટળાતું હોય, ચિત્રની જાદુઈ ગુફામાં તમે આલાતરીન સાઉન્ડ સીસ્ટમમાં વાગતા સંગીતમાં ઓગળતા હો, એવો લાજવાબ આહ્લાદક અનુભવ છે એ. ચિત્રકારની પણ કલ્પના બહારનો આલીશાન કેનવાસ મળે એના પેઇન્ટિંગ્સને !
તો આવા આર્ટ ઇમર્સિવ એક્સપિરિયન્સ તૈયાર કરવા ખર્ચાળ નીવડે, પણ જગતના ધુરંધર ચિત્રકારોના તૈયાર થયા છે. નોર્વેના ઓસ્લોમાં ત્યાંના ફેમસ પેઇન્ટર એડવર્ડ મંચનું ભવ્ય ૧૩ માળનું બિલ્ડીંગ છે, ત્યાં આવો કાયમી અનુભવ છે. વિન્સેન્ટ વાન ઘોઘ, રેન્બ્રાં, મોને, ગોગિન જેવા વિશ્વવિખ્યાત ચિત્રકારોના સર્કસની જેમ ફરતા એક્ઝિબિશન બન્યા છે, જે જગતના મોટા શહેરોમાં પ્રવાસ કરે. ન્યુયોર્કના મોડર્ન આર્ટ મ્યુઝિયમમાં એન્ડી વારહોલ અને ફ્લોરિડાના ટેમ્પા પાસે સાલ્વાડોર ડાલી મ્યુઝિયમમાં ડાલીનો આવો અનુભવ લઈ શકાય. ફ્રેન્ચ કંપનીઓ આવા ક્રિએશનમાં અવ્વલ હોય છે.
જસ્ટ થિંક, આવા ખર્ચાળ પ્રોજેક્ટમાં ભારતના રંગબેરંગી ઇતિહાસમાં ગ્લોબલ સ્કેલ પર કોઈ ઇન્ડિયન પેઇન્ટરનો ઇમર્સિવ- એક્સપિરિયન્સ તૈયાર થયો હોય એવા પહેલા ને એકમાત્ર ભારતીય ચિત્રકાર એમ.એફ.હુસેન છે ! જે નવેમ્બર મહિના સુધી કેનાલોથી દો લબ્ઝો કી દિલ કી કહાની લખતા નદી વચ્ચે રચાયેલા રળિયામણા ઈટાલીયન નગર વેનિસમાં ચાલુ છે ! એનું નામ છે : ધ રૂટેડ નોમેડ. યાને - મજબૂત મૂળિયા ધરાવતો અલગારી રખડું ! મૂળિયાધારી - ઘૂમક્કડ ! એક્જિમોરોન જેવો વિરોધાભાસી શબ્દ છે. જેના મૂળિયા હોય એ રખડુ ના હોય, રખડુ હોય એના મૂળિયા ના હોય. પણ હુસેન જેવા વ્યક્તિત્વોમાં પોતાના નિરીક્ષણ અને સાંસ્કૃતિક પરિવેશના, સનાતન સનાતન કહીને તાળવું સૂકાઈ જાય છે, એ સનાતન વારસાના સ્ટ્રોંગ રૂટસ છે. એટલે એમણે કાયમ ભારતના જાનપદી કહેવાય એવા ગામડાના લાઉડ રંગોનો ઉપયોગ કર્યો. એમની થીમ ભારતના જનજીવન અને સંસ્કૃત સાહિત્યની ગાથાઓની રહી. ફિલ્મો, નૃત્યો, રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ, હિન્દુ (રિપિટ, હિન્દુ) તહેવારો, ભારતીય સંગીત એ બધું એમને માટે પ્રેરણાસ્ત્રોત.
એટલે ઝટ કોઈ આઇટીસેલિયા ફોરવર્ડ મેસેજ ધાવીને ઉછરેલા ફોલ્ડરને યાદ ના આવે, પણ લંડનના વિકટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં ડિસ્પ્લે થયેલો, એવા લક્ષ્મી મિત્તલના પત્ની ઉષા મિત્તલે એમની પાસે ૨૦૦૮માં દોરાવેલી સીરિઝમાં ઈન્ડિયન ફેસ્ટિવલ્સમાં એ હોળી-દિવાળી સાથે ગામેગામ જોવા મળે એ તુલસીક્યારો મૂકે કે ડાયનેસ્ટીઝમાં મુઘલ કે વિક્ટોરિયન સાથે ચંદ્રગુપ્તનું મૌર્ય સામ્રાજ્ય ભેળવે કે નૃત્યમાં માધુરી-ઉદયશંકર સાથે કથકલી ચીતરે ! દિલ્હી એરપોર્ટ પર તો ઈન્ટરનેશનલ ઝોનમાં એમનું ભારત દેખાડતું વિરાટ પેઇન્ટિંગ છે જ ને ત્રાસવાદી હુમલા પછી મુંબઈ તાજ હોટલમાં એમણે રિસ્ટોર કરેલું પેઈન્ટિંગ પણ છે. (જે ઘટના પર લેખ લખેલો અહીં!) પણ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલમાં શાહરૂખના ફેવરિટ પંજાબી રેસ્ટોરાં 'બુખારા'માં પંજાબી ફૂડ ઝાપટવા જાય, તો સિંગલ ક્લિકમાં સમાય નહિ એવું હુસેનનું 'નાદ' ચિત્ર ખાસ સમય કાઢીને જોવા જેવું છે. શિવતત્વના બીજ જેવા ભારતીય સંગીતના 'નાદ'ને પીંછીથી એમણે જે કેનવાસ પર ઉતાર્યો છે, એ જેવાતેવા ચિત્રકારોનું કામ નથી !
તો આ બધું છે મૂળિયા. રવીન્દ્રનાથ ટાગોરે 'ક્ષુધિત પાષાણ' યાને હંગ્રી સ્ટોન્સ કથા લખી, એ વાંચીને હુસેનને થયું ભારતીય સ્થાપત્યોના પથ્થર તો બોલે છે. એમાંથી ચિત્રો બનાવ્યા. રામમનોહર લોહિયા જેવા ગ્રાસરૂટ લીડરના કહેવાથી આખું વાલ્મીકિ રામાયણ ને વેદવ્યાસનું મહાભારત વાંચીને ચીતર્યું. મૂળ સંસ્કૃત પાઠ વાંચનારા ને દોરતા ના આવડે ને દોરતા આવડે એને આવું વાંચવાની પડી ના હોય ! ભારતના પ્રતીકો સૂર્ય, અશ્વ, ગજ તો વારંવાર અવનવારૂપે દોર્યા. ગજગામિની એક સંજય ભણસાળીની હીરામંડીથી ટ્રેન્ડિંગ થયું, પણ કાલિદાસના અભિજ્ઞાાન શાકુંતલમ્ના શ્લોક 'તન્વી શ્યામા શિખર દશના પક્વબિંબોધરોષ્ટી...' જેવા અમર શ્લોક પર માધુરીને ગજગામિની વોક કરાવી, ભૂપેન હજારિકા પાસે કમ્પોઝ કરાવી ફિલ્મ બનાવેલી ! લોકોને બાઉન્સર ગઈ! સંસ્કૃત શબ્દ ગજગામિનીમાં ય ખબર પડવી જોઈએ ને! એવી જ ફિલ્મ હતી મીનાક્ષી. સરરિયલ પણ ભારતના રંગોનો ઉત્સવ મનાવતી. પેઈન્ટર ફિલ્મ ડાયરેકશન પણ કરે ને સૂફી ગીતો પણ લખે ! (રહેમાને કમ્પોઝ કરેલા યે બર્કે તસલ્લી પર પણ લખેલું!) યુરોપ પાસે કાફેટેરિયાઝ છે, પણ ભારતના ગામડામાં તો ૫,૦૦૦ વર્ષ જૂની સાંજ રોજ ખીલે છે, ઘંટારવ સાથે. એવું કહેનારા હુસેન ! શિલ્પમાં સ્ત્રીના નર્તક દેહ માટેની મુદ્રા 'ત્રિભંગ'નું ચિત્રની થ્રી ઇન વન શૈલીને નામ આપનાર હુસેન !
વિદેશી પત્રકારોને ઈન્ટરવ્યૂમાં એ કહેતા કે આર્ટમાં સિમ્બોલિઝમ પશ્ચિમે તો છેલ્લી બે સદીમાં કેળવ્યું છે. પણ ભારતમાં તો આસ્થાથી પથ્થરને સિંદૂરિયો રંગ કરીને આજીવન એમાં બજરંગબલિ જોતા નિર્મળ હૃદયના લોકો છે ! આથી મોટું આર્ટિસ્ટિક સિમ્બોલિઝમ બીજું શું હોય ? હજારો વર્ષો પહેલા દુનિયા ભગવાનોને સ્થિર સ્વરૂપમાં ચિત્રિત કરતી કે શિલ્પ બનાવતી, ત્યારે ભારતે નટરાજ અને બાંકેબિહારી જેવા નાચતા ભગવાનોની કલ્પના કરી ને ત્રિભુવનસુંદરી શક્તિને અર્ધનારીશ્વર સાથે જોડીને બે ઉર્જાના મિલનને સાકાર કર્યું !'
પણ આવા રૂટસ બધા કલ્ચરલ જે બ્રેઇનમાં. બાકી તો કાયમ અલગારી રખડપટ્ટી. પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગુ્રપમાં એક હુસેન જ એવા કે જેમણે કાયમી સ્ટુડિયો એક જગ્યાએ ન બનાવ્યો. દેશદુનિયા ફરતાફરતા બધું ચીતરતા રહ્યા. ખિસ્સામાં પૈસા ના હોય પણ કરોડો એવા કમાયા હોય કે ઉભાઉભા લકઝરી કાર લઇ શકે! કાયમ ભટકતા રહે. શાહરૂખ સાથે એક હોટલમાં જમવાનું આવે એ પહેલા પ્લેટ ચીતરી નાખેલી, જે શાહરૂખે કાળજીથી વેઇટરને તગડી ટિપ આપી લઈ લીધેલી ! ગમતા રેસ્ટોરાંમાં જઈને મફતમાં દીવાલો ચીતરે ! અમદાવાદના લકી ટી સ્ટોલની આવી જ કહાની ગુજરાતી ફિલ્મો માટે નવા યુગના દરવાજા ખોલી એક દસકે રિલીઝ થતી - ફિલ્મ 'બે યાર'ના મૂળમાં છે ! પણ હુસેન ક્યારેક પ્રાગ પહોંચી જાય તો ક્યારેક માઇકલ એન્જેલોના વિએના સામે બેસી જાય. ક્યારેક પેટ્રાના રણમાં ભટકે તો ક્યારેક બર્લિનમાં બેઠા રહે. એકવાર સાઇપ્રસમાં એમના ચિત્રોનું પ્રદર્શન હતું. એક પણ ચિત્ર મોકલાવ્યું નહિ. આગલે દિવસે ત્યાં ગયા. હોટલમાં રૂમ લીધો. બહાર જઈ બધી સામગ્રી ખરીદીને આખી રાત જાગી, એકિઝબિશનમાં મૂકવાના તમામ ચિત્રો ફટાફટ તાજેતાજા બનાવી કાઢ્યા ! આ વેનિસમાં પણ ૧૯૫૩-૫૫માં બે વર્ષ રહેલા.
આ સ્પીડનું સિક્રેટ એમનું ઓબ્ઝર્વેશન હતું. બીજા ચિત્રકારોની જેમ ધૂની અકડુ થઈને એકાંતમાં બેસે નહિ. બસ, રેન્ડમ ભટક્યા કરે ઉઘાડાપગે. રેંકડીઓ પર ઉભા રહે, ફૂટપાથે સૂઈ જાય ! પોતાનું ઘર બીજાના હવાલે કરીને રેલવે સ્ટેશને બેઠા રહે ! આર. કે. નારાયણ (ગાઇડ અને માલગુડી ડેઝના લેખક) સાથે રાજ્યસભામાં જવાનું થયું ત્યારે ભાષણ કરવાને બદલે બધું જોઈ છ વર્ષે એક પેઇન્ટેડ નોટબૂક પબ્લિશ કરી કે મારે કહેવાનું હતું એ આમાં છે ! ભાગલા માટે એમને સખ્ત નફરત એટલે પાકિસ્તાન જવું પસંદ નહિ. પણ કતારથી કેનેડા બધે ફરે. નવું નવું અપનાવે. જોરદાર લસરકાથી કોમ્બિનેશન કરીને બધું ચીતરે!
પણ કમનસીબી એ કે સંસ્કૃત સાહિત્ય કે ભારતીય શિલ્પ વિધાનનો ઇસ્લામિક ખ્રિસ્તી આક્રમણ પહેલાનો વારસો વાંચે કે જુએ રખડી- રઝળીને
સરખો માત્ર ધક્કામુકકીમાં 'માંગણ'ની જેમ દર્શન કરવાને બદલે, તો ખબર પડે ને હુસેન શું ને શા માટે ચીતરે છે ! પણ પદ્ધતિસર સિલેક્ટેડ ક્લિપ કે વન-વે ઉદાહરણો આપીને નેશનલ ઇન્ટીગ્રેશન, લવ એન્ડ પ્રોગેસિવ હાર્મનીના ધામ જેવા બોલીવૂડ સામે ધીમું ઝેર મેસેજ ફોરવર્ડિંગની સંકુચિત ચિત્ત બનાવતી ફેક્ટરીથી ભરી દેવામાં આવ્યુ, એવું પૂર્વાપર સંદર્ભો ના સમજતા અભણોને ચૂંટેલા ચિત્રો ફોરવર્ડ કરી બેકવર્ડ ફિતરતના ફડતૂસોએ એક સર્વસમાવેશક વૈશ્વિક પ્રતિભાની ધરાર હિન્દુવિરોધી ઇમેજ ચીતરી. જે ત્રાગડો શાહરૂખખાન સામે પણ આવા જ માઇલેજ માટે ફાંકા ફોજદારીથી રચવામાં આવેલો. એટલે આટલા વર્ષે એમના ૧૬૦ ચિત્રો લાઇવ પ્રદર્શન પ્લસ ઇમર્સિવ એક્સપિરિયન્સ બતાવતો પ્રોજેક્ટ કિરણ નાડર ફાઉન્ડેશન વેનિસમાં ઇટાલી ખાતે કરી શકે, પણ ભારતીયોને ભારતના તમામ ચિત્રકારોની નવી પેઢીને પેઇન્ટિંગમાંથી પૈસા કમાવાનો ને બ્રાન્ડનેમ બનાવવાનો રાજમાર્ગ કંડારી બેેેઠેલા એમ.એફ. હુસૈનનું આ રૂટેડ નોમેડ સ્વદેશે જોવા ન મળે ! કારણ કે, જે કળાને, હુસેનને સમજે છે, એનામાં ગટ્સ નથી કે એમની ફેવરમાં જાહેરમાં બોલે ! ખાનગીમાં તો ફોન કરીને એમની આધ્યાત્મિક ઓલિયા જેવી ઓરાની વાતો કરે છે જે બોલકા 'ખોલકા' છે, એમને તો અઘેલાની અક્કલ નથી કળા કે સનાતન સંસ્કૃતિ કશાનો અભ્યાસ કરવાની. હુસેનના નિધન વખતે ખુદ બાલ ઠાકરેએ એમને 'નેશનલ એસેટ' ગણાવી કહેલું કે વિવાદો ભૂલી એમની મહાનતા યાદ કરવી !
કરૂણતા કેવી કે ભારતને સૌથી વધુ ચાહનારા, એના વારસાને સંપૂર્ણ સાચો માનનારા, એની બાબતે અભૂતપૂર્વ અભિવ્યક્તિ કરનારા બે નામોનો ભારત જાહેરમાં સ્વીકાર કરતા ડરે છે. બેઉ જિનિયસને ભારતની શાન તરીકે જગત ઓળખીને માન આપે છે ! એક છે હુસેન અને બીજા છે ઓશો ! વિવાદો- ગેરસમજોને લીધે લોકો એમને ચાહે કે વાતો કરે, એમની વાતો- ચિત્રો ઠેકઠેકાણે દેખાયા કરે. પણ ભાગ્યે જ કોઈ ધર્મગુરુ (મોરારિબાપુ અપવાદ) કે નેતા (શશી થરૂર, વાજપેયી જેવા મુઠ્ઠીભર અપવાદ) આ બે નામો જાહેરમાં લે ! એની નકલ ચાલે પણ અસલને પબ્લિકલી એન્ડોર્સ ના કરે ! હોટલમાં હુસેનના ચિત્રોની કોપી હોય, એ શૈલીના ચિત્રો અખબારોમાં બીજાના છપાય, ઓશોની સ્ટાઇલને કન્ટેન્ટ ઉઠાવીને ઘણાં મહાગુરૂઓ બની ગયા- પણ કોન્ટ્રોવર્સીની બીકે મોટા સ્તરના કાર્યક્રમો, પરિસંવાદો, વિશ્વ વિદ્યાલયો, આંતરરાષ્ટ્રીય મેળવડાઓ ક્યાંય ઓથેન્ટિકલી ભારતના જ પનોતા રત્નો ઓશો કે હુસેનનું નામ લેવાનું કે ચિત્ર- તસવીર મૂકવાનું ટાળવામાં આવે !
કારણ ? એ પણ બેઉનું કોમન ! સેક્સ ! એક સમયે વિશ્વની સૌથી મુક્ત, ઉદાર ને રસિક સંસ્કૃતિ તાલિબાની ને વિક્ટોરિયન બ્રેઇનવૉશમાં એવી કોપીકેટ મર્યાદાવાદી દંભી ને અભણ થઈ ગઈ કે અશ્લીલ અશ્લીલ કહીને જરાક નગ્નતા, પ્રણયક્રીડા, શૃંગારરસની દેખે ત્યાં કાળો કકળાટ કરી મૂકે. ખરા વલ્ગર તો આ ગમારગડબા ડોબાડબલા ઠોઠિયાઠળિયા છે, જેને કામસૂત્રના દેશમાં આ સૌંદર્ય દ્રષ્ટિની જ વિકૃત એલર્જી છે ! ધૂળ પડી રંગરસિયા થયા વગરના એમના જીવતરમાં !
(શીર્ષક : સાદુલ્લાહ શાહ)
ફાસ્ટ ફોરવર્ડ
'હું દોઢ વર્ષનો હતો ત્યારે મારી મા ગુજરી ગઈ. આઠેક વર્ષ સુધી હું ઘેર માત્ર સુવા જતો. શેરીઓમાં ભટક્યા કરતો. માને શોધતો એટલે સ્ત્રીનો ચહેરો નથી બનાવ્યો. માનો ચહેરો ખબર નથી. પણ હિન્દુ વારસો શક્તિમાં માને છે. એ મા જે જગતજનની છે, બધા એના સંતાન છે. હું એ શક્તિને પણ મા સમજું છું !'
(ટીમ જોન્સને આપેલા ઇન્ટરવ્યૂમાં હુસેન)